Friday 31 October 2014


મારો આદર્શ..............મારા બાપુ


ફરજ પાલન અને નીતિમત્તાના આદર્શ ધરાવતા મારા બાપુ જીવનમાં પ્રમાણિકતા અને શિસ્તના ભારે આગ્રહી. ઘરમાં એમની હાજરી માત્ર અમને શિસ્તપાલન અને આજ્ઞાકિંત બનવા માટે પ્રેરણા રૂપ રહેતી. નાનપણમાં મારા ભાઈબહેનોની સરખામણીમાં હું સ્વભાવે થોડો મસ્તીખોર જેને લઇ ઘણીવાર મારા બાપુનો ઠપકો મારે વહોરી લેવો પડતો. તોય મારો ઉછેર તેમણે ખુબજ મમતા અને પૂરી જતનથી કરેલ એવું મારી માં કહેતી. મને યાદ છે યુવાનીમાં પ્રવેશ્યો ત્યારે એક પુત્ર નહિ પણ મિત્ર તરીકે મારા બાપુએ મને સથવારેલો. યૌવનકાળના મારા ઉછેર અને વિકાસમાં, ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ વિચારો ધ્વારા આદર્શ જીવનના નૈતિક મુલ્યો તેમણે મારામાં મન મુકીને સિંચેલા. એટલે જ ઉંમર સહજ એ અવસ્થાએ સાંપડેલ અનુભવજ્ઞાને મારા બાપુ જ મારો આદર્શ બની ગયેલા. તેમના ઉચ્ચ આદર્શો મારો જીવન મંત્ર બની ગયેલો અને એને અનુસરવા હું ઘણીવાર અસામર્થ્ય અનુભવતો તોય પૂરી લગનથી કોષીસો કરતો.

ઓગસ્ટ, ૧૯૭૯માં મને એલીકોન એન્જીનીયરીંગ કંપની, વિદ્યાનગરમાં ટ્રેઈની એન્જીનીયર તરીકે, જીવનની પ્રથમ નોકરી મળેલી. મને ખુબ ગર્વ થયેલો. ખુશીનો માર્યો હું ફૂલ્યો નહોતો સમાતો. મને યાદ છે મારો સૌ પ્રથમ પગાર લાવીને મેં જયારે મારા બાપુના હાથમાં મુક્યો ત્યારે તેઓ ખુબ ખુશ થઇ ગયેલા. તેમના ચહેરા પર એક સંતૃપ્ત ભાવનાની લાગણી હું સ્પષ્ટ પણે વાંચી શકતો હતો. મને કહેલું, "બેટા, ફરજ સમર્પિત અને કાર્ય પ્રમાણિક રહેજે, મન લગાવીને કામ કરજે, કોઈ કસર છોડતો નહિ. તારું કામજ તારી સાચી ઓળખ છે."

મારે શિફ્ટ ડ્યુટી આવે. રાત્રે દોઢ બે વાગે ઘરે આવતો પણ કામમાં કોઈ કચાસ નહિ છોડેલી. મારા ખાતા અધિકારી અને અન્ય સીનીયર કર્મચારીઓ મારા કામથી પ્રભાવિત પણ તોય તેમના વલણમાં મને કવચિત જ્ઞાતિવાદી અભિગમ વધારે દેખાતો. જ્ઞાતિ-ભેદભાવના ઘણા કડવા અનુભવો પણ મને થએલા ને આ અંગે મારા બાપુને મેં વાત પણ કરેલી. પણ તેઓ કાયમ મારો હોંસલો બઢાંવતા અને વિપરીત પરિસ્થિતિઓમાં નિરાશ થવાને બદલે વિધાયક વિચારો ધ્વારા કામ કરવાની શિખામણ આપતા. પણ અંતે થવાનું થઈને રહેલું. હું જ્ઞાતિવાદનો ભોગ બનેલો. એક વર્ષના તાલીમ સમય બાદ મને એલીકોનની નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવેલો. હું ખુબ નિરાશ થઇ ગયેલો. મારા બાપુ પણ એટલાજ વ્યગ્ર અને વ્યથિત. પણ જીવનમાં આવા પરિબળો સામે ઝુકી નહિ જવાનો પરંતુ મક્કમતાથી તેનો પ્રતિકાર કરવાનો ગુરુમંત્ર મને આપેલો ને કહેલું, "જો બેટા વ્યવસાયિક જીવનમાં જ્ઞાતિવાદ તો રહેવાનો જ. નિરાશ ના થતો. તને આ નહિ તો બીજી નોકરી મળશે. પણ ભવિષ્યમાં તારા વ્યવસાયમાં તુ મોટા હોદ્દા પર પહોંચે ત્યારે આ બાબતને લઈને તુ કોઈને અન્યાય ના કરતો. એમાંજ આપણી જીત છે." તેમની આંખોમાંથી પ્રગટતો રોષ મને આહવાન આપી રહ્યો હતો.

