Saturday 18 October 2014

જોસેફ.........મારા બાપુ.


ચોથા ધોરણમાં ભણતો ત્યારે વર્ગશિક્ષકે ગુજરાતી વિષયમાં પત્રલેખન શીખવાડેલું. એ વર્ષે ઉનાળાની રજામાં મારા બાપુ ભોપાલ ગયેલા, 'બી.એડ' ના વધુ અભ્યાસ અર્થે. જિંદગીનો પ્રથમ કાગળ ત્યારે મેં મારા બાપુને લખેલો. સંબોધન કરેલું, " પૂજ્ય પિતાશ્રી ". કાગળમાં મેં બાળમાનસે, મારા બાપુ પ્રત્યેના મારા પ્રેમને, એક અનોખી ભાવનામાં વ્યક્ત કરેલ. સાથે રહેતા બધા સહપાઠીઓને પત્ર  વંચાવી મારા બાપુ ભાવ વિભોર થઈ  ગયેલા. પરત ફર્યા બાદ ઘરે અને સ્કુલમાં, પત્રનો ઉલ્લેખ કરી મારી ભાવનાઓની તેમણે સહર્ષ નોંધ લીધેલી. હું ખુબ હરખાયેલો. બાળમાનસે રુદયપટે અંકારાયેલા અઘાટ પિતૃપ્રેમને વ્યક્ત કરવાનો આ હતો મારા બાપુ સાથેનો મારો પ્રથમ અનુભવ.

એક પ્રભાવશાળી, વિદ્વાન અને લોકપ્રિય વ્યક્તિ તરીકે તેમને હું બચપણથી અનુભવતો આવ્યો છું. ધીર ગંભીર મુખ મુદ્રા ધરાવતા મારા બાપુ વ્યવસાયે શિક્ષક પણ માંહ્યલો એમનો એક લેખક અને લોકસેવાનો. જાહેર જીવનમાં તેમનું સામાજિક કૌશલ્ય અને વ્યવહારિક કુશળતા ખુબ વખણાતી.  લેખન  ક્ષેત્રે રાષ્ટ્રીય  કક્ષાના  સાહિત્યકાર  લેખાયા  તોય  સમાજને છેક છેવાડે ધકેલાઈ ગયેલ શોષિત જીવતરો પ્રત્યે સદા ચિંતિત રહેતા મેં તેમને કાયમ જોયા છે.

મારા સંસ્મરણોમાં ઘરે મેં એમને એક પ્રેમાળ પિતા તરીકે કાયમ અનુભવ્યા છે એટલે નાનપણથી જ મને તેમનો ભારે લગાવ. સમજણો થયો ત્યારથી રોજ સાંજે મારા ઘરની બહાર પગથીયા પર બેસી એમના આવવાની રાહ જોતો. નીચેથી પટલી વાળેલું ટેરીકોટનનું પેન્ટ, બોન્ટેક્ષ કોલરનું કોટન શર્ટ, ખભે બગલ થેલો અને કાળી ફ્રેમવાળા ચશ્માં પહેરેલ મારા બાપુ, હર્ક્યુલીસ સાયકલ પર સાંજે સ્કુલની નોકરી બાદ, ધાર્મિક-સામાજિક જવાબદારીઓ તથા અન્ય કાર્યો નીપટાવી ઘરે આવતા. થાકેલા હોય તોય મને સાયકલ પર બેસાડી એક આંટો લગાવે. હું રાજીના રેડ થઇ જતો ને બદલામાં સાયકલ સાફ કરી દેતો. વાત્સલ્યપૂર્ણ પિતાની આ છબી કાયમ માટે મારા બાળમાનસ પર અહીં અંકિત થઇ ગયેલી. બાલ્યવસ્થામાં મારા સ્મરણપટે જડાયેલી અવિસ્મરણીય અને ઘેરી છાપ ફક્ત મારા બાપુની છે. 
આઠ ભાઈબહેનોનું અમારું કુટુંબ. મારા બાપુને આણંદની ઝેવિયર્સ સ્કુલમાં શિક્ષકની નોકરી. બાળપણમાં માંનો અને એકવીસ વરસની ઉંમરે બાપનો સહારો તેમણે ગુમાવી દીધેલો.એ વખતે અમે સ્કુલની નજીક આવેલ છ હારબંધ મકાનોની એક કોલોનીમાં ભાડેથી રહેતા. મકાન સિમેન્ટના પતરાની છતવાળા અને ખુબ સાંકડા. માંડ માંડ અમારી સગવડતાઓ એમાં સચવાતી. મર્યાદિત આવકમાં અમારું ભરણ પોષણ ઉપરાંત તેમના ભાઈ-બહેનોની જવાબદારી. ઘરખર્ચના બોજને પહોંચી વળવા મારા બાપુ ખુબજ કરકસરથી ઘર ચલાવતા. મકાનની સામે એક નાની વાડી ત્યાં અમે એક બકરી અને થોડી મરઘીઓ પાળેલી, જેનું દૂધ અને ઇંડા અમારા આહારનો એક ભાગ બની રહેતા.

