Sunday 3 April 2016



 હું, બાપુ, સુરેશકાકા....અને ધોતી !


" આ મારો વચેટ દીકરો, મધુરમ, અમુલ ડેરીમાં મીકેનીકલ એન્જીનીયર છે. " મુંબઈથી આવેલ તેમના મિત્ર સુરેશ જરીવાલાને બાપુએ મારો પરિચય આપ્યો. ઇમ્પ્રેસિવ પર્સનાલીટી ધરાવતા એ મેહમાનનું મેં એક વેલકમ સ્માઈલ અને હસ્તધૂનનથી અભિવાદન કર્યું. સુરેશભાઈ મારા બાપુના ખાસ અને અંગત મિત્ર. સાહિત્ય રસિક હોઈ મુંબઈમાં યોજાતા સાહિત્ય સંમેલનોમાં તેઓ મારા બાપુના સંપર્કમાં આવેલા. બાપુની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ તેમના ચાહક અને ભક્ત બની ગયેલા. આજે પહેલી વાર મારા ઘરે પધારેલા.

વર્ષોથી મુંબઈ રહેતા સુરેશભાઈ એક ધનાઢ્ય ગુજરાતી બીઝનેસ પરિવારમાંથી આવે. પણ ખુબ સીધાસાદા અને સરળ. શ્રીમંતાઈનો કોઈ અહમ, દંભ કે દેખાડો નહિ. સ્વભાવે હસમુખા અને મિલનસાર. વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા અને વસ્ત્રોમાં સાદાઈ ઉડીને આંખે વળગે. ઉંમરમાં નાના એટલે મારા બાપુ તેમને સુરેશ કહી સંબોધે ને સામે સુરેશભાઈ પણ એટલાજ પ્રેમને વ્હાલથી તેમને " બાપુ " કહી બોલાવે.

એંસી નેવુના દશકાની આ વાત છે. મુંબઈમાં મારા બાપુના સાહિત્યિક કાર્યક્રમો અવારનવાર યોજાય. ઉતારો સુરેશભાઈ ફરજીયાત એમને ઘરે રાખે. તેમની પાસે ટાટા એસ્ટેટ કાર. રેલ્વે સ્ટેશન પર જાતે બાપુને લેવા મુકવા જાય. ઘણીવાર એ કાર લઈ છેક મુંબઈથી ડ્રાઈવ કરી આણંદ મારા ઘરે આવતા ને રાત રોકાતા. હું તેમની આગતા સ્વાગતા કરતો. ઉંમરમાં મારાથી દસ બાર વર્ષ મોટા પણ ખુબ વાચાળ એટલે મારી જોડે ફાવી ગયેલું. સવારે વ્હેલ્લા ઉઠી એ ચાલવા નીકળે સાથે મનેય લઇ જાય. પરત ફરી નાહીધોઈ પરવારી સુરેશભાઈ કોટનની સફેદ ધોતી ને અડધી બાંયનું પહેરણ પહેરી મારા બાપુ સાથે સાહિત્યિક ગોષ્ટી કરે. તેમની આ સાદગીથી હું ખુબ પ્રભાવિત.

એકવાર મેં અમસ્તાજ કહેલું, કાકા મારેય ધોતી પહેરવી છે. તેમની બેત્રણ ધોતીમાંથી એક મને આપેલી સાથે સાથે ધોતી પહેરતા પણ શીખવાડેલું. ઉનાળાની રજાઓમા તે અચૂક મારે ઘરે આવતા. રાત રોકાતા. સવારે કાયમ ધોતી ને પહેરણ પહેરતા. એમના આ સાદગીભર્યા વ્યક્તિત્વ સાથે મારો એક સહજ રિશ્તો બની ગયેલો. કોઈ કોઈ વાર ઘરે હું આમ અમસ્તોજ તેમણે આપેલી ધોતી પહેરતો તો મારા બાપુ મને ટકોરતા, ' સાદગી માત્ર વસ્ત્રોમાં નહિ બેટા આચરણમાં પણ એટલીજ જરૂરી છે.'

