Thursday, 4 December 2014


મૃત્યુંજયી..........મારા બાપુ. 


મૃત્યુ અટળ છે, અનિવાર્ય છે. જીવનયાત્રાનો અંતિમ ઉંબરો મૃત્યુ છે, જે ઓળંગીને માનવી અનંતયાત્રાએ ચાલ્યો જાય છે. શાળામાં ભણતો ત્યારે એક પ્રાર્થનાગીત ગાવામાં આવતું. ‘મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’ મહામૃત્યુનો અર્થ મને ત્યારે નહોતો સમઝાયો. સમઝાયો ત્યારે મૃત્યુની નિર્મમતાના આકરા આઘાતો મારા રુદયપટે અંકિત થઇ ચુકેલા. મૃત્યુનું પણ મૃત્યુ એટલે મહામૃત્યુ એ તથ્યની પ્રતીતિ મને મારા બાપુના મૃત્યુ વખતે થઇ. અમૃતત્વને પામવાનો રસ્તો મહામૃત્યુ છે એ સત્યની અનુભૂતિ મને મારા બાપુના જીવનના અંતિમ સમયે થઈ. મૃત્યુની એ ઘટનાએ મને જીવનની એક મહામૂલી પ્રેરણા આપી છે. સામાન્યત: મૃત્યુ એ સ્વજન ગુમાવ્યાની પીડા, દુઃખ અને શોકનો વિષય છે. નાછૂટકે સ્વીકારવું પડે તેવું જીવનનું કડવું સત્ય છે. પણ મૃત્યુ જીવનના મહાપ્રાણ જગાડી શકે છે એની અલૌકિક અનુભૂતિ મને, જીવનના અંતિમ શ્વાસને મૃત્યુદેવના હાથોમાં અર્પિત કરતા મારા બાપુને જોયા ત્યારે થઇ. મૃત્યુની એ ક્ષણે મને જીવન-મૃત્યુની પરિભાષાનો સાચો અર્થ સમઝાયો. મૃત્યુની સાથે જીવનની સમાપ્તિ થતી નથી પણ મૃત્યુ થકી અનંત જીવનની શૃંખલાનું સર્જન થાય છે.

ગુડફ્રાઇડે ! ભગવાન ઇસુના મૃત્યુદીનના બરાબર પાંચ દિવસ પહેલા મૃત્યુ તરફની મારા બાપુની યાત્રાની શરૂઆત થઇ ગએલી. જિંદગીના એ અંતિમ દિવસોમાં તેઓ અવાર નવાર અર્ધચેતન અવસ્થામાં સરી જતા. દિવસે દિવસે તેમની તબિયત વધુને વધુ કથળતી ગયેલી. ૨૦૧૦, માર્ચ ૨૧, રવિવારના રોજ તેઓ અસ્વસ્થ જણાતા હતા. તેમના શયનકક્ષમાં આરામ કરતા હતા અને બેભાન અવસ્થામાં સરી ગયેલા. બીજા દિવસે, સોમવારના રોજ તેમને ખુબ અશક્તિ આવી ગયેલી. સાંજે ચાર વાગ્યે ચા પીવા ઉભા થયા ને પડી ગએલા. બેભાન થઈ જવાનો સિલસિલો ચાલુ જ રહેલો. માર્ચ ૨૩, મંગળવાર, " સવારથી જ ઉભા નથી થયા " મારી માંએ ચિંતા વ્યક્ત કરેલી. માર્ચ ૨૪, બુધવાર : સવારે દસ વાગ્યે આણંદની એક હોસ્પિટલમા લઇ જવામાં આવ્યા. ચેક અપ કરાવી સાડા બારે ઘરે પાછા લાવ્યા. પરંતુ તબિયત વધુ બગડતા સાંજે એજ હોસ્પિટલમાં ફરી દાખલ કર્યા. ડૉકટરના કહેવા મુજબ પરિસ્થિતિ ગંભીર થઇ ગયેલ હતી. શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ નહીવત થઇ ગયું હતું. આઈ. સી.યુ. માં આખી રાત ઓક્સીજન પર રાખવામાં આવ્યા. માર્ચ ૨૫ ગુરુવાર : શારીરિક ક્રિયાઓ યથાવત નહોતી. યાદદસ્ત કમજોર થઇ ગએલી. સ્પષ્ટ બોલી શકતા પણ નહોતા. કીડની પ્રક્રિયા મંદ પડી ગયેલી. કીડની ટેસ્ટ કરાવ્યા. રાતના સાડા દસ સુધીમાં તેમનું બીપી નહિવત્ત થઇ ગયેલું. ગુરુવારે રાત્રે કીડની-રિપોર્ટ આવે એ પહેલા તેમની કીડની પ્રક્રિયા લગભગ નહિવત્ત થઇ ગએલી.

