Friday, 19 December 2014


અંધારા ભેદાઈ ગયા.....ને........!


" પોસ્ટ લાવવાની તો રહી ગઈ, કાલે યાદ રાખી લેતા આવજો " ક્રિસ્મસનું શોપિંગ પતાવી ઘરમાં પગ મુકતાની સાથેજ પત્નીએ યાદ દેવડાવ્યું. કેનેડા સ્થાયી થયા બાદ દર વર્ષે વતનથી નાતાલની શુભેચ્છા પાઠવતા પત્રો અને ગ્રીટીન્ગ્સ કાર્ડની ખુબ ઈંતેજારી રહેતી. પત્રોમાં સ્નેહીજનોએ પ્રેમભાવે પાઠવેલ નાતાલની સલામ અને શુભેચ્છાઓ ક્રિસ્મસની વિદેશી ઉજવણીનો ખાલીપો ભરી દેતી એટલે વળતે દિવસે ઘરે આવતા મારા પોસ્ટબોક્ષમાંથી ટપાલ લેતો આવ્યો.

દર નાતાલે અન્ય પત્રો સાથે બાપુનો કાગળ અચૂક આવે. એકદમ આત્મસાત અને ભાવુક રુદયે લખાયેલો ! વાંચતાની સાથેજ આંખો ભરાય આવતી. ગ્રીટીન્ગ્સ કાર્ડ ક્રિસ્મસટ્રી ડેકોરેશન શોભાવતા અને બાપુનો કાગળ વતનમાં ઉજવાતી નાતાલની અનેરી યાદો દેવડાવતો. તેમાંય આણંદ દેવળના પટાંગણમાં મધરાતે થતો એ ભવ્ય અને સંગીતમય ખ્રિસ્તયજ્ઞ તથા ગરબાના તાલે આથમતી સંધ્યા સુધી ઉજવાતી નાતાલની તો ખાસ ! એટલે આ નાતાલે બાપુના કાગળની યાદો અને વતનમાં ઉજવાતી નાતાલના સંભારણાની સાથે સાથે એક અભૂતપૂર્વ ઈતિહાસ અને તેની અમુલ્ય કડી ગુમાવ્યાનો ઘેરો આઘાત મને અતીતના ઊંડાણમાં ખેંચી ગયો ................

કહે છે સંગીતની સાધના અને પ્રભુની આરાધના બંને મન ને અપાર શાંતિ બક્ષે છે. સંગીતવિશારદ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા મારા બાપુ સંગીતના ભારે ચાહક. " જીવન અંજલી થાજો મારું " એમનું ખુબજ પ્રિય ગીત અને "મોંઘેરા થઈને મારા મનમાં વસો" એમનું સ્વરચિત ગીત. હાર્મોનિયમ તેઓ ખુબ સરસ વગાડતા. ક્લાસિકલ સંગીતમાં નિપુણતા ધરાવતા મારા બાપુ એક અચ્છા ગાયક પણ હતા. ઘરે તેઓ કવચિત મનમસ્ત થઇ, મધુર અવાજે હાર્મોનિયમ પર કોઈ શાસ્ત્રીય રાગની ધૂન છેડતા. આખા ઘરમાં તેમનો સુર પડઘાઈ ઉઠતો. મને ખુબ ગમતું. મન મુકીને તેમને સંભાળતો અને આવડે નહિ તોય તેમના સૂરમાં સુર પુરવાની હું કોશીસ કરતો. ત્રાંસી નજરે મને જોતા,મરક મરક હસતા ને મઝાકમાં કહેતા,"રહેવા દે ભઈ તારા આ ભેંસાસુર અવાજને વધુ તકલીફ ન આપ." સેન્ટ ઝેવિયર્સ સ્કુલનો દૈનિક પ્રારંભ તેમના કંઠે ગવાયેલ પ્રાર્થનાગીત તથા હાર્મોનિયમવાદન ધ્વારા ન થાય તો કઈ ખૂટતું હોય એવુ લાગે. વર્ગમાં કવિતા ભણાવતા પહેલા તેને ગાઈ સંભળાવતા. બાજુમાંના વર્ગોનું શિક્ષણકાર્ય થંભી જતું અને સ્તબ્ધ થઇ બધા તેમને સાંભળતા.

ધર્મમાં અખંડ શ્રદ્ધા ધરાવતા મારા બાપુએ વર્ષો સુધી આણંદ ચર્ચના ક્વાયર-ગાયકવૃંદની જવાબદારી સંભાળેલી. ૧૯૭૦ ના દાયકાની આ વાત છે. ૨૪ મી ડીસેમ્બરની મધરાતે આણંદ ચર્ચના પટાંગણમાં દર વરસે ક્રિસ્મસનો ભવ્ય ખ્રિસ્તયજ્ઞ-ઉપાસનાવિધિ થાય. આણંદ શહેરની આજુબાજુના ગામડાઓ, વિસ્તારો અને ખૂણે ખૂણેથી તેમાં ભાગ લેવા અસંખ્ય લોકો ઉમંગભેર ઉમટી પડતાં. ક્રિસ્મસની ભવ્ય ઉજવણીરૂપ એવા આ ખ્રિસ્તયજ્ઞ માટે મારા બાપુ એક ખાસ ગાયકવૃંદ બનાવી ક્રિસ્મસના ભક્તિ ગીતોની ખુબ પ્રેક્ટીસ કરાવતા. હું અને મારા લંગોટિયા મિત્રો એ ગાયકવૃંદમાં પસંદગી પામી ગર્વ અનુભવતા. પ્રેક્ટીસ નવેંબર મહિનાથી ચાલુ થઇ જતી અને ગાયકવૃંદના સહુ સભ્યોની હાઝરી એમાં અનિવાર્ય ગણાતી. ખ્રિસ્તયજ્ઞ ચોવીસમી ડીસેમ્બરની રાતે મોટાભાગે સાડા અગિયાર ને બારની વચ્યે શરુ થઇ જતો. ૧૯૭૭ ની સાલની ક્રિસ્મસની આ વાત છે. ગાયકવૃંદમાં ભાગ લઇ રહેલ હું અને મારા મિત્રો ક્રિસ્મસ-ઈવ ઉજવવા ચોવીસમી ડીસેમ્બરની એ રાત્રે નવથી બારના શોમાં પિક્ચર જોવા ગએલા. અમને એમ કે ખ્રિસ્તયજ્ઞ ચાલુ થાય એ પહેલા આવી જઈશું. બહુ વાંધો નહિ આવે. પણ અમારી ધારણા ખોટી પડી. અમે મોડા પડેલા. ખ્રિસ્તયજ્ઞ ચાલુ થઇ ગએલો અને ગાયકવૃંદમાં અમારી ગેરહાઝરીની ગંભીર નોંધ લેવાએલી. મારા બાપુ ખુબજ ક્રોધે ભરાયેલા. અમે દોડતા આવી, લપાતા છુપાતા છાના માંના ધીરે રહીને ગાયકવૃંદમાં પાછળ ગોઠવાઈ ગયેલા. અમને એમ કે કોઈને ખબર નહિ પડે. પણ ગુસ્સાથી પહોળી થઇ ગએલી આંખોની એમની ધારદાર નજર અમે ચૂકાવી ન શક્યા. મોડા પડ્યાની ભૂલ અને દુખની લાગણી અનુભવતા, શરમના માર્યાં શિર ઝુકાવીને અમે ગાયકવૃંદ સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો.

ખ્રિસ્તયજ્ઞ આગળ વધ્યો અને ખ્રિસ્તપ્રસાદ વેળાએ એમનુ એ લોકપ્રિય ગીત એમના મધુર અને ઊંચા અવાજે ચારેકોર ગુંજી ઉઠ્યું......... " અંધારા........ ભેદાઈ ગયા....... ને....... ઝળહળી ઉઠી રાત.........! " ઇસુ જન્મની વધાવણી હરખાતા, ગાતા અને ગીતનો બોલ ઝીલી લેવા તેમણે મધુર વદને અમારી પર એક મીઠી અને ભાવુક નજર નાખી. જાણે કશુજ નથી બન્યું એવી માફ કરતી તેમની અમીદ્રષ્ટિ પામી અમે ખુશીના માર્યાં બમણા અવાજે સૂરમાં સુર પુરાવ્યો........." આજે જન્મ્યો તારણહારો....પ્રાચીમાં થયો તારાનો ઝબકારો રે.....આજે જન્મ્યો .... તારણહારો ......! " મને યાદ છે મોડા પડ્યાનું દુખ અનુભવતા અમે સૌએ તેમનું એ પ્રિય ગીત છેક છેલ્લે સુધી મન મુકીને પૂરી લગનથી ગાયેલું કે કદાચ અમારી લગનથી પીગળી તેઓ અમને માફ કરી દે. ખ્રિસ્તયજ્ઞ પતી ગયેલો. ગાયકવૃંદના સભ્યો મારા બાપુને ક્રિસ્મસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. પસ્તાવાની લાગણી અને દ્વિધા અનુભવતા અમે એક ખૂણામાં ઉભા રહેલા. સૌ કોઈને ક્રિસ્મસની શુભેચ્છા પાઠવતા મારા બાપુ સામે ચાલી અમારી પાસે આવ્યા. મસ્ત મને અમને સૌને ભેટી 'મેરી ક્રિસ્મસ' ની ભાવભીની શુભેચ્છાઓ પાઠવી. અમે હરખાઈ ઉઠ્યા અને સામે તેમને પણ અમે શુભેચ્છાઓ પાઠવી. કશાપણ મનવિગ્રહ વગર હસતા ચહેરે તેમણે એમની વિશિષ્ઠ શૈલીમાં પણ મઝાકમાં અમને વ્યંગ્ય બાણ માર્યું ..... "ક્યાં ગઇતી મારી ગાયિકાઓ.... પિક્ચર જોવા ? " સંગીત અને સાહિત્યના સંગમથી જીવનને સુરમય કરી દેતા એક શ્રેષ્ઠ સંગીત શિક્ષક અને દરિયા જેવું વિશાળ દિલ ધરાવતા મારા બાપુને હું ભાવ વિભોર થઇ જોઈ રહ્યો હતો........!

અતીતની એ વાતને વર્ષો વીતી ગયા. હું કેનેડા સ્થાયી થઇ ગયેલ. ૨૦૦૬ નવેમ્બર, અમારા હરખ વચ્યે મારા બાપુ કેનેડા પધારેલા. ડીસેમ્બર મહિનો બેસી ગયેલો, નાતાલઋતુનું આગમન થઇ ચૂકેલું. ઠંડી ખુબ પડેલી પણ સ્નો નહોતો પડ્યો એટલે વ્હાઈટ ક્રિસ્મસ થવાની શક્યતા લાગતી નહોતી. સ્નોની રાહ જોતા મારા બાપુ અચરજ ભાવે મને પૂછતા કે બેટા તો શું આ વખતે બ્લેક ક્રિસ્મસ છે ? હરખભાવે નાતાલ ઉજવવા મારા ઘરે પધારેલ કેનેડીયન ગુજરાતી કેથોલિક પરિવારોને મારા બાપુએ સ્નેહભાવે સંબોધેલા, " વ્હાલા વતનપ્રેમીઓ.....નાતાલની સલામ સૌને......." ત્યારે હાઝર રહેલ સહુની આંખો વતનની યાદમાં ભાવભીની થઇ ગયેલી થઇ. ઉમળકાભેર એમણે નાતાલનું એમનુ એ પ્રિય ગીત, "અંધારા........ ભેદાઈ ગયા " અમારી સાથે ગાયેલું ને એમની એ નાતાલ ઉમંગભેર કેનેડામાં ઉજવાયેલી. હું ધન્ય થઇ ગયેલો. વતન પરત ફર્યા બાદ બાપુએ કેનેડામાં ઉજવેલ એ નાતાલની યાદો સંભારતો કાગળ લખેલો અને કેનેડામાં અમારી સાથે વધુ સમય ન ગાળી શકાયાનો વસવસો વ્યક્ત કરેલો. 

ત્યારબાદ દર નાતાલે બાપુનો કાગળ અચૂક આવતો. સમય વીતતો ગયો. કેનેડા સ્થાયી થયાને લગભગ એક દશકો થવા આવેલ. ૨૦૦૯, ડીસેમ્બર મહિનો, નાતાલઋતુનું આગમન થઇ ચૂકેલું પણ મને કઈ ખાસ ઉમળકો કે આનંદ નહોતો થતો. કંઇક અલગ પ્રકારની ભીતિ, એક અજીબ ભ્રાંતિ મારા મનને સતાયા કરે. ક્રિસ્મસ ડેકોરેશન ઘરમાં વિધિવત થઇ રહ્યું હતું તેમાં મન પરોવ્યું તોય ઉચાટ શમે નહિ. ધીમું ધીમું પણ કર્ણપ્રિય નાતાલગીત " હરખે ઘેલા ભક્તો આવો " ખૂણામાં મુકેલ સીડી પ્લેયરમાંથી ગુંજી રહ્યું હતું. ક્રિસ્ટમસ ટ્રી સજાઇ ગયું હતું. માત્ર સાન્તાક્લોઝનું મોજું ક્યાં મુકવું એની અવઢવ હતી. ટીનેજર પુત્રને તેમાં કઈ ખાસ રસ નહોતો, સહજભાવે એનો અભિપ્રાય વ્યક્ત કર્યો " લુક ડેડ આઈ એમ ટુ ઓલ્ડ ફોર સેન્ટા નાઉ " દીકરો મોટો થઇ ગયાનો ગર્વ તો થયો પણ સમયના વ્હેણમાં, કેનેડાના અતિવ્યસ્ત જીવનમાં એનું બાળપણ ક્યાં અને ક્યારે વીતી ગયું એનો દુખદ એહસાસ વધારે થયો. નાનો હતો ત્યારે નાતાલના કપડા લેવા ઢાલગરવાળ ગયેલ મારા બાપુની હું કાગડોળે રાહ જોતો. સાંજ પડી ગઈ હોય ને મારા બાપુ આવે નહિ ત્યાં સુધી હું મારા ઘરની ગલીના નાકે બેસી રહેતો. ખભે થેલા ઉચકી આવતા મારા બાપુને હું દુરથી જોતો એ દ્રશ્ય આજે મને સાન્તાક્લોઝ કરતાય વધારે અર્થસાદૃશ્ય ભાસે છે. વર્ષે એક વાર મળતી ને દીકરા સાથે દિલનો હરખ પૂરી કરાવતી એ કડી હવે સાન્તાક્લોઝ વતી સાધી નહિ શકાય એનો વસવસો થઇ આવ્યો, ભાવુક મારી આંખ જળજળાં થઈ ગઈ. પરિસ્થિતિનો તાગ પામી ગયેલ પત્નીએ વાત વાળી લીધી, " પોસ્ટ લાવવાની રહી ગઈ છે ......બાપુએ કાગળ લખ્યો હશે." મારી વિચારધારા તૂટી ગઈ. બીજે દિવસે ક્રિસ્મસનું શોપિંગ પતાવી વળતા પોસ્ટ લેતો આવ્યો.

એ વર્ષે નાતાલ આવી પણ બાપુનો કાગળ ન આવ્યો. સ્પોન્ડીલીટીસની ભયંકર વેદનાએ તેમને કલમવિહોણા કરી દીધેલા. ઢીંચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લીધે મારા બાપુ પથારીવશ થઇ ગયેલા. અને એક દિવસે સમાચાર આવ્યા બાપુ બહુ બીમાર છે આઈસીયુ માં દાખલ કર્યા છે. પથારીવશ બાપુએ મારી ખુબ રાહ જોયેલ પણ હું સમયસર પહોંચી ન શક્યો. પહોંચ્યો ત્યારે આણંદના એ દેવળમાં જ્યાં તેમણે જીવનના સત્યાવીસ વર્ષો નાતાલના ગીતો ગાયેલા એજ દેવળમાં તેમનો નિષ્પ્રાણ દેહ પોઢી ગયેલો અને ખ્રિસ્તયજ્ઞના સંગીતવૃંદમાં તેમના જીવનનું અંતિમ ગીત ગવાઈ રહ્યું હતું, " જીવન અંજલી થાજો મારું ". જીવનની છેલ્લી નાતાલ હતી તેમની. 

મારા બાપુની એક વાત આજેય મને ખુબ સતાવે છે. તેઓ કહેતા કે બેટા, "એક્સપેક્ટેશન્સ આર બેટર ધેન ફૂલફીલમેન્ટ". અકાળે આવેલ મારા બાપુના આવા મૃત્યુની અને તેમના વિનાની નાતાલની મેં કલ્પના સુદ્ધા નહોતી કરી પણ આ વિધિના લેખ છે.

બાપુ વિહોણી નાતાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી છે. ચારેકોર તેની વધામણી થઇ રહી છે. હરખે ઘેલા ભક્તો નાતાલના ગીતો ગાઈ રહ્યા છે. ક્રિસ્મસ શોપિંગ અને ક્રિસ્મસ ડેકોરેશન ઘરમાં વિધિસર થઇ ગયું છે. સાન્તાક્લોઝનું મોજું મુકાય ગયું છે. ક્રિસ્ટમસટ્રી બરાબર બાપુના ફોટા પાસે સજાવાયું છે. મારી સામે રહેતા કેનેડીયન ગોરાએ તેના ઘર પર ઝગારા મારતી રોશની કરી છે. આ વખતે ડીસેમ્બર મહિનો વ્હાઈટ ક્રિસ્મસ લઈને આવ્યો છે. સ્નો મન મુકીને પડી રહ્યો છે. દિવસો ટૂંકાઈ ગયા છે એટલે રાત વહેલી પડે છે. સ્નોમાં પરાવર્તિત થતા ચંદ્રકિરણોથી અંધારા ભેદાઈ ગયા છે ને તારામઢેલ રાત ઝળહળી ઉઠી છે. ખૂણામાં મુકેલ સીડી પ્લેયરમાંથી બાપુનું પ્રિય ગીત, " અંધારા ભેદાઈ ગયા ને ઝળહળી ઉઠી રાત " ગુંજી રહ્યું છે પણ તારાઓના ટોળાઓ માંહે મને એક જુદીજ વાત સંભળાય છે....................

" બેટા મધુ, 
પોતાને સાચું સમજાઈ રહ્યું છે એવું માનવા છતાં પણ, માણસ સત્યને અનુસરે નહીં એ સૌથી મોટી કમનસીબી, એ સ્વીકારે નહિ એ જાત સાથેની છેતરપિંડી અને એ પ્રમાણે જીવે નહીં એ કાયરતા છે. આવી આત્મવંચના વચ્ચે જીવવું એના કરતા માંહ્યલો કહે એમ મરીમીટવું એ જ જિંદગી જીવ્યાનો હરખ છે. ઇસુજન્મ નિમિત્તે ઈસાઈ હોવાનો જો તું ગર્વ અનુભવતો હોય તો ઇસુપણું ઉજવજે.......નાતાલ નહિ." ....લીખીતન બાપુ,  ઇસુજયંતી,  ૨૦૦૮.

જીવનનો છેલ્લો નાતાલપત્ર હતો તેમનો સત્યનો મર્મ સમઝાવતો અને શુભેચ્છાઓ પણ, નાતાલનો મર્મ સમઝાવતી ! આ વખતે નાતાલની ઢગલો પોસ્ટ આવી છે ખાલી બાપુનો કાગળ જ નથી આવ્યો એમાં.

મધુરમ મેકવાન.
૨૦, ડિસેમ્બર, શુક્રવારની મધ્યરાત્રી, 
સમય બાર વાગીને બે મિનીટ,ઇસ્વીસન ૨૦૧૩.
બ્રામ્પટન, કેનેડા.