વાંચનનો શોખ .........ભાષાની વ્યથા !
" ભૈલા....બંધ કર રમવાનું હવે ....બહુ થયું....વાંચવા બેસ.... " બાળપણમાં મારા ઘરની ગલીના નાકે લંગોટિયા મિત્રો સાથે રમતો હોય ત્યારે મારા બાપુના આ આદેશાત્મક શબ્દો મારે કાને પડતા ને હું ફટાફટ ઘરે આવી વાંચવા બેસી જતો. આ વાંચવાનું એટલે ઘરે સ્કુલનું હોમવર્ક, અભ્યાસ કે લેશન કરવા બેસવાનું. પરશાળમાં બેસી હું લેશન કરવા મંડી પડતો. પરશાળ એ અમારા ઘરનો અભ્યાસ ખંડ અને મારા બાપુનું કાર્યાલય. ખૂણામાં એક ખુરશી, ટેબલ તથા લાકડાનો એક ઘોડો જેની પર તેમના અસંખ્ય પુસ્તકો, ફાઈલ્સ, વર્તમાન પત્રો તથા ઢગલો મેંગેઝીન. હાથમાં કોઈ પુસ્તક લઇ ખુરશી પર બેઠેલા મારા બાપુ કોઈ ઊંડા વાંચન વિચારોમાં ધ્યાનમગ્ન. લેશન કરતા કરતા હું વાંચનમાં વ્યસ્ત મારા બાપુની એ લાક્ષણિક અદા અચરજ ભાવે નિહાળ્યા કરતો.
એ વખતે અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ સાહિત્યિક મેગેઝીન આવતા. મારા બાપુ તેમજ મારા ભાઈબહેન બધાજ રસપૂર્વક વાંચતા. લેશન કર્યા બાદ કુતુહલ ભાવે કોઈ મેગેઝીન લઇ હું પણ વાંચવા બેસી જતો. સમય જતા આ વાંચનવુત્તિ રસનો વિષય બની શોખમાં પરિણમેલી અને ધીમે ધીમે તે દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયેલી. મનગમતું મેગેઝીન કે પુસ્તક વાંચવા અમે ભાઈ-બહેનો પડાપડી કરતા અને ઘણીવાર તો મેગેઝીન માટે ઝૂંટાઝૂંટ પણ થઇ જતી ને છેવટે મારા બાપુ દરમ્યાનગીરી કરતા ત્યારેજ હું ટાઢો પડતો. મને યાદ છે આઠમાં નવમાં ધોરણમાં ભણતો ત્યારે "સરસ્વતીચંદ્ર" મેં આખેઆખી વાંચી નાખેલી. વાંચનનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલ.
એ વખતે અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ સાહિત્યિક મેગેઝીન આવતા. મારા બાપુ તેમજ મારા ભાઈબહેન બધાજ રસપૂર્વક વાંચતા. લેશન કર્યા બાદ કુતુહલ ભાવે કોઈ મેગેઝીન લઇ હું પણ વાંચવા બેસી જતો. સમય જતા આ વાંચનવુત્તિ રસનો વિષય બની શોખમાં પરિણમેલી અને ધીમે ધીમે તે દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયેલી. મનગમતું મેગેઝીન કે પુસ્તક વાંચવા અમે ભાઈ-બહેનો પડાપડી કરતા અને ઘણીવાર તો મેગેઝીન માટે ઝૂંટાઝૂંટ પણ થઇ જતી ને છેવટે મારા બાપુ દરમ્યાનગીરી કરતા ત્યારેજ હું ટાઢો પડતો. મને યાદ છે આઠમાં નવમાં ધોરણમાં ભણતો ત્યારે "સરસ્વતીચંદ્ર" મેં આખેઆખી વાંચી નાખેલી. વાંચનનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલ.
વાંચનનો મારા બાપુને અનહદ શોખ. હું કોલેજમાં આવ્યો ત્યારે મારા બાપુએ વાંચનવૃતિ સાથે સાથે તેમનો લેખનનો શોખ પુનર્જીવિત કરેલો અને તેમની કલમે તે સમયે સારો એવો પ્રભાવ જમાવેલો. લોકપ્રિય અખબારો અને વિવિધ સામયિકોમાં તેમની વાર્તાઓ તથા ધારદાર લેખ છપાતા. તેજ અરસામાં "વ્હાલના વલખા", "વ્યથાના વીતક" અને "આંગળિયાત" ના ઉદ્દભવ અને અસ્તિત્વનો ઈતિહાસ સર્જાઈ રહ્યો હતો. તેની હસ્તલિખિત કાચી કોપીઓની હું આતુરતાપૂર્વક રાહ જોતો અને મળતાની સાથે એક બેઠકે વાંચી નાખી તેના પ્રથમ વાંચનનો શ્રેય મળ્યાનો ગર્વ કરતો. આમ મારો વાંચવાનો શોખ જો વધુ કેળવાયો અને પરિપકવ થયો હોય તો તે કેવળ અને ફક્ત મારા બાપુના પ્રભાવે અને પ્રતાપે.