કેનેડા, ગુરુવાર, ૨૫ માર્ચ ૨૦૧૦ : મને યાદ છે ગુરુવારનો એ ગોઝારો દિવસ. ગુરુવારની સવાર, નાઈટ શિફ્ટ કરીને હું આવેલ. સવારે મારા પુત્રને સ્કુલમાં મૂકી આવી હું ઉપર મારા બેડરૂમમાં સુવા માટે ગયો. પણ ઊંઘ ન આવે. મન બેચેન બની ગયેલું. સતત કૈક અમંગળ થયાની ભાંતિ સતાયા કરે. સુતા પહેલાની પ્રાર્થના કરી પણ તોય મન ન માને. બપોરના બાર ના ટકોરે હું કોઈ બિહામણા સ્વપ્નમાંથી સફાળા જાગી ગયો. ઇન્ડિયામાં એ વખતે ગુરુવારની રાતના બરાબર સાડાઅગિયાર થયેલા, એજ સમયે મારા બાપુ હોસ્પિટલમાં સાવ નિશ્ચેત થઇ ગયેલા. એમની કીડની કામ કરતી લગભગ બંધ થઇ ગએલી. તાત્કાલિક એમને ઓક્સીજન પર લઇ લેવામાં આવેલા ને તેમનો વેજીટેટીવ દેહ એક લાઈફ લાઇન પર અવલંબિત થઇ ગયેલો. આ બધાથી અજાણ હું માંડ થોડું ઊંઘીને નીચે આવ્યો. હું કશું કહું એ પહેલા મારી પત્નીએ ખુબજ ગંભીર મને ચિંતા વ્યક્ત કરી, "બેડરૂમમાંથી તમારા કણસવાનો ખુબ અવાજ આવતો હતો. શું થયું , કોઈ ખરાબ સપનું આવેલ કે શું ?" મેં મારા મનની વ્યથા વ્યક્ત કરી. તેણે કહ્યું, "ગઈકાલે રાત્રે બાપુ મને સપનામાં આવેલા, કૈક કહેવા માંગતા હતા, પણ કહી ન શક્યા." હું દ્વિધામાં હતો, મારું મન ચકરાવે ચઢ્યું હતું, ફોન પર મિસ કોલ, મેસેજ ચેક કર્યા. ઈમૈલ ચેક કર્યા. કોઈ એવા સમાચાર પણ નહોતા. દૈનિક ક્રિયાઓ પરવારી સાંજની પ્રાર્થનામાં તેમના સ્વાસ્થ્ય માટે અમે વિશેષ પ્રાર્થના કરી. એવામાજ મારી દીકરીનો ફોન આવ્યો, "ડેડી ઇન્ડિયા ફોન કરો, બાપુને સારું નથી." મેં તાત્કાલિક ઇન્ડિયા ફોન કર્યો. સેલફોન પર થતી વાતચીત દરમ્યાન મને કૈક અમંગળ થયાનો અંદેશો આવી ગયેલો. તે વખતે ઇન્ડિયામાં શુક્રવારની વહેલી પરોઢ થઇ હતી, અને તેમને એમ્બ્યુલન્સમાં નડિયાદ મુળજીભાઈ પટેલ કીડની હોસ્પિટલમા ડાયાલીસીસ માટે લઇ જવાતા હતા. 

