Saturday 15 November 2014


ગુરુગોવિંદ....દોનો....મારા બાપુ. 


ભૌતિક સંસ્કૃિતઓ આનુવંશિક નથી હોતી પરંતુ મૂલ્ય સંસ્કૃિત આનુવંશિક હોય છે. જેનો સાક્ષાત્કાર મેં મારા બાપુની જીવનપ્રણાલિકામાં કરેલો . જીવનમાં મેં તેમને કદી નવરા પડેલા નથી જોયા. જયારે પણ જોઉં ત્યારે કાયમ કંઈક ને કંઈક કાર્યમાં વ્યસ્ત. વાંચનનો તેમને હદબહારનો શોખ. હું વાંચતો લખતો થયો ત્યારથી મેં અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ મેગેઝીનો આવતા જોયેલા. વાંચવાનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલો. લખવાનો પણ તેમને ખુબ શોખ. યુવાનીમાં તેમણે લખેલ તેમની સૌ પ્રથમ વાર્તા ત્યારે 'ચાંદની' સામયિકમાં પ્રગટ થયેલ. પણ પછીથી કોઈ કારણોસર લખવાનું તેમણે છોડી દીધેલું જે છેક ૧૯૮૧ માં ફરીથી ચાલુ કરેલું. પુનઃલેખન ચાલુ કર્યા બાદ તેઓ વધારે વ્યસ્ત રહેતા. પણ રાત્રે સહકુટુંબ સાથે જમવાનો અમારો નિત્યક્રમ અચૂક નિભાવતા. જમ્યાબાદ તેઓ અમારી સાથે ખુબજ રસપ્રદ વાતો અને માહિતીસભર ચર્ચા મોડી રાત સુધી કરતા. ખાવાપીવાના શોખીન મારા બાપુ ફીઝીકલ ફિટનેસનો પણ ખુબ ખ્યાલ રાખતા. કસરત માટે ચાલવાનું તેમને ખુબ ગમે. ગમે તેટલા વ્યસ્ત હોઈ પણ ચાલવા માટે હમેંશા સમય ફાળવતા. શરીર સૌષ્ઠવ જાળવવા તેઓ લોંગ વોકને ખુબ પ્રાધાન્ય આપતા. નિવૃત્તિ બાદ પણ તેમણે આ સિલસિલો ચાલુ રાખેલો. ત્યારે હું અમુલ ડેરીના ક્વાર્ટર્સમાં રહેતો. વિકેન્ડમાં કાયમ હું તેમને મળવા આવતો અને અમે સાંજે લોંગ વોક માટે નીકળી પડતા. ચાલતા નીકળી અમે અમારા ઘરથી છેક ચિખોદરા ગામની આંખની હોસ્પિટલ સુધી જઈને પરત ફરતા. અઢી-ત્રણ કલાકના આ લોંગ વોકમાં,મારા બાપુ મારી સાથે સામાજિક નીડરતા, નિષ્પક્ષતા તેમજ જીવનના નૈતિક મુલ્યો અંગે તેમના સ્વાનુભવોની ખુબજ માર્મિક ચર્ચા કરતા અને આ આદર્શ મૂલ્યોનું મારામાં સિંચન કરતા. તેમની વધુ નજદીક આવવાનો અને ઓળખવાનો સૌથી ઉત્તમ સમય હતો આ મારા માટે. એક સજ્જન, સંનિષ્ઠ અને ઉમદા વ્યક્તિત્વના તેમના જીવનપાઠ મારા પાંગરતા વ્યક્તિત્વ પર ખુબ ઊંડી અસર કરી ગયેલા.

