Wednesday, 29 September 2021

મન દર્પણ !



ત્રણ સહજ છતાં તીવ્રતમ એવી લાગણીઓએ–આવેગોએ 
મારા જીવનને દોર્યું છે, દુભાવ્યું છે અને વ્યથિત કર્યું છે. ઉમંગ અને આવેગના ઉમળકાથી ઉભરાતી આ લાગણીઓમાં મજબૂર થઈને હું તણાયો છું. 

આ ત્રણેય અનુભૂતિમાં મેં સહનશીલતાની પરાકાષ્ઠા વેઠી છે. જે આજેય મારો પીછો નથી છોડતી એ છે :

પ્રેમની ઝંખના અને અભિલાષા,
જ્ઞાનની ખોજ અને સમઝ,
માનવજાત માટેની અસહ્ય દયા, કરુણા અને દરિદ્રતા.


વાવાઝોડા જેવી તીવ્ર આ ત્રણ લાગણીઓએ વેદનાના ગહન મહાસાગર ઉપર મારા જીવનને આમતેમ ફંગોળ્યું છે. અનેક વાર હતાશાની હદ સુધી એને તે ખેંચી ગઈ છે. ભરતીના મોજાની જેમ મારી લાગણીઓને ઉશ્કેરી છે જે શમવાનું નામ નથી લેતી.

મેં પ્રેમ શોધ્યો, પ્રેમનું હાર્દ પામવાની કોશિશ કરી, એમાં એકાકાર થઈ જવા હું તલસ્યો, કારણ કે એની મસ્તી એટલી તો ઉત્કટ હોય છે કે, તેના થોડી ઘડીના આનન્દ ખાતર સમગ્ર જીવન કુરબાન કરવા હું તત્પર થાઉં. એના આવેગ અને સ્પંદનો ને પામવા હું સમર્પિત થઈ જાઉં.

આવી જ બીજી લાગણીને વશ થઈને મેં જ્ઞાનની ખોજ ચલાવી. માનવહૈયાનો તાગ લેવાનો પ્રયત્ન કર્યો, તારાઓ શા માટે ઝળહળે છે એ જાણવાની કોશિષ કરી. પાયથાગોરસના પ્રમેયોને પામવાનો પ્રયત્ન પણ કર્યો. જ્ઞાન અને પ્રેમ જેટલાં શક્ય બન્યાં, તેટલાં મને સ્વર્ગ પ્રતી દોરી ગયાં.



જ્યારે દયાએ હમ્મેશાં મને પુન: પૃથ્વીપટે પછાડ્યો છે. નાગાંભુખ્યાં બાળકો, જુલમગારના જુલમનો ભોગ બનતા શોષીતો અને જેઓ પોતાનાં સંતાનોને માથે અણગમતો બોજ બની રહ્યાં છે એવાં અસહાય વૃદ્ધોની વેદના અને આક્રંદની આ આખી દુનીયા માનવજીવન ખરેખર જેવું હોવું જોઈએ, એની કેવળ ઠેકડી ઉડાવે છે.’.......બર્ટાન્ડ રસેલ, ‘આત્મકથા’માંથી.



એક એક્ટીવિસ્ટ પણ એક લેખકની રુએ મારી રગ રસાતી રહે છે સામાજિક સમરસતાના પુરુષાર્થોમાં. સામાજિક અભ્યુદયની પ્રવુંત્તીઓએ મને અનુભવનું મબલખ ભાથું આપ્યું છે ને નિષ્ફળતાના બોધ પણ એણેજ કરાવ્યા છે. એટલેજ ગરીબાઈ પર લખનારા અને ગરીબી દુર કરવાની વાતો કરનારાઓને મેં હમેંશા પ્રવંચક જ માન્યા છે. મેં મારા સામાજિક કાર્યના ખપ લેખે મને જે યોગ્ય લાગ્યું તે અપનાવ્યું છે. જેમની વચ્યે હું જન્મ્યો, ઉછર્યો ને જીવ્યો ને જેમના દુખ-દર્દ મેં જોયા-જાણ્યા-વેઠ્યા ને વેંઢાર્યા,
એ વેદના-વ્યથાને મારી આસપાસ રચાતી સુખ-સુવિધાની દીવાલો મારાથી દુર નથી કરી શકી. ને માનું છું, એ જ મારા જીવતરની સિદ્ધિ છે. 

પ્રચલિત રૂપનો ધર્મ હવે મને સ્પર્શી શકતો નથી. પણ કોઈનીય આસ્થાને મારાથી અવગણાતી નથી. હરેકની આસ્થાનો પુરસ્કાર એટલે ધર્મ. હર હાલતમાં સહિષ્ણુ રહેવું ને માનવતાને માથે ચડાવવી એ જ મારો ધર્મ........સ્વ. જોસેફ મેકવાન. ઓથર એન્ડ એક્ટિવિસ્ટ.

પ્રેમની ઝંખના બચપણથી લઈને આજસુધી મારા જીવનની એક અતૃપ્ત અભિલાષા રહી છે. જેને પામવા મેં મારું સર્વસ્વ દાવે લગાવી દીધું. જ્ઞાનની ખોજ મારી અવિરત એવી વણથંભી યાત્રા છે. જેણે વાંચનના મહાસાગરમાં મને ગરકાવ કરી દીધો. તો માનવજાત માટેની અસહ્ય દયા મારા જીવનનો એક અભિન્ન ભાગ, એક પર્યાય બની ગઈ. આ ત્રણેયનો હાર્દ પામવાના મારા ઝનૂને મને જીવનની વાસ્તવિકતાના વિરાટ વટવૃક્ષ નીચે લાવી ઉભો કરી દીધો. વાસ્તવિકતામાં સમાયેલા સત્યને પામવા મેં વાસ્તવિકતાનું ચીરહરણ કર્યું ત્યારે સત્ય મારી સમક્ષ નગ્ન થઈને ઉભું રહ્યું..." લે જોઈ લે મને હું એજ સત્ય છું જેની તને ખબર છે છતાં શોધી રહ્યો છું."

સ્વ. જોસેફ મેકવાનનું કહેવું છે, પ્રેમને પામવા માટે પ્રેમાળ થવાની, સત્યને શોધવા માટે સાહસની અને રહસ્યને પામવા માટે જ્ઞાન પ્રાપ્તિની જરૂર છે.

અથાગ મહેનતે મેં જ્યારે આત્મવિશ્વાસ કેળવ્યો ત્યારે તેને સંપાદિત કરવાનો સમય વીતી ગયેલો. આંસુઓને રોકી આશાઓને મેં ગળે લગાવી ત્યારે નિરાશા પડછાયો બની મને ઘેરી વળી. જીત માટે મેં રસ્તો કંડાર્યો ત્યારે હાર મારી રાહ જોઇને ઉભેલી. પ્રેમ માટે જ્યારે હું તલસ્યો, ત્યારે તિરસ્કાર મારે આંગણે આવી ઉભો રહ્યો. સહારાની જ્યારે મને જરૂર પડી ત્યારે મારા પોતાનાજ મને તરછોડી ને જતા રહ્યા. 

બર્ટ્રાન્ડ રસેલ કહે છે, દિલની ઈચ્છા સામે લડતા રહેવું બહુ અઘરું છે , હૃદયને જે પ્રાપ્ત કરવું છે એ આત્માને વેચીને પણ પ્રાપ્ત કરી લે છે. 

પથ્થર દિલે આંસુઓને જ્યારે હું રોકતા શીખી ગયો, ત્યારે રડવા માટે કોઈનો ખભો મને મળ્યો. પ્રેમને અળગો કરી મેં દ્વેષ, ધિક્કાર, નફરતની અરુચિ કેળવી તો મને દિલોજાનથી ચાહનારા મારી સમક્ષ આવી ઉભા રહ્યા. નિરાશાની પરાકાષ્ઠાએ આવી મેં જ્યારે હાર કબૂલી ત્યારે જીત મારી રાહ જોઇને ઉભેલી. અંધારું જ્યારે મને માફક આવી ગયું ત્યારે ઉગતા સૂર્યના કિરણો મારે બારણે ટકોરા મારવા લાગ્યા. 

જીવનના આ કડવા સત્યને જ્યારે પચાવતા શીખી ગયો ત્યારે પ્રેમની ઝંખના મારી વિવષતા, જ્ઞાનની ખોજ મારી વિડંબના અને માનવજાત માટેની અસહ્ય દયા મારી મજબૂરી, મારી વ્યથા બની ગઈ.

આ બે મહાનુભાવોના સાહિત્ય સર્જનમાં હું પ્રેમની ઝંખના, જ્ઞાનની ખોજ અને માનવજાત માટેની અસહ્ય દયાનું હાર્દ પામ્યો છું. એનો ગૂઢાર્થ સમઝ્યો છું અને એથી સાંત્વના પામ્યો છું. વાંચન લેખનના નિજાનંદનો સતત વહેતો પ્રેરણાસ્ત્રોત આ બન્ને કર્મશીલોનું સાહિત્યપ્રદાન છે.

મધુરમ મેકવાન.

Monday, 10 September 2018

ડૉ. વર્ગીસ કુરિયન......મારા સંસ્મરણો !


ઓગસ્ટ, ૧૯૮૨ માં અમુલમાં મીકેનીકલ એન્જીનીયર તરીકે જોડાયો ત્યારે ઓરીએન્ટેશનમાં કુરિયન સાહેબ સાથે એક મુલાકાત હતી પણ તેઓશ્રી વિદેશ ગયા હોય શક્ય ન બનેલ. ત્યારથી ઈચ્છા હતી કુરિયન સાહેબને રૂબરૂ મળવાની જે ફળી પણ ખુબજ વિચિત્ર સંજોગોમાં. 

અમુલમાં દાખલ થયો એજ અરસામાં, અમુલના ઓફિસર અને એન્જીનીયર કર્મચારીઓ મેનેજમેન્ટ સાથે કોઈ મતભેદને લઇ પ્રતિક હડતાલ પર ઉતરેલા. જેને લીધે કુરિયન સાહેબ ખુબ નિરાશ થયેલા અને તેમણે તાત્કાલિક એન.ડી.ડી.બી.ના ઓડીટોરીયમમાં એક તાકીદની મીટીંગ બોલાવી બધાને હાઝર રહેવા ફરમાન કરેલું. એ મીટીંગમાં પ્રથમ વાર કુરિયન સાહેબને રૂબરૂ મળવાનું ને સાંભળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલ. મીટીંગમાં તેમણે અદભુત પ્રવચન કરેલું. હું ખુબ પ્રભાવિત થયેલ. ખુબજ વ્યથિત દિલે તેમણે કર્મચારીઓ સમક્ષ તેમના દિલની વાત કરેલ કે,


" આઈ હેવ બીલ્ડ માય હાઉસ.......
ઇનફ્રન્ટ ઓફ અમુલ. 
એ મેન બીલ્ડ્સ હીઝ હાઉસ નોટ ટુ લીવ.......
બટ ટુ ડાઈ. 
એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ સી કોલેપ્સ ઓફ અમુલ,
ઇનફ્રન્ટ ઓફ માય આઈઝ.......
ઈનફ્રન્ટ ઓફ માય ઑઉન હાઉસ " 


મીટીંગના બીજા જ દિવસે બધાજ કર્મચારીઓ ફરજ પર હાઝર થઇ ગયેલા. એક વિદ્વાન અને લાગણીશીલ વ્યક્તિ તરીકેની તેમની છાપ મારા મન પર ઘેરી અસર કરી ગયેલ. 

ડૉ. વર્ગીસ કુરિયન ( ૨૬ નવેમ્બર ૧૯૨૧ – ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ ) મૂળે એન્જીનીયર. અમુલમાં એક પ્રોફેશનલ તરીકે તેમણે કારકિર્દી શરુ કરી, જીવનમાં આદર્શ મુલ્યો ધ્વારા શ્વેત ક્રાંતિ પ્રણેતા, દૂધ ઉદ્પાદકોના ભીષ્મપિતામહ અને આણંદ-પેટર્ન અમુલ સામ્રાજ્યના સર્જક તરીકે વિશ્વવિખ્યાત થયા.

ભારતમાં તેમજ વિશ્વમાં સહકારી ક્રાંતિ અને ચળવળના પ્રણેતા તરીકે ગરીબોના ઉદ્ધારમાં તેમનું વિશિષ્ઠ પ્રદાન રહ્યું. અમુલ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તથા ઇન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ જેવી આશરે ત્રીશ વર્લ્ડ ક્લાસ સંસ્થાઓના નિર્માણ ધ્વારા તેમણે ભારતને વિશ્વ સ્તરે એક નામના અપાવી. આ સંસ્થાઓની ખૂબી એ હતી કે તેનું સંચાલન તજજ્ઞો કરતા પણ માલિકીપણું ગરીબ દૂધ ઉદ્પાદકો-ખેડૂતોનું હતું.


ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના નિર્માણ ધ્વારા તેમણે અમુલ બ્રાંડને વિશ્વ સ્તરે પ્રખ્યાતી અપાવી. અમૂલની ભવ્ય સફળતાને બિરદાવી તે વખતના પ્રધાન મંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ એન.ડી.ડી.બી.ના ફાઉન્ડર-ચેરમેન (૧૯૬૫) તરીકે તેમની નિમણુક કરી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એકજ એવી સરકારી સંસ્થા છે કે જે કુરિયન સાહેબની સફળતાના આધાર પર આણંદ-મોડેલ તરીકે નામના પામી સમગ્ર ભારતમાં એનું અમલીકરણ થયું.

