Friday, 7 November 2014


દેશ રે જોયા દાદા પરદેશ જોયા !
ડાયસ્પોરા........એક અકથિત સંવેદના.


કાયમી વસવાટ માટે કેનેડા માઈગ્રેટ થયો ત્યારે સેટલમેન્ટ પ્રોસેસના ભાગરૂપે કેનેડીયન હયુમન રિસોર્સીઝ ડીપાર્ટમેન્ટ ધ્વારા ઇમિગ્રન્ટસ માટે ચાલતા વર્કશોપમાં ભાગ લીધેલો. વર્કશોપમાં એક પ્રશ્ન પુછાયેલો, " વ્હાય યુ કેઈમ ટુ કેનેડા ? " મારી સાથે ભાગ લઇ રહેલ મોટા ભાગનાનો જવાબ હતો........" ફોર એ બેટર લાઈફ ! " હમણાં જ, લેખક શ્રી. વિજય જોશીનો અંગ્રેજી આર્ટીકલ A Perpetual Sojourn વાંચ્યો. એક ઇમિગ્રન્ટ તરીકે વતનથી જોજનો દુર વિદેશમાં સ્થળાંતર થઇ સ્થાપિત થયાનો આનંદ અને વતનથી વિસ્થાપિત થયાની વેદનાની મિશ્ર લાગણીઓ વર્ણવતો તેમનો લેખ હૃદય સ્પર્શી ગયો. "ડાયસ્પોરા" ની મૂળ વાતમાં યહુદી પ્રજાનું મિસરની ગુલામીમાંથી મુક્ત થવા અન્ય સ્થળે વસવાટ કરવા જવાના વર્ણનમાં પણ આજ કથા-વ્યથા છુપાયેલી છે.

ઇમિગ્રન્ટ - આપ્રવાસીઓ અને ઈમિગ્રેશન - દેશાંતર, વેશ્વિક ધોરણે ડાયસ્પોરિક સાહિત્ય સંશોધનનો એક અતિશય સંવેદનશીલ વિષય છે. તેમની અનેક શ્રેણીઓ છે, અનેક પ્રકાર છે. તેમની લાગણીઓ પણ અનેક પ્રકારની અને ખુબજ સંવેદનશીલ વાત કહેતી હોય છે ! ‘ઇમિગ્રન્ટ - Immigrant ’ એ આપ્રવાસીઓની એક એવી શ્રેણી છે જે સામાન્ય રીતે પોતાની મરજીથી પોતાનો દેશ છોડીને આવેલ છે. જયારે ‘એમિગ્રે - émigré ’ એ તેનાથી બિલકુલ અલગ પ્રકારની શ્રેણી છે કે જેને અન્ય કારણોના દબાણ હેઠળ પોતાનો દેશ છોડવાની ફરજ પડેલ છે. આ બંને કિસ્સાઓમાં ફરક ઘણો છે પણ સામ્યતા માત્ર એકજ છે...... બેટર લાઈફ........બહેતર જીવનની ઝંખના.......જેમાં હુય બાકાત નથી !

સ્કીલ્ડ ઇમિગ્રન્ટસ એ ઉચ્ચ શિક્ષણ ધરાવતા આપ્રવાસીઓની સૌથી મોટી શ્રેણી છે. જે તે દેશમાં સ્થાપિત થયા બાદ તેઓ આજીવન એક અજંપો લઈને જીવતા હોય છે.....બેટર લાઈફ.....દેશમાં કે પરદેશમાં ? રેફ્યુજી એટલે શરણાર્થી તરીકે આવતા આપ્રવાસીઓ પ્રત્યે મને વિશેસ લગાવ છે. પછી ભલે એ રાજકીય કે બીજા કોઈ જોખમની બીકે પોતાનો દેશ છોડીને આવ્યા હોય. એમના દેશાંતરમાં મજબુરીની મહાવ્યથા છુપાયેલી છે. એક્સ્પૅટ્રિયટ એટલે કે દેશવટે આવેલ ઇમિગ્રન્ટસનો તો એક એવો વિશિષ્ઠ વર્ગ છે કે જે વિદેશમાં વસે છે, પણ યજમાન સમાજમાં ભળવાથી બચવા માટે સદા સજાગ રહે છે.

