Sunday, 4 June 2017

કેનેડા : શમણાના મૃગજળ ( અંતિમ ભાગ )


આલ્બર્ટ આઈનસ્ટાઇને કહ્યું છે, “Life is a preparation for the future; and the best preparation for the future is to live as if there were none.” ઇન્ડીયાથી કેનેડા, આણંદથી ટોરંટો અને હવે ટોરંટોથી બ્રામ્પટન......પરિભ્રમણ અને પરીક્રમણના આ લાઈફ પેરેડોક્સના સિદ્ધાંતને અનુસરી હું એક સાવ અજાણ્યા શહેરમાં સહકુટુંબ રીલોકેટ થયો. સ્થળાંતર, પુનર્વસવાટ અને સેટલમેન્ટના એજ વિષચક્રમાંથી ફરી એકવાર પારાવાર અગવડતાઓ વેઠી પસાર થયો પણ અપડાઉનમાં વેડફાતા સમયનો સારો એવો બચાવ થયો જેનો સદુપયોગ મેં કારકિર્દી ઘડતર માટે કર્યો. જેનો સીધે સીધો ફાયદો મને જોબ પર સંસ્થાકીય તરક્કી સ્વરૂપે થયો તથા આમદનીમાં પણ સારો એવો આર્થિક લાભ થયો.

કેનેડામાં એક કહેવત છે, " THREE W'S YOU DON'T TRUST " આ ત્રણ ડબ્લ્યુ-W એટલે WORK, WOMAN AND WEATHER.

WORK : મોટા ભાગે "હાયર એન્ડ ફાયર" પદ્ધતિ તથા સ્ટ્રીકટ એમ્પ્લોયમેન્ટ રેગ્યુંલેશનવાળા કેનેડિયન જોબ મારકેટમાં જોબ ઇનકન્સીસટન્સી તથા ઇનસિક્યોરીટી આમવાત ગણાય છે. જોબનો કોઈ ભરોષો નહિ. કામ હોય તો ઠીક નહીતો .....સર........વી ડુ નોટ નીડ યોર સર્વિસીસ એનીમોર ... કહી તમને ગમે ત્યારે માનભેર અને પ્રેમપૂર્વક વિદાય કરી દે !

WOMAN : "ક્વોલીટી ઓફ લાઈફ" માં માનતા, "લીવ ઇન પાર્ટનર", "કોમન લો પાર્ટનર" ની જોગવાઈ હેઠળ લાઈફ એન્જોય કરતા તથા "સીંગલ મધર" નું નારીપ્રભુત્વવાળું લીગલ સ્ટેટસ તેમજ વર્ચસ્વ ધરાવતા કેનેડીયન સમાજમાં નારીઅધિપત્ય ડિવોર્સ બહુ સામાન્ય બાબત ગણાય છે. ફાવે તો ઠીક નહીતો રામ રામ !

WEATHER : કેનેડાનું વેધર ખુબ અનપ્રીડીકટેબલ છે. વિન્ટરમાં સ્નોસ્ટ્રોમ ગમે ત્યારે આવી ચઢે ને ચારેકોર બરફના ઢગલા વાળી દે. સમરમાં પણ ગમે ત્યારે વરસાદ આવી ચઢે. કોઈ ગેરંટી નહિ ! એકસ્ટ્રીમ વિન્ટર તથા સમરમાં ઠંડુ ગરમ રહ્યા કરતું કેનેડાનું વેધર પ્રીડીકટેવ્લી અનપ્રીડીકટેબલ છે. આ ત્રણેય પરિબળો કેનેડિયન લાઈફને મહદંશે ડોમીનેટ કરતા હોઈ, આ ત્રણ ડબલ્યુ પ્રત્યે બધા શંકાની દ્રષ્ટિથી જોતા હોય છે. 

પણ આ ત્રણેય બાબતે મારો અનુભવ બિલકુલ અલગ રહ્યો છે. મારી આ જોબ મને પ્રમાણિકપણે આજદિન સુધી વળગી રહી, સારી એવી આર્થિક સદ્ધરતા બક્ષી અહી સેટલ થવામાં ખુબ મદદરૂપ થઇ છે. ધર્મપત્ની એક અતુટ વૈવાહિક બંધન, કૌટુંબિક જવાબદારી, જોબ તથા પારિવારિક પ્રેમ સાથે મારા સંઘર્ષની સાચી ભાગીદાર બની છે. અને કેનેડાનું વેધર ખુબ એક્સ્ટ્રીમ છે એટલે વેધરને મેં તેના જેતે સ્વરૂપમાં સહર્ષ સ્વીકારી લીધું છે.