ઓપરેશન ફલડ - વ્હાઇટ રીવોલ્યુશન એ સમગ્ર વિશ્વમાં સૌથી મોટો અને એક માત્ર એવો ડેરી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે જેના ધ્વારા ભારત દેશ વિશ્વમાં સૌથી મોટો દૂધ ઉદ્પાદક દેશ બન્યો. ૨૦૧૦-૧૧ માં વિશ્વના દૂધ ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૧૭ ટકા હતું. શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ખ્યાતી પામેલ કુરિયન સાહેબ પદ્મ વિભૂષણ, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ અને માગ્સેસ્ય અવોર્ડ જેવા અનેક ખિતાબોથી સન્માનિત થયેલ.

૨૬ નવેમ્બેર, ૧૯૨૧, કાલીકટ (મદ્રાસ બ્રિટીશ ઇન્ડિયા- હવે કેરલા) માં જન્મેલા કુરિયન સાહેબના પિતા એક સિવિલ સર્જન હતા. ૧૯૪૦ લોયોલા કોલેજ મદ્રાસ માંથી ફીજીક્સમાં ગ્રેજયુએટ થઈને તેમણે મદ્રાસ યુનીવર્સીટીમાંથી મીકેનીકલ એન્જીનીયર ની ઉપાધી મેળવેલ. સરકારી સ્કોલરશીપ ધ્વારા તેમણે અમેરિકાની મિશિગન યુનીવર્સીટીમાંથી મેટલરજીકલ એન્જીનીયરીંગ માં માસ્ટર્સ ની પદવી પ્રાપ્ત કરેલ.

મૂળે સીરીયન ક્રિશ્ચિયન કોમ્યુનીટીમાં જન્મેલા કુરિયન સાહેબ એથીઇસ્ટ હતા. પત્ની મૌલી, દીકરી નિર્મલા અને એક પૌત્ર સિદ્ધાર્થને મુકીને કુરિયન સાહેબ ૯૦ વર્ષની ઉંમરે, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ માં પ્રભુને પ્યારા થઇ ગયા. આઈ હેડ એ ડ્રીમ અને અન અનફીનીશ્ડ ડ્રીમ નામની બે બુક કુરિયન સાહેબની ઓટોબાયોગ્રાફી છે.



કુરિયન સાહેબનું મારું છેલ્લું સંસ્મરણ 



તેમણે જ સર્જેલ સંસ્થા ઇન્સ્ટીટયુ ઓફ રૂરલ મેનેજમેન્ટ - ઈરમા સાથે સંકળાયેલું છે. ૧૯૯૬ માં ઈરમા માં મેનેજમેન્ટના અભ્યાસ અંગે દાખલ થયો ત્યારે ઇરમાના એ ભવ્ય ઓડીટોરીયમમાં તેમણે અમને ઉદ્દેશીને એક પ્રવચન કરેલ,

લાઈફ ઈઝ એ હેપ્પી સોંગ એન્ડ આઈ એમ સિંગિંગ ધેટ સોંગ.
બટ આઈ કેન સિંગ ઓન્લી વન સોંગ.
એન્ડ ધેટ ઈઝ ઓલ અબાઉટ સાગા ઓફ મિલ્ક પ્રોડ્યુસર્સ.
પ્લીઝ જોઈન મી ટુ સિંગ ધીસ સોંગ.
વ્હેન યુ ગ્રેજ્યુએટ એન્ડ લીવ ઈરમા કીપ ધીસ સોંગ ઇન યોર હાર્ટ.
વ્હેનએવર યોર હાર્ટ વિલ બીટ ફોર ઈરમા,
ધીસ સોંગ શુડ બીકમ યોર સોંગ.
ધ વર્ડ્ઝ ઓફ ધીસ સોંગ શુડ બીકમ યોર વોઈસ.

હું ઈરમામાંથી મેનેજમેન્ટ સ્નાતક થયેલ. પદવીદાન સમારંભ બાદ તેમના ચરણસ્પર્શ મારો અંતિમ સ્પર્શ હતો. ત્યારબાદ હું કેનેડામાં સ્થાયી થયેલ. સાંભળવા મળેલ કે મિલ્ક સેક્ટરમાં ગંદી રાજકારણ નીતિએ તેમનો ભોગ લીધો હતો.

અમુલ મારી માતૃસંસ્થા છે જે કુરિયન સાહેબની દેન છે. અમૂલના પ્રતાપે આજે હું કેનેડામાં પણ ડેરીમાં જોબ કરું છું.




મારા સ્વ. બાપુના અને કુરિયન સાહેબના જીવનમાં, વિચારોમાં ને સિદ્ધાંતોમા, એક સામ્યતા મને સ્પષ્ટપણે દેખાય આવે છે, 


સામાજિક અન્યાયોનો ભોગ બનેલા, આજીવિકા માટે કાળી ખેતમજુરી પર નભતા દલિત ને શોષિત ગ્રામ્યજનોના ઉદ્ધાર માટે, 
દૈનિક રોજી રોટી માટે વલખા મારતા, 
વ્યાપારી કુટનીતિનો ભોગ બનેલ ગરીબ અને લાચાર દૂધઉત્પાદક ગ્રામ્યજનોના ઉદ્ધાર માટે,

આ બંને મહાનુભાવો આણંદને કર્મસ્થળ બનાવી આજીવન કાર્યસમર્પિત રહ્યા. 
જોસેફ મેકવાને સાહિત્યિક કલમ ધ્વારા ક્રાંતિ કરી 
તો કુરિયન સાહેબે સહકારી કમાન ધ્વારા.


મધુરમ જોસેફ મેકવાન.
કેનેડા.
ગાંધી જયંતી, ૨ ઓક્ટોમ્બર ૨૦૧૨.

Sunday, 4 June 2017

કેનેડા : શમણાના મૃગજળ ( અંતિમ ભાગ )


આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું છે, “Life is a preparation for the future; and the best preparation for the future is to live as if there were none.” ઇન્ડીયાથી કેનેડા, આણંદથી ટોરંટો અને હવે ટોરંટોથી બ્રામ્પટન......પરિભ્રમણ અને પરીક્રમણના આ લાઈફ પેરેડોક્સના સિદ્ધાંતને અનુસરી હું એક સાવ અજાણ્યા શહેરમાં સહકુટુંબ રીલોકેટ થયો. સ્થળાંતર, પુનર્વસવાટ અને સેટલમેન્ટના એજ વિષચક્રમાંથી ફરી એકવાર પારાવાર અગવડતાઓ વેઠી પસાર થયો પણ અપડાઉનમાં વેડફાતા સમયનો સારો એવો બચાવ થયો જેનો સદુપયોગ મેં કારકિર્દી ઘડતર માટે કર્યો. જેનો સીધે સીધો ફાયદો મને જોબ પર સંસ્થાકીય તરક્કી સ્વરૂપે થયો તથા આમદનીમાં પણ સારો એવો આર્થિક લાભ થયો.

કેનેડામાં એક કહેવત છે, " THREE W'S YOU DON'T TRUST " આ ત્રણ ડબ્લ્યુ-W એટલે WORK, WOMAN AND WEATHER.

WORK : મોટા ભાગે "હાયર એન્ડ ફાયર" પદ્ધતિ તથા સ્ટ્રીકટ એમ્પ્લોયમેન્ટ રેગ્યુંલેશનવાળા કેનેડિયન જોબ મારકેટમાં જોબ ઇનકન્સીસટન્સી તથા ઇનસિક્યોરીટી આમવાત ગણાય છે. જોબનો કોઈ ભરોષો નહિ. કામ હોય તો ઠીક નહીતો .....સર........વી ડુ નોટ નીડ યોર સર્વિસીસ એનીમોર ... કહી તમને ગમે ત્યારે માનભેર અને પ્રેમપૂર્વક વિદાય કરી દે !

WOMAN : "ક્વોલીટી ઓફ લાઈફ" માં માનતા, "લીવ ઇન પાર્ટનર", "કોમન લો પાર્ટનર" ની જોગવાઈ હેઠળ લાઈફ એન્જોય કરતા તથા "સીંગલ મધર" નું નારીપ્રભુત્વવાળું લીગલ સ્ટેટસ તેમજ વર્ચસ્વ ધરાવતા કેનેડીયન સમાજમાં નારીઅધિપત્ય ડિવોર્સ બહુ સામાન્ય બાબત ગણાય છે. ફાવે તો ઠીક નહીતો રામ રામ !

WEATHER : કેનેડાનું વેધર ખુબ અનપ્રીડીકટેબલ છે. વિન્ટરમાં સ્નોસ્ટ્રોમ ગમે ત્યારે આવી ચઢે ને ચારેકોર બરફના ઢગલા વાળી દે. સમરમાં પણ ગમે ત્યારે વરસાદ આવી ચઢે. કોઈ ગેરંટી નહિ ! એકસ્ટ્રીમ વિન્ટર તથા સમરમાં ઠંડુ ગરમ રહ્યા કરતું કેનેડાનું વેધર પ્રીડીકટેવ્લી અનપ્રીડીકટેબલ છે. આ ત્રણેય પરિબળો કેનેડિયન લાઈફને મહદંશે ડોમીનેટ કરતા હોઈ, આ ત્રણ ડબલ્યુ પ્રત્યે બધા શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે. 

પણ આ ત્રણેય બાબતે મારો અનુભવ બિલકુલ અલગ રહ્યો છે. મારી આ જોબ મને પ્રમાણિકપણે આજદિન સુધી વળગી રહી, સારી એવી આર્થિક સદ્ધરતા બક્ષી અહી સેટલ થવામાં ખુબ મદદરૂપ થઇ છે. ધર્મપત્ની એક અતુટ વૈવાહિક બંધન, કૌટુંબિક જવાબદારી, જોબ તથા પારિવારિક પ્રેમ સાથે મારા સંઘર્ષની સાચી ભાગીદાર બની છે. અને કેનેડાનું વેધર ખુબ એક્સ્ટ્રીમ છે એટલે વેધરને મેં તેના જેતે સ્વરૂપમાં સહર્ષ સ્વીકારી લીધું છે.

કહે છે મહેનતના ફળ મીઠા. એમ પંદર વર્ષની મારી અથાક અને અવિરત મહેનતને લીધે આજે કેનેડામાં ઠરીઠામ થઈ થોડી ઘણી ભૌતિક સુખ-સમૃદ્ધિ પામ્યો છું. તેમજ શક્ય એટલો કુટુંબી અને સ્નેહીજનોને અહી સેટ થવામાં મદદરૂપ થઇ શક્યો છું, જે ઇન્ડિયામાં હોત તો ન કરી શક્યો હોત તે આ દેશનું ઋણ. કેનેડામાં સ્થાયી થવામાં મારા સ્વજનો હરદમ મારી પડખે રહી મારા સંઘર્ષના સાચા ભાગીદાર બન્યા છે. તેમના સાથ, સહકાર અને અમુલ્ય પ્રેમને લીધે જ વિપરીત પરિસ્થિતિઓમાં પણ હું ટકી રહ્યો છું. 

મારા સંઘર્ષમાં એક સાચા મિત્રની જેમ મારા દુઃખમાં સહભાગી બનેલ મારી પત્નીના નિશ્વાર્થ પ્રેમને મેં તેની સમર્પણની ભાવનામાં વ્યક્ત થતો જોયો છે. મારી દીકરીના નિર્મળ પ્રેમને મેં તેના અભ્યાસની સાથે સાથે મને મદદરૂપ થવા માટે વિકેન્ડ જોબ કરી પળે પળે મારા સંઘર્ષમાં સહાયરૂપ થતો અનુભવ્યો છે. અઠવાડિયાઓ સુધી મારું મોઢું નહિ જોઈ શકતા, ડોલર સ્ટોરના ફક્ત એક ડોલરના રમકડાથી હરખની પરાકાષ્ઠા અને સંતોષની પરીતૃપ્તતા અનુભવી મારી પર ઓળઘોળ થઇ જતા, મારા ફક્ત એક આલિંગન માટે તરસતા, લોન્લીલેસ અનુભવતા મારા પુત્રના નિર્દોષ પ્રેમને મેં વિવશપણે દોષિત દિલે છેક અંદરથી અનુભવ્યો છે.

મારી આ સંઘર્ષ યાત્રામાં અહી સ્થાયી થયેલ મારા ભાઈ સમાન અમુલના મારા મિત્ર ઉપેન્દ્ર પટેલ તથા અમુલ પરિવારના મારા સ્નેહીજનોના પ્રેમને મેં ખૂબ જ માણ્યો છે કે તે હજુ પણ જીવંત છે. અહી વસેલ ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનીટીને એક પરિવાર બનાવવામાં ટોરંટો સ્થિત નડિયાદના એક નિઃસ્વાર્થ અને સેવાભાવી વડીલમિત્ર શ્રી.પોલ મેક્વાન અને તેમના પરિવારનો નિર્મળ પ્રેમ અને અતુટ સાથ સહકાર કાળજે કોતરાઈ ગયો છે. વિશાળ રુદય ધરાવતા, માનવીય મૂલ્યોનું જતન કરતા અહી વસતા મારા શ્વેત કેનેડીયન મિત્રોએ મારા વિદેસ નિવાસમાં પ્રેમ અને ભાઇચારાના પ્રાણ પૂરી દીધા છે તે સોનામાં સુગન્ધ ભળે એવો સુખ ભર્યો એહસાસ.