થોડાજ વખતમાં મને અમુલ ડેરીમાં નોકરી મળી ગએલી અને મારી સફળતાનો ગ્રાફ સારો એવો જામેલો. મારી કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને સંસ્થાએ મેનેજમેન્ટના ઉચ્ચ અભ્યાસ અર્થે મને સ્પોન્સર કરેલ. આણંદ સ્થિત ઇન્ડિયાની વિશ્વ વિખ્યાત મેનેજમેન્ટ સંસ્થા, ઇન્સ્ટન્સ્ટીટ્યુટ ઓફ રૂરલ મેનેજમેન્ટમાથી, સ્નાતકની ઉપાધી લઈ હું અમુલમાં માનવ સંસાધન વિભાગમાં ફરજ બજાવતો. નિમણુક અને તાલીમ મારી મુખ્ય જવાબદારીઓ જેને લઈને ઘણા લોકો મને ઓફિસમાં તો ઠીક ઘરે પણ નોકરી માટે મળવા આવતા.

મને યાદ છે મારા મોસાળ ચક્લાશીથી એક બહેન તેમના દીકરાને લઈને નોકરી માટે મને ભલામણ કરવા મારી માંને મળવા આણંદ મારા ઘરે આવેલ. મારી માએ મારા બાપુને વાત કરી ને તેમણે મને અમુલ ડેરીમાં ફોન કર્યો. એ દિવસે હું કામ અંગે બહાર હતો એટલે એમણે એક ચીઠી લખી તે બહેનને મારા અમુલ ડેરીના નિવાસ સ્થાને મોકલી આપ્યા. ઘરે મારી પત્નીએ તેમને આવકાર આપી બેસાડ્યા, ખબરઅંતર પૂછ્યા ને પાણી આપ્યું. પાણી પીવાનો બહેને ધરાર ઇનકાર કર્યો. વિમાસણમાં પડેલ મારી પત્નીએ વિવેક ભાવનાથી પૂછ્યું, "તો પછી ચા બનાવું ?" ખુબજ સીફતાઈથી બહેને જવાબ આપ્યો, "રહેવા દો બહેન. ચાપાણીની માથાકૂટ ન કરશો. અમે બ્રાહ્મણ છીએ.....!?!  ડઘાઈ ગએલ મારી પત્ની વિસ્મય ચહેરે, અચંબા ભરી નજરે તેમને જોઈ રહી. આવેલ કામ અંગે થોડી વાતચિત કરી અરજીપત્ર આપી બહેન રવાના થઇ ગયા.

એ અઠવાડીએ હું મારા બાપુને મળવા ગયો ત્યારે મેં તેમને આ અંગે વાત કરી. પ્રતિક્રિયામાં તેમણે એક હળવું હાસ્ય કર્યું પણ તુરંત મૌન થઇ ગયા. મિશ્રિત લાગણીઓ સહ તેમનું આ ગહન મૌન તથા માર્મિક હાસ્ય હું પામી ગએલો. સમાજવ્યવસ્થામાં જ્ઞાતિપ્રથાને લઈ થતા અન્યાયો સામે મારા બાપુ આજીવન ઝઝૂમેલા. એક ઊંડો શ્વાસ લઇ, આંખો બંધ કરી, ધ્યાનમગ્ન થઇ ખુબજ ગંભીરપણે તેમણે મને કહ્યું, "જો બેટા, એ ભાઈની શૈક્ષણિક લાયકાત તારી સંસ્થાના ધારાધોરણો પ્રમાણે નિમણુક માટે યોગ્યતા પામતી હોય તો, તટસ્થ, ન્યાયી અને નિષ્પક્ષપણે તારી ફરજ બજાવજે અને તારી જવાબદારી નિભાવજે. એ બાબતે લગીરેય કોઈ ભૂલ ન કરતો અને રહી વાત એ બહેનની તો સાંભળ." અને તેમણે મને એક ખુબજ રસપ્રદ અને અર્થસભર વાત કહી જેનો હું નજરોનજર સાક્ષી હતો........