કહે છે મહેનતના ફળ મીઠા. એમ પંદર વર્ષની મારી અથાક અને અવિરત મહેનતને લીધે આજે કેનેડામાં ઠરીઠામ થઈ થોડી ઘણી ભૌતિક સુખ-સમૃદ્ધિ પામ્યો છું. તેમજ શક્ય એટલો કુટુંબી અને સ્નેહીજનોને અહી સેટ થવામાં મદદરૂપ થઇ શક્યો છું, જે ઇન્ડિયામાં હોત તો ન કરી શક્યો હોત તે આ દેશનું ઋણ. કેનેડામાં સ્થાયી થવામાં મારા સ્વજનો હરદમ મારી પડખે રહી મારા સંઘર્ષના સાચા ભાગીદાર બન્યા છે. તેમના સાથ, સહકાર અને અમુલ્ય પ્રેમને લીધે જ વિપરીત પરિસ્થિતિઓમાં પણ હું ટકી રહ્યો છું. 

મારા સંઘર્ષમાં એક સાચા મિત્રની જેમ મારા દુઃખમાં સહભાગી બનેલ મારી પત્નીના નિશ્વાર્થ પ્રેમને મેં તેની સમર્પણની ભાવનામાં વ્યક્ત થતો જોયો છે. મારી દીકરીના નિર્મળ પ્રેમને મેં તેના અભ્યાસની સાથે સાથે મને મદદરૂપ થવા માટે વિકેન્ડ જોબ કરી પળે પળે મારા સંઘર્ષમાં સહાયરૂપ થતો અનુભવ્યો છે. અઠવાડિયાઓ સુધી મારું મોઢું નહિ જોઈ શકતા, ડોલર સ્ટોરના ફક્ત એક ડોલરના રમકડાથી હરખની પરાકાષ્ઠા અને સંતોષની પરીતૃપ્તતા અનુભવી મારી પર ઓળઘોળ થઇ જતા, મારા ફક્ત એક આલિંગન માટે તરસતા, લોન્લીલેસ અનુભવતા મારા પુત્રના નિર્દોષ પ્રેમને મેં વિવશપણે દોષિત દિલે છેક અંદરથી અનુભવ્યો છે.

મારી આ સંઘર્ષ યાત્રામાં અહી સ્થાયી થયેલ મારા ભાઈ સમાન અમુલના મારા મિત્ર ઉપેન્દ્ર પટેલ તથા અમુલ પરિવારના મારા સ્નેહીજનોના પ્રેમને મેં ખૂબ જ માણ્યો છે કે તે હજુ પણ જીવંત છે. અહી વસેલ ગુજરાતી ક્રિશ્ચિયન કોમ્યુનીટીને એક પરિવાર બનાવવામાં ટોરંટો સ્થિત નડિયાદના એક નિઃસ્વાર્થ અને સેવાભાવી વડીલમિત્ર શ્રી.પોલ મેક્વાન અને તેમના પરિવારનો નિર્મળ પ્રેમ અને અતુટ સાથ સહકાર કાળજે કોતરાઈ ગયો છે. વિશાળ રુદય ધરાવતા, માનવીય મૂલ્યોનું જતન કરતા અહી વસતા મારા શ્વેત કેનેડીયન મિત્રોએ મારા વિદેસ નિવાસમાં પ્રેમ અને ભાઇચારાના પ્રાણ પૂરી દીધા છે તે સોનામાં સુગન્ધ ભળે એવો સુખ ભર્યો એહસાસ.

કેનેડાની મારી મહેનત મને કઠી તો ખરી પણ આજે એજ સંઘર્ષ મને એક અનેરા અને અદભુત સંતોષની લાગણીનો અનુભવ કરાવે છે. આજે મારી દીકરી કેનેડાની વિશ્વવિખ્યાત યુનીવર્સીટીમાંથી હેલ્થ સ્ટડીઝનું ઉચ્ચ શિક્ષણ પામી કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવી રહી છે તથા પુત્ર પણ આઈ ટી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યો છે, તે મેં કેનેડામાં વાવેલ મેપલટ્રી તથા ચેરીના ઝાડના મારા મીઠા ફળ. બાકી ગુલાબ વાવ્યા પણ ફૂલ કરતા કાંટા વધારે વાગ્યા છે પણ તેનો કોઈ અફસોસ નથી ! વર્ષો પહેલા સેવેલ વિદેશવાસનું મારું સપનું ફળીભૂત થયું છે. નાયગ્રાના નીરમાં મન મુકીને ભીંજાયો છું અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને હાથવેંત નિહાળી ખુબ હરખાયો છું.

My dream of going to foreign country has come true.
But when the dream comes true, it's hard to conclude, 
Which part of reality was dreamt ?
And which part of dream is reality !