કેનેડાની મારી મહેનત મને કઠી તો ખરી પણ આજે એજ સંઘર્ષ મને એક અનેરા અને અદભુત સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે. આજે મારી દીકરી કેનેડાની વિશ્વવિખ્યાત યુનીવર્સીટીમાંથી હેલ્થ સ્ટડીઝનું ઉચ્ચ શિક્ષણ પામી કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવી રહી છે તથા પુત્ર પણ આઈ ટી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યો છે, તે મેં કેનેડામાં વાવેલ મેપલટ્રી તથા ચેરીના ઝાડના મારા મીઠા ફળ. બાકી ગુલાબ વાવ્યા પણ ફૂલ કરતા કાંટા વધારે વાગ્યા છે પણ તેનો કોઈ અફસોસ નથી ! વર્ષો પહેલા સેવેલ વિદેશવાસનું મારું સપનું ફળીભૂત થયું છે. નાયગ્રાના નીરમાં મન મુકીને ભીંજાયો છું અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને હાથવેંત નિહાળી ખુબ હરખાયો છું.

My dream of going to foreign country has come true.
But when the dream comes true, it's hard to conclude, 
Which part of reality was dreamt ?
And which part of dream is reality !

સપનાની ભીતરમાં ઊંડે ઉતરી જોઉં છું તો આ વિદેશવાસ મને ભૌતિક માયાજાળનું એક ભ્રમિક સુખ ભાસે છે. વિદેશમાં આવ્યા પછી વતનની ખોટ વધુ સાલે છે. સ્વજનોના હેત હૂંફ માટે અમે હોરાઈએ છીએ. વતન છોડ્યાનું દુઃખ ક્ષણે ક્ષણે એક આકરી માનસિક વેદના વલોવતું હોય છે. માતૃભૂમિ, મિત્રો અને કુટુંબીજનોની યાદ એક અસહ્ય પીડા કરતી હોય છે. વતનયાત્રા એક અહોભાગ્ય અને સ્વપ્ન સમાન હોય છે. એને જયારે માણીએ છીએ ત્યારે પરમ આનંદ અને સંતોષનો એક અનેરો એહસાસ થાય છે. વતનમાં સ્વજનો મધ્યે રહેવાનું, તેમનો આથીત્યસત્કાર અને પરોણાગત તથા સ્નેહીજનોનોના ભરપુર સ્નેહ સામે વિદેશમાં ઠરીઠામ થયાનો મહિમા નહીવત ભાસે છે. ઝાંઝવાના જળ જેવી આ અટપટી વિદેશી મોહમાયાના તાણાવાણામાં પરોવાયા પછી કોઈ દળદળમાં ફસાયા હોય એવું દર્દ દિલને કાયમ કોરી ખાતું હોય છે. સિક્કાની બે બાજુઓની જેમ ડુંગર દુરથી બહુ રળિયામણા લાગે તેમ આ ભૌતિક સુખ ઘણીવાર શૂળની જેમ દિલમાં ઘોચાતું હોય છે. સાત સમંદર પાર ગયા પછીની વિદેશવાસની આ માનસિક વેદના વતનમાં વસતા સ્નેહીજનોને સમજાવવી અઘરી છે. પણ તે સ્વાભાવિક છે કારણ સુખની શોધમાં વતન છોડ્યું છે એટલે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. અને આ એક કડવી વાસ્તવિકતા છે જેનું કોઈ નિરાકરણ નથી એટલે હું ફરિયાદ પણ નથી કરતો.

અઢળક રઝળપાટ, માનસિક તણાવ અને માનહાની તથા આંખમાંથી લોહીના આંસુ ટપકે એવી દોઢ દાયકાની આ સંઘર્ષ યાતના છે. વીતેલા વર્ષો પર નજર નાખું છું ત્યારે વિદેશસુખ પ્રાપ્તિના આનંદ સાથે સાથે એક અવર્ણનીય માનસિક વ્યથા અનુભવું છું. હઝું પણ એ 'ફ્રેશ ઓફ ધ બોટ' તથા 'એફ' વર્ડ સાથેનું ઈમીગ્રંટનું લેબલ મારી રાતોની ઊંઘ હરામ કરી દે છે. કલર અને ક્વોલિફિકેશનના અભાવે કેટલીય વાર રેસિઝમનો ભોગ બન્યો છું, ત્યારે એરપોર્ટ પર મળેલા 'વેલકમ ટુ કેનેડા' ના સન્માનનીય સ્વાગતમાં હ્યુંમિલીએઈટ થયાની અકલ્પ્ય પીડા થાય છે. સમયની સાથે સાથે આ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થયું ત્યારે લેન્ડેડ ઈમિગ્રન્ટના લેબલમાંથી છૂટયાનો હાશકારો થયેલો, પણ ઓથ લેતી વખતે જયારે ' ઓ કેનેડા ' રાષ્ટ્રગીત ગાયું ત્યારે માતૃભૂમિને તરછોડ્યાનો તીવ્ર આઘાત લાગેલો. સ્વજનો અને માતૃભૂમિની યાદમાં ક્ષણે ક્ષણે ' ધોબીકા કુત્તા ન ઘરકા ન ઘાટકા ' નો દુખદ એહસાસ મનને કોરી ખાય છે. વતનમાં વસતા સ્વજનોના આકસ્મિક અવસાનના સમાચાર અને તેની અસહ્ય વેદના દિલ પર કારમો ઘા કરી લાગણીઓને હચમચાવી માનસિક સમતુલા અસ્તવ્યસ્ત કરી નાખે છે. આઈસીયુમાં દાખલ કરેલ બીમાર પિતાની ખબર કાઢવા, એર એમિરેટ્સના એ લકઝરીયસ, ડબલ ડેકરના વિશાળ અને વૈભવી પ્લેનમાં બેઠો, ત્યારે ખબર નહોતી કે તેમના અંતિમ દર્શન કરવા જઈ રહ્યો છું. જન્મદાતા પિતાના આશીર્વાદથી પામેલ આ વિદેશ સુખ, મૃત પિતાની કાંધને ખભો દેતા મારી નજરો સમક્ષ વિલીન થઇ જતું નિહાળ્યું છે મેં. પરદેશ જવાનું મારું સપનું સાકાર તો થયું પણ એમાં સત્ય અને હકીકત જે છે તે આ છે. સત્યને મેં સ્વીકારું લીધું છે જયારે હકીકતને સ્વીકારવી હજુ પણ અઘરી લાગે છે. મારાં અસ્તિત્વમાંથી કોઇ કિમતી વસ્તુ ઝૂંટવાઇ ગઇ હોય એવું લાગે છે તોય ફરીને ફરી રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઇ ભ્રમ મળી જાય. કેનેડાના મેં જે શમણા સેવેલા એ હજુ પણ મૃગજળની માફક મને દુર ભાસે છે. કેનેડાની આ મારી કથની છે અને એ એક નક્કર વાસ્તવિકતા છે એટલે એનો નગ્ન ચિતાર કરવામાં મેં રતીભાર કોઈ અતિશયોક્તિ નથી કરી. 

મારા બાપુએ મને એક પત્રમાં લખેલ,

" બેટા, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. જીવનમાં સુખ, દુખ, સફળતા, નિષ્ફળતા અને હારજીત એ કર્મના ફળ છે. કારણ કોઈ પણ કરેલું કર્મ જયારે પાકી જાય છે ત્યારે એનું ફળ આપ્યા વગર શાંત થતું નથી. એટલે કોઈ પણ કૃત્ય થકી આપણે ઉજમાળા ઠરીએ એજ જિંદગીની સાચી સફળતા છે. માટેજ કહેવાયું છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. ચેન્જ અર્થાત બદલાવ કે પરિવર્તન એ સંસાર-સૃષ્ટિનો નિયમ છે. સમયની સાથે સાથે પરિસ્થિતિ હમેશા બદલાતી રહે છે. આઝાદી પહેલા હું જન્મેલો અને વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ તથા સામાજિક અન્યાયોના ઓળા હેઠળ ઉછરેલો. પણ કહેવાતા સવર્ણ કે ભદ્રસમાજે મને સ્વીકાર્યો કારણ મારી સાહિત્યિક સિદ્ધિઓ અને સામાજિક ઉપલબ્ધિઓ. માણસની ચામડીનો રંગ ભલે અલગ અલગ હોય પણ તેના લોહીનો રંગ વિશ્વના ગમે તે ખૂણે જાવ એકજ જોવા મળશે. અને એજ લોહી તમારા સંસ્કારો, તમારી અસ્સલ ઓળખ અને ખુમારી છે જે તમારી નીતિ ને કર્મો થી ઓળખાય છે.....નહિ કે રંગ અને રેસથી, રેલીજીયન કે નાતજાતથી "

આજે વ્હાઈટ સ્કીનના વર્ચસ્વવાળા કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મારી દીકરીને ગોરા ડોક્ટર અને નર્સ સાથે ખભેખભા મિલાવી કામ કરતી જોઉં છે ત્યારે સેકંડ જનરેશનમાં તેનું પ્રભુત્વ ગુમાવતી અસ્ત થતી જતી રંગભેદનીતિ અને રેસિઝમ ઉપર આ પેઢીનો વિજય હવે હર્સોલ્લાસ સાથે ઉડીને આંખે વળગે છે. વીકેન્ડમાં મારા ઘરે સ્લીપ ઓવર કરતા, ખાવા માટે દેશી ફૂડની સામે ચાલી માંગણી કરતા તથા મારા ઘરને તેમનું સેકંડ હોમ કહેતા મારા પુત્રના વ્હાઈટ કેનેડિયન મિત્રોને હું " માય સન " થી સંબોધું છું ત્યારે આ યંગ, શ્વેત ટીનેજર્સ હરખના માર્યા ભાવભીનું હગ આપી મને "યો ડેડ" થી નવાજે છે. હૈયું ત્યારે ચારસો ચાલીસ વોલ્ટ કરતાંય બમણા આવેગના હેતથી ઉભરાય આવે છે. જોબ પર મારી સાથે કામ કરતો મારો પરમ કેનેડીયન મિત્ર ગેરીનું કુળ મૂળે ઇંગ્લેન્ડ છે પણ તે ગાંધીજીનો ચાહક અને પ્રશંસક છે અને ડીસ્ક્રીમીનેશનનો તો પ્રખર વિરોધી છે. "ફ્રીડમ એટ મીડનાઈટ" બુકનો ઉલ્લેખ કરતા વાતે વાતે અફસોસ અને અપોલોજી વ્યક્ત કરે છે અને રીટાયર થયા બાદ ઇન્ડિયાની મુલાકાત લેવાની અદમ્ય ઈચ્છા ધરાવે છે ત્યારે તે મારું કોઈ સ્વજન હોય એવો એહસાસ થઇ આવે છે. ઝેનોફોબિયા નીતિની સખત ટીકા અને ખંડન કરતા કેનેડાના વડાપ્રધાન નેટીવ ઇન્ડિયન લોકોને થયેલ સામાજિક અન્યાયો બદલ જાહેરમાં માફી માંગે છે ત્યારે સમયની સાથે સાથે બદલાતા જતા કેનેડાના સામાજિક વાતાવરણમાં પ્રસરતી પરિવર્તનની હવામાં મારી વ્યથા હવે ધીમે ધીમે વિસરાતી જાય છે. કેનેડાના મારા સંઘર્ષના મીઠા ફળ આજે હું જોઈ રહ્યો છું ત્યારે લાગે છે કે મારું વેઠયું વ્યર્થ નથી ગયું. મારા બાપુ મને કહેતા કે બેટા આપણાં અંજળપાણી જ્યાં લખાયા હોય તે ભૂમિ આપણું કર્મસ્થળ બને છે, પણ કર્મના સિદ્ધાંતને અનુસરી અને ભૌતિક સુખની મર્યાદામાં રહી જીવનનો આનંદ લેવો એજ કર્મસિદ્ધિની સાચી પ્રાપ્તિ છે.