੧૯૮૨માં મારા બાપુ આણંદ નગરપાલિકાની ચુંટણીમાં ક્રિશ્ચિયન બહુમતી ધરાવતા અમારા વિસ્તારમાંથી ચુંટણી લડેલા. આ વોર્ડમાં વર્ષોથી, ખુબ ધનિક અને પોલીટીકલી પ્રતિષ્ઠિત એક ભાઈ ઉમેદવારી કરતા અને કાયમ ચુંટણી જીતતા. અને તે બીજું કોઈ નહિ પણ વર્ષોથી આણંદ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂકેલ શ્રી. બાબુભાઈ ગિરધરભાઈ પટેલ. બહુ મોટી હસ્તી. મારા બાપુ વિષે તેમને ઝાઝી જાણકારી નહિ પણ સાંભળેલું ખુબ એટલે એક દિવસ સામે ચાલીને તેઓ મારા બાપુને મળવા આવેલા. એ વખતે અમે સ્કુલની નજીક એક સોસાયટીમા અમારા પોતાના મકાનમાં રહીએ. આણંદ નગરપાલિકાના પ્રમુખ અમારે ઘરે આવ્યા છે એ વાત જાણી સોસાયટીના લોકો અમારા ઘર આગળ એકત્રિત થઇ ગયેલા. ઘરમાં અમેય આઘાપાછા થઈએ પણ મારા બાપુનું પેટનું પાણી ન હાલે.

ઉનાળાના દિવસો. કાળઝાળ ગરમી પડે. બેઠક ખંડમાં બાબુભાઈને મારા બાપુએ આવકાર્યા, ' આવો બાબુભાઈ, બેસો, કેમ છો ? શું લેશો ચ્હા....પાણી ? બાબુભાઈ બોલ્યા, ' સખત ગરમી પડે છે જોસેફભાઈ, ઠંડુ પાણી આપો પહેલા. મારા બાપુએ કહ્યું,' બાબુભાઈ, મારા ઘરે ફ્રીઝ નથી. માટલાનું પાણી છે. ચાલશે ? પ્રથમ મુલાકાતમાંજ બાબુભાઈ મારા બાપુની વાણી અને વિચારોથી પ્રભાવિત થઇ ગયેલા. તેમને લાગેલ કે મારા બાપુ જેવી વ્યક્તિ આણંદ નગરપાલિકાના સભ્ય હોવી જરુરી છે. એટલે તેમણે મારા બાપુને અંગત વિનંતી કરેલ કે જોસેફભાઈ તમે બીજા કોઈ વોર્ડમાંથી ઉભા રહો ને હું તમને જીતાડી આપીશ. કારણ બાબુભાઇને ખબર હતું. તોય મારા બાપુ ચૂંટણી લડેલા અને હારી ગયેલા એજ વોર્ડમાંથી. પણ બાબુભાઈ સજ્જન માણસ હતા. પ્રમુખ બન્યા બાદ તેમણે મારા બાપુને આણંદ નગરપાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન પદે નીમેલા........

વાતને અંતે અમે બંને મૌન થઇ ગયા. હું તેમના ચહેરા ભણી તાકી રહેલો. મારી જીજ્ઞાસાવૃત્તિ તેઓ કળી ગયા, બોલ્યા, ' બાબુભાઈ શિક્ષિત અને સમઝદાર વ્યક્તિ હતા. ગામડેથી આવેલ એ બહેન બે ચોપડીય ભણેલ નથી. તેનું જ્ઞાન, તેની સમઝ ગામડે રહેતા તેના સમાજ પુરતી સીમિત છે. શિક્ષણને અભાવે તેનું કુટુંબ-સમાજ પ્રગતિ નથી સાંધી શક્યો તેની માનસિક લઘુતાગ્રંથી અનુભવે છે. પણ જ્ઞાતિની ગુરુતાગ્રંથી નથી છોડી શકતી. ચક્લાશીના આપણા ઘરની બાજુવાળા આપણા જ મકાનમાં તે બહેન ભાડેથી રહે છે. જીવન નિર્વાહ માટે હવાતિયા મારે છે. પણ તેની માનસિકતામાંથી બહાર નથી આવી શકતી. તેમાં તેનો નહિ પણ તેની જ્ઞાતિ આધારિત મનોવૃત્તિનો વાંક છે. અહિયાં હું શિક્ષણ અને સંસ્કાર આધારિત સમાજની વાત કરું છું, જ્ઞાતિ આધારિત સમાજની નહિ. સ્વામી સચ્ચિદાનંદે લખેલ પુસ્તક "અધોગતીનું મૂળ વર્ણવ્યવસ્થા' વાંચજે. તારી માનસિક દ્વિધાનો ઉકેલ તને તેમાંથી મળી જશે. બાબુભાઈ વિદ્વાન અને સજ્જન વ્યક્તિ હતા. પાણી પીને તેનું ઋણ દાખવ્યું. માનવધર્મ અદા કર્યો. મારા ધરમના લોકોએ મારું જ ખાઈપીને ચુંટણીમાં મારો વિશ્વાસઘાત કર્યો. તારા મોસાળથી એ બહેન એક ભરોસે એક વિશ્વાસે આવી છે. તેના વિશ્વાસનું સંપાદન કરજે તેની નિમ્ન માનસિકતાનું નહિ.'