એક આદર્શ શિક્ષકની જેમ મારા બાપુ શિક્ષણના તેમના વ્યવસાયને આજીવન તન,મનથી સમર્પિત રહેલા, શિક્ષણ તેમનું પેશન હતું. સર્વસ્વ હતું. તેઓ દ્રઢપણે માનતા કે,' એક આદર્શ શિક્ષક એ એક એવી વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના મન અને હૃદયને કેળવે છે. પોતાના શિક્ષણ ધ્વારા એ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનો વિકાસ કરે છે, હતાશા કે આઘાતથી ચારિત્ર્ય રુંધાય નહિ તેની તકેદારી રાખે છે. શિક્ષકનું વલણ વિદ્યાર્થીમાં મનનું સામર્થ્ય પ્રગટાવે છે, ઈન્દ્રીયોનો વિકાસ કરે છે જે વિદ્યાર્થીને ભવિષ્યમાં ઉપયોગી થાય. વિદ્યાર્થી એ કુટુંબ, સમાજ અને દેશ માટે ખુબ અગત્યની વ્યક્તિ છે.' આવા ઉચ્ચ વિચારો ધરાવતા મારા બાપુએ શિક્ષણની કલાને તેમની આગવી અદાથી ખુબ નીખારેલી. સ્કુલમાં આજ્ઞાકિંતતા અને નીતિનિયમનના ભારે આગ્રહી એવા મારા બાપુ શિસ્તપાલન માટે કડક વલણ ધરાવતા. એટલે સ્કુલમાં એક કડક શિક્ષક તરીકે તેમનો ભારે પ્રભાવ અને રૂઆબ. પણ એક આગવી અને વિશિષ્ઠ શિક્ષણશૈલીને લીધે વિદ્યાર્થીઓ તેમના દીવાના. વર્ગમાં વિદ્યાર્થીઓને રમુજી રીતે "ચલ ઉભી થા, ક્યાં ગઇતી તુ" જેવા હળવા વ્યંગબાણથી તેમનું સંબોધન કરતા, જેનું વિદ્યાર્થીઓ ક્યારેય ખોટું નહિ લગાડતા. ખુબજ રસપ્રદ અને વિષયલક્ષી દ્રષ્ટાન્તો સાથે ઓતપ્રોત થઇ ભણાવતા. વિદ્યાર્થીઓ ભણવામાં એટલા બધા તલ્લીન થઇ જતા કે ક્લાસ ક્યારે પૂરો થતો તેનો કોઈનેય ખ્યાલ ન રહેતો. 

આજીવન શિક્ષણ ને સમર્પિત કરી એક આદર્શ અને પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે ઓક્ટોબર,૧૯૯૩માં રીટાયર થયેલા. ૧૯૯૪,ફેબ્રુઆરીમાં સ્કુલમાં તેમનો વિદાય સમારંભ યોજાયેલો. સૌથી પ્રિય શિક્ષકને વિદાય અર્પતા ૧૫૦૦ વિદ્યાર્થીઓની ભીની થઇ ગયેલી આંખોનો હું સાક્ષી હતો. નિવૃત્તિ વેળાએ મેં તેમને એક કાંડા ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલી. ૨૦૦૧, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું ત્યાં સુધી એ ઘડિયાળ તેમણે સાચવી રાખેલી. મારી વિદાય વેળાએ ભારે હૈયે મને કહેલું, "સમય સમય નું કામ કરે છે બેટા,પ્રારબ્ધ આપણાં અંજળપાણી જ્યાં લખાયેલા હોય ત્યાં આપણને લઇ જાય છે. ભાવી વિકાસ અંગે તારું વિદેશ જવું અનિવાર્ય બન્યું છે. હું કેવી રીતે કહું તું ના જઈશ." અને મને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડેલા. સ્કુલવિદાય અને મારી વિદેશવિદાય તેમને ખુબ વસમી લાગેલી. કન્યાવિદાયવેળાએ દિલને મૂંઝવતી હર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવતા પિતા જેટલાજ દુખી થયેલા મારા બાપુને, મારી વિદેશવિદાયવેળાએ, એટલાજ દુખી અને વિહવળ થયેલા, મેં નજરોનજર નિહાળેલા, દિલથી અનુભવેલા. એક પ્રેમાળ અને નિર્મળ પિતૃપ્રેમનો અમૃતવારસો મારા દિલમાં સમાવી આંખમાં આંસુ સહ, ભારે હૈયે હું વિદેશ જવા રવાના થયેલ.