ઓગણીસો છન્નુંના ડીસેમ્બર મહિનામાં સુરેશકાકા સપરિવાર ગાડી લઈ મારા નાનાભાઈ અમિતના લગ્નમાં પધારેલ. ત્રણેક દિવસ રોકાયેલ. લગ્નની તૈયારીઓ અને લગ્નમાં ઉમળકાભેર ભાગ લીધેલો. રિસેપ્શન સાંજના હતું ને મોડી રાત સુધી ચાલેલું. ખાણીપીણી ને ખાસ તો પીણીમાં હું થોડી મર્યાદા વટાવી ચુકેલો. સુરેશકાકાનુ ધ્યાન ગયેલું. વારે ઘડીએ આવીને મને પૂછે, મધુરમ, આર યુ ઓલરાઇટ ? પણ પીણીનો એ અતિરેક મારા વાણી વર્તનમાં સ્પષ્ટપણે વર્તાતો હતો. મને ખબર નથી રિસેપ્શનમાંથી હું ઘરે ક્યારે અને કેવી રીતે ગયો. સવારે ઉઠ્યો ત્યારે એજ વસ્ત્રોમાં હતો જે મેં રિસેપ્શનમાં પહેરેલા....સુટ ચીમળાઈ ગયેલું, પેન્ટ ઢીલું થઇ ગયેલું, ટાઈ અડધી નીકળી ગયેલી અને પગમાં મોજા ! મારા ઉઠવાની નોંધ સૌ પ્રથમ  બાળકોએ લીધેલી. સહાનુભુતિસહ ચારેય બાજુથી ઘેરી વળી વિસ્મય નજરે મને નિહાળી રહેલા. અમદાવાદ રહેતી ને હિંદુ પરિવારમાં પરણેલી મારી નાની બહેન અર્ચનાના છએક વર્ષના દીકરા શિવમને મારા પ્રત્યે વિશેસ લગાવ. ટીપીકલ અમદાવાદી બોલીમાં ઊંચા અવાજે તેણે મારા જાગવાનો જાહેર પ્રતિભાવ આપ્યો, ' એ બે.... મધુમામા ઉઠી ગયા......! '


ડ્રોઈંગ રૂમમાં સુરેશકાકા અને બાપુ મારા ઉઠવાની રાહ જોઈ રહેલ, ' એજ વસ્ત્રોમાં પહેલા અહી આવ ' ફરમાન થયું. શરમિંદ ચહેરે હું હાઝર થયો. કુતુહલવશ બાળકો મારી પાછળ પાછળ સહાનુભુતિ દર્શાવતા મારી સાથે થયા. મારા બાપુ કૈંક બોલે એ પહેલા સુરેશકાકા મારી વારે ધાયા, ' એવું તો ચાલ્યા કરે મધુરમ, ડોન્ટ વરી, ટેક ઈટ ઇઝી, યુવાનીમાં તારી જેમ હું પણ આવી પરિસ્થિતિઓમાંથી ઘણી વાર પસાર થઇ ચુક્યો છું. ચાલ જલ્દી કર હવે. નાહિ ધોઈ ફ્રેશ થઇ જા મારે તારી અમુલ ડેરી જોવા જવું છે.' સ્નાન કરી બહાર નીકળ્યો ત્યારે સુરેશકાકા મારા માટે ધોતી લઇને ઉભેલા. એ દિવસે મેં, બાપુ અને સુરેશકાકા, ત્રણેય જણે ધોતી પહેરેલી. ઉગતા સુરજની સાક્ષીએ બાપુએ મારી જોડે પ્રણ લેવડાવ્યું, ' એક વર્ષ માટે એ પીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ '. સુરેશકાકાએ મુક સંમતિ આપેલી.

તે વખતે હું, અમુલમાંથી ફર્ધર સ્ટડી અર્થે ઈરમા માં મેનેજમેન્ટ નું ભણતો. બરાબર એક વર્ષ બાદ વેકેશનમાં હું સપરિવાર મુંબઈ સુરેશકાકાને મળવા ગયેલ. ત્રણેક દિવસ રોકાયેલો. કાકા બહુ ખુશ. સવારે ઉઠી, નાહીધોઈ પરવારી, ધોતી પહેરી અમે બંને સાથે બેસી ચ્હા નાસ્તો કરતા, પેપર વાંચતા, વાતો કરતા. કાકાને મારી કંપની ખુબ ગમેલી. તેમના આગ્રહને લઇ સમય મળ્યે હું કોઈ કોઈ વાર તેમને મળવા મુંબઈ જતો ને રાત રોકાતો. ધોતી સાથે મારી ને કાકાની જોડી ખુબ જામેલી.

સમય વીતતો ગયો, સાલ 2001, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું. હું મુંબઈ તેમને મળવા ગયેલો. નારાજ હતા મારાથી કે તું મને અને બાપુને છોડી વિદેશ જલસા કરવા જતો રહે છે.

કેનેડા જયારે જયારે બાપુ પત્ર લખતા ત્યારે સુરેશકાકાની અચૂક યાદ મોકલતા કે તને ખુબ મિસ કરે છે. સાલ 2003 માં મારી નાની બેન ગૌરા કેનેડા માઈગ્રેટ થયેલી. તેની સાથે મારા બાપુએ એક સફેદ ધોતી, પહેરણ અને ગાંધી ટોપી મારા માટે ખાસ મોકલાવેલ. વિકેન્ડમાં ઘણી વાર હું એ ધોતી પહેરણ પહેરતો. વતનની યાદો વાગોળી બાપુ અને સુરેશકાકાને યાદ કરતો. 2006 સપ્ટેમ્બરમાં મારી ભત્રીજી ગુંજા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવી ત્યારે એજ સફેદ ધોતી પહેરી હું એરપોર્ટ પર તેને રીસીવ કરવા ગયેલો.

2006 નવેમ્બરમાં મારા બાપુ કેનેડા પધારેલ. બેગો ખોલીને સૌ પ્રથમ એક નાનું પાર્સલ મને આપ્યું, ' ખોલીને જો શું છે એમાં ' હું ખુબ ખુશ થઇ ગયેલ. આછા સોનેરી રંગની એક સુંદર રેશમી ધોતી હતી એમાં. સુરેશકાકાએ ખાસ મારા માટે ગીફ્ટ મોકલેલ. હું નાઈટ શિફ્ટ કરતો એટલે સવારે મોટે ભાગે ઊંઘતો હોઉં પણ સાંજે જાગું ને મારા બાપુ ઘરે હોય તો અમે બંને ધોતી પહેરી વાંચન, વાર્તાલાપ અને સત્સંગ કરતા. સુરેશકાકાને ખાસ યાદ કરતા. બાર વર્ષનો મારો દીકરો બોબી અને તેનો કેનેડીયન મિત્ર રોબર્ટ અચરજ ભાવે મને નિહાળી રહેતા, 'વોટ હેવ યુ ડ્રેસ અપ ડેડ ? ' ધોતીનું સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારણ ન કરી શકતો બોબી રોબર્ટને કહેતો,' ઇટ્સ એ ટીપીકલ ઇન્ડિયન ડ્રેસઅપ ડ્યુડ....કોલ્ડ એઝ " ડોટી ". બાપુની કેનેડા વિદાય બાદ ધોતી પહેરવાનું ધીમે ધીમે ઓછું ને છેલ્લે તો લગભગ સાવ બંધ જેવુજ થઇ ગયેલું.