એક રૂમ રસોડા વાળું અમારું એ ઘર રાત્રે અમારા સૌનું શયનકક્ષ બની જતું. મરઘીઓની કુકડે કુક અને બકરીની બે બે સવારની અમારી મીઠી નીંદરમાં  કાયમ ખલેલરૂપ બનતી. પણ મારા બાપુ વહેલી પરોઢે ઉઠી જતા અને સૂર્યોદય પહેલા શરુ થતો તેમનો દિવસ સુરજ આથમે તોય પૂરો ના થાય એટલી દોડધામ કરતા. બાપીકા દેવાના ડુંગર તળે દટાયેલા મારા બાપુ ઘર ખર્ચને પહોંચી વળવા એક ફૂલ ટાઇમ અને બબ્બે પાર્ટ ટાઇમ નોકરીઓ કરતા.

સવારના ચાર વાગ્યે  આણંદ રેલ્વે સ્ટેશનથી ગોધરાગાડી પકડી તેઓ ડાકોર ભવન્સ કોલેજમાં પ્રોફેસરની, ત્યાંથી અગિયાર વાગ્યે પરત આવી આણંદ ઝેવિયર્સ સ્કુલમાં શિક્ષકની, બપોરે એકાદ-બે ફ્રી પીરીયડ તથા રીશેસના સમયે સાયકલ લઇ રેલ્વે દાદર ચઢાવી આણંદની એમ બી પટેલ સાયન્સ કોલેજમાં ગુજરાતી વિષયના લેકચરર તરીકે ફરજ બજાવતા. સાંજે સ્કુલ બાદ ધર્મસેવા, સમાજસેવા અને અન્ય કૌટુંબિક જવાબદારીઓ પતાવી મોડી સાંજે ઘરે પરત ફરતા. આ બધી જવાબદારીઓમાંથી પણ સમય ફાળવીને તેઓ એમ.એ.બી.એડ. સુધીનું ભણેલા. કૌટુંબિક જવાબદારી સહ ઉચ્ચશિક્ષણ પામવાની તેમની આ લગન મારા માનસપટ પર ત્યારેજ કોતરાઈ ગયેલી. જીવનમાં સખત પરિશ્રમ સાથે સંઘર્ષના પાઠ હું તેમની પાસે અહીંથી શીખેલો.