વિદેશગમન બાદ નવી ભૂમિ પર કારકિર્દી ઘડતરની વ્યસ્ત જીવનચર્યાને લીધે મારો વાંચવાનો શોખ જોઈએ એવો ન જળવાયો પણ તોય યથાવત રહ્યો. સંઘર્ષના સમયમાં પણ સમય ફાળવીને હું વિદેશ પ્રાપ્ય વિવિધ ગુજરાતી મેગેઝિન અને અખબાર પત્રોનું વાંચન કરતો. વાંચનની તરસ મીટાવવા ઘરે મારા બાપુની નવલકથાઓ અને વાર્તાસંગ્રહો તેમજ અન્ય પુસ્તકો મેં ધીમે ધીમે વસાવેલા. સાથે સાથે ઈ-ફોરમેટમાં મળતા ચિત્રલેખા જેવા મેગેઝીન તથા વિવિધ સામયિકનો હું નિયમિત વાંચક જે મારા વિકેન્ડ વાંચનના પુરક બની મને વાંચનનો એક અનેરો સંતોષ બક્ષતા.
એવાજ કોઈ સામયિકમાં થોડા વખત પહેલા એક સમાચાર વાંચવામાં આવેલા કે ‘રીડર્સ ડાયજેસ્ટ’ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે. ‘રીડર્સ ડાયજેસ્ટ’ નું નામ સાંભળતાજ હું ચોંકી ઉઠ્યો. વિસ્તૃત સમાચાર વાંચી આશ્ચર્ય થયું. પ્રશ્નોની વણઝાર મનને ઘેરી વળી. નિરાશ મને ભૂતકાળના વિચારોમાં ઊંડો ઉતરી ગયો. ‘રીડર્સ ડાયજેસ્ટ’ ....શું અદભૂત મેગેઝીન .....એનો પણ એક જમાનો હતો .... દબદબો હતો ! અને આજે આ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે !?! રીડર્સ ડાયજેસ્ટ ભારતમાં સાક્ષરો, શિક્ષિતોના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતુ તથા ‘સ્ટેટસ’ સિમ્બોલ ગણાતું મેગેઝીન. વાંચન રસિયા પોતાની પ્રબુદ્ધતાનો પ્રભાવ પાડવા માટે આ મેગેઝીન ઘરે આવનારા જોઈ શકે તેમ રાખતા. વાલીઓ તેમના સંતાનનો ઉછેરમાં રીડર્સ ડાયજેસ્ટ ની ભૂમિકા સમઝતા અને તેની રસપ્રદ કે પ્રેરણાદાયી માહિતી સંતાનો સમક્ષ પીરસતા. રીડર્સ ડાયજેસ્ટ ની સાથે સાથે પ્રત્યેક સુસંસ્કૃત ઘેર કુમાર, અખંડ આનંદ, નવનીત સમર્પણ, જનકલ્યાણ ઘરમાં પરિવારજનની જેમ નિશ્ચિત સ્થાન અને મહત્ત્વ ધરાવતા. ભારતમાં ગામો કે શહેરોના દવાખાનામાં પણ આવા મેગેઝીન નિશ્ચિત વાંચવા મળતા.ઘણા વાંચક રસિયા કે જેમને તાજો અંક ના પરવડે તેઓ જૂના અંકો ખરીદતા અને અમુક ચાહકો તો આવા જૂના અંકો બાઇન્ડીંગ કરાવી ઘરે સાચવી રાખતા જે કદાચ આજે પણ તેમના ઘરે જોવા મળે તો નવાઈ નહિ.