કેનેડા,માર્ચ ૨૬, શુક્રવાર : તાત્કાલિક વિઝા અને એર ટીકીટની વ્યવસ્થા કરી હું ટોરોન્ટોથી શુક્રવારની રાતની ફ્લાઈટ લઇ ઇન્ડિયા આવવા નીકળી ગયો. હવાઈ યાત્રા અર્ધ્ જીવે ભારે હૈયે માંડ માંડ વિતાવી, માર્ચ ૨૮, રવિવાર સવારના ત્રણ વાગ્યે અમદાવાદ એર પોર્ટ પર ઉતર્યો. મને રીસીવ કરવા મારા વચેટ જીજાજી આવેલ. એમની કારમાં અમે સીધા નડિયાદ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પીટલનું વિશાળ પટાંગણ વટાવી અમારી કાર પ્રવેશ ધ્વાર આગળ ઉભી રહી. વ્યથિત હૈયે રાહ જોતા સ્વજનોને મળી અમે ડાયાલીસીસ વિભાગ તરફ આગળ વધ્યા. પગથીયા ચઢી અમે તેમના કમરા નજીક પહોંચ્યા. સારવાર કરતી નર્સે દરવાજો ખોલી અમને અંદર જવા કહ્યું. કમરાની અંદર એક પગ મૂકતા જ હું ધબકારા ચુકી ગયો. કમરાની અંદરનું દ્રશ્ય જોતાજ મારી આંખેથી એક યુગ વહી ગયો..........

નમાયા ' જસ્યા ' માંથી સ્વમાનભેર આપબળે,
' જોસેફ મેકવાન ' સુધીની સફર ખેડનારો....
બાળ મજુરમાંથી એક વિશ્વવિખ્યાત
સાહિત્યકારની પ્રતિષ્ઠા પામનારો....
કલમ ધ્વારા
એક સાહિત્યિક-સામાજિક ક્રાંતિ સર્જનારો....
આજીવન વહાલના વલખા મારતો....
સાડા ચુમ્મોતેર વર્ષના આયખાની વિશ્રામ સારતો....
જિંદગી જીવ્યાના હરખની એધાણી વિસ્મયતો.... 
મારી સામે, મારી આંખો સમક્ષ, મારી રાહ જોઇને થાકેલો.......વેન્ટીલેટર પર રાખેલો તેમનો અર્ધપ્રાણ દેહ.......મને મોડા પડ્યાનો સણ સણતો તમાચો મારી.......મારા હૈયાને ચીરતી તમામ લાગણીઓથી પર થઈને ચત્તોપાટ સુતો હતો.