સપનાની ભીતરમાં ઊંડે ઉતરી જોઉં છું તો આ વિદેશવાસ મને ભૌતિક માયાજાળનું એક ભ્રમિક સુખ ભાસે છે. વિદેશમાં આવ્યા પછી વતનની ખોટ વધુ સાલે છે. સ્વજનોના હેત હૂંફ માટે અમે હોરાઈએ છીએ. વતન છોડ્યાનું દુઃખ ક્ષણે ક્ષણે એક આકરી માનસિક વેદના વલોવતું હોય છે. માતૃભૂમિ, મિત્રો અને કુટુંબીજનોની યાદ એક અસહ્ય પીડા કરતી હોય છે. વતનયાત્રા એક અહોભાગ્ય અને સ્વપ્ન સમાન હોય છે. એને જયારે માણીએ છીએ ત્યારે પરમ આનંદ અને સંતોષનો એક અનેરો એહસાસ થાય છે. વતનમાં સ્વજનો મધ્યે રહેવાનું, તેમનો આથીત્યસત્કાર અને પરોણાગત તથા સ્નેહીજનોનોના ભરપુર સ્નેહ સામે વિદેશમાં ઠરીઠામ થયાનો મહિમા નહીવત ભાસે છે. ઝાંઝવાના જળ જેવી આ અટપટી વિદેશી મોહમાયાના તાણાવાણામાં પરોવાયા પછી કોઈ દળદળમાં ફસાયા હોય એવું દર્દ દિલને કાયમ કોરી ખાતું હોય છે. સિક્કાની બે બાજુઓની જેમ ડુંગર દુરથી બહુ રળિયામણા લાગે તેમ આ ભૌતિક સુખ ઘણીવાર શૂળની જેમ દિલમાં ઘોચાતું હોય છે. સાત સમંદર પાર ગયા પછીની વિદેશવાસની આ માનસિક વેદના વતનમાં વસતા સ્નેહીજનોને સમજાવવી અઘરી છે. પણ તે સ્વાભાવિક છે કારણ સુખની શોધમાં વતન છોડ્યું છે એટલે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. અને આ એક કડવી વાસ્તવિકતા છે જેનું કોઈ નિરાકરણ નથી એટલે હું ફરિયાદ પણ નથી કરતો.

અઢળક રઝળપાટ, માનસિક તણાવ અને માનહાની તથા આંખમાંથી લોહીના આંસુ ટપકે એવી દોઢ દાયકાની આ સંઘર્ષ યાતના છે. વીતેલા વર્ષો પર નજર નાખું છું ત્યારે વિદેશસુખ પ્રાપ્તિના આનંદ સાથે સાથે એક અવર્ણનીય માનસિક વ્યથા અનુભવું છું. હઝું પણ એ 'ફ્રેશ ઓફ ધ બોટ' તથા 'એફ' વર્ડ સાથેનું ઈમીગ્રંટનું લેબલ મારી રાતોની ઊંઘ હરામ કરી દે છે. કલર અને ક્વોલિફિકેશનના અભાવે કેટલીય વાર રેસિઝમનો ભોગ બન્યો છું, ત્યારે એરપોર્ટ પર મળેલા 'વેલકમ ટુ કેનેડા' ના સન્માનનીય સ્વાગતમાં હ્યુંમિલીએઈટ થયાની અકલ્પ્ય પીડા થાય છે. સમયની સાથે સાથે આ દેશનું નાગરિકત્વ પ્રાપ્ત થયું ત્યારે લેન્ડેડ ઈમિગ્રન્ટના લેબલમાંથી છૂટયાનો હાશકારો થયેલો, પણ ઓથ લેતી વખતે જયારે ' ઓ કેનેડા ' રાષ્ટ્રગીત ગાયું ત્યારે માતૃભૂમિને તરછોડ્યાનો તીવ્ર આઘાત લાગેલો. સ્વજનો અને માતૃભૂમિની યાદમાં ક્ષણે ક્ષણે ' ધોબીકા કુત્તા ન ઘરકા ન ઘાટકા ' નો દુખદ એહસાસ મનને કોરી ખાય છે. વતનમાં વસતા સ્વજનોના આકસ્મિક અવસાનના સમાચાર અને તેની અસહ્ય વેદના દિલ પર કારમો ઘા કરી લાગણીઓને હચમચાવી માનસિક સમતુલા અસ્તવ્યસ્ત કરી નાખે છે. આઈસીયુમાં દાખલ કરેલ બીમાર પિતાની ખબર કાઢવા, એર એમિરેટ્સના એ લકઝરીયસ, ડબલ ડેકરના વિશાળ અને વૈભવી પ્લેનમાં બેઠો, ત્યારે ખબર નહોતી કે તેમના અંતિમ દર્શન કરવા જઈ રહ્યો છું. જન્મદાતા પિતાના આશીર્વાદથી પામેલ આ વિદેશ સુખ, મૃત પિતાની કાંધને ખભો દેતા મારી નજરો સમક્ષ વિલીન થઇ જતું નિહાળ્યું છે મેં. પરદેશ જવાનું મારું સપનું સાકાર તો થયું પણ એમાં સત્ય અને હકીકત જે છે તે આ છે. સત્યને મેં સ્વીકારું લીધું છે જયારે હકીકતને સ્વીકારવી હજુ પણ અઘરી લાગે છે. મારાં અસ્તિત્વમાંથી કોઇ કિમતી વસ્તુ ઝૂંટવાઇ ગઇ હોય એવું લાગે છે તોય ફરીને ફરી રોજ એ જ આશા સાથે સવારે ઊઠું છું કે કદાચ જીવવા માટે પાછો કોઇ ભ્રમ મળી જાય. કેનેડાના મેં જે શમણા સેવેલા એ હજુ પણ મૃગજળની માફક મને દુર ભાસે છે. કેનેડાની આ મારી કથની છે અને એ એક નક્કર વાસ્તવિકતા છે એટલે એનો નગ્ન ચિતાર કરવામાં મેં રતીભાર કોઈ અતિશયોક્તિ નથી કરી. 