પણ આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઇન્ટરનેટ અને ઓનલાઈનના આ જમાનામાં વાંચનના સમીકરણો બદલાઈ ગયા છે. મોટાભાગનાને વાંચવામાં રૂચિ જ નથી તેમાય નવી પેઢીને તો પ્રિન્ટ ફોરમેટમાં આંખો જ સેટ નથી થતી. યુવા જગતની કૂતુહલતા જ જ્ઞાન કરતા મનોરંજન, સેલિબ્રિટી, ગોસિપ, ઓનલાઈન ચેટીંગ તેમજ મોબાઈલની પરિમિતિમાં વધારે ધૂમે છે. તેમની પર અભ્યાસ અને કારકિર્દી ઘડતરનો બોજો તો છે જ પણ નવરાશનો જે સમય મળે છે તેનો ઉપયોગ તનાવ મુક્તિમાં વધુ થાય છે. સેલફોનની સંગત અને રંગતમાજ તેમની જીવનદૃષ્ટિ સીમિત થઇ ગઈ હોય તથા આંગળીના નખ જેવડી ચીપમાં જ તેમનું સમસ્ત બ્રહ્માંડ સમાઈ ગયું હોય ત્યારે વાંચનના વિશ્વમાં સમાયેલ ગણ્યા ગાંઠ્યા તારાઓનો ભાવ કોણ પૂછે ?
કેનેડા સ્થાયી થયા બાદ ઘરમાં ગુજરાતી વાંચન-વાર્તાલાપ માટે મારા પ્રમાણિક પ્રયાસો છંતા ગુજરાતી શિક્ષણના અભાવે મારા બંને સંતાનો ગુજરાતી વાંચી નથી શકતા પણ ગુજરાતી વાર્તાલાપ કરવાની પુરતી કોશિસ કરે છે. મારા બાપુ કેનેડા અમારી સાથે રહેતા ત્યારે અવારનવાર અઘરા ગુજરાતી શબ્દપ્રયોગો ધ્વારા મારા સંતાનો તેમજ મારી સાથે રહેતી મારી ભાણી -ભત્રીજીને મૂંઝવતા, રમુજ કરતા. એકવાર હાર નહિ માનવાની જીદે ચડેલી મારી દીકરીએ સામે પ્રશ્ન કર્યો, "બાપુ, તો તમને હિન્દીમાં સૌથી લાંબો અર્થ થાય તેવો સૌથી ટૂંકો શબ્દ કયો ખબર છે ? " તેમણે અજાણ્યા થવાની સહજ કોષીસ કરેલ ને મારી દીકરી ત્વરિત બોલી ઉઠેલ " કિંકર્તવ્યમૂઢ " ! પૌત્રીના શબ્દજ્ઞાનથી વિસ્મય પામેલ મારા બાપુ અનહદ ખુશ થઇ ગયેલા ને મને કહેલું બેટા સમય ફાળવીને પણ આને ગુજરાતી વાંચતા શીખાડજે. ભવિષ્યમાં મારું નામ રોશન કરશે. ગુજરાતીભાષામાં રસ જળવાય રહે એટલે સમયાંતરે હું મારા સંતાનો સાથે મારા સ્વ. બાપુના પુસ્તકો તથા અન્ય ગુજરાતી વાંચનના મારા અનુભવો શેર કરતો.
દૂત શતાબ્દી નિમિત્તે ટોરંટો ખાતે કેનેડામાં વસતી ગુજરાતી કેથોલિક કોમ્યુનીટી ધ્વારા દૂત માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં વડીલ માબાપ સાથે કેનેડામાં ઉછરેલ અને એજયુકેટ થઈ રહેલ સંતાનોનો સારો એવો કિશોરવર્ગ. દૂત મેગેઝીન વિષે સક્ષિપ્તમાં માહિતી આપતી વખતે આ ઉભરતી પેઢીને રસ પડે એટલે મેં અંગ્રેજીમાં સંબોધન કરેલું કે "દૂત ઈઝ અવર બેકહોમ પ્રાઉડફૂલ રેલીજીયસ મેગેઝીન. ઈટ હેઝ સકસેસફૂલી કમ્પલીટેડ હન્ડ્રેડ ઈયર્સ. વન ઓફ ધ બેસ્ટ થિંગ ધીઝ મેગેઝીન હેઝ ડન ઈઝ, ઈટ હેઝ ઓલવેય્ઝ ઇન્સ્પાયર્ડ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ રીડ એન્ડ રાઇટ . ઇટ હેઝ એ સ્પેસીઅલ સેક્શન મેન્ટ ફોર જસ્ટ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ ડેવલપ યોર રીડીંગ એન્ડ રાઈટીંગ સ્કીલ્સ." કાર્યક્રમ બાદ ખાણીપીણી વખતે વાતો કરતા આ બાળકોની એક કોમેન્ટ સાંભળવા મળેલ ...."યા મી નો મા મોમ એન ડેડ ટોકીન એબાઉટ ધીઝ મેગ....બટ બ્રો યુ નો.... ઇટ્ઝ ઇન ગુજારાટી.... હાર્ડ ટુ ફોલો બડી ! "
કેનેડા ખાતે મારા બાપુએ મને અસંખ્ય પત્રો ગુજરાતીમાં દિલથી મન મુકીને લખ્યા છે. એક પત્રમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની વિપરીત અસરોનું વર્ણન કરતા લખેલ કે, " બેટા ઘરે ગુજરાતી વાંચન જાળવજે તથા બાળકો સાથે હમેંશા ગુજરાતીમાં સંબોધન કરજે. બાળકોને તારા દિલની વાત કહેવી હોય તો જે ભાવ અને પ્રેમ તું ગુજરાતીમાં વ્યક્ત કરી શકીશ એ અન્ય કોઈ ભાષાથી નહિ થઇ શકે. અંગ્રેજી પર તારું ભલે ગમે એટલું પ્રબળ પ્રભુત્વ હોય પણ એ તારી માતૃભાષા નથી. અન્ય ભાષાઓ પ્રત્યે મને કોઈ ધ્વેશભાવ નથી પણ મારી દ્રષ્ટીએ બાળકોમાં યોગ્ય સંસ્કારોના સિંચન માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે."