ખુબજ નાની ઉંમરે માની છત્રછાયા ગુમાવી જીવનપર્યંત માંના પ્રેમ માટે તરસતા મારા બાપુને, માતૃપ્રેમની પડેલી ખોટ પૂરવા, આજીવન સ્ત્રીઓના સન્માન અને અધિકારો માટે ઝઝુમતા જોયા છે મેં....
બાળપણમાં પડેલા અભાવો અને ખોટને લઈને દુભાયેલા મારા બાપુને, 
શૈશવકાળની અમારી જરૂરિયાતો હરખભેર પૂરી કરી ધન્ય થઇ જતા જોયા છે મેં....
એકવીસ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી જવાબદારીના બોજ હેઠળ કણસતા મારા બાપુને, યૌવનવસ્થામાં અમને ઉચ્ચશિક્ષણ, અધિકારો અને સ્વતંત્રતા બક્ષી, મુક્ત મને અમને વિહરતા જોઈ, બોજમુક્ત થતા જોયા છે મેં....
ઘડપણમાં એકલતા અનુભવતા, અંતરિયાળ અને અંતર્યામી બની ગએલા મારા બાપુને, સંયોગવિયોગ આર્તધ્યાનની અનુકંપાને સહજતાથી સ્વીકારી, ફરિયાદનો લેશમાત્ર નહિ પણ સંવેદનાનો સુર સહજતા જોયા છે મેં....
પચાસ પુસ્તકોમાં પાંચસો જણના ચરિત્ર ચીતરનારા ને,
લોહીના સંબંધોમાં વહાલના વલખા મારતા મારા બાપુને,
વ્યથાનો પ્રસાદ પામી આભારિત થતા જોયા છે મેં....
માનવીય સંબંધોની કરુણ વાસ્તવિકતાઓથી વ્યથિત અને વ્યગ્ર થયેલા મારા બાપુને, જીવનના પ્રેમવિનિમયનો આ કડવા સત્યનો પ્યાલો હસ્તે મોંએ ગટગટાવી, સાંત્વના પામતા જોયા છે મેં.......
પણ આજે વેજીટેટીવ અવસ્થામાં જીવન મરણ વચ્યે ઝઝુમતા મારા બાપુને, 
દોષિત દિલે, અકલ્પ્ય ભાવે, અસહ્ય વેદના સહ , અસહાય બની,
મારા દુર્ભાગ્યને કોષતો હું જીવનમાં પ્રથમ વાર જોઈ રહ્યો હતો....
ડાયાલીસીસ સફળ ન થઇ અને માર્ચ, ૨૮, રવિવારની બપોરે ત્રણ વાગ્યે,
તેઓ જીવનની અનંત યાત્રાએ ચાલ્યા ગયા....

પચાસ વર્ષના મારા આયખાને મારા બાપુએ ત્રણ ત્રણ સ્વરૂપે સાક્ષાત કંડાર્યું છે. ભણતો હતો ત્યારે મારા એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે, યુવાની ના ઉંબરે પગ મુક્યો ત્યારે મારા એક સાચા મિત્ર તરીકે. અને જીવનમાં સંસ્કારોનું સિંચન કરનાર એક આદર્શ પિતા તરીકે, પ્રેમથી મારા બાપુને હું ' જોસેફ ' કહી બોલાવતો તો ભાવુક થઇ મને પૂછતાં કે જોસેફ નામનો અર્થ ખબર છે બેટા, કહે છે કે ગુજરાતીમાં તેમના નામનું અર્થાંતર સાચો ગોવાળ, સાચો સારથી થાય. જીવનની હરેક વિષમ પરિસ્થિતિઓમાં મારા બાપુ હંમેશા મારા માર્ગદર્શક, મારા સહાયક બન્યા છે. એક સાચા સારથીની જેમ જીવ્યા ત્યાં સુધી કુટુંબ રથનું સુકાન સંભાળ્યુ છે તેમણે. ઉની આંચ નથી આવવા દીધી તેમણે કોઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. એજ મારો મિત્ર, મારા શિક્ષક.....જોસેફ......મારા બાપુ.....આજીવન તેમના તર્પણથી ઘડાયેલા મારા અસ્તિત્વને, મારી હયાતીને હચમચાવી જીવનભર માટે મને અલવિદા કરી ગયા....