સમય વીતતો ગયો....સાલ 2010....જાન્યુઆરી....બાપુ ઢીચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લઇ બહુ નંખાઈ ગયેલા. હું ઇન્ડિયા ગયેલો. બાપુ બહુ અસ્વસ્થ જણાતા હતા. મને કહેલું, પાછા વળતા સમય મળે તો મુંબઈમાં એરપોર્ટ પરથી સુરેશને ઘરે આંટો મારી આવજે. મારી પાસે બેજ વીકની રજા હતી અને મુંબઈમાં એટલો હોલ્ટ પણ નહોતો એટલે શક્ય બને એમ નહોતું. વિદાય વેળાએ મેં બાપુના ચરણસ્પર્શ કર્યા ત્યારે ખુબજ ભાવુક થઇ ગયેલા. મને યાદ છે એ વખતે તેમણે ધોતી પહેરેલી. બંને હાથ મારે માથે મૂકી કહ્યું, " આવજો બેટા ! ખુબ સુખી થજો જીવનમાં ખુબ તરક્કી કરજો, બાપુના આશીર્વાદ છે." સામાન્ય રીતે આવજો સાથે સહીસલામત હવાઈ યાત્રાની શુભેચ્છા પાઠવતા બાપુના એ ઉદગારો મારા મનને એક અકળ શંકા ને સંદેહ સાથે ઘેરી વળેલા કે બાપુ આવું કેમ બોલે છે ? વ્યથિત હૈયે હું વિદાય થયો. કેનેડા આવી મારી આ માનસિક મૂંઝવણનું સમાધાન થાય એ પહેલા માંડ દોઢ બે મહિના બાદ માર્ચની 28 તારીખે, ટૂંકી બીમારી બાદ બાપુ અકાળે અવસાન પામ્યા. પણ એ પહેલા તેઓ સુરેશકાકાને મળવા મુંબઈ ગયેલા અને તેમની સાથે એક લાંબી વાત અને મુલાકાત કરેલ.

મારા ઘરના દિવાન ખંડના એન્ટ્રન્સમાં બાપુની મનમોહક તસ્વીર સાથે મેં તેમનું સ્મારક બનાવ્યું છે. હવે હું ડે શિફ્ટમાં છું એટલે રોજ સવારે ઉઠી બાપુને પગે લાગી દિવસની શરૂઆત કરું છું. વિકેન્ડમાં પણ સવારે વહેલો ઉઠી, નાહીધોઈ પરવારી, સુરેશકાકાવાળી રેશમી ધોતી ને ઝભ્ભો પહેરી બાપુને પગે લાગી વાંચન લેખન સાથે દિનચર્યાનો આરંભ છેલ્લા દોઢેક વર્ષથી હવે એક નિત્યક્રમ બની ગયો છે. પણ એક વાત દિલને સતત ડંખ્યા કરે છે, કાયમ મનમાં ખટક્યા કરે છે.

બાપુના મૃત્યુ બાદ સુરેશકાકાનો પત્ર આવેલ. પત્રમાં કાકાએ બાપુ સાથે થયેલ એ છેલ્લી મુલાકાત અને લાંબી વાતનો ઉલ્લેખ કરતા લખેલ કે, મધુરમ હવે પછી જયારે પણ ઇન્ડિયા આવે ત્યારે મને અચૂક મળજે. તારી સાથે ધોતી પહેરીને બેસવું છે અને બાપુએ મને કહેલ છેલ્લી બધી વાતો તારી સાથે શેર કરવી છે.

કમનસીબે હઝું સુધી નથી એ દિન આવ્યો કે નથી કાકાને રૂબરૂ મળી શકાયું. જયારે જયારે ઇન્ડિયા જાઉં છું ત્યારે સઘળા પ્રયાસો છતાં મળવાનું શક્ય બનતું જ નથી.......

આજે બાપુની છઠ્ઠી પુણ્યતિથી છે. એજ રેશમી ધોતી અને ઝભ્ભો પહેરી દિવાન ખંડના સ્મારકમાં મુકેલ તેમની તસ્વીર સામે ઉભો છું....વ્યથાના એક ભારી બોજ સાથે.... દિલમાં વેદના છે.... મન વ્યગ્ર છે.....વ્યાકુળ છે..... એક ભારી સંતાપથી.....એક વિશાદથી......!

" કાકા નારાજ છે. પણ તસ્વીરમાં બાપુ એથીય વધુ નારાજ જણાય છે..... ફરિયાદ કરે છે.....બેટા, સુરેશકાકાને મળવા તું હઝું સુધી કેમ નથી ગયો.....!?! "


મધુરમ મેકવાન.
સોમવાર, તારીખ ૨૮ મી માર્ચ,
સમય સવારના સાત વાગીને બે મિનીટ.
સને બેહઝાર સોળ.
કેનેડા.