મલ્ટીકલ્ચરાલીઝ્મની સંવિધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમુન દ્રષ્ટાંત છે. અદ્વિતીય આંતરરાષ્ટ્રીય પ્રમાણ અને ખ્યાતી તથા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું કેનેડાનું લીવીંગ સ્ટાન્ડર્ડ વિશ્વના ટોપ ટેન - પ્રથમ દશમાં સ્થાન ધરાવે છે. તેના મોરલ સ્ટાન્ડર્ડસ, નૈતિક ધોરણો પણ એટલાજ ઊંચા અને આદર્શ છે જે મને ગમે છે કારણ તેમાં પારદર્શકતા, પ્રમાણિકતા તથા માનવતાના મૂલ્યોનું મહત્વ વધારે છે. કહે છે કે સુખની વ્યાખ્યા વ્યક્તિએ જાતે નક્કી કરવાની છે. સુખની મારી વ્યાખ્યા મહદઅંશે સમાવી લેતા કેનેડા દેશમાં રહેવાનું સદભાગ્ય મને મળ્યું તેને હું મારું અહોભાગ્ય માનું છું. અહીની ઉત્કૃષ્ઠ જીવનવ્યવસ્થા સાથે અમારી મનોવ્યવસ્થા હરખભાવે એકરૂપ થઇ ગૂંથાઈ ગઈ છે અને અહીની જીવનશૈલી સાથે અમારી વિચારસરણી સહજભાવે એકમત થઇ વણાઈ ગઈ છે. અહીની જીવનસંસ્કૃતિમાં અમારા મુળિયા હવે ઉત્ક્રાંતિરૂપે ઊંડા ઉતરી ચુક્યા છે અને એક સુદ્રઢ અને સુસંસ્કૃત ભાવી પેઢીના મજબુત પાયા અહી નંખાઈ ચુક્યા છે જેની બુલંદ ઈમારત હવે ધીમે ધીમે આકાર લઇ રહી છે. પણ પરદેશગમન, પરિવર્તન અને પ્રગતિના આ જીવનચક્રમાં માતૃભુમી અને વતનપ્રેમીઓ સાથે સામાજિક અને સાંસ્કૃતિક રૂપે માતૃભાષાથી જોડાઈ રહેવાની ખેવના મરી પરવારી નથી. એટલે મારા બાપુ, સાહિત્યકાર સ્વ. જોસેફ મેકવાનના ચિંધ્યા માર્ગે ચાલી તેમના અધૂરા કાર્યો, સંસ્કારસમૃધ્ધ સાહિત્યસર્જન અને સમભાવસજ્જ સમાજનવનિર્માણ ધ્વારા પુરા કરવાની અંતિમ ઈચ્છા સહ અહી વિરમું છું.

મધુરમ મેકવાન.
બ્રામ્પટન, કેનેડા.
૨૮ મી માર્ચ, ૨૦૧૭
સ્વ.બાપુની સાતમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ સહ.
કેનેડા  :  શમણાના મૃગજળ  ( ૨ )


કેનેડામાં મારે જેના ઘરે રહેવાનું હતું એ મારો મિત્ર ઉપેન્દ્ર પટેલ એરપોર્ટ પર મને રિસીવ કરવા આવેલ. બંને બાજુ સાત સાત લેન વાળા વિશાળ હાયવે ફોરોવન પર એક્સોવીસની સ્પીડે પુરપાટ દોડતી એક લકઝરીયસ કારમાં હું સ્તબ્ધ બની આજુબાજુ એક પણ હોર્ન માર્યા વગર દોડતી અસંખ્ય ગાડીઓ વિસ્મયસહ નિહાળતો, ટોરંટો ઈસ્ટના સ્કારબોરો એરિયા સ્થિત ટક્ષીડો કોર્ટના મારા મિત્રના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. સૌમ્ય સ્વભાવના તેના શ્રીમતી તથા બાળકોએ મને આવકાર્યો. જીવનમાં પ્રથમ વાર કોઈ મિત્રના ઘરે તેના ભરોસે અને આશરે રહેવાનું હતું. મિત્ર અને તેના પત્ની બંને જોબ કરે એટલે જરૂરી સુચનાઓ મને અગાઉથીજ આપી દીધેલી. સવારે હું ઉઠું એ પહેલા મોટે ભાગે તેઓ જોબ માટે નીકળી જતા. કેનેડામાં આવ્યા પછી સૌપ્રથમ પણ સૌથી વિષમ અને ભગીરથ કાર્ય હતું જોબ સર્ચ ..... કારણ ફક્ત એક અને અનિવાર્ય ........સર્વાંઈવલ ફોર એક્ઝીસટંટ !?!

નવો દેશ, નવી સામાજિકતા, નવું વાતાવરણ, નવું રાજકારણ અને નવું અર્થતંત્ર. આ બધા પરિબળો સાથે જોબ શોધવી એ પણ એક જોબ હતી અને એ એટલું આસાન પણ નહોતું. નજીક આવેલ એક એચઆરડી સેન્ટરમાં રોજ ચાલતો જતો, જોબ સર્ચ કરતો, રેઝ્યુંમી બનાવતો અને એપ્લાય કરતો. અગ્રેજીમાં કેનેડિયન એક્સેન્ટ સમઝવા અઘરા પડે, ટોરંટોના ટ્રાન્ઝીટ મેપમાં કઈ ગતાગમ ન પડે, જોબ સર્ચ માટે ઈન્ટરનેટની એટલી ઇઝી એક્સેસ પણ ન મળે, અને જ્યાં જ્યાં એપ્લાય કરતો ત્યાંથી કોઈ રિસ્પોન્સ ન મળે તોય પ્રયત્નો ચાલુ રાખતો. પરંતુ સમય વીતતો જતો હતો અને જોબનો કોઈ મેળ નહોતો પડતો એટલે ફિકર વધારે થતી. મિત્રે સલાહ આપી કે આમ બેસી રહેવાથી દાડૉ નહિ વળે જાતેજ જઈ તપાસ કર ક્યાંક તો મેળ પડી જ જશે. બીજો કોઈ તાત્કાલિક ઉપાય નહોતો એટલે જોબ સર્ચ માટે ડોર ટુ ડોર સંપર્ક કરવા નીકળી પડ્યો.

ફેબ્રુઆરી મહિનો ને ભયાનક ઠંડી .....ચારેકોર બરફના ઢગલા, માઈનસ ટ્વેલ્વ ડીગ્રી ટેમ્પરેચરમાં ઇન્ડિયાથી લાવેલ ગરમ વસ્ત્રો પહેરી, બસનું ભાડું બચાવવા એજ ભારેખમ સેફટી શુઝ પહેરી ચાલતો આજુબાજુના પાચ-દશ કીલોમીટરના વિસ્તારમાં આવેલ મોલમાં, ગ્રોસરીની દુકાનો, રેસ્ટોરંટ, ઓફીસ અને ફેકટરીઓમાં નોકરી શોધવા નીકળી પડતો. પણ દરેક જગ્યાએ રેઝ્યુંમી સાથે રેફરન્સ માંગે અને તેમાય પાછો કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ નહિ એટલે મેળ ન પડે. ત્યારે ઘણી વાર વ્યથિત થઇ જતો અને ગુસ્સો આવી જતો કે એક તો સાવ લેબર જોબ અને તેમાય પાછો રેઝ્યુંમી, રેફરન્સ, ક્વોલિફિકેશન, એક્સપીરીયન્સ માંગે છે આ લોકો ...!?! પણ અન્ય કોઈ વિકલ્પ નહોતો એટલે મન મક્કમ રાખી હું રોજ રોજ દર દર ધક્કા ખાતો કે ક્યાંક તો મેળ પડી જશે. સમય વીતતો જતો હતો .....એક દિવસ ....બે દિવસ ....અઠવાડિયું .....મહિનો ......ક્યાય જોબનો મેળ પડે નહિ ....મિત્રના ઘરે આમ જ રહેવામાં મન ખુબ સંકોચાય. પણ મિત્ર ખુબ સારો ...અને મજબુરીનો માર્યો હું કશું કહી પણ ન શકું.

પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ હતાશા અને નિરાશા મન પર ઘેરાવા માંડેલી. હવે તો ભારેખમ સેફટી શુઝ ને લીધે ચાલી ચાલીને પગે છાલા પડવા લાગેલા તો પણ ઘા પર મલમપટ્ટી મારી લંગડાતા પગે જોબ સર્ચ ચાલુ રાખેલી. જયારે જયારે જોબ શોધવા નીકળતો ત્યારે હું વિચારતો કે પંચમહાલ જીલ્લામાંથી પેટીયું રળવા આવેલ ને રોજ રોજ મજુરી માટે નીકળી પડતા આદિવાસી ભીલ લોકો અને મારી વચ્યે ફરક શું ? મારી આ મનોદશા મારી માનસિક અવસ્થાને હતભ્રત કરી દેતી. હું આકુળ વ્યાકુળ થઇ જતો પણ બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે. આ બાજુ ઇન્ડિયા ફોન કરું તો પહેલો પ્રશ્ન આજ પુછાય કે જોબ મળી ગઈ ?  હું જુઠું બોલતો કે જોબ મળી ગઈ છે ચિંતા ના કરશો ....પણ અહિયાં મારું મન જાણે.

મેનપાવરની શોર્ટેજને પહોંચી વળવા કેનેડાએ એ વખતે ઈમિગ્રેશન સીસ્ટમ લિબરલ કરેલી. દુનિયાના ખૂણે ખૂણેથી સ્કીલ્ડ પ્રોફેશનલ્સ અહી આવતા અને એ બધા મોટેભાગે ટોરંટોની આજુબાજુ ઠલવાતા. જોબ સર્ચ માટે એમ્પ્લોયમેન્ટ એજન્સીઓનો સંપર્ક અનિવાર્ય ગણાતો એટલે મારા જેવા નોકરી ઈચ્છુક ઉમેદવારોની ત્યાં લાઈનો લાગતી. એક દિવસ એવીજ કોઈ એજન્સીમાં ગયેલો. જોબ ફોર્મ ભરતી વખતે એક કોલમમાં ' નેટીવ ઇન્ડિયન ' અંગે કંઇક પુછાયેલું. આખું વાક્ય પ્રિન્ટીંગ મિસ્ટેકના લીધે બરાબર છપાયેલ નહિ પણ એમાં ઇન્ડિયન ઓરીજીન અંગે પૂછેલું એટલે મેં યસ લખી દીધેલું. એજન્સીના મેનેજરે ઈન્ટરવ્યુંમાં મારું ઇન્ડિયન ઓરીજીનનું આઈ ડી માંગ્યું ને મેં તેને હોંશે હોંશે મારો ઇન્ડિયન પાસપોર્ટ આપ્યો. ત્રાંસી નજરે મારી સામે જોઈ ચહેરા પર વ્યંગ્ય ભાવો સાથે તે અને બાજુમાં બેઠેલ તેની આસીસટન્ટ ગોરીબાઈ બંને મારી પર ખુબ હસેલા. મને લાગ્યું કે ચોક્કસ કૈંક બફાયું છે. પાસપોર્ટ પરત કરી અન્ય પૂછપરછ પતાવી મને એક પેમ્ફલેટ આપી વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. એજન્સીનો મેનેજર મને ક્યાંક નોકરી મળે તો તેને કમીશન મળે એટલે કોઈ એમ્પ્લોયર સાથે ફોન પર માથાકૂટ કરી રહ્યો હતો. વાતચીતમાં ' હી ઈઝ જસ્ટ ઓફ ધ બોટ....ફ્રેશ ઓફ ધ બોટ ' એવા વિશેષણો વાપરતો પણ કઈ ન વળતા છેવટે એણે ફોન મૂકી દીધો. મને લાગ્યું કે કંઇક સ્પષ્ટતા કરવાની જરૂર છે એટલે મેં તેને કહ્યું કે ભાઈ હું બોટથી નહિ પ્લેનથી કેનેડા આવ્યો છું. ફરી વાર એજ પણ જરા વધારે વ્યંગ્યાત્મક હાસ્ય સાથે એણે મને માનભેર વિદાય કરી દીધો. 'નેટીવ ઇન્ડિયન' નો સામાજિક ભાવાનુવાદ તથા પોલીટીકલી ઇનકરેક્ટ અને ડીરોગેટરી એવા ' જસ્ટ ઓફ ધ બોટ કે ફ્રેશ ઓફ ધ બોટ ' નો તલસ્પર્શી અર્થ મને જયારે સમજાયો ત્યારે હું સમસમી ગયેલો. શરમના માર્યા ભોંઠા પડ્યાનો અને અપમાનિત થયાનો એક ઝાટકો મને રુએ રુએ અસર કરી ગયેલો.

આમ ને આમ માર્ચ મહિનો પણ પૂરો થવા આવેલો. ઠંડી ઓછી થવાનું નામ ન લે. જોબની શોધમાં જ્યાંત્યાં ફાંફા મારતો એક દિવસ એક કંપનીમાં ગયેલો. ટોરંટોની બોર્ડર પર આ કંપની આવેલી. ટીટીસી સર્વિસ એટલે ટોરંટોની સીટી બસ ત્યાં સુધી જાય નહિ પણ સીટી બસના છેલ્લા સ્ટોપથી ખાસું એવું ચાલીયે તો ત્યાં પહોંચાય. અને જવું હોય તો ચાલતા જ જવું પડે એવી વેરાન જગ્યાએ આ કંપની આવેલ એટલે મેં ચમ્પલાટી કાઢેલુ. દોઢેક કલાક ચાલ્યો હોઈશ ત્યારે ત્યાં પહોંચેલ. પણ ત્યાય મેળ ન પડ્યો એટલે પરત ફર્યો. પાછા ફરતા રસ્તાનો ખ્યાલ ન રહ્યો ને કોઈક અજાણી જગ્યાએ અટવાઈ ગયો. પગમાં ભારેખમ સેફટી શુઝને લીધે ચાલવામાં ખુબ તકલીફ પડે, બરાબર ચલાય નહિ અને એમાંય છાલા પડેલા એ ઘસાય એટલે બહુ દુખે પણ કોઈ છૂટકો નહોતો. લંગડાતા પગે તોય ખાસું એવું ચાલ્યો. પણ પરિસ્થિતિ હવે એવી આવી ગયેલી કે એક ડગલું ભરું તો સહન ન થાય એટલી હદે દર્દ વધી ગયેલું. એક અજાણ્યા વેરાન ઇન્ટર સેક્શન પર મુકેલ બાંકડા પર બેસી સેફટી શુઝ ઉતારી જોયું તો છાલા ઘસાઈ ઘસાઈ ને તેમાં ઊંડા ઘા થઇ ગયેલા.અને તેમાંથી રીતસરનું લોહી નીકળવા લાગેલું, લોહી વહેતું બંધ કરવા માટે છાલા પર હાથ રૂમાલ બાંધી દીધો. દર્દમાં થોડી રાહત થઇ પણ હવે શું એ ચિંતા સતાવે.