હું સ્તબ્ધ થઇ ગયો. મારા બાપુના એ વેધક શબ્દોએ મને વિચારતો કરી દીધો. વ્યવસાયિક હોદ્દાની રુએ મારામાં ઘર કરી ગયેલ મારોય અહંકાર ઓગળી ગયો. સદભાવનાનો એમના ચહેરા પર પ્રગટતો પ્રકાશ અને આદર્શો થકી પ્રગટતુ માણસાઈનું દિવ્ય તેજ મને અંજાવી ગએલ. સમન્વય અને સમભાવનાના સામાજિક સૌહાર્દથી ચમકતું તેમનું મુખડું મારા હૃદયચક્ષુ ભર્યા નયને હું દિગ્મૂઢ થઈ, ગર્વભેર જોઈ રહ્યો હતો.


આત્મવિશ્વાસ અને અહંકારમાં ભેદ છે. અહંકાર અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓના જ્ઞાનથી તેનો આત્મવિશ્વાસ વધે છે. દ્રઢવિશ્વાસ વ્યક્તિના દ્રષ્ટિકોણ, ભાવનાઓ તથા કર્મોને પ્રભાવિત કરે છે. વસ્તુતઃ એ આત્મવિશ્વાસ વ્યક્તિત્વને ઘણા પ્રબળ રૂપે પ્રભાવિત કરે છે. સત્યનું આપણું જ્ઞાન આપણા પોતાના જ્ઞાન સુધી સીમિત રહે છે. જ્ઞાનમાં વૃદ્ધિની સાથે જ પરમ સત્ય વિશેની આપણી ધારણા બદલાઈ જાય છે. જ્ઞાનપ્રાપ્તિની તૃષ્ણા અને જીવનના પરમસત્યની શોધની તેમની પ્રબળ ઈચ્છાને લઈને, તેમજ જીવનમાં હમેસ્સા નવું જાણવાની, જોવાની અને કંઈક નવું કરવાની તીવ્ર તમન્નાથી પ્રેરાઈને તેમણે ૧૯૮૮, સપ્ટેમ્બર માં જીવનનો પ્રથમ વિદેશ પ્રવાસ કરેલો.

ઇંગ્લેન્ડ અને અમેરિકાની તેમની યાત્રા દરમ્યાન તેમણે આ દેશોની સામાજિક વ્યવસ્થા અને રહેણીકરણીનો ખુબ ઊંડો અભ્યાસ કરેલો. વિદેશ પ્રવાસ દરમ્યાનના તેમના અનુભવો અમને તેઓ પત્રો ધ્વારા જણાવતા. અમેરિકામાં વસતા તેમના એક ધનિક પાટીદાર મિત્રે તેમને અમેરિકા કાયમી વસવાટ માટે ઓફર કરેલી. જેનો તેમણે ખુબજ સ્વાભાવિકણે નમ્રતાથી આદરપૂર્વક અસ્વીકાર કરેલો. ભૌતિક સુખ કે વૈભવ તેમને કદી પ્રભાવિત નહિ કરી શકેલા. પણ સામાજિક સદભાવના, સાહિત્યિક તૃષ્ણા અને માતૃભૂમિ માટે કંઈક કરી છૂટવાની તમન્ના ને તેમને વધારે મહત્વ આપેલું. વિદેશ યાત્રા બાદ, તેમની તેજાબી કલમ અને સામાજિક નીડરતા તેમના જાહેર કાર્યોમાં ઓર નીખરી આવેલા. તેમની નવલકથા " આંગળિયાત " માટે તેમને ૧૯૮૮ માં ગુજરાત સાહિત્ય અકાદમી તથા ૧૯૮૯ માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો દેશનો શ્રેષ્ઠ અને સર્વોચ્ચ પુરષ્કાર મળેલો. 'મારું તીર ધાર્યા નિશાને વાગે છે' એવા કટાર લેખથી વિજયી ટંકાર તેમણે અખબારો અને અનેક સામયિકોમાં ત્યારે કરેલો.

સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી. ઉમાશંકર જોશીએ " આંગળિયાત " ના ઓવારણા લેતા લખ્યું હતું, ' જોસેફ આંગળિયાતને નહિ પણ આંગળિયાત જોસેફને ઉજાગર કરે છે'. " આંગળિયાત " ના સર્જન ધ્વારા મારા બાપુ ગુજરાતી સાહિત્યમાં સમસંવેદી સર્જક તરીકે માનવસંવેદનાના વાહક અને એક કલ્યાણકારી માનવઆદર્શ બની ગયેલા.                            ક્રમશઃ .......