જેમ જેમ મોટો થતો ગયો  તેમ તેમ હું મારા બાપુને વધુ ઓળખતો અને તેમની વધુ નજદીક આવતો ગયેલો. ૧૯૭૬-૭૭ ના અરસામાં અમે મોટા ત્રણ ભાઈબહેનો હાઈસ્કુલનું શિક્ષણ પૂરું કરી કોલેજમાં પ્રવેશેલા. ત્રણ-ત્રણ જણની કોલેજની ફી ભરવા મારા બાપુએ દેવું કરેલું અને મારી માંના દાગીના ગીરે મુકેલા. હું એન્જીન્યરીંગ કોલેજમાં ભણતો હોઈ  મને સાયન્ટીફીક કેલ્ક્યુલેટરની ભારે જરૂર. એ જમાનામાં સાયન્ટીફીક કેલ્ક્યુલેટર ખુબ મોંઘુ મળે. મારી જરૂરિયાત પ્રત્યેનું તેમનું અર્થસુચક મૌન હું સમજી શકતો હતો. પરંતુ, પરીક્ષાના દિવસોમાં તેમણે મને એક જુના સાયન્ટીફીક કેલ્ક્યુલેટરની વ્યવસ્થા ક્યાંકથી કરી આપેલી. 

મેં ખુબ જ મહેનત કરી મન લગાવીને હોંશે હોંશે પરીક્ષા આપેલી. પરિણામ આવી ગયેલું અને તે જાણવા ઉત્સુક મારા બાપુ સાંજે ઘરે આવ્યા ત્યારે, હું મારા ઘરની બહાર ગોરાસાંબલીના ઝાડ નીચે નિરાશવદને બેઠેલો. હું બે વિષયમાં નપાસ થયેલો પણ મને 'એટીકેટી' મળેલી. પરિસ્થિતિ જાણીને ખુબજ ક્રોધે ભરાયેલા મારા બાપુ આખી કોલોનીના સાંભળતા ઉગ્ર અવાજે મને ખુબ બોલ્યા. મારી આંખમાં આંસુ આવી ગયા. મેં ખુબ મહેનત કરેલી છંતા આવા પરિણામથી હું પણ નિરાશ થઇ ગએલો. 

મારું મન માનતું નહોતું. કોલેજમાં જઈને મેં મારા ખાસ સહપાઠીને વાત કરી.અમે બંને જે તે વિષયના અધ્યાપકોને મળ્યા. અંતે તારણ એવું આવેલું કે મારી કોઈ ભૂલ નહોતી પણ મેં જે કેલ્ક્યુલેટર વાપરેલું તે ડિફેકટીવ હતું. આ વાતની જયારે મારા બાપુને ખબર પડી ત્યારે તેઓ  ખુબ દુખી થઇ ગએલા. તેમણે મને કશુજ નહિ કીધેલું પણ તેમનું આ વ્યથિત મૌન મારા દિલને કોરી ખાતું હતું. 

એ વખતે તેઓ આણંદની એમ. બી. પટેલ સાયન્સ કોલેજમાં પાર્ટ ટાઇમ લેકચરર તરીકે નોકરી કરતા. એમની પાસે ફક્ત એક જ જોડી બાટાના મોકાસીનો શુઝ જે પહેરી તેઓ સવારે કોલેજ જતા અને ત્યાંથી બારોબાર સ્કુલમાં. મારે ભાગે એક જોડી સ્લીપર આવતા જે પહેરી  હું કોલેજ જતો. મને કોલેજમાં શુઝ પહેરીને  જવાનું ખુબ મન થતું અને મને એમના શુઝ પહેરવા આવી પણ રહેતા એટલે સ્કુલમાં જઈ હું તેમના શુઝ માંગતો. મને ખબર છે  તેમણે કોઈ દિવસ મને તેમના શુઝ માંગતા કે પહેરતા ટોકેલો નહિ. 

પણ એ વખતે ઘણા દિવસો સુધી હું તેમના શુઝ માંગવા સ્કુલે નહિ ગએલો. એક દિવસે સવારે હું કોલેજ જવા નીકળ્યો તો મારા આશ્ચર્ય વચ્યે મેં તેમના શુઝ ઓસરીમાં પડેલા જોયા. મારા લીધે મારા બાપુ સ્લીપર પહેરી કોલેજ ગએલા મને ખુબ લાગી આવેલું. હું મન લગાવીને ભણેલો અને કોલેજના છેલ્લા વર્ષમાં પ્રથમ દશ - ટોપ ટેન માં ઉતીર્ણ થયેલો. 