નસીબજોગે એક કેનેડિયન ગોરો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. કેનેડિયન એક્સેન્ટ ઇગ્લીશમાં મેં તેને મારી દ્વિધા સમજાવવાની કોશિશ કરી. તેને લાગ્યું કે હું કોઈ હોમલેસ પુઅર પર્સન છું અને ભીખ માંગું છું....ટીપીકલ કેનેડિયન અગ્રેજીમાં કઈક બબડતો મારી ઘોર ઉપેક્ષા કરી તે ચાલ્યો ગયો. સાંજ પડવા આવેલી. હું ગભરાયેલો. એવામાંજ એક લંબરમુછીયો ટીનેજર વ્હાઈટ કેનેડિયન છોકરો ત્યાં આવી ચઢ્યો. તેને હું કૈંક કહેવા જાઉં એ પહેલાજ મારા દીદાર જોઈ ચહેરા પર નકારાત્મક ભાવો, આંખોમાં નફરત, ધિક્કાર, દ્વેષ અને રોષ સાથે મારી પર પ્રકોપ્યો .......f..k...ing .....immigrants !?!....... મારું મો બંધ થઇ ગયું, હોઠ સિવાય ગયા, ચહેરો લેવાઈ ગયો. ચારસો ચાળીશ વોલ્ટનો આંચકો લાગે એવો વજ્રઘાત મને લાગેલો. હું સ્તબ્ધ થઇ ગયો ....વિચારે ચઢી ગયો ....ઈમીગ્રન્ટ્સ ....યસ ઈમીગ્રન્ટ્સ ....પણ એ લેબલ સ્વીકાર્યા વિના કોઈ છુટકો નહોતો કારણ કેનેડાએ મને કંકોત્રી આપીને નહોતો બોલાવ્યો. મેં જાતેજ આ દેશને કાયમી ધોરણે રહેવા માટે પસંદ કરેલ એટલે એક પ્રકારના આ રેસિઝમનો ભોગ બનવું સહજવાત હતી.

ટોરન્ટોના અમુક એરિયામાં સ્થાનીય રૂઢીચુસ્ત કેનેડીયન રહેવાસીઓ માટે ' ઈમીગ્રન્ટ્સ આર નોટ વેલકમ ' એવું મેં સાંભળેલું. ખેર યેનકેન પ્રકારે ઘરે આવ્યો પણ રાત્રે ઊંઘ ન આવી ...નાયગ્રાના સપના તો એક બાજુ પણ એ 'એફ' વર્ડ અને ઈમીગ્રંટના લેબલે મારી ઊંઘ હરામ કરી દીધેલી. આંખમાં આંસુ પણ ન આવે એવી માનસિક યાતના સાથે એ વાસ્તવિકતાને સ્વીકારી માનસિક સમાધાન કરી આગળ શું કરવું એ પળોજણમાં ઊંઘી ગયો. બીજા દિવસે ઉઠ્યો ત્યારે પગે સોજા આવી ગયેલા, છાલા પર બાંધેલ રૂમાલ લોહી સાથે ઘા પર ચોંટી ગયેલ. હેલ્થ કાર્ડ આવેલ નહિ એટલે દેશી ઈલાજ કર્યો.

બે ત્રણ દિવસ જોબ સર્ચ માટે ન જવાયું ત્યારે ઘરે બેઠા બેઠા મગજમાં વિચિત્ર વિચારો આવે .....હું એમ આઈ હીયર એન્ડ વોટ ફોર એમ આઈ હિયર ? કહે છે વ્યક્તિ જયારે શરમીંદગીનો શિકાર બને છે ત્યારે હતાશા તેના મન પર હાવી થઇ જાય છે અને એમાય અમૂલની જોબ પર તો મેં ઓલરેડી રાજીનામું આપી દીધેલું. એટલે પરિસ્થિતિને સ્વીકારી લીધા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારી જાત પર મને દયા આવતી હતી પણ મારી પર દયા ખાનાર કોઈ નહોતું. કેનેડા જતા પહેલા મારા બાપુએ મને શિખામણ આપેલી કે બેટા એટલું સહેલું નથી વિદેશમાં સેટ થવું પણ જયારે જયારે હતાશા તારા મન પર હાવી થઇ જાય ત્યારે ત્યારે વિધાયક વિચારો એટલે પોઝીટીવ થીંકીંગને વધુ મહત્વ આપજે તોજ તું સફળ થઇ શકિસ એટલે એ નકારાત્મક વિચારોને ખંખેરી નાખી હું ફરીથી જોબ સર્ચના ચક્કરમાં લાગી ગયો.

Scepterછેવટે દોઢ-બે મહિનાના રઝળપાટને અંતે સેપ્ટર નામની એક પ્લાસ્ટિક કંપનીમાં કાળી મજુરી અને પરસેવાથી રેબ ઝેબ થઇ જવાય એવી નર્યું વૈતરું કરવાની નોકરી મળી. મારી શૈક્ષણિક લાયકાત કે અનુભવનો કોઈ ઉપયોગ ન થાય એવી જોબ હતી પણ લેબલ હતું પ્રોડક્શન એસોસીએટ અને કલાકના સાતેક ડોલર મળે એટલે મન મનાવી લીધેલું. આઠ કલાકની નોકરી સોળ કલાકનું વૈતરું કરાવતી, જાયન્ટ પ્લાસ્ટિક મોલ્ડીંગ મશીન પર ભારેખમ વજન ઉપાડવાનું કામ. સુપરવાઈઝર એક ગોરો જાણી જોઇને મશીનની સ્પીડ વધારે રાખે. મીનીટે-મીનીટે પ્રોડક્ટ બહાર પડે, હું પંહોચી ન વળુ તો મને સમજાય નહિ એવી અંગ્રેજીમાં સ્વેરીંગ કરે. પંદર-પંદર મીનીટની બે બ્રેક મળે તેમાં ચાવવવાનું તો એક બાજુ ખાવાનું સીધું ગળે ઉતારી દેવાનું. આઠ કલાક ઘાંચીના બળદની જેમ પીલાઈને થાકીને લોથ પોથ થઇ ઘરે આવતો ત્યારે ટાંટિયા ઢીલા થઇ ગયા હોય ને પથારીમાં સીધું પડતું મુકતો. સવાર મારી ક્યારેય ન થતી. ઉઠું ત્યારે બપોર થઇ ગઈ હોય. બીજા દિવસે જોબ પર જવાનું સહેજેય મન ન થાય પણ બાવા બન્યા છે એટલે હિન્દી બોલ્યા વિના છૂટકો નહોતો.

અહિયાં સવાલ આ લેબર જોબનો નહોતો પણ મારી પ્રોફેશનલ લાયકાત પ્રમાણેની જોબ નહોતી એનો અફસોસ વધારે હતો. પણ તોય હું હિંમત નહોતો હાર્યો. જોબ મળ્યાની ખુશી ઇન્ડિયા ફોન કરી શેર કરતો કે પોપટ ભૂખ્યો નથી .....પોપટ તરસ્યોય નથી ...પોપટ તો કેનેડામાં લીલા લ્હેર કરે છે ! કાલે સૌ વાના સારા થશે એ આશાએ ખેતરમાં દાડિયે જતા ખેતમજૂરોની જેમ હું ઘડિયાળના કાંટાની માફક રોજ રોજ આ મજુરી....સો કોલ્ડ કેનેડીયન જોબ કરતો. અહી એક વાતની સહર્ષ નોધ લઉં છે કે આ મારી આ સંઘર્ષ યાતનામાં મારો પટેલ મિત્ર અને તેનું પરિવાર મારા દુઃખમાં ખુબ સહભાગી થયેલ જેનું વર્ણન કરું એટલું ઓછું છે. દોઢ-બે મહિના જોબ કરી બે કુકા કમાયેલો એટલે એનું રોકાણ કરી બે બેડરૂમ નું એપાર્ટમેન્ટ ભાડે લીધું અને સ્વતંત્ર રહેવા ગયો. કારણ સ્પષ્ટ અને ખુબ સ્વાભાવિક હતું .... નિર્ધારિત આયોજન મુજબ ઇન્ડિયાથી મારા બે બાળકો સાથે શ્રીમતીજી મારા સુખ (?) માં સહભાગી થવા પધારી રહ્યા હતા. એમના આગમન સાથે વધારાની જવાબદારીઓનો ફરી શરુ થયો એજ યાતનામય સંઘર્ષ.
આફ્ટરનુન શિફ્ટમાં જોબ મળેલી એટલે રાત્રે ખુબ મોડો ઘરે આવતો પણ સવારે વ્હેલ્લા ઉઠી બીજી એક પાર્ટ ટાઇમ જોબ કરતો ને બાકીના સમયમાં લાઈન જોબ સર્ચ. સર્વાંઈવ થવા માટે પત્નીએ પણ થોડા સમય બાદ ચીલાચાલુ જોબ ચાલુ કરી દીધેલ. પણ એની કોન્ટીનેન્ટલ એટલે બાર બાર કલાકની શિફ્ટ એટલે એ પણ સવારે વહેલી નીકળી જાય ને છેક રાત્રે ઘરે આવે. બાળકો ઘરે એકલા, ખુબ બીવે અને ખુબ ગભરાય પણ બેબી સીટીંગ પોષાય નહિ એટલે ભગવાનભરોષે તેમને છોડી દેતા. જાતે કેવી રીતે તૈયાર થઈને સ્કુલમાં જવું તથા ઘરે એકલા કેવી રીતે રહેવું એની તાલીમ આપેલી જેમાં અસલામતી વધારે હતી પણ કોઈ છૂટકો નહોતો. પત્ની રાતે આઠ-નવ વાગ્યે ઘરે આવે ત્યારે અંધારું થઇ ગયું હોય, બાળકો રાહ જોઈ, થાકી હારી જે કઈ હોય તે ખાઈ લઇ, બીકના માર્યા ખૂણામાં લપાઈને ઊંઘી ગયા હોય. હું રાતે ઘરે આવું ત્યારે પત્ની અને બાળકો ફક્ત ઊંઘતા જોવાના મળે. આખા દિવસનું ખાવાનું આગલે દિવસે રાતે બની જતું જે ફ્રીઝ માંથી કાઢી ખાઈ લેતો. અઠવાડિયા દરમ્યાન મળવાનું તો એકબાજુ કોઈ વાતચીત પણ ન થાય એટલે બેઠક રૂમમાં એક પાટિયું ટીંગાડેલું જેના પર કાગળિયા ભરવી જરૂરી વાત, સંદેશ અને સૂચનાઓ લખતા. વીકેન્ડમાં પણ જોબ કરવી પડતી એટલે જે કઈ ફાજલ સમય મળે તેમાં ગ્રોસરી અને લોન્ડ્રી કરવા જતા અને લોહી થીજી જાય એવી કડકડતી ઠંડીમાં ચાલતા પોટલા ઊંચકી ઘરે આવતા.

ભોજનમાં ઈન્ડિયાનો ટેસ્ટ ન મળે, હોમ સિકનેસની અસર થવા માંડેલી, લોંગ ડિસ્ટન્સ કોલ ખુબ મોંઘા, મર્યાદિત આવક જેમાંથી એંસી ટકા એપાર્ટમેન્ટના ભાડા પેટે જતા, લાઈન જોબ મળે નહિ, ડીપ્રેસન જેવું લાગ્યા કરે, કાતિલ ઠંડી અને વર્ષના છ મહિના આવરી લેતો લાંબો વીન્ડચીલ વિન્ટર માનસિક રીતે થકવી નાખે. પણ એ બધામાં પરમેનન્ટ રેસિડન્ટ એટલે પીઆર કેટેગરીમાં આવેલ અમૂલના તેમજ બીજા ક્રિશ્ચિયન ગુજરાતી પરિવારોનો સંપર્ક અને પરિચય સંબંધોમાં વિકસેલો એટલે એકબીજાને મળવાની તકો ઉભી થતી. કહે છે સમદુખિયા ભેગા થાય ત્યારે આપણું દુખ ભૂલી જવાય છે. વારે તહેવારે ભેગા થતા અમે સૌ કોઈ એકબીજાને હુંફ અને આશ્વાસન આપતા. આ બધાના સત્સંગમાં સારું લાગતું એટલે હૈયે થોડી શાંતિ વરતાતી.