માતૃભાષા પ્રત્યે મારો વિશેષાગ્રહ તથા મારા સ્વ.બાપુના સંસ્કારો ને લઈને વિદેશમાં સ્થાયી બાદ પણ ઘરમાં ગુજરાતી વાંચવા બોલવાની ટેવ. ઘરે મારા બાપુના તેમજ અન્ય વિષય લક્ષી વિવિધ ગુજરાતી પુસ્તકો, મેગેઝીન તથા અખબારોનું નિયમિત વાંચન તોય, સંતાનોને આ અંગે કૈંક કહેવું હોય તો મારે ગુજરાતીનું ઈંગ્લીશ ટ્રાન્સ્લેશન કરવું પડે છે જેને લઇ હું કાયમ મારા સંતાનોની મઝાક નો ભોગ બનતો હોઉં છું. ગુજરાતી વાર્તાલાપ તો ઠીક પણ ગુજરાતી વાંચન.....નો વે.....ચીલ ડેડ....! અગ્રેજી ભાષા પ્રત્યે મને પણ કોઈ પૂર્વગ્રહ નથી, પણ પ્રશ્ન છે એના પણ વિસ્તૃત વાંચન માટે આજની ઈન્ટરનેટઘેલી મોટાભાગની આ યુવાપેઢી પાસે પુરતો સમય પણ નથી અને રસ પણ નથી.
માતૃભાષા પ્રત્યે મારો વિશેષાગ્રહ તથા મારા સ્વ.બાપુના સંસ્કારો ને લઈને વિદેશમાં સ્થાયી બાદ પણ ઘરમાં ગુજરાતી વાંચવા બોલવાની ટેવ. ઘરે મારા બાપુના તેમજ અન્ય વિષય લક્ષી વિવિધ ગુજરાતી પુસ્તકો, મેગેઝીન તથા અખબારોનું નિયમિત વાંચન તોય, સંતાનોને આ અંગે કૈંક કહેવું હોય તો મારે ગુજરાતીનું ઈંગ્લીશ ટ્રાન્સ્લેશન કરવું પડે છે જેને લઇ હું કાયમ મારા સંતાનોની મઝાક નો ભોગ બનતો હોઉં છું. ગુજરાતી વાર્તાલાપ તો ઠીક પણ ગુજરાતી વાંચન.....નો વે.....ચીલ ડેડ....! અગ્રેજી ભાષા પ્રત્યે મને પણ કોઈ પૂર્વગ્રહ નથી, પણ પ્રશ્ન છે એના પણ વિસ્તૃત વાંચન માટે આજની ઈન્ટરનેટઘેલી મોટાભાગની આ યુવાપેઢી પાસે પુરતો સમય પણ નથી અને રસ પણ નથી.