મિત્રો, સગાવ્હાલા અને કોલોનીમાં ઘેર ઘેર પેંડા વહેંચાયેલા. મારા બાપુ ગર્વભરી નજરે મને નિહાળી રહેલા. કોલેજ કાળના મારા શૈક્ષણિક જીવન-સંઘર્ષમા એક સાચા સલાહકાર અને માર્ગદર્શક તરીકે મારા બાપુ મારા સહભાગી બનેલ. જીવનમાં સાદગી અને કરકસર સાથે શૈક્ષણિક મૂલ્યોનું મહત્વ હું તેમની પાસેથી આમ શીખેલો. યુવાનીના મારા ઘડતરમાં પ્રેરણા અને પાયારૂપ બનેલ તેમનું આ અમૂલ્ય યોગદાન મને ખુબજ પ્રભાવિત કરી ગયેલ.

સમાજસેવક  .........  મારા બાપુ 

સ્વભાવ અને વર્તણૂક થકી જ માણસ ‘સજ્જન’ તરીકે સમાજમાં ઓળખાય છે. સજ્જનો સ્વભાવથી જ પરોપકારી હોય છે. તેઓ કરુણા અને ક્ષમાની મૂર્તિ હોય છે. ત્યાગ, સમર્પણ જેવા ગુણોને વરેલા હોય છે. બદનામી વહોરીને પણ બીજાને મદદ કરે છે. જાતને નુકસાની પહોંચાડીને પણ બીજાનું ભલું કરે છે. 

સ્વભાવે ખુબજ દયાળુ તથા પરમાર્થ અને માનવસેવાનો જીવનમંત્ર ધરાવતા મારા બાપુ જીવનમાં કોઈને પણ મદદરૂપ થવાની તક ક્યારેઈ ચુકતા નહિ. તેમના આ સ્વભાવને લઈનેજ તેઓ સમાજસેવા પ્રત્યે પ્રેરાયેલા.સમાજ સેવાની તેમને ભારે લગન અને તે તેમના જીવનનો એક અભિન્ન હિસ્સો. સામાજિક અન્યાયો અને શોષણ સામે ન્યાય માટે તેઓ આજીવન ઝઝૂમેલા. 

૧૯૭૬ ના અરસામાં ટેનેન્સી એક્ટ નું એમેન્ડમેન્ટ થયેલું. ખેડે તેની જમીનના આ  કાયદાની જોગવાઈઓ હેઠળ પેઢીઓથી જમીનદારોના શોષણ  હેઠળ ગુલામી કરતા, કાળી ખેતમજુરી પર નભતા, ગરીબી રેખા તળે કચડાતાં ખેતમજદુરોના કુટુંબોને, તેમના હક્ક અપાવવા માટે મારા બાપુએ કોર્ટ કચેરીઓના પગથીયા ઘસી નાખેલા. ન્યાય અપેક્ષિત અને શોષિત ખેતમજુરો સમય સ્થળની પરવા કર્યા વિના, ગમે ત્યારે, ઘરે કે સ્કુલે, મારા બાપુને મળવા આવી ચઢતા. સ્કુલના શિક્ષણ કાર્યમાં આ બાબતને લઈને કવચિત વિક્ષેપ પણ પડતો. આચાર્યશ્રીનો મીઠો ઠપકો પણ તેમણે ઘણી વાર વહોરી લીધેલ. પણ સમાજ સેવાના આ ઉમદા સામાજિક કાર્યમાં તેમણે ક્યારેય પાછું વાળીને જોયેલ નહિ. ઉલટાનું સામાજિક સર્વેક્ષણ તથા જ્ઞાતિપ્રથાનો  ઊંડા અભ્યાસ કરી તેમણે સમાજ સેવાના આ કાર્યને વધારે અસરકારક બનાવેલુ. 