અઢારમી સદીના ઉત્તરાધમાં એશિયામાં રાજ કરતા અંગ્રેજોએ બહેતર જીવનનો લોભલાલચ આપીને સ્થાનિક પ્રજાનું વહાણોમાં ઠાંસી ઠાંસીને ભરી તેમનું સ્થળાંતર કરાવેલું . આફ્રિકા અને અમેરિકા ખંડના ટાપુઓ પર તેમને બોન્ડેડ લેબર બનાવી આજીવન તેમનું શોષણ કરેલું. ગયાના ટાપુ પર બંદી બની વસેલ ઉત્તર ભારતની મૂળ પ્રજાની સ્થળાંતરની વેદના વતનના ઝુરાપાની એક ઐતિહાસિક કથા છે. રોજ સાંજ પડ્યે દરિયા કિનારે બેસીને અનંત સાગરમાં મીટ માંડીને રાહ જોતી આ પ્રજાને એમ કે એક દિવસ એક વહાણ આવશે અને તેમને વતન પરત લઇ જશે. માતૃભૂમિના દર્શન માટે ઝૂરતી આ પ્રજાની પ્રથમ પેઢી જીવન પર્યંત આ આશા લઈને જીવેલ.

મધ્યકાલીન યુરોપમાં દેશનિકાલની સજા સૌથી ખરાબ મનાતી. એમાં હીણપત અને ઝુરાપાની વેદના હતી. મહાકવિ દાન્તેને દેશવટાની સજા થઈ ત્યારે એમને તો ફ્લોરેન્સથી માત્ર સોએક માઇલ દૂર વસવાનું હતું પણ એમને મન એ સામાજિક મૃત્યુ હતું. દેશવટે રહીને એમણે ‘ઇન્ફર્નો’ ની રચના કરી, તેમાં પણ એમની આ વ્યથાનો પડઘો ઝિલાયો છે. માતૃભૂમિ માટે તેમને એક એવું આંતરિક ખેંચાણ અને અકલ્પ્ય લાગણી હતી કે હવે વતનનાં ઝાડ ફરી જોવા નહીં મળે એનો વસવસો અને વ્યથા લઈને આજીવન અજંપા સાથે જીવેલા.

ઐતિહાસિક દૃષ્ટિએ જોતાં, વિશ્વના કોઈ પણ ખૂણે સ્થળાંતર થઇ વસેલા આ આપ્રવાસીઓના અનુભવ અને અર્થ સમયની સાથે બદલાતા રહ્યા છે અને બદલાતા રહે છે. દરેક આપ્રવાસીની જેમ મારીય આજ વ્યથા વેદના છે. લાખ મનાવ્યેય મન માનતું નથી ને વાતે વાતે ઊડીને એ વતનમાં પહોંચી જાય છે. નવા દેશની દરેક વાતનો સાંધો હું સીધો મારા દેશ જોડે જોડી દઉં છું. એ મારી એક વણઉકેલ સમસ્યા છે. સીએન ટાવરને હું કુતુબ મીનાર સાથે સરખાવવાની અભદ્ર કોશીસ કરું છું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોઉં છું ત્યારે તાજમહેલ મારા મનમાંથી ખસતો નથી અને નાયગ્રા ફોલને નિહાળી વિહ્વળ થઇ જાઉં છું કે આટલું બધું પાણી વ્યર્થ વહી જાય છે ને મારા દેશમાં લોકો પાણી માટે વલખાં મારે છે.

વિદેશની નાગરિકતા સ્વીકાર્ય છતાંય એક આપ્રવાસી તરીકે હું વતન અને વિદેશ બેમાંથી એક પણ દુનિયામાં રહી શકતો નથી. માતૃભુમી પ્રત્યેની મારી નિષ્ઠા, પ્રેમ, વફાદારી અને સંસ્કૃિત, બધામાં વિદેશી ભેળસેળ થઇ ગઈ છે. વિદેશમાં એક નવી દુનિયાનો માણસ બની રહેવાનો પ્રયાસ કરું છું. મારા ઘરને હું માતૃભૂમિની પ્રતિકૃતિ બનાવવા માંગું છું. જેમાં મોટા ભાગે મને કોઈ કામયાબી નથી મળતી તોય એક ત્રિશંકુની જેમ બેવડું જીવન જીવી રહ્યો છે. થોડા વખત પહેલાંની મારી વતનની મુલાકાતમાં હું મારા શહેરને ખૂણે ખૂણે ફરી વળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે અહીં તો હવે સાઇબર કૅફે, મૅકડૉનલ્ડ, પાશ્ચાત્ય ફૅશનોનો પ્રચાર પ્રસાર કરતાં બૂટિક, ઊંચી ઇમારતો અને નાઇટ ક્લબો પણ છે ! મારી સ્મૃિતમાં સંઘરાયેલા, સચવાયેલા શહેરનો રડ્યોખડ્યો અંશ પણ માંડ જોવા મળ્યો. દેશની સભ્યતા અને વિદેશી સભ્યતા વચ્ચેની ભેદરેખા લગભગ ભુંસાઈ જવાને આરે હોય એમ બન્ને વચ્ચે ખાસ કઈં અંતર મને જોવા ન મળ્યું.