૨૦૦૬, નવેમ્બરમાં તેમને કેનેડા બોલાવવાનું મારું સપનું ફળેલું. રાતે એક વાગ્યે તેમનું પ્લેન આવે, મારી નાઈટ શિફ્ટની ડ્યુટી. જોબ પરથી રજા મળેલ નહિ. ટોરંટોનું એરપોર્ટ મારા ઘર તેમજ જોબથી નજદીક એટલે એક કલાકની છૂટીની વ્યવસ્થા કરી હું મારતી ગાડીએ તેમને રીસીવ કરવા ઐરપોર્ટ પહોંચ્યો. કેનેડાની ધરતી પર તેમનું આગમન કરવા હું બાવરો થઇ ગએલો, એરપોર્ટ પર મને જોતાજ પરમ આનંદની એક અનોખી લાગણી સહ તેમણે ભાવ વિભોર થઇ મને એક ભવ્ય આલિંગન આપ્યું. ચરણસ્પર્શ કરતા ઝૂકેલા મારા માથા પર વ્હાલનો હાથ ફેરવતા મને કપાળ પર એક ભાવુક ચુંબન કરી બોલ્યા, " ભૈલા .....બેટા મધુ ... તને જોવા આંખો તરસાઇ ગઈ ! " ફોરેન જવું મારું સપનું હતું અને એ સાકાર થએલું, પણ......" વ્હેન ધ ડ્રીમ કમ્સ ટ્રૂ, ઇટ્સ હાર્ડ ટુ ક્ન્કલુડ, વ્હિચ પાર્ટ ઓફ રિયાલીટી વોઝ ડ્રીમ્ટ એન્ડ વ્હિચ પાર્ટ ઓફ ડ્રીમ ઈઝ રિયાલીટી " અને વાસ્તવિકતા એ હતી કે વિદેશની ધરતી પર, એ રાત્રે બે વાગ્યે, ટોરન્ટોના એ વિશાળ અને વૈભવી ઐરપોર્ટ પર મારા બાપુને પામીને હું સપનામાં ખોવાય ગયો હતો. આનંદના અતિરેકમાં ડ્રાયવીંગ કરતા એક ટ્રાફિક સાઈન હું ચુકી ગયો અને ભૂલથી ખોટા રસ્તે- હાયવે પર આવી ગયો. રસ્તો લંબાઈ ગયો અને ધાર્યા કરતા અમે મોડા ઘરે પહોંચ્યા પણ સમય તેમની રસપ્રદ વાતોમાં ક્યાં ગયો ખબરેય ન પડી. કેનેડામાં તેમની પધરામણીના સમાચાર વાયુ વેગે પ્રસરી ગએલા. બીજા દિવસે તો મારા ઘરે એમને આવકારવા સતત ફોનની ઘંટી રણકે અને મહેમાનો ઉમટી પડેલા. હું વર્ષોથી કેનેડા રહું પણ આટલા મહેમાનો મેં ક્યારેય મારા ઘરે નથી જોયા. હું ધન્ય થઇ ગએલો. સામાજિક-સાહિત્યિક કાર્યક્રમોથી ભરચક તેમનો કેનેડાવાસ ખુબજ વ્યસ્ત રહેલો. 

મને યાદ છે રવિવાર તા. ૭ મી જાન્યુઆરી, ૨૦૦૭, ગ્રેટર ટોરંટો એરિયાના મિસીસાગા શહેરના એક વિશાળ નગરહોલમાં તેમનું વ્યક્તવ્ય યોજાએલુ. ટોરંટોની એક પ્રસિદ્ધ સીનીઅર સીટીઝન સંસ્થાએ તેમને આમંત્રેલા. હોલ આખો આમન્ત્રીતોથી ખીચોખીચ ભરાય ગએલો. " નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા" અંગેનું તેમનું પ્રભાવિત અને રુદયદ્રાવક વ્યક્તવ્ય સાંભળીને હાઝર રહેલ સહુની આંખો ભીની થઇ ગએલી. તાળીયોના ગડગડાટથી તેમનું અભિવાદન થએલું. વ્યક્તવ્ય બાદ એક સેલેબ્રીટી એવા મારા બાપુને મળવા લોકો ચારે તરફથી ઘેરી વળેલા. કાર્યક્રમ બાદ અમે ખુબ મોડા ઘરે પરત ફરેલા. યોગાનુયોગે એ દિવસે મારો જન્મદિન. ઉજવણી નિમિત્તે હું ફ્રાંસનો પ્રખ્યાત વાઈન ફ્રેંચ ક્રોસ લાવેલો અને અમે સાથે બેસીને માણેલો. જમ્યાબાદ તેઓ થાકેલ હોઈ સુવા માટે ઉપર તેમના બેડરૂમમાં ગયા. ઇન્ડિયામાં જયારે પણ હું મારા બાપુને થાકેલ જોઉં તો તેમના પગ દબાવી આપતો. આજે આ શુભદિને મને આ મોકો મળ્યો. બેડરૂમમાં તેમને બ્લેન્કેટ ઓઢાડી મેં તેમના પગ દબાવી આપ્યા. વાતો કરતા કરતા તે ક્યારે નિંદ્રાધીન થઇ ગયા મને ખબરેય ન પડી. એક સંતૃપ્ત અને અજીબ અહોભાવે હું તેમને સુતેલા નિહાળી રહ્યો હતો. જીવનનો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ હતો આ મારા માટે. સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે મને પત્ર લખેલો :