રીચર્ડ ડેવિસ નામના એક રીક્રુટર ના સંપર્ક આવેલ. તેને મારા રેઝ્યુંમીમાં રસ પડેલો. મને ડેરીમાં જોબ મળે તે માટે તેના તમામ સંપર્કો અને સમીકરણો કામે લગાવી દીધેલા. પણ દરેક જગ્યાએ કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ માંગે. મારા એન્જીન્યરીંગ એજયુકેશનનું એસેસમેન્ટ કરાવ્યું. જવાબ આવ્યો વધારે ભણવું પડશે અને ફી પણ ખુબ મોંઘી. એટલા ડોલર પણ નહોતા તે વખતે એટલે ભણવાનું મોકૂફ રાખ્યું. રીક્રુટર કહે મારી રેઝ્યુંમી બહુ હાઈ પ્રોફાઈલ છે અને એવી જોબ મળવી હાલના તબક્કે મુશ્કેલ છે એટલે રેઝ્યુંમીને લો પ્રોફાઈલ કરી ડેરીની જે જોબ મળે તે સ્વીકારી લેવી એમ મન મનાવી એ માટે પ્રયત્નો ચાલુ રાખ્યા. ઈન્ટરવ્યું આવે પણ મેળ ન પડે ....કારણ ફક્ત એકજ .... કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સનો અભાવ.

આમ ને આમ વરસ વીતી ગયેલું. પ્લાસ્ટિક કંપનીની જોબ શરીર પર ખુબ વીતે. વિપરીત પરિસ્થિતિઓમાં લેબર જોબની શારીરિક તો ઠીક પણ માનસિક અસર વધારે વરતાતી. કઠીન અને કષ્ટદાયક સંઘર્ષ કમજોર કરી દેતો, નિરાશાની પરાકાષ્ઠા હતાશામાં પરિણમતી, તન મનને અકળાવી મૂકતી, માનસિક સ્થિરતા અસમતુલીત કરી દેતી. ઘાયલ કી ગત ઘાયલ હી જાને પણ મને મારા પર વિશ્વાસ હતો અને મારી પ્રેરણા હતા મારા બાપુ અને તેમના હસ્તલિખિત પત્રોનો સથવારો. તેઓ કહેતા કે, બેટા.... " સેલ્ફ પીટીનેસ ઈઝ વર્સ્ટ પાર્ટ ઓફ સેલ્ફ હ્યુંમીલીયેશન " જીવનમાં નિરાશા ને તેને પગલે હતાશા હમેંશા આવશે. પણ નિરાશાથી હેરાન ન થતો ને હતાશાને કોઈ પણ રીતે તારી પર હાવી ન થવા દેતો.
  
છેવટે દોઢ વર્ષની મજુરી અને સંઘર્ષ યાતનાને અંતે એક દિવસે આશાના કિરણો દેખાયા. પારમાલટ કેનેડા નામની એક ડેરીના ઇન્ટરવ્યુંમાં અમુલની આંતરરાષ્ટ્રીય ખ્યાતી અને ડો. કુરિયનનું નામ કામ કરી ગયા. અને હાલમાં છું તેજ ડેરીમાં મને મારી ફિલ્ડની કહી શકાય તેવી એન્જીનીયર કે મેનેજમેન્ટની નહિ પણ એક ટેકનીશીયન તરીકેની નાઈટ શિફ્ટની અને તેમાં પણ સેફટી શુઝ ફરજીયાત પહેરવા પડે એવી જોબ મળી. ઇન્ડિયાથી રેમંડ શૂટની નીચે પહેરેલ સેફટી શુઝ કે જે હવે વપરાય, ઘસાયને ફાટી ગયેલા એજ સેફટી શુઝ પહેરી પહેલે દિવસે હું જોબ પર ગયો ત્યારે એ સેફટી શૂઝનું માહાત્મ્ય મને બરાબર સમઝાયું. નવી જોબનો ગર્વ અને આનંદ તો ખુબ થયો પણ તે ઝાઝો ન ટક્યો કારણ આ જોબ નવા સમીકરણો, સમસ્યાઓ, પડકારો અને વિટંબણાઓ લઈને આવેલી.

જોબનું સ્થળ ખુબ દુર, ટોરોન્ટોની બહાર એક બીજા ટાઉનમાં, જવા માટે મારે બે બસ અને એક ટ્રેન લેવી પડતી. ડેરી પ્લાન્ટ છેક કન્ટ્રી સાઈડે, બસ ત્યાં સુધી જાય નહિ, બસ સ્ટેન્ડથી ત્યાં સુધી જવા માટે અડધો કલાક ચાલવું પડતું, રસ્તો સાવ નિર્જન અને વેરાન, વિન્ટરમાં ત્રણ ચાર ફૂટ સ્નોના ઢગલા હોય, અપડાઉન સાત કલાકનું અને જોબ દશ કલાકની. ઘરે માત્ર નાવાધોવા અને થોડું ઊંઘવા માટે આવતો, રસ્તામાં ખાઈ લેતો અને બાકીની ઊંઘ બસમાં ખેચી કાઢતો. જોબ શારીરિક રીતે અને અપડાઉન માનસિક રીતે થકવી નાખે, જોબ પર ગોરાઓનું વર્ચસ્વ, મારા ડીપાર્ટમેન્ટમાં હું એક માત્ર બ્રાઉન, મારી સામે વિચિત્ર દ્રષ્ટિથી જોતા લાઈક આઈ એમ અન એલીયન ફ્રોમ એ સ્ટ્રેઈન્જ પ્લેનેટ, ચેન્જરૂમમાં મારા લોકર પર વિચિત્ર ચેડા થતા, કેફેટેરીયામાં મારા ઇન્ડિયન ફૂડની સ્મેલ તેમને ખુચતી એટલે ટેબલ પર મારી સાથે કોઈ બેસે નહિ, તેમની ચર્ચાઓમાં ' ઑડ નંબર્સ ' અને ' અનાધર ઈમીગ્રન્ટ ' જેવા વિશેષણો વારંવાર મારા કાને અથડાતા. પણ એક પ્રકારના આ રેસિઝમની સામે નિસહાય બની પરિસ્થિતિ સ્વીકાર્યા વિના કોઈ છૂટકો નહોતો ! મારા બાપુ મને કહેતા કે બેટા તારું કામજ તારી સાચી ઓળખ છે એટલે હું મન લગાવી કામ કરતો. છેવટે મારૂ કામ બોલ્યું અને મારા પરફોર્મન્સને લીધે મારી સ્વીકૃતિ થઇ. પણ આ સ્વીકૃતિના સમર્થન માટે જે મનોયાતનામાંથી હું પસાર થયો તે અસહ્ય, અવર્ણનીય અને ખુબ દર્દજનક છે જેની વિગતે વાત ફરી કોઈ વાર કરીશ. નવી જોબના અનુભવોથી હું ખુબ ઘડાયો, મારો આત્મવિશ્વાસ વધ્યો, મનોબળ વધારે દ્રઢ થયું તેમજ આ જોબ પણ સારી એવી ચાલી એટલે અપડાઉનની ઝંઝટમાંથી છુટવા હું ટોરંટો થી જોબના સ્થળે બ્રામ્પટન શહેરમાં મુવ થઈ ગયો.........

ક્રમશઃ  ......
કેનેડા  :  શમણાના મૃગજળ 

ઓગણીસો સીત્તેરની સાલમાં પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરી હાઇસ્કુલમાં દાખલ થયો ત્યારે મોટા થઇ ગયાનો અને હાઇસ્કુલમાં ભણવા જવાનો એક અનેરો ગર્વ અને ઉત્સાહ થયેલો. આણંદની પ્રખ્યાત ઝેવિયર્સ હાઇસ્કુલમાં નામી શિક્ષક જોસેફ મેકવાનનો પુત્ર હોઈ મને અન્ય શિક્ષકો તથા પ્રિન્સીપાલ ફાધરનો વિશેસ પ્રેમભાવ મળતો અને વર્ગ મોનીટર બની હું ગૌરવ અનુભવતો. સમાજ વિદ્યાના ક્લાસમાં ઈતિહાસ-ભૂગોળ વિષે ભણવાનું આવતું. વિશ્વની અજાયબીઓ વિષે લેખિત કસોટીમાં નીચેના પ્રશ્નોના જવાબ ફક્ત એક લીટીમાં આપો એવા મથાળા હેઠળ ક્લાસ ટીચર પ્રશ્નો પૂછતા કે અમેરિકા ખંડ કોણે શોધ્યો અને વિશ્વનો સૌથી મોટો ધોધ કયો ? વગેરે વગેરે.

નાયગ્રા ફોલનું એક નાનું ચિત્ર પાઠ્ય પુસ્તકમાં હોતું જે જોઈ મનમાં કુતુહલ થતું કે એવો તે કેટલો મોટો ધધૂડો હશે આ ? અને અમેરિકા ખંડ તો હતો જ તો પછી એને શોધવાની જરૂર કેમ પડી કોલંબસને ? વગેરે પ્રશ્નો મારા બાળમાનસને ખુબ મૂંઝવતા. રોજ રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરવાનો નિત્યક્રમ, પ્રાથમિક સ્કુલના ધર્મશિક્ષણ ને લઈને પડેલો. ધર્મશિક્ષક એક સાધ્વીબેન સિસ્ટર સમઝાવતા કે ભગવાન પાસે જે માંગશો તે ચોક્કસ મળશે જો તમારી પ્રાર્થના સાચી હશે તો. ત્યારે તો સાચી પ્રાર્થના શું એ અટકળમાજ ઊંઘ આવી જતી પણ રાત્રે ઊંઘમાં નાયગ્રા અને અમેરિકાના સ્વપનો અચૂક આવતા. 

સાતમું પાસ કરી આઠમામાં આવ્યો ત્યારે મારા બાપુના એક ખાસ મિત્ર અમૃતભાઈ ચાંપાનેરી જેમને અમે પ્રેમભાવે કાકા કહી સંબોધતા એ અમેરિકા માઈગ્રેટ થયેલ. તે અરસામાં કોઈ અમેરિકા જાય એ બહુ મોટી વાત ગણાતી અને માન્યામાંય ન આવે એટલે જનાર વ્યક્તિ અમને બહુ નસીબદાર લાગતી. અને તેમાય મારા બાપુના ખાસ મિત્ર અમેરિકા જાય એ અમારે માટે ખુબ ગર્વની વાત હતી. અમેરિકા ગયા પછી પત્રો ધ્વારા તેઓ મારા બાપુના સંપર્કમાં રહેતા. અમેરિકા વિષે અવનવું જાણી અમેં આશ્ચર્યચકિત થઇ જતા. અમને લાગતું કે કાકા ખરેખર નસીબદાર છે. આ વાતને લગભગ ત્રણ ચાર વર્ષ થઇ ગયા હશે. હાઈસ્કુલ પતાવી હું કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો. એ વર્ષે ચાંપાનેરીકાકા અમેરિકાથી સહકુટુંબ ઇન્ડિયાની મુલાકાતે આવેલા, અને અમારા આશ્ચર્ય વચ્યે અમારે ઘરે પધારેલા, ખુબ ભેટસોગાદો લાવેલા અને અમારે ઘરે ખાસું એવું રોકાયેલા. અમેરિકાની અવનવી વાતો તેમના મુખેથી સાંભળી અમે દંગ થઇ જતા. વધુ જાણવાની તીવ્ર જીજ્ઞાસા થતી કે એવો તે કેવો દેશ હશે આ જ્યાં સ્વર્ગ જેવું સુખ મળે ! તેમના અમેરિકા પરત ફર્યા બાદ થોડા સમયગાળામાં મારા બે અંગત મિત્રો, દીપક અને કેતન ક્રિશ્ચિયન રિલેશનશિપ સ્પોન્સર બેઝ હેઠળ તેમના કુટુંબો સાથે અમેરિકા માઈગ્રેટ થયેલા. દીપક મારીજ સોસાયટીમાં રહેતો એટલે અમેરિકાથી જયારે પણ એ ઇન્ડિયા આવે ત્યારે અચૂક મારે ઘરે પધારતો. સ્ટાયલીસ્ટ અમેરિકન જીન્સ, ટીશર્ટ, ગોગલ્સ અને કેપ પહેરતો, અમેરિકાની મોટી મોટી વાતો કરતો ને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના ફોટા બતાવતો. અમેરિકામાં એન્જોય કરતા તેના ફોટા જોઈ અમે દિગ્મૂઢ થઇ જતા પણ તેની ઈર્ષ્યા ખુબ આવતી એટલે રાતે સપનામાં આ ફોલ કે સ્ટેચ્યુ ન આવતા.  

સમય વીતતો ગયો. ઓગણીસો એંસીના દાયકામાં કોલેજ પૂરી કરી હું અમુલ ડેરીમાં જોબ કરતો. તે વખતે આણંદ, ખેતીવાડીની ડેરી સાયન્સ કોલેજમાં એમએસસી કરતો મારો ગાઢ મિત્ર શાંતિલાલ વધુ અભ્યાસ અર્થે સ્ટુડંટ વિઝા પર પીએચડી કરવા અમેરિકા ગયેલો. અને અમુલમાં જોબ કરતા મોટા ભાગના મારા પટેલ મિત્રો પણ દેશી અમેરિકન કન્યાઓને પરણી એક પછી એક ત્યાં માઈગ્રેટ થવા લાગેલા. આ બધા મને પત્રો ધ્વારા અમેરિકાની ખુબ વાતો કરતા અને ફોટાઓ મોકલતા ત્યારે મને પણ અમેરિકા જવાની મનોમન એક ઉમ્મીદ જાગેલી. એજ અરસામાં મારા બાપુ અમેરિકાની યાત્રાએ ગયેલા. પરત ફર્યા બાદ સ્વાનુભવો પરથી તેમણે વિદેશમાં સ્થાયી થવું કેટલું કઠીન છે તેનું વાસ્તવિક વર્ણન અમને કરેલ તોય મને અમેરિકા જવા માટે એક ધૂન ચઢેલી ને મેં શક્ય એ તમામ પ્રયાસો ગંભીરપણે ચાલુ કરી દીધેલા. પણ અમેરિકાના વિઝા મળવા એ કોઈ આમવાત નહોતી. કોઈ સ્પોન્સરશીપ કે રીલેશનશીપ બેઝ ન હોવાને લીધે મારા તમામ પ્રયાસો મહદંશે અસફળ રહેલા એટલે છેવટે નિરાશ થઈ મેં 'વિદેશ પ્રસ્થાન પ્રોજેક્ટ' પર પૂર્ણવિરામ મૂકી મન મનાવી દીધેલું કે કદાચ   આપણા નસીબમાં જ ફોરેન જવાનું નહિ લખ્યું હોય.

લગ્ન થઇ ગયેલા ને ઘર સંસારમાં પરોવાયેલો એટલે અમૂલની કારકિર્દીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી દીધેલું. પણ વધતી જતી મોંઘવારી અને અમૂલના પગારમાં મન માંને નહિ એટલે વળી વળીને દશ વર્ષે પરદેશ જવાની લાલસા ફરી સળવળેલી. તે વખતે કેનેડાની ઈમિગ્રેશન સીસ્ટમમાં સ્કીલ્ડ બેઝ કેટેગરીમાં પોઈન્ટ સીસ્ટમ પર ફાઈલ કરી શકાતી. કેનેડા વિષે આમ તો ઝાઝી જાણકારી નહિ પણ તોય અમેરિકા નહીતો કેનેડા, ટ્રાય તો કરીએ એમ માની મેં ફાઈલ કરેલ. કેનેડા વહેલી તકે જવાય એ લાલચે એક લેભાગુ એજન્ટના ચક્કરમાં હું ફસાયેલો ને સારા એવા નાણા ખર્ચી ચુકેલો. એજન્ટના કહેવા મુજબ ઓફશોર ફાઈલ એટલે ઇન્ડિયા સિવાય અન્ય કોઈ દેશમાંથી તમે ફાઈલ કરો તો વિઝા આવતા વાર નહિ લાગે તેવી સલાહ માની મેં લંડન-ઇંગ્લેન્ડથી ફાઈલ કરેલ ને મારા આશ્ચર્ય વચ્યે ત્રણ મહિનામાં તો લંડનથી વિઝા માટે મારું ઈન્ટરવ્યું આવેલ. હવે પ્રશ્ન હતો કે લંડન જવું કેવી રીતે. એજન્ટ કહે એ બાબતે તેની કોઈ જવાબદારી નહિ ને ઉપરથી તેના કોન્ટ્રાક્ટ પેપર પર મેં સહી કરેલ એટલે બાકીના પૈસાની ઉઘરાણી કરે.

ગાંઠના પૈસા ખર્ચી હું મુંબઈ ગયો ને ઇંગ્લેન્ડની એમ્બેસીમાં વિઝીટર વિઝા માટે અરજી કરી .ઈન્ટરવ્યું લેનાર એક ગોરી બાઈ મને પૂછે કેનેડાના ઇન્ટરવ્યુંમાં ફેઈલ થયા તો ઇન્ડિયા પાછા આવશોજ એની ગેરંટી શું ? એને મારા જવાબથી સંતોષ ન થતા મારા દેખતાજ મારા પાસપોર્ટ પર રીજેક્ટનો સિક્કો ધબ દઈને મારી દીધો. છાતી પર કોઈએ જોરદાર ઘા કર્યો હોય એવી વેદના થયેલી ને હું એમ્બેસીની બહાર આવ્યો ત્યારે મુશળધાર વરસાદ પડે. ફોરેન જવાની હાથવેંત આવેલ તકમાં મળેલ નિષ્ફળતા ખુબજ આઘાતજનક હતી . વિલે મોંઢે રાતે ટ્રેન પકડી હું પરત ફર્યો. વહેલી સવારે દરવાજો ખોલતી પત્નીએ મારી નિરાશ  મુખાકૃતિ પરથી કયાસ કાઢી લીધેલો એટલે કશુજ પુછેલ નહિ પણ મારી વાત સાંભળી મને બધું સારું થશે એવો વિશ્વાસ બંધાવેલ. પણ હું દ્વિધામાં હતો કે હવે કરવું શું ?

એ વીકેન્ડમાં હું મારા બાપુને મળવા ગયેલ. તેમણે સલાહ આપી કે કેનેડિયન એમ્બેસીમાં તારી આપવીતી જણાવતી તથા કોઈ ઉપાય માટેની વિનંતી કરતી અરજી કર. તેમણે મને ગુજરાતીમાં ડ્રાફ્ટ લેટર બનાવી આપ્યો જેનો અગ્રેજી અનુવાદ કરી મેં અરજી મોકલી આપી, મારા આશ્ચર્ય વચ્યે થોડાજ સમયમાં મારી ફાઈલ દિલ્હી ટ્રાન્સફર થઇ ગયેલી પણ આગળ  કોઈ પ્રોગ્રેસ નહિ. ફોરેન જવાનું મારું સપનું મને સાકાર થતું લાગેલું એટલે મેં બાધાઓ-માનતાઓ માનવાનું ચાલુ કરી દીધેલું. ખેર અંતે મારી પ્રાર્થના ફળી અને તે પણ એવી કે વગર ઈન્ટરવ્યુંએ મને સીધાજ મેડીકલ માટેના પેપર મળ્યા ને થોડા સમય બાદ વિઝા પણ. વિઝા આવ્યા એ દિવસે મારા નાનાભાઈ અમિતે મને અમુલની જોબ પર ફોન કર્યો, " મધુ ....પડતું મેલ બધું ને આવતો રે ". હું સાર પામી ગયેલો ને હરખભેર મારું જુનું  ખખડધજ બજાજ ચેતક સ્કુટર મારી મૂકી ઘરે પહોંચી ગયેલો. વિઝાના કાગળિયાં જોઈ હરખનો માર્યો હું ખુબ ફૂલાયેલો કે હુંય હવે મારા મિત્રોની માફક ફોરેન જઈશ. બીજા દિવસે સાંજે અમારા વિશાળ પરિવારના મુખ્ય નિવાસસ્થાને વિઝા મળ્યાની ઉજવણી નિમિતે  ભવ્ય પાર્ટી થઇ. પણ રાત્રે મને ઊંઘ ન આવી. હું જાગતાજ  સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના રંગીન સપનાની દુનિયામાં ખોવાય ગયેલો.

જોતજોતામાં વિદેશ વિદાયની એ ઘડી પણ આવી ગઈ. કુટુંબીજનો, સગાવ્હાલા અને મિત્રો વચ્યે સૂટબુટમાં સજ્જ, હારતોરાથી લદાયેલ, હું અમદાવાદ એરપોર્ટ જવા માટે તૈયાર કરેલ કાર તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યાજ પાંચ વર્ષનો મારો દીકરો બોબી દોડતો દોડતો આવ્યો, 'ડેડી તમે આ લેવાનું તો ભૂલી ગયા.' મેં જોયું તો તેના હાથમાં એક બૉક્સ હતું ને ખોલીને જોયું તો એ હતા મારા ....સેફટી શુઝ ....જે મને મારા પટેલ મિત્રે કે જેના ઘરે હું કેનેડામાં રહેવાનો હતો તેણે ખુબ જ ભાર દઈને કહેલ કે, 'મધુરમ, ધ્યાનથી સાંભળ, તું બીજું બધું નહિ લાવ તો ચાલશે પણ સેફટી શુઝ તો ખાસ લઈને આવજે નહિ તો જોબ નહિ થાય તારાથી.' તેની સલાહ માની મેં સેફટી શુઝ લીધેલા પણ બેગોમાં વજન થઇ જવાને લીધે ક્યાં મુકવા એ પ્રશ્ન હતો એટલે બહારજ રહી ગયેલા. બેગોને તાળા વાગી ગયેલા અને કાર પર ચઢાવી દીધેલી. તાત્કાલિક બીજો કોઈ ઉપાય નહોતો એટલે મેં મારા પાર્ટી શુઝ ઉતારી રેમંડના મોંઘા સુટની નીચે સસ્તા સેફટી શુઝ જે જોવા પણ ન ગમે તે પહેરી હું અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયો.

ફોટોગ્રાફરને સુચના આપેલ કે સુટની નીચે બૂટના ફોટા ન આવે. અમદાવાદ એરપોર્ટ પર થોડું ચાલવાનું થયું તેમાં એ ભારેખમ સેફટી શુઝ્ને લીધે પગે છાલા પડવા લાગેલા. ભારે હૈયે સ્વજનોને ભેટી વસમી વિદાય સાથે અમદાવાદ એરપોર્ટ પરથી હું એર ઇન્ડિયાના પ્લેનમાં કેનેડા જવા રવાના થયો. જીવનની પ્રથમ હવાઈ યાત્રાના એક અનેરા રોમાંચ સહ કેનેડાના રંગીન સપના એક ચિત્રપટની માફક મારી આંખો આગળ તરવરવા લાગ્યા, પણ એ બધાની વચ્યે સેફટી શુઝ વાળી વાત ગળે નહોતી ઉતરતી કે હું મૂળે મીકેનીકલ એન્જીનીયર વિથ મેનેજમેન્ટ ક્વોલિફિકેશન ને મારે આ સેફટી શૂઝની શી જરૂર ? ખેર, ભાવી વિષેની એ બધી અટકળો અને મૂંઝવણોની મિશ્ર લાગણીઓ વચ્યે ટોરન્ટોના ભવ્ય એરપોર્ટ ઉપર માઈક પર " વેલકમ ટુ કેનેડા " ના માનવાચક અને મધુર એનાઉન્સમેન્ટ સાથે જેને " લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટીઝ " કહેવાય છે તેવા કેનેડા દેશમાં ત્રેવીસમી ફેબ્રુઆરી, સાલ બેહઝાર એક, મંગળવાર, સાંજના ચાર વાગ્યે, ભાવી શમણાઓના પોટલા અને પરમ આનંદના એક અનેરા ઉન્માદસહ હું " રેમન્ડ સુટ વિથ સેફટી બુટ " સાથે લેન્ડીંગ થયો .....! કસ્ટમની જરૂરી વિધિ પતાવી કેનેડાની ધરતી પર વિધિસર પગ મુક્યો અને શરુ થયો સમસ્યાઓ અને સંઘર્ષનો એક ઝંઝાવાત .... જે ભલભલાના મનોબળ અને આત્મવિશ્વાસને હચમચાવી પાંગળા કરી દે !

ક્રમશઃ  ......

Sunday, 3 April 2016



 હું, બાપુ, સુરેશકાકા....અને ધોતી !


" આ મારો વચેટ દીકરો, મધુરમ, અમુલ ડેરીમાં મીકેનીકલ એન્જીનીયર છે. " મુંબઈથી આવેલ તેમના મિત્ર સુરેશ જરીવાલાને બાપુએ મારો પરિચય આપ્યો. ઇમ્પ્રેસિવ પર્સનાલીટી ધરાવતા એ મેહમાનનું મેં એક વેલકમ સ્માઈલ અને હસ્તધૂનનથી અભિવાદન કર્યું. સુરેશભાઈ મારા બાપુના ખાસ અને અંગત મિત્ર. સાહિત્ય રસિક હોઈ મુંબઈમાં યોજાતા સાહિત્ય સંમેલનોમાં તેઓ મારા બાપુના સંપર્કમાં આવેલા. બાપુની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ તેમના ચાહક અને ભક્ત બની ગયેલા. આજે પહેલી વાર મારા ઘરે પધારેલા.

વર્ષોથી મુંબઈ રહેતા સુરેશભાઈ એક ધનાઢ્ય ગુજરાતી બીઝનેસ પરિવારમાંથી આવે. પણ ખુબ સીધાસાદા અને સરળ. શ્રીમંતાઈનો કોઈ અહમ, દંભ કે દેખાડો નહિ. સ્વભાવે હસમુખા અને મિલનસાર. વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા અને વસ્ત્રોમાં સાદાઈ ઉડીને આંખે વળગે. ઉંમરમાં નાના એટલે મારા બાપુ તેમને સુરેશ કહી સંબોધે ને સામે સુરેશભાઈ પણ એટલાજ પ્રેમને વ્હાલથી તેમને " બાપુ " કહી બોલાવે.

એંસી નેવુના દશકાની આ વાત છે. મુંબઈમાં મારા બાપુના સાહિત્યિક કાર્યક્રમો અવારનવાર યોજાય. ઉતારો સુરેશભાઈ ફરજીયાત એમને ઘરે રાખે. તેમની પાસે ટાટા એસ્ટેટ કાર. રેલ્વે સ્ટેશન પર જાતે બાપુને લેવા મુકવા જાય. ઘણીવાર એ કાર લઈ છેક મુંબઈથી ડ્રાઈવ કરી આણંદ મારા ઘરે આવતા ને રાત રોકાતા. હું તેમની આગતા સ્વાગતા કરતો. ઉંમરમાં મારાથી દસ બાર વર્ષ મોટા પણ ખુબ વાચાળ એટલે મારી જોડે ફાવી ગયેલું. સવારે વ્હેલ્લા ઉઠી એ ચાલવા નીકળે સાથે મનેય લઇ જાય. પરત ફરી નાહીધોઈ પરવારી સુરેશભાઈ કોટનની સફેદ ધોતી ને અડધી બાંયનું પહેરણ પહેરી મારા બાપુ સાથે સાહિત્યિક ગોષ્ટી કરે. તેમની આ સાદગીથી હું ખુબ પ્રભાવિત.