તેમની અચાનક અને અણધારી વિદાય મારા માટે ખુબ જ વેદનાગ્રસ્ત અને વસમી બની ગયેલી. દિગ્મૂઢ અને શૂન્યમનસ્ક બની હું કેનેડા પરત ફર્યો. જીવનમાં મારા બાપુની અચાનક ગેરહાઝરીથી સર્જાયેલા શૂન્ય અવકાશે મને દિશાવિહીન કરી દીધેલો. રવિવારની રજાના દિવસે કલાકો સુધી મારા ઘરના બેકયાર્ડમાં બેસી રહેતો, આકાશમાં નિરંતર જોયા કરતો, અનંત અવકાશમાં તેમનો ચહેરો નિહાળતો અને વાતો કરતો. મિઝરેબલ કરી દેતી એમની અનુપસ્તીથીને ભૂલવા કવચિત મદિરાપાનમાં સહારો શોધતા મારા વ્યર્થ પ્રયાસોને મારી દીકરીએ ખુબજ સ્પષ્ટ, સખત અને આદેશાત્મક શબ્દોમાં વખોડી કાઢેલા. " લિસન ડેડ, ધીસ ઇઝન્ટ ધ રાઇટ વે ટુ હિલ યોરસેલ્ફ. ધીસ વુડન્ટ ગીવ પીસ એટ ઓલ ટુ ધ સૌલ ઓફ બાપુ. ઇફ યુ રીઅલી વોના પે હોમેજ એન્ડ ટ્રીબ્યુટ ટુ બાપુ, બી પોઝીટીવ એન્ડ ડુ સમથીંગ કન્સટ્રકટીવ." મારા દુઃખથી દુખી થએલી મારી દીકરીના શબ્દો મારી પર ધારી અસર કરી ગયા. તેમની પ્રથમ પુણ્યતિથિએ કેનેડામાં વસતા, તેમના મિત્રો, વાંચકો, શુભેચ્છકો અને ગુજરાતી કેથોલિક કોમ્યુનીટીના સહયોગથી, જિંદગી જીવ્યાના હરખના તેમના અધૂરા અરમાનો અને અધૂરા કાર્યોને આગળ ધપાવવાના પ્રયાસો, તેમના નામ જોસેફ મેકવાન પરથી " જોમે ચેરીટી ફાઉન્ડેશન" નામની એક સેવાભાવી સંસ્થાની આકારણી ધ્વારા ફળીભૂત થયા.

" સિન્દુરિ સંધ્યા અને ગૃહાગમન કરતો સંસાર જીવનને રળીયાત બનાવે છે. એમાંથી પ્રગટતો ઉમંગ અને જુસ્સો જીવનને આસ્થાવાન બનાવે છે. સજ્જતા અને સાબદાઈથી જીવનલક્ષને પામવાનો માર્ગ, ખુદ મંઝીલને ચરણ ચુમતી કરી દે છે. પ્રેમ પ્રસિદ્ધિ એ કીર્તિની કામના છે ને જીવવાની લાલસા એ કવચિત મૃત્યુની કલ્પના છે. આસ્થાનો પુરસ્કાર કરી, હર હાલતમાં સહિષણું રહી, માનવતાને માથે ચડાવવી એ જ જીવનનો સાચો ધર્મ છે. મરણ અને મરણોન્મુખ દશા જીવનના અસ્સલ અને વિકૃત સ્વરૂપ છે. અંત સમયે જગતની કોઈ ચીજ કામ નથી આવતી. એમાંનું કશું જ સાથ નથી આપતું. કામ લાગતી હોય તો એક જ વાત અને તે છે સ્વયંની સમજ, આત્મબોધ, સુખ-દુઃખથી પર એવી સંબુદ્ધ સ્થિતિ - સમાધિ. જ્ઞાન અને ઘ્યાન દ્વારા મળતી શાશ્વત શાંતિ તથા પ્રેમ અને સેવા દ્વારા મળતી અકંપ સ્થિતિ જ માનવજીવનની અંતિમ મંજિલ છે. સત્ય સિવાય કોઈને પણ વફાદાર રહીને જીવવું એ બેવકૂફી છે. સત્ય સાથે ચાલવું એ સામા પૂરે ચાલવા જેવું છે આમ છતાં સત્યની સાથે રહીને જીવવા મળે તો જીવવું અથવા મરવું પડે તો મરવું એ પણ મહાસુખ અને સદ્‌ભાગ્ય છે."

જિંદગી જીવ્યાનો આ સાર હું મારા બાપુ પાસેથી પામ્યો છું. જિંદગીને એમણે મનમુકીને ચાહી છે અને અઢળક ભાવે આરાધી છે. તેઓ મૃત્યુ નથી પામ્યા પણ અકાળે આવેલ મૃત્યુ પર વિજય પામી તેઓ મૃત્યુંજયી થઇ ગયા છે.

મધુરમ મેકવાન.
૨૭ માર્ચ,૨૦૧૪.
કેનેડા.

No comments :

Post a Comment