વ્હાલા બેટા મધુ,
બાપુના વ્હાલ નીતરતા આશીર્વાદ. જીવન એક કલા છે બેટા. એમાં આશા-નિરાશા, ઉત્સાહ,ઉમંગ, સાહસ-પરાક્રમ, હતાશા,વિફળતા, વિજય-પરાજય અને જીવન તથા મૃત્યુના વિવિધ અંકો ભજવાતા હોય છે. દરેકને પોતાને હિસ્સે આવતો પાર્ટ અદા કરવાનો રહે છે. કોઈ પણ કૃત્ય થકી આપણે ઉજમાળા ઠરીએ એજ જિંદગીની સફળતા છે. માટેજ કહેવાયું છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. તારા થકી આજે હું પરદેશની એ સુખ સમૃદ્ધિ માણી શક્યો છું એ મારા માટે ઓછા સંતોષની વાત નથી બેટા. તારા ભાવી વિકાસ માટે પરદેશવાસ અનિવાર્ય બન્યો એને હું નિયતિનું નિમિત્ત માનું છું. બાકી વિદેશવાસમાં જેવો દેશ તેવો વેશ. ત્યાનું વાતાવરણ અને અર્થકારણ એ સાથે ત્યાની સામાજિકતા વ્યક્તિ માત્ર માં બદલાવ (ચેન્જ ) -પરિવર્તન લાવે છે. એવો ફેરફાર હું તારામાં પણ જોઈ શક્યો છું પણ હું એને સ્વાભાવિક સમજુ છું. છતાંપણ સન્માર્ગે ચાલીને, સદાચાર પાળીને,સદવૃત્તિ સેવીને નિર્મળ પ્રેમ અર્પવો, એથી વધીને અદકું કોઈ નૈવેધ નથી-કોઈ અર્પણ નથી, જે હું તારામાં જોઈ શક્યો છું. સંત પોલ ના 'પ્રેમ વિનાની ખાલી ઝાંઝ ' વાળા શબ્દોમાં પ્રેમનું અપાર મહાત્મ્ય સમજાવાયુ છે. તું એવા સર્વોત્કૃષ્ટ પ્રેમનો પાત્ર બને અને નિરામય દીર્ઘાયુષ્ય ભોગવે એવી પ્રભુપીતાને અભ્યર્થના ......લિખીતન બાપુ............. જીવનમાં પ્રેમાળ અને આદર્શ પિતા તરીકે મળેલા મારા બાપુ મારા માટે તો મારા ભગવાન જ હતા. ઈશ્વર અને પિતા બંને મારી સમક્ષ હોય અને મારે જો એકની પસંદગી કરવાની હાય તો, હું બેધડક મારા બાપુની જ આંગળી પકડું !

નીવૃત્તિ બાદ તેઓ લેખન કાર્યમાં ખુબ સમય વિતાવતા. ફોન પર મારી સાથે લાંબી વાતો કરતા પણ એકલતા ખુબ અનુભવતા એવું એમની વાતો પરથી મને કળાતું. હું તેમને નિયમિત ફોન નહોતો કરી શકતો તેની ફરિયાદ કરતા પણ ફળસ્વરૂપે મને નિયમિત પત્રો લખતા, કહેતા, 'સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે.આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે.'

વિદેશવાસ, પુત્રવિયોગની પીતૃ-વ્યથાનું કારણભૂત બન્યો એ હું સમઝી શકતો હતો પણ મારી બદલાયેલી માનસિકતાનું નિમિત્ત બન્યો તેનો ગુઢાર્થ મને આજે તાર્કિક રીતે સમઝાય રહ્યો છે. પશ્ચિમનો પ્રત્યક્ષ અને નિકટનો સંબંધ અને ભારતનો પરોક્ષ અને પાછળ છૂટી ગયેલો સંબંધ આ બે વચ્ચેની સ્થળાંતરિત પ્રક્રિયા અને સાંસ્કૃિતક પરિવર્તનની પ્રક્રિયા આપણા બદલાયેલા માહોલનો પરિચય કરાવે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, પ્રચલિત સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત સાંસ્કૃિતક અસરોને લીધે થતું માનવવર્તન કદીક આનંદ નીપજાવે છે. તો કદીક ચિંતાતુર પણ બનાવે છે. જેનો દુખદ એહસાસ હું મારા બાપુના હસ્તલિખિત પત્રોમાં અનુભવતો અને મારી જાતને દોષિત માનતો. પણ પરિવર્તનની આ પ્રક્રિયા પણ નિયતિનું એક નિમિત્ત છે એમ માની મન મનાવતો.

પશ્ચિમની સંસ્કૃિતના બદલાયેલાં જીવનમૂલ્યો આપણી વાણી, વિચાર અને સ્વભાવમાં પ્રતિબિંબિત થાય છે. માનવવિકાસ અને વ્યક્તિત્વને સમજવા માટે સામાજિક અને સાંસ્કૃિતક અસરોનો અભ્યાસ કરવો જરૂરી છે તેવું મનોવિજ્ઞાનીઓ માને છે. સમાજશાસ્ત્રી એરિક ફ્રોમના મતે મનુષ્યનું અસ્તિત્વ અને સ્વરૂપ જ તેને એકલતાનું તીવ્ર ભાન કરાવે છે. જાત સાથે, આસપાસના સમાજ અને વિશ્વ સાથે અર્થપૂર્ણ રીતે અનુંસંધિત થવાની અનિવાર્યતા આ તીવ્ર એકાકીપણાના ભાનમાંથી વિકસે છે. આવા સમયે મનુષ્યની આસપાસનો સમાજ અને સંસ્કૃિત એની જરૂરિયાતોને કાં તો સંતોષે છે કાં તો છિન્નભિન્ન કરી દે છે.

દોઢ દાયકાના મારા વિદેશવસવાટમાં મેં આ જીવનપ્રક્રિયા સાંગોપાંગ અનુભવી છે, સહી છે.પણ બદલાયેલી માનસિકતા પાછળ કાર્યરત સમાજમાં પ્રાપ્ત વ્યક્તિસ્વાતંત્ર્યની સગવડ અને સંસ્કૃિતમાં સ્વીકારેલ વ્યક્તિગત મૂલ્યોની મહત્તાની સાથે મૂળ સમાજની સામાજિક વ્યવસ્થા કારણભૂત છે એવું હું દ્રઢપણે માનું છું. 


નિવૃત્ત જીવનના તેમના દૈનિક કાર્યક્રમને વળગી રહેતા મારા બાપુ સવારે વ્હેલ્લા ઉઠી જતા, મોર્નિંગ વોક કરતા અને ખાવા-પીવામાં ખુબ ચરી પાળતા. છતાં પણ આર્થરાઈટીસની બીમારી તેમને ઘર કરી ગયેલી. ઘુટણના દર્દ ની ફરિયાદ તેઓ ઘણા સમયથી કરતા. પણ ઉપચાર માટે સર્જરી ટાળવાના તમામ પ્રયાસ કરતા. છેવટે ૨૦૦૯ માર્ચમાં નાછુટકે સર્જરી કરાવી અને સર્જરી સફળ રહી. યાદ છે મને ફોન પર કાયમ કહેતા, "બેટા ખુબ સારું લાગે છે, દર્દ કાયમ માટે જતું રહ્યું, લાગે છે જો વહેલી તકે કરાવ્યું હોત તો આ દુખ ના ભોગવવું પડત." ને મારી સાથે લોંગવોકના શમણા જોતા મારા બાપુ સ્પોન્ડીલીટીસની ભયંકર ને જીવલેણ બીમારીમાં સપડાય ગયા.......................ક્રમશઃ.......................