આજે વાંચનના સુર વિસરાઈ રહ્યા છે અને તેની સીધે સીધી અસર આજની આ યુવા પેઢી અને એક જમાનાના પ્રખ્યાત એવા આ મેગેઝીનો પર થઇ રહી છે. જમાનાની માંગ અને બદલાતી જતી પેઢીને નજરમાં રાખીને આવા મેગેઝિનની સામગ્રી જોડે પ્રકાશકોએ સમાધાન કર્યું તેમજ સંશોધન કરી તેમાં જરૂરી ફેરફારો કર્યા. પણ ઇન્ટરનેટ અને ઓનલાઈન દુનિયાના પ્રભાવ હેઠળ આ મેગેઝીન હવે તેનું મહત્વ અને અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. રીડર્સ ડાયજેસ્ટ ની જો આ હાલત હોય તો અન્ય મેગેઝીનનું ભાવી મને એથીય ભેંકાર ભાસી રહ્યું છે. આતો શરૂઆત છે આવા મેગેઝિનની આથમતી અસ્મિતાની તથા હાલના યુવાવર્ગની વાંચન પ્રત્યે ઉદાસીનતા અને ઉપેક્ષાની. ધીમે ધીમે અખબારો પણ વેન્ટીલેટર પર આવતા જશે. તદુરસ્ત અસ્તિત્વની દ્રષ્ટીએ મારા પછી માંડ એકાદબે પેઢી સુધીનું ઓક્સિજન હોય તેમ મને લાગી રહ્યું છે. તેમાય વિદેશમાં ગુજરાતી શિક્ષણના અભાવે માતૃભાષાનો વપરાશ, ગુજરાતી વાંચન તો ઠીક વાર્તાલાપ પણ હવે અગ્રેજી ભાષાના પ્રભાવ હેઠળ ગૂંગળાઈ રહ્યો છે. ઈતરવાંચન માટે પુરતો સમય ન ફાળવી શકતી આજની આ યુવાપેઢી સોસીઅલ નેટવર્કિંગ મીડીયાના પ્રભાવ હેઠળ પેરેસાઈટ થઇ ગઈ છે.
માર્ચ મહિનો.... વિશ્વ સાહિત્ય દિન, સાક્ષરતા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન તથા શિક્ષક અને સાહિત્યકાર મારા બાપુ સ્વ. જોસેફ મેકવાનની પાંચમી પુણ્યતિથિ. હણહણતા અશ્વો જેવી તેજતર્રાર ગદ્યના ગુરુ, અનુભવજનિત સાહિત્યસર્જનના શિરોમણી, નિષ્ઠાવાન કેળવણીકાર અને નિર્ભય વક્તા તથા સ્ત્રીસંવેદનાના નારીવાદી સાહિત્યસર્જક તેમજ વર્ણવાદી સાહિત્યના છોતરાં ઉખેડી નાખતા દાદા સ્વ.જોસેફ મેકવાને કરોડ રજ્જુના મણકા તૂટી જાય તેવી જીવતરની વેઠ અને આંખોમાંથી રક્ત ટપકે તેવા અન્યાય બોધ લેખન ધ્વારા ગુજરાતી સાહિત્યની એક ધરોહર સર્જી દેશ-દેશાવરમાં આપણને તથા આપણી સંસ્કૃતિને વિશ્વસ્તરે એક વિશેષ સ્થાન અને ગરિમા પ્રાપ્ત કરાવ્યા. ટોરંટોની ઘણી બધી લાઈબ્રેરીમાં તેમના પુસ્તકો ગુજરાતી વાંચન માટે ઉપલબ્ધ છે. પણ, ઇન્ટરનેટના ઓનલાઈન પ્રભાવ હેઠળ વાંચનથી વિમુખ થતો જતો આજનો યુવાવર્ગ, વિદેશમાં વસતા આપણા યુવાવર્ગની ગુજરાતી ભાષા સાક્ષરતા તથા ગુજરાતી વાંચન પ્રત્યે તેમની ઉદાસીનતા આજે એક પડકાર તથા આવનાર પેઢી માટે એક શૈક્ષણિક સંશોધનનો વિષય છે.
વાંચનનો અભૂતપૂર્વ વારસો આપીને મારા બાપુએ મને અભિભૂત કરી દીધો પણ તેમને ઇચ્છિત શ્રદ્ધાંજલિ અર્પવા મારા તમામ પ્રયાસો અપૂર્ણાર્થક નીવડ્યા છે. આજે તેમની અનુપસ્થિતિ મને અનહદ સાલી રહી છે. તેમના પુસ્તકો સાથે સાથે અન્ય ગુજરાતી પુસ્તકો, વિદેશ પ્રાપ્ય ગુજરાતી મેગેઝિન, સામયિકો તથા અખબારોના પ્રિન્ટ ફોરમેટ મારા ઘરના ફેમીલી રૂમ-પરશાળ માં પડ્યા છે. પણ વાંચવા માટે નથી કોઈ પડાપડી કે નથી કોઈ ઝૂંટાઝૂંટ..... કારણ વાંચનારો વર્ગ બહુ જુજ છે અને તે પણ ફક્ત બે જ જણ .... હું ને ધર્મપત્ની ...!
મધુરમ મેકવાન
જોમે ચેરીટી ફાઉનડેશન
ટોરંટો,કેનેડા.
I really enjoy reading every article by Joseph Sir
ReplyDelete