મને સમજાયું કે મારું વતન મારી સ્મૃિતમાં બહુ ઊંડે બરફની જેમ જામીને સચવાયેલું છે જે મારી અંદર ધબકતું રહેશે પરંતુ હવે ભારતમાં તો એનું અસ્તિત્વ નથી જ. બહુ જ અણમોલ મૂડી ગુમાવ્યાનું દુ:ખ લઇને ત્યાંથી નીકળ્યો ત્યારે જે ભૂમિ પર પાવન થવાં મન ઉભરાતું હતું એ હવે સાવ શમી ગયું લાગે છે. કેનેડાના મુળિયા અંકુર ફૂટી આકાર લઇ રહ્યા છે ત્યારે માતૃભૂમિમાં મન મુકીને સીંચેલા મૂળિયા હવે પળે પળે સૂકાતા જાય છે. જેમ સૂકાઇ ગયેલા છોડના મૂળિયાને બાગ સાથે કોઇ સંબંધ નથી રહેતો તેમ ઊખડી ગયેલા છોડની જેમ મારું અસ્તિત્વ કોહવાતું જાય છે. કેનેડાની અતિવ્યસ્ત જીવનશૈલીએ મને એકલપંડો કરી દીધો છે. અતિશય શાંતિએ મારા મનમાં કોલાહલ પ્રત્યે નફરત ભરી દીધી છે. દર્દની આ એક એવી દાસ્તાન છે, વેદનાનો એક એવો ચિતાર છે જેને અહીંના સો હાસ્યનાં ઊંડાણમાં છુપાવી દે છે. મારાં અસ્તિત્વમાંથી કોઇ કિમતી વસ્તુ ઝૂંટવાઇ ગઇ હોય એવું લાગે છે તોય ફરીને ફરી રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઇ ભ્રમ મળી જાય.

'ભવાટવિ' માં હવે પછી સાંસ્કૃિતક અને સામાજિક દ્રષ્ટિકોણને આધારે હું ડાયસ્પોરાની વાત કરીશ. મારી વાતમાં ગુજરાતી ડાયસ્પોરાની સમસ્યાઓ, સંઘર્ષો, પુનર્વસન માટેના પ્રયત્નો જેવી અનેક બાબતો ઉપરાંત મૂળ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો સાથે અપનાવેલ દેશની સામાજિક – સાંસ્કૃિતક બાબતો અને ભૌતિક સંસ્કૃિત, સમકાલીન સંસ્કૃિતને કઈ રીતે પ્રભાવિત કરે છે તેનું નિરૂપણ કરીશ. નીઓ ફ્રોઈડીઅન અભિગમને ધ્યાનમાં રાખીને મારી વાતમાં બદલાયેલા વિશ્વનો તાગ મેળવવાની કોશિષ કરીશ. નીઓ-ફ્રોઈડીઅનો ‘વૈયકતિક મનોવિજ્ઞાન’ ને સમાજ અને સાંસ્કૃિતક પ્રવાહો સાથે જોડે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, સમાજનું સ્વરૂપ બદલાય તેમ વ્યક્તિત્વનાં લક્ષણો પણ બદલાય છે. મનુષ્યની વૃત્તિઓ, અભિવ્યક્તિ અને સંતોષ –અસંતોષ જુદા જુદા સમય અને પ્રદેશના જુદા જુદા સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત થાય છે.













ભારતીય ડાયસ્પોરા વિશ્વના આશરે ૧૧૨ દેશોમાં ફેલાયેલો છે. તેમાંથી ગુજરાતી ડાયસ્પોરા આશરે ૪૪ દેશોમાં વ્યાપ્ત છે. ખાસ કરીને બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વ આફ્રિકાના દેશોમાં વિસ્તૃત રૂપે. ભવાટવિમાં મને સાંપડેલ પ્રસંગો, પાત્રો અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન બદલાયેલી સામાજિકતા સંદર્ભે આપ સૌની સમક્ષ નિરૂપણ કરવાની નમ્ર કોશિશ સાથે......હું......

મધુરમ  જોસેફ  મેકવાન, મૂળ ભારતીય ગુજરાતી, 
રહેવાસી કેનેડા, નાગરિકત્વ......ઇન્ડોકેનેડીયન !

(મૂળ અંગ્રેજી A Perpetual Sojourn ના ગુજરાતી અનુવાદના અમુક અંશો સાથે)