મને યાદ છે એ સવારે હું અમારા એ સિમેન્ટના પતરાવાળા ઘરની પરશાળમાં અભ્યાસ કરી રહ્યો હતો. મારા બાપુ લેખન કાર્યમાં વ્યસ્ત હતા. એવામાં જ લઘર વઘર કપડા પહેરેલ, પરસેવે રેબઝેબ  એક ભાઈ આવી ચઢ્યા. આવતાની સાથેજ એ ભાઈ મારા બાપુના ચરણોમાં પડી ગયા. હું જોતો જ રહી ગયો. મને કઈ ખબર પડતી ન હતી. મારા બાપુએ તેને ખભેથી પકડી બેઠો કર્યો અને વાતનો દોર સાંધવાની કોશિશ કરી. ખેતમજૂર તરીકે વર્ષોથી ખેડતો હતો એ જમીન ટેનન્સી એક્ટ હેઠળ મારા બાપુએ કરેલ કોર્ટ કાર્યવાહીને લીધે તેને નામે થઇ ગઈ હતી. 

હરખનો માર્યો ખુશી વ્યક્ત કરવા તેણે કોર્ટની પોસ્ટ વાળું કવર અને એક ફાટેલી થેલી મારા બાપુને આપી, 'સાહેબ આ લો'. કવર લઇને થેલી મારા બાપુએ એમાં કશું જોયા વગર મને આપી. મેં જોયુ તો એમાં ગણીને માંડ ચાર-પાંચ  કેળા હતા. બસની ટીકીટના પૈસા નહોતા તેની પાસે. ગામડેથી ચાલતો આવેલો પણ આભાર વ્યક્ત કરવા માટે કેળા લાવેલો. મેં તેને પાણી આપ્યું.પાણી પી, પલાંઠી વાળી એક ખૂણામાં બેસી તેણે બીડી સળગાવી, ને ધન્ય ભાવે મારા બાપુ સાથે વાતોએ વળગ્યો. 

એ દ્રશ્ય આજેય મારી આંખો સમક્ષ નજરોનજર તરવરે છે. એક શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તથા નિશ્વાર્થ સમાજ સેવક એવા મારા બાપુને હું નતમસ્તકે જોઈ રહ્યો હતો. સમાજસેવાની તેમની આ યશસ્વી કામગીરીને ધ્યાનમાં લઈને ત્યારની રાજ્ય સરકારે તેમને ગુજરાત રાજ્ય પછાત વર્ગ બોર્ડના સભ્ય તરીકે નિમણુક કરેલી. અને એજ અરસામાં ગુજરાતની એક પ્રસિદ્ધ સ્વૈચ્છિક સંસ્થા તરફથી શ્રેષ્ઠ સામાજિક કાર્યકર તરીકેનો ખિતાબ તેમને મળેલો. 


સંગીતના આરાધક  .........  મારા  બાપુ 

કહે છે સંગીતની સાધના અને પ્રભુની આરાધના બંને મન ને અપાર શાંતિ બક્ષે છે. સંગીતવિશારદ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા મારા બાપુ સંગીતના ભારે ચાહક.  " જીવન અંજલી થાજો મારું " એમનું ખુબજ પ્રિય ગીત અને "મોંઘેરા થઈને મારા મનમાં વસો" એમનું સ્વરચિત ગીત. હાર્મોનિયમ તેઓ ખુબ સરસ વગાડતા. ક્લાસિકલ સંગીતમાં નિપુણતા ધરાવતા તેઓ એક અચ્છા ગાયક પણ હતા. 

ઘરે તેઓ કવચિત મનમસ્ત થઇ, મધુર અવાજે શાસ્ત્રીય રાગની ધૂન છેડતા. આખા ઘરમાં તેમનો સુર પડઘાઈ ઉઠતો. મને ખુબ ગમતું. મન મુકીને તેમને સંભાળતો અને આવડે નહિ તોય તેમના સૂરમાં સુર પુરવાની હું કોશીસ કરતો. ત્રાંસી નજરે મને જોતા,મરક મરક હસતા ને મઝાકમાં કહેતા,"રહેવા દે ભઈ તારા આ ભેંસાસુર અવાજને વધુ તકલીફ ન આપ." 

સેન્ટ ઝેવિયર્સ સ્કુલનો દૈનિક પ્રારંભ  તેમના કંઠે ગવાયેલ પ્રાર્થનાગીત તથા હાર્મોનિયમવાદન ધ્વારા ન થાય તો કઈ ખૂટતું હોય એવુ લાગે. વર્ગમાં કવિતા ભણાવતા પહેલા તેને ગાઈ સંભળાવતા. બાજુમાંના વર્ગોનું શિક્ષણકાર્ય થંભી જતું અને સ્તબ્ધ થઇ બધા તેમને સાંભળતા. દર વર્ષે સ્કુલ ડે ની ઉજવણીમાં મારા બાપુનું એક ખાસ સ્વરચિત ગીત હોય જે કાર્યક્રમના પ્રારંભે તેમણે તૈયાર કરેલ વિદ્યાર્થીઓના ગાયકવૃંદ ધ્વારા ગવાતું. જેનો રણકાર ઉજવણી બાદ દિવસો સુધી કાનમાં ગુંજ્યા કરતો.

ધર્મમાં અખંડ શ્રદ્ધા ધરાવતા મારા બાપુએ વર્ષો સુધી આણંદ ચર્ચના ક્વાયર-ગાયકવૃંદની જવાબદારી સંભાળેલી. ૧૯૭૦ ના દાયકાની આ વાત છે. ૨૪ મી ડીસેમ્બરની મધરાતે આણંદ ચર્ચના પટાંગણમાં દર વરસે ક્રિસ્મસનો ભવ્ય ખ્રિસ્તયજ્ઞ-ઉપાસનાવિધિ થાય. આણંદ શહેરની આજુબાજુના ગામડાઓ, વિસ્તારો અને ખૂણે ખૂણેથી તેમાં ભાગ લેવા અસંખ્ય લોકો ઉમંગભેર ઉમટી પડતાં.

ક્રિસ્મસની ભવ્ય ઉજવણીરૂપ એવા આ ખ્રિસ્તયજ્ઞ માટે મારા બાપુ એક ખાસ ગાયકવૃંદ બનાવી ક્રિસ્મસના ભક્તિ ગીતોની ખુબ પ્રેક્ટીસ કરાવતા. હું અને મારા લંગોટિયા મિત્રો એ ગાયકવૃંદમાં પસંદગી પામી ગર્વ અનુભવતા. પ્રેક્ટીસ નવેંબર મહિનાથી ચાલુ થઇ જતી અને ગાયકવૃંદના સહુ સભ્યોની હાઝરી એમાં અનિવાર્ય ગણાતી. ખ્રિસ્તયજ્ઞ ચોવીસમી ડીસેમ્બરની રાતે મોટાભાગે સાડા અગિયાર ને બારની વચ્યે શરુ થઇ જતો. ૧૯૭૭ ની સાલની ક્રિસ્મસની આ વાત છે.ગાયકવૃંદમાં ભાગ લઇ રહેલ હું અને મારા મિત્રો ક્રિસ્મસ-ઈવ ઉજવવા ચોવીસમી ડીસેમ્બરની એ રાત્રે નવથી બારના શોમાં પિક્ચર જોવા ગએલા. અમને એમ કે ખ્રિસ્તયજ્ઞ ચાલુ થાય એ પહેલા આવી જઈશું. બહુ વાંધો નહિ આવે. પણ અમારી ધારણા ખોટી પડી. અમે મોડા પડેલા.

ખ્રિસ્તયજ્ઞ ચાલુ થઇ ગએલો અને ગાયકવૃંદમાં અમારી ગેરહાઝરીની ગંભીર નોંધ લેવાએલી ને મારા બાપુ ખુબજ ક્રોધે ભરાયેલા. દોડતા આવી, લપાતા છુપાતા અમે છાના માંના ધીરે રહીને ગાયકવૃંદમાં પાછળ ગોઠવાઈ ગયા. અમને એમ કે કોઈને ખબર નહિ પડે. પણ ગુસ્સાથી પહોળી થઇ ગએલી આંખોની એમની ધારદાર નજર અમે ચૂકાવી ન શક્યા. મોડા પડ્યાની ભૂલ અને દુખની લાગણી અનુભવતા, શરમના માર્યાં શિર ઝુકાવીને અમે ગાયકવૃંદ સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો. ખ્રિસ્તયજ્ઞ આગળ વધ્યો અને ખ્રિસ્તપ્રસાદ વેળાએ એમનુ એ લોકપ્રિય ગીત એમના મધુર અને ઊંચા અવાજે ચારેકોર ગુંજી ઉઠ્યું.....અંધારા... ભેદાય ગયા.. ને..ઝળહળી ઉઠી રાત..તારાના ટોળાઓ માંહે ફરવા લાગી વાત ...!

ઇસુ જન્મની વધાવણી હરખાતા, ગાતા અને ગીતનો બોલ ઝીલી લેવા તેમણે મધુર વદને અમારી પર એક મીઠી અને ભાવુક નજર નાખી. જાણે કશુજ નથી બન્યું એવી માફ કરતી તેમની અમીદ્રષ્ટિ પામી અમે ખુશીના માર્યાં બમણા અવાજે સૂરમાં સુર પુરાવ્યો......આજે જન્મ્યો તારણહારો....પ્રાચીમાં થયો તારાનો ઝબકારો રે.....આજે જન્મ્યો ....તારણહારો ....! મને યાદ છે મોડા પડ્યાનું દુખ અનુભવતા અમે સૌએ તેમનું એ પ્રિય ગીત છેક છેલ્લે સુધી મન મુકીને પૂરી લગનથી ગાયેલું કે કદાચ અમારી લગનથી પીગળી તેઓ અમને માફ કરી દે.

ખ્રિસ્તયજ્ઞ પતી ગયેલો. ગાયકવૃંદના સભ્યો મારા બાપુને ક્રિસ્મસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. પસ્તાવાની લાગણી અને દ્વિધા અનુભવતા અમે એક ખૂણામાં ઉભા થઇ રહેલા. સૌ કોઈને ક્રિસ્મસની શુભેચ્છા પાઠવતા મારા બાપુ સામે ચાલી અમારી પાસે આવ્યા. મસ્ત મને અમને સૌને ભેટી 'મેરી ક્રિસ્મસ' ની ભાવભીની શુભેચ્છાઓ પાઠવી. અમે હરખાઈ ઉઠ્યા અને સામે તેમને પણ અમે શુભેચ્છાઓ પાઠવી.

કશાપણ મનવિગ્રહ વગર હસતા ચહેરે તેમણે એમની વિશિષ્ઠ શૈલીમાં પણ મઝાકમાં અમને વ્યંગ્ય બાણ માર્યું ..... "ક્યાં ગઇતી મારી ગાયિકાઓ.... પિક્ચર જોવા ? " સંગીત અને સાહિત્યના સંગમથી જીવનને સુરમય કરી દેતા એક શ્રેષ્ઠ સંગીત શિક્ષક અને દરિયા જેવું વિશાળ દિલ ધરાવતા મારા બાપુને હું ભાવ વિભોર થઇ જોઈ રહ્યો હતો........!

ક્રમશઃ.......................