એકવાર મેં અમસ્તાજ કહેલું, કાકા મારેય ધોતી પહેરવી છે. તેમની બેત્રણ ધોતીમાંથી એક મને આપેલી સાથે સાથે ધોતી પહેરતા પણ શીખવાડેલું. ઉનાળાની રજાઓમા તે અચૂક મારે ઘરે આવતા. રાત રોકાતા. સવારે કાયમ ધોતી ને પહેરણ પહેરતા. એમના આ સાદગીભર્યા વ્યક્તિત્વ સાથે મારો એક સહજ રિશ્તો બની ગયેલો. કોઈ કોઈ વાર ઘરે હું આમ અમસ્તોજ તેમણે આપેલી ધોતી પહેરતો તો મારા બાપુ મને ટકોરતા, ' સાદગી માત્ર વસ્ત્રોમાં નહિ બેટા આચરણમાં પણ એટલીજ જરૂરી છે.'

ઓગણીસો છન્નુંના ડીસેમ્બર મહિનામાં સુરેશકાકા સપરિવાર ગાડી લઈ મારા નાનાભાઈ અમિતના લગ્નમાં પધારેલ. ત્રણેક દિવસ રોકાયેલ. લગ્નની તૈયારીઓ અને લગ્નમાં ઉમળકાભેર ભાગ લીધેલો. રિસેપ્શન સાંજના હતું ને મોડી રાત સુધી ચાલેલું. ખાણીપીણી ને ખાસ તો પીણીમાં હું થોડી મર્યાદા વટાવી ચુકેલો. સુરેશકાકાનુ ધ્યાન ગયેલું. વારે ઘડીએ આવીને મને પૂછે, મધુરમ, આર યુ ઓલરાઇટ ? પણ પીણીનો એ અતિરેક મારા વાણી વર્તનમાં સ્પષ્ટપણે વર્તાતો હતો. મને ખબર નથી રિસેપ્શનમાંથી હું ઘરે ક્યારે અને કેવી રીતે ગયો. સવારે ઉઠ્યો ત્યારે એજ વસ્ત્રોમાં હતો જે મેં રિસેપ્શનમાં પહેરેલા....સુટ ચીમળાઈ ગયેલું, પેન્ટ ઢીલું થઇ ગયેલું, ટાઈ અડધી નીકળી ગયેલી અને પગમાં મોજા ! મારા ઉઠવાની નોંધ સૌ પ્રથમ  બાળકોએ લીધેલી. સહાનુભુતિસહ ચારેય બાજુથી ઘેરી વળી વિસ્મય નજરે મને નિહાળી રહેલા. અમદાવાદ રહેતી ને હિંદુ પરિવારમાં પરણેલી મારી નાની બહેન અર્ચનાના છએક વર્ષના દીકરા શિવમને મારા પ્રત્યે વિશેસ લગાવ. ટીપીકલ અમદાવાદી બોલીમાં ઊંચા અવાજે તેણે મારા જાગવાનો જાહેર પ્રતિભાવ આપ્યો, ' એ બે.... મધુમામા ઉઠી ગયા......! '


ડ્રોઈંગ રૂમમાં સુરેશકાકા અને બાપુ મારા ઉઠવાની રાહ જોઈ રહેલ, ' એજ વસ્ત્રોમાં પહેલા અહી આવ ' ફરમાન થયું. શરમિંદ ચહેરે હું હાઝર થયો. કુતુહલવશ બાળકો મારી પાછળ પાછળ સહાનુભુતિ દર્શાવતા મારી સાથે થયા. મારા બાપુ કૈંક બોલે એ પહેલા સુરેશકાકા મારી વારે ધાયા, ' એવું તો ચાલ્યા કરે મધુરમ, ડોન્ટ વરી, ટેક ઈટ ઇઝી, યુવાનીમાં તારી જેમ હું પણ આવી પરિસ્થિતિઓમાંથી ઘણી વાર પસાર થઇ ચુક્યો છું. ચાલ જલ્દી કર હવે. નાહિ ધોઈ ફ્રેશ થઇ જા મારે તારી અમુલ ડેરી જોવા જવું છે.' સ્નાન કરી બહાર નીકળ્યો ત્યારે સુરેશકાકા મારા માટે ધોતી લઇને ઉભેલા. એ દિવસે મેં, બાપુ અને સુરેશકાકા, ત્રણેય જણે ધોતી પહેરેલી. ઉગતા સુરજની સાક્ષીએ બાપુએ મારી જોડે પ્રણ લેવડાવ્યું, ' એક વર્ષ માટે એ પીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ '. સુરેશકાકાએ મુક સંમતિ આપેલી.

તે વખતે હું, અમુલમાંથી ફર્ધર સ્ટડી અર્થે ઈરમા માં મેનેજમેન્ટ નું ભણતો. બરાબર એક વર્ષ બાદ વેકેશનમાં હું સપરિવાર મુંબઈ સુરેશકાકાને મળવા ગયેલ. ત્રણેક દિવસ રોકાયેલો. કાકા બહુ ખુશ. સવારે ઉઠી, નાહીધોઈ પરવારી, ધોતી પહેરી અમે બંને સાથે બેસી ચ્હા નાસ્તો કરતા, પેપર વાંચતા, વાતો કરતા. કાકાને મારી કંપની ખુબ ગમેલી. તેમના આગ્રહને લઇ સમય મળ્યે હું કોઈ કોઈ વાર તેમને મળવા મુંબઈ જતો ને રાત રોકાતો. ધોતી સાથે મારી ને કાકાની જોડી ખુબ જામેલી.

સમય વીતતો ગયો, સાલ 2001, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું. હું મુંબઈ તેમને મળવા ગયેલો. નારાજ હતા મારાથી કે તું મને અને બાપુને છોડી વિદેશ જલસા કરવા જતો રહે છે.

કેનેડા જયારે જયારે બાપુ પત્ર લખતા ત્યારે સુરેશકાકાની અચૂક યાદ મોકલતા કે તને ખુબ મિસ કરે છે. સાલ 2003 માં મારી નાની બેન ગૌરા કેનેડા માઈગ્રેટ થયેલી. તેની સાથે મારા બાપુએ એક સફેદ ધોતી, પહેરણ અને ગાંધી ટોપી મારા માટે ખાસ મોકલાવેલ. વિકેન્ડમાં ઘણી વાર હું એ ધોતી પહેરણ પહેરતો. વતનની યાદો વાગોળી બાપુ અને સુરેશકાકાને યાદ કરતો. 2006 સપ્ટેમ્બરમાં મારી ભત્રીજી ગુંજા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવી ત્યારે એજ સફેદ ધોતી પહેરી હું એરપોર્ટ પર તેને રીસીવ કરવા ગયેલો.

2006 નવેમ્બરમાં મારા બાપુ કેનેડા પધારેલ. બેગો ખોલીને સૌ પ્રથમ એક નાનું પાર્સલ મને આપ્યું, ' ખોલીને જો શું છે એમાં ' હું ખુબ ખુશ થઇ ગયેલ. આછા સોનેરી રંગની એક સુંદર રેશમી ધોતી હતી એમાં. સુરેશકાકાએ ખાસ મારા માટે ગીફ્ટ મોકલેલ. હું નાઈટ શિફ્ટ કરતો એટલે સવારે મોટે ભાગે ઊંઘતો હોઉં પણ સાંજે જાગું ને મારા બાપુ ઘરે હોય તો અમે બંને ધોતી પહેરી વાંચન, વાર્તાલાપ અને સત્સંગ કરતા. સુરેશકાકાને ખાસ યાદ કરતા. બાર વર્ષનો મારો દીકરો બોબી અને તેનો કેનેડીયન મિત્ર રોબર્ટ અચરજ ભાવે મને નિહાળી રહેતા, 'વોટ હેવ યુ ડ્રેસ અપ ડેડ ? ' ધોતીનું સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારણ ન કરી શકતો બોબી રોબર્ટને કહેતો,' ઇટ્સ એ ટીપીકલ ઇન્ડિયન ડ્રેસઅપ ડ્યુડ....કોલ્ડ એઝ " ડોટી ". બાપુની કેનેડા વિદાય બાદ ધોતી પહેરવાનું ધીમે ધીમે ઓછું ને છેલ્લે તો લગભગ સાવ બંધ જેવુજ થઇ ગયેલું.

સમય વીતતો ગયો....સાલ 2010....જાન્યુઆરી....બાપુ ઢીચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લઇ બહુ નંખાઈ ગયેલા. હું ઇન્ડિયા ગયેલો. બાપુ બહુ અસ્વસ્થ જણાતા હતા. મને કહેલું, પાછા વળતા સમય મળે તો મુંબઈમાં એરપોર્ટ પરથી સુરેશને ઘરે આંટો મારી આવજે. મારી પાસે બેજ વીકની રજા હતી અને મુંબઈમાં એટલો હોલ્ટ પણ નહોતો એટલે શક્ય બને એમ નહોતું. વિદાય વેળાએ મેં બાપુના ચરણસ્પર્શ કર્યા ત્યારે ખુબજ ભાવુક થઇ ગયેલા. મને યાદ છે એ વખતે તેમણે ધોતી પહેરેલી. બંને હાથ મારે માથે મૂકી કહ્યું, " આવજો બેટા ! ખુબ સુખી થજો જીવનમાં ખુબ તરક્કી કરજો, બાપુના આશીર્વાદ છે." સામાન્ય રીતે આવજો સાથે સહીસલામત હવાઈ યાત્રાની શુભેચ્છા પાઠવતા બાપુના એ ઉદગારો મારા મનને એક અકળ શંકા ને સંદેહ સાથે ઘેરી વળેલા કે બાપુ આવું કેમ બોલે છે ? વ્યથિત હૈયે હું વિદાય થયો. કેનેડા આવી મારી આ માનસિક મૂંઝવણનું સમાધાન થાય એ પહેલા માંડ દોઢ બે મહિના બાદ માર્ચની 28 તારીખે, ટૂંકી બીમારી બાદ બાપુ અકાળે અવસાન પામ્યા. પણ એ પહેલા તેઓ સુરેશકાકાને મળવા મુંબઈ ગયેલા અને તેમની સાથે એક લાંબી વાત અને મુલાકાત કરેલ.

મારા ઘરના દિવાન ખંડના એન્ટ્રન્સમાં બાપુની મનમોહક તસ્વીર સાથે મેં તેમનું સ્મારક બનાવ્યું છે. હવે હું ડે શિફ્ટમાં છું એટલે રોજ સવારે ઉઠી બાપુને પગે લાગી દિવસની શરૂઆત કરું છું. વિકેન્ડમાં પણ સવારે વહેલો ઉઠી, નાહીધોઈ પરવારી, સુરેશકાકાવાળી રેશમી ધોતી ને ઝભ્ભો પહેરી બાપુને પગે લાગી વાંચન લેખન સાથે દિનચર્યાનો આરંભ છેલ્લા દોઢેક વર્ષથી હવે એક નિત્યક્રમ બની ગયો છે. પણ એક વાત દિલને સતત ડંખ્યા કરે છે, કાયમ મનમાં ખટક્યા કરે છે.

બાપુના મૃત્યુ બાદ સુરેશકાકાનો પત્ર આવેલ. પત્રમાં કાકાએ બાપુ સાથે થયેલ એ છેલ્લી મુલાકાત અને લાંબી વાતનો ઉલ્લેખ કરતા લખેલ કે, મધુરમ હવે પછી જયારે પણ ઇન્ડિયા આવે ત્યારે મને અચૂક મળજે. તારી સાથે ધોતી પહેરીને બેસવું છે અને બાપુએ મને કહેલ છેલ્લી બધી વાતો તારી સાથે શેર કરવી છે.

કમનસીબે હઝું સુધી નથી એ દિન આવ્યો કે નથી કાકાને રૂબરૂ મળી શકાયું. જયારે જયારે ઇન્ડિયા જાઉં છું ત્યારે સઘળા પ્રયાસો છતાં મળવાનું શક્ય બનતું જ નથી.......

આજે બાપુની છઠ્ઠી પુણ્યતિથી છે. એજ રેશમી ધોતી અને ઝભ્ભો પહેરી દિવાન ખંડના સ્મારકમાં મુકેલ તેમની તસ્વીર સામે ઉભો છું....વ્યથાના એક ભારી બોજ સાથે.... દિલમાં વેદના છે.... મન વ્યગ્ર છે.....વ્યાકુળ છે..... એક ભારી સંતાપથી.....એક વિશાદથી......!

" કાકા નારાજ છે. પણ તસ્વીરમાં બાપુ એથીય વધુ નારાજ જણાય છે..... ફરિયાદ કરે છે.....બેટા, સુરેશકાકાને મળવા તું હઝું સુધી કેમ નથી ગયો.....!?! "


મધુરમ મેકવાન.
સોમવાર, તારીખ ૨૮ મી માર્ચ,
સમય સવારના સાત વાગીને બે મિનીટ.
સને બેહઝાર સોળ.
કેનેડા.