મારા બાપુએ મને એક પત્રમાં લખેલ,

" બેટા, હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. જીવનમાં સુખ, દુખ, સફળતા, નિષ્ફળતા અને હારજીત એ કર્મના ફળ છે. કારણ કોઈ પણ કરેલું કર્મ જયારે પાકી જાય છે ત્યારે એનું ફળ આપ્યા વગર શાંત થતું નથી. એટલે કોઈ પણ કૃત્ય થકી આપણે ઉજમાળા ઠરીએ એજ જિંદગીની સાચી સફળતા છે. માટેજ કહેવાયું છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. ચેન્જ અર્થાત બદલાવ કે પરિવર્તન એ સંસાર-સૃષ્ટિનો નિયમ છે. સમયની સાથે સાથે પરિસ્થિતિ હમેશા બદલાતી રહે છે. આઝાદી પહેલા હું જન્મેલો અને વર્ણવ્યવસ્થા, જ્ઞાતિવાદ તથા સામાજિક અન્યાયોના ઓળા હેઠળ ઉછરેલો. પણ કહેવાતા સવર્ણ કે ભદ્રસમાજે મને સ્વીકાર્યો કારણ મારી સાહિત્યિક સિદ્ધિઓ અને સામાજિક ઉપલબ્ધિઓ. માણસની ચામડીનો રંગ ભલે અલગ અલગ હોય પણ તેના લોહીનો રંગ વિશ્વના ગમે તે ખૂણે જાવ એકજ જોવા મળશે. અને એજ લોહી તમારા સંસ્કારો, તમારી અસ્સલ ઓળખ અને ખુમારી છે જે તમારી નીતિ ને કર્મો થી ઓળખાય છે.....નહિ કે રંગ અને રેસથી, રેલીજીયન કે નાતજાતથી "

આજે વ્હાઈટ સ્કીનના વર્ચસ્વવાળા કેનેડિયન હેલ્થ સેક્ટરમાં મારી દીકરીને ગોરા ડોક્ટર અને નર્સ સાથે ખભેખભા મિલાવી કામ કરતી જોઉં છે ત્યારે સેકંડ જનરેશનમાં તેનું પ્રભુત્વ ગુમાવતી અસ્ત થતી જતી રંગભેદનીતિ અને રેસિઝમ ઉપર આ પેઢીનો વિજય હવે હર્સોલ્લાસ સાથે ઉડીને આંખે વળગે છે. વીકેન્ડમાં મારા ઘરે સ્લીપ ઓવર કરતા, ખાવા માટે દેશી ફૂડની સામે ચાલી માંગણી કરતા તથા મારા ઘરને તેમનું સેકંડ હોમ કહેતા મારા પુત્રના વ્હાઈટ કેનેડિયન મિત્રોને હું " માય સન " થી સંબોધું છું ત્યારે આ યંગ, શ્વેત ટીનેજર્સ હરખના માર્યા ભાવભીનું હગ આપી મને "યો ડેડ" થી નવાજે છે. હૈયું ત્યારે ચારસો ચાલીસ વોલ્ટ કરતાંય બમણા આવેગના હેતથી ઉભરાય આવે છે. જોબ પર મારી સાથે કામ કરતો મારો પરમ કેનેડીયન મિત્ર ગેરીનું કુળ મૂળે ઇંગ્લેન્ડ છે પણ તે ગાંધીજીનો ચાહક અને પ્રશંસક છે અને ડીસ્ક્રીમીનેશનનો તો પ્રખર વિરોધી છે. "ફ્રીડમ એટ મીડનાઈટ" બુકનો ઉલ્લેખ કરતા વાતે વાતે અફસોસ અને અપોલોજી વ્યક્ત કરે છે અને રીટાયર થયા બાદ ઇન્ડિયાની મુલાકાત લેવાની અદમ્ય ઈચ્છા ધરાવે છે ત્યારે તે મારું કોઈ સ્વજન હોય એવો એહસાસ થઇ આવે છે. ઝેનોફોબિયા નીતિની સખત ટીકા અને ખંડન કરતા કેનેડાના વડાપ્રધાન નેટીવ ઇન્ડિયન લોકોને થયેલ સામાજિક અન્યાયો બદલ જાહેરમાં માફી માંગે છે ત્યારે સમયની સાથે સાથે બદલાતા જતા કેનેડાના સામાજિક વાતાવરણમાં પ્રસરતી પરિવર્તનની હવામાં મારી વ્યથા હવે ધીમે ધીમે વિસરાતી જાય છે. કેનેડાના મારા સંઘર્ષના મીઠા ફળ આજે હું જોઈ રહ્યો છું ત્યારે લાગે છે કે મારું વેઠયું વ્યર્થ નથી ગયું. મારા બાપુ મને કહેતા કે બેટા આપણાં અંજળપાણી જ્યાં લખાયા હોય તે ભૂમિ આપણું કર્મસ્થળ બને છે, પણ કર્મના સિદ્ધાંતને અનુસરી અને ભૌતિક સુખની મર્યાદામાં રહી જીવનનો આનંદ લેવો એજ કર્મસિદ્ધિની સાચી પ્રાપ્તિ છે.

મલ્ટીકલ્ચરાલીઝ્મની સંવિધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમુન દ્રષ્ટાંત છે. અદ્વિતીય આંતરરાષ્ટ્રીય પ્રમાણ અને ખ્યાતી તથા વિશિષ્ટ ગુણવત્તા ધરાવતું કેનેડાનું લીવીંગ સ્ટાન્ડર્ડ વિશ્વના ટોપ ટેન - પ્રથમ દશમાં સ્થાન ધરાવે છે. તેના મોરલ સ્ટાન્ડર્ડસ, નૈતિક ધોરણો પણ એટલાજ ઊંચા અને આદર્શ છે જે મને ગમે છે કારણ તેમાં પારદર્શકતા, પ્રમાણિકતા તથા માનવતાના મૂલ્યોનું મહત્વ વધારે છે. કહે છે કે સુખની વ્યાખ્યા વ્યક્તિએ જાતે નક્કી કરવાની છે. સુખની મારી વ્યાખ્યા મહદઅંશે સમાવી લેતા કેનેડા દેશમાં રહેવાનું સદભાગ્ય મને મળ્યું તેને હું મારું અહોભાગ્ય માનું છું. અહીની ઉત્કૃષ્ઠ જીવનવ્યવસ્થા સાથે અમારી મનોવ્યવસ્થા હરખભાવે એકરૂપ થઇ ગૂંથાઈ ગઈ છે અને અહીની જીવનશૈલી સાથે અમારી વિચારસરણી સહજભાવે એકમત થઇ વણાઈ ગઈ છે. અહીની જીવનસંસ્કૃતિમાં અમારા મુળિયા હવે ઉત્ક્રાંતિરૂપે ઊંડા ઉતરી ચુક્યા છે અને એક સુદ્રઢ અને સુસંસ્કૃત ભાવી પેઢીના મજબુત પાયા અહી નંખાઈ ચુક્યા છે જેની બુલંદ ઈમારત હવે ધીમે ધીમે આકાર લઇ રહી છે. પણ પરદેશગમન, પરિવર્તન અને પ્રગતિના આ જીવનચક્રમાં માતૃભુમી અને વતનપ્રેમીઓ સાથે સામાજિક અને સાંસ્કૃતિક રૂપે માતૃભાષાથી જોડાઈ રહેવાની ખેવના મરી પરવારી નથી. એટલે મારા બાપુ, સાહિત્યકાર સ્વ. જોસેફ મેકવાનના ચિંધ્યા માર્ગે ચાલી તેમના અધૂરા કાર્યો, સંસ્કારસમૃધ્ધ સાહિત્યસર્જન અને સમભાવસજ્જ સમાજનવનિર્માણ ધ્વારા પુરા કરવાની અંતિમ ઈચ્છા સહ અહી વિરમું છું.

મધુરમ મેકવાન.
બ્રામ્પટન, કેનેડા.
૨૮ મી માર્ચ, ૨૦૧૭
સ્વ.બાપુની સાતમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ સહ.
કેનેડા  :  શમણાના મૃગજળ  ( ૨ )


કેનેડામાં મારે જેના ઘરે રહેવાનું હતું એ મારો મિત્ર ઉપેન્દ્ર પટેલ એરપોર્ટ પર મને રિસીવ કરવા આવેલ. બંને બાજુ સાત સાત લેન વાળા વિશાળ હાયવે ફોરોવન પર એક્સોવીસની સ્પીડે પુરપાટ દોડતી એક લકઝરીયસ કારમાં હું સ્તબ્ધ બની આજુબાજુ એક પણ હોર્ન માર્યા વગર દોડતી અસંખ્ય ગાડીઓ વિસ્મયસહ નિહાળતો, ટોરંટો ઈસ્ટના સ્કારબોરો એરિયા સ્થિત ટક્ષીડો કોર્ટના મારા મિત્રના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો. સૌમ્ય સ્વભાવના તેના શ્રીમતી તથા બાળકોએ મને આવકાર્યો. જીવનમાં પ્રથમ વાર કોઈ મિત્રના ઘરે તેના ભરોસે અને આશરે રહેવાનું હતું. મિત્ર અને તેના પત્ની બંને જોબ કરે એટલે જરૂરી સુચનાઓ મને અગાઉથીજ આપી દીધેલી. સવારે હું ઉઠું એ પહેલા મોટે ભાગે તેઓ જોબ માટે નીકળી જતા. કેનેડામાં આવ્યા પછી સૌપ્રથમ પણ સૌથી વિષમ અને ભગીરથ કાર્ય હતું જોબ સર્ચ ..... કારણ ફક્ત એક અને અનિવાર્ય ........સર્વાંઈવલ ફોર એક્ઝીસટંટ !?!

નવો દેશ, નવી સામાજિકતા, નવું વાતાવરણ, નવું રાજકારણ અને નવું અર્થતંત્ર. આ બધા પરિબળો સાથે જોબ શોધવી એ પણ એક જોબ હતી અને એ એટલું આસાન પણ નહોતું. નજીક આવેલ એક એચઆરડી સેન્ટરમાં રોજ ચાલતો જતો, જોબ સર્ચ કરતો, રેઝ્યુંમી બનાવતો અને એપ્લાય કરતો. અગ્રેજીમાં કેનેડિયન એક્સેન્ટ સમઝવા અઘરા પડે, ટોરંટોના ટ્રાન્ઝીટ મેપમાં કઈ ગતાગમ ન પડે, જોબ સર્ચ માટે ઈન્ટરનેટની એટલી ઇઝી એક્સેસ પણ ન મળે, અને જ્યાં જ્યાં એપ્લાય કરતો ત્યાંથી કોઈ રિસ્પોન્સ ન મળે તોય પ્રયત્નો ચાલુ રાખતો. પરંતુ સમય વીતતો જતો હતો અને જોબનો કોઈ મેળ નહોતો પડતો એટલે ફિકર વધારે થતી. મિત્રે સલાહ આપી કે આમ બેસી રહેવાથી દાડૉ નહિ વળે જાતેજ જઈ તપાસ કર ક્યાંક તો મેળ પડી જ જશે. બીજો કોઈ તાત્કાલિક ઉપાય નહોતો એટલે જોબ સર્ચ માટે ડોર ટુ ડોર સંપર્ક કરવા નીકળી પડ્યો.

ફેબ્રુઆરી મહિનો ને ભયાનક ઠંડી .....ચારેકોર બરફના ઢગલા, માઈનસ ટ્વેલ્વ ડીગ્રી ટેમ્પરેચરમાં ઇન્ડિયાથી લાવેલ ગરમ વસ્ત્રો પહેરી, બસનું ભાડું બચાવવા એજ ભારેખમ સેફટી શુઝ પહેરી ચાલતો આજુબાજુના પાચ-દશ કીલોમીટરના વિસ્તારમાં આવેલ મોલમાં, ગ્રોસરીની દુકાનો, રેસ્ટોરંટ, ઓફીસ અને ફેકટરીઓમાં નોકરી શોધવા નીકળી પડતો. પણ દરેક જગ્યાએ રેઝ્યુંમી સાથે રેફરન્સ માંગે અને તેમાય પાછો કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ નહિ એટલે મેળ ન પડે. ત્યારે ઘણી વાર વ્યથિત થઇ જતો અને ગુસ્સો આવી જતો કે એક તો સાવ લેબર જોબ અને તેમાય પાછો રેઝ્યુંમી, રેફરન્સ, ક્વોલિફિકેશન, એક્સપીરીયન્સ માંગે છે આ લોકો ...!?! પણ અન્ય કોઈ વિકલ્પ નહોતો એટલે મન મક્કમ રાખી હું રોજ રોજ દર દર ધક્કા ખાતો કે ક્યાંક તો મેળ પડી જશે. સમય વીતતો જતો હતો .....એક દિવસ ....બે દિવસ ....અઠવાડિયું .....મહિનો ......ક્યાય જોબનો મેળ પડે નહિ ....મિત્રના ઘરે આમ જ રહેવામાં મન ખુબ સંકોચાય. પણ મિત્ર ખુબ સારો ...અને મજબુરીનો માર્યો હું કશું કહી પણ ન શકું.

પણ જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ હતાશા અને નિરાશા મન પર ઘેરાવા માંડેલી. હવે તો ભારેખમ સેફટી શુઝ ને લીધે ચાલી ચાલીને પગે છાલા પડવા લાગેલા તો પણ ઘા પર મલમપટ્ટી મારી લંગડાતા પગે જોબ સર્ચ ચાલુ રાખેલી. જયારે જયારે જોબ શોધવા નીકળતો ત્યારે હું વિચારતો કે પંચમહાલ જીલ્લામાંથી પેટીયું રળવા આવેલ ને રોજ રોજ મજુરી માટે નીકળી પડતા આદિવાસી ભીલ લોકો અને મારી વચ્યે ફરક શું ? મારી આ મનોદશા મારી માનસિક અવસ્થાને હતભ્રત કરી દેતી. હું આકુળ વ્યાકુળ થઇ જતો પણ બીજો કોઈ ઉપાય નહોતો મારી પાસે. આ બાજુ ઇન્ડિયા ફોન કરું તો પહેલો પ્રશ્ન આજ પુછાય કે જોબ મળી ગઈ ?  હું જુઠું બોલતો કે જોબ મળી ગઈ છે ચિંતા ના કરશો ....પણ અહિયાં મારું મન જાણે.

મેનપાવરની શોર્ટેજને પહોંચી વળવા કેનેડાએ એ વખતે ઈમિગ્રેશન સીસ્ટમ લિબરલ કરેલી. દુનિયાના ખૂણે ખૂણેથી સ્કીલ્ડ પ્રોફેશનલ્સ અહી આવતા અને એ બધા મોટેભાગે ટોરંટોની આજુબાજુ ઠલવાતા. જોબ સર્ચ માટે એમ્પ્લોયમેન્ટ એજન્સીઓનો સંપર્ક અનિવાર્ય ગણાતો એટલે મારા જેવા નોકરી ઈચ્છુક ઉમેદવારોની ત્યાં લાઈનો લાગતી. એક દિવસ એવીજ કોઈ એજન્સીમાં ગયેલો. જોબ ફોર્મ ભરતી વખતે એક કોલમમાં ' નેટીવ ઇન્ડિયન ' અંગે કંઇક પુછાયેલું. આખું વાક્ય પ્રિન્ટીંગ મિસ્ટેકના લીધે બરાબર છપાયેલ નહિ પણ એમાં ઇન્ડિયન ઓરીજીન અંગે પૂછેલું એટલે મેં યસ લખી દીધેલું. એજન્સીના મેનેજરે ઈન્ટરવ્યુંમાં મારું ઇન્ડિયન ઓરીજીનનું આઈ ડી માંગ્યું ને મેં તેને હોંશે હોંશે મારો ઇન્ડિયન પાસપોર્ટ આપ્યો. ત્રાંસી નજરે મારી સામે જોઈ ચહેરા પર વ્યંગ્ય ભાવો સાથે તે અને બાજુમાં બેઠેલ તેની આસીસટન્ટ ગોરીબાઈ બંને મારી પર ખુબ હસેલા. મને લાગ્યું કે ચોક્કસ કૈંક બફાયું છે. પાસપોર્ટ પરત કરી અન્ય પૂછપરછ પતાવી મને એક પેમ્ફલેટ આપી વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. એજન્સીનો મેનેજર મને ક્યાંક નોકરી મળે તો તેને કમીશન મળે એટલે કોઈ એમ્પ્લોયર સાથે ફોન પર માથાકૂટ કરી રહ્યો હતો. વાતચીતમાં ' હી ઈઝ જસ્ટ ઓફ ધ બોટ....ફ્રેશ ઓફ ધ બોટ ' એવા વિશેષણો વાપરતો પણ કઈ ન વળતા છેવટે એણે ફોન મૂકી દીધો. મને લાગ્યું કે કંઇક સ્પષ્ટતા કરવાની જરૂર છે એટલે મેં તેને કહ્યું કે ભાઈ હું બોટથી નહિ પ્લેનથી કેનેડા આવ્યો છું. ફરી વાર એજ પણ જરા વધારે વ્યંગ્યાત્મક હાસ્ય સાથે એણે મને માનભેર વિદાય કરી દીધો. 'નેટીવ ઇન્ડિયન' નો સામાજિક ભાવાનુવાદ તથા પોલીટીકલી ઇનકરેક્ટ અને ડીરોગેટરી એવા ' જસ્ટ ઓફ ધ બોટ કે ફ્રેશ ઓફ ધ બોટ ' નો તલસ્પર્શી અર્થ મને જયારે સમજાયો ત્યારે હું સમસમી ગયેલો. શરમના માર્યા ભોંઠા પડ્યાનો અને અપમાનિત થયાનો એક ઝાટકો મને રુએ રુએ અસર કરી ગયેલો.

આમ ને આમ માર્ચ મહિનો પણ પૂરો થવા આવેલો. ઠંડી ઓછી થવાનું નામ ન લે. જોબની શોધમાં જ્યાંત્યાં ફાંફા મારતો એક દિવસ એક કંપનીમાં ગયેલો. ટોરંટોની બોર્ડર પર આ કંપની આવેલી. ટીટીસી સર્વિસ એટલે ટોરંટોની સીટી બસ ત્યાં સુધી જાય નહિ પણ સીટી બસના છેલ્લા સ્ટોપથી ખાસું એવું ચાલીયે તો ત્યાં પહોંચાય. અને જવું હોય તો ચાલતા જ જવું પડે એવી વેરાન જગ્યાએ આ કંપની આવેલ એટલે મેં ચમ્પલાટી કાઢેલુ. દોઢેક કલાક ચાલ્યો હોઈશ ત્યારે ત્યાં પહોંચેલ. પણ ત્યાય મેળ ન પડ્યો એટલે પરત ફર્યો. પાછા ફરતા રસ્તાનો ખ્યાલ ન રહ્યો ને કોઈક અજાણી જગ્યાએ અટવાઈ ગયો. પગમાં ભારેખમ સેફટી શુઝને લીધે ચાલવામાં ખુબ તકલીફ પડે, બરાબર ચલાય નહિ અને એમાંય છાલા પડેલા એ ઘસાય એટલે બહુ દુખે પણ કોઈ છૂટકો નહોતો. લંગડાતા પગે તોય ખાસું એવું ચાલ્યો. પણ પરિસ્થિતિ હવે એવી આવી ગયેલી કે એક ડગલું ભરું તો સહન ન થાય એટલી હદે દર્દ વધી ગયેલું. એક અજાણ્યા વેરાન ઇન્ટર સેક્શન પર મુકેલ બાંકડા પર બેસી સેફટી શુઝ ઉતારી જોયું તો છાલા ઘસાઈ ઘસાઈ ને તેમાં ઊંડા ઘા થઇ ગયેલા.અને તેમાંથી રીતસરનું લોહી નીકળવા લાગેલું, લોહી વહેતું બંધ કરવા માટે છાલા પર હાથ રૂમાલ બાંધી દીધો. દર્દમાં થોડી રાહત થઇ પણ હવે શું એ ચિંતા સતાવે.

નસીબજોગે એક કેનેડિયન ગોરો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. કેનેડિયન એક્સેન્ટ ઇગ્લીશમાં મેં તેને મારી દ્વિધા સમજાવવાની કોશિશ કરી. તેને લાગ્યું કે હું કોઈ હોમલેસ પુઅર પર્સન છું અને ભીખ માંગું છું....ટીપીકલ કેનેડિયન અગ્રેજીમાં કઈક બબડતો મારી ઘોર ઉપેક્ષા કરી તે ચાલ્યો ગયો. સાંજ પડવા આવેલી. હું ગભરાયેલો. એવામાંજ એક લંબરમુછીયો ટીનેજર વ્હાઈટ કેનેડિયન છોકરો ત્યાં આવી ચઢ્યો. તેને હું કૈંક કહેવા જાઉં એ પહેલાજ મારા દીદાર જોઈ ચહેરા પર નકારાત્મક ભાવો, આંખોમાં નફરત, ધિક્કાર, દ્વેષ અને રોષ સાથે મારી પર પ્રકોપ્યો .......f..k...ing .....immigrants !?!....... મારું મો બંધ થઇ ગયું, હોઠ સિવાય ગયા, ચહેરો લેવાઈ ગયો. ચારસો ચાળીશ વોલ્ટનો આંચકો લાગે એવો વજ્રઘાત મને લાગેલો. હું સ્તબ્ધ થઇ ગયો ....વિચારે ચઢી ગયો ....ઈમીગ્રન્ટ્સ ....યસ ઈમીગ્રન્ટ્સ ....પણ એ લેબલ સ્વીકાર્યા વિના કોઈ છુટકો નહોતો કારણ કેનેડાએ મને કંકોત્રી આપીને નહોતો બોલાવ્યો. મેં જાતેજ આ દેશને કાયમી ધોરણે રહેવા માટે પસંદ કરેલ એટલે એક પ્રકારના આ રેસિઝમનો ભોગ બનવું સહજવાત હતી.

ટોરન્ટોના અમુક એરિયામાં સ્થાનીય રૂઢીચુસ્ત કેનેડીયન રહેવાસીઓ માટે ' ઈમીગ્રન્ટ્સ આર નોટ વેલકમ ' એવું મેં સાંભળેલું. ખેર યેનકેન પ્રકારે ઘરે આવ્યો પણ રાત્રે ઊંઘ ન આવી ...નાયગ્રાના સપના તો એક બાજુ પણ એ 'એફ' વર્ડ અને ઈમીગ્રંટના લેબલે મારી ઊંઘ હરામ કરી દીધેલી. આંખમાં આંસુ પણ ન આવે એવી માનસિક યાતના સાથે એ વાસ્તવિકતાને સ્વીકારી માનસિક સમાધાન કરી આગળ શું કરવું એ પળોજણમાં ઊંઘી ગયો. બીજા દિવસે ઉઠ્યો ત્યારે પગે સોજા આવી ગયેલા, છાલા પર બાંધેલ રૂમાલ લોહી સાથે ઘા પર ચોંટી ગયેલ. હેલ્થ કાર્ડ આવેલ નહિ એટલે દેશી ઈલાજ કર્યો.

બે ત્રણ દિવસ જોબ સર્ચ માટે ન જવાયું ત્યારે ઘરે બેઠા બેઠા મગજમાં વિચિત્ર વિચારો આવે .....હું એમ આઈ હીયર એન્ડ વોટ ફોર એમ આઈ હિયર ? કહે છે વ્યક્તિ જયારે શરમીંદગીનો શિકાર બને છે ત્યારે હતાશા તેના મન પર હાવી થઇ જાય છે અને એમાય અમૂલની જોબ પર તો મેં ઓલરેડી રાજીનામું આપી દીધેલું. એટલે પરિસ્થિતિને સ્વીકારી લીધા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. મારી જાત પર મને દયા આવતી હતી પણ મારી પર દયા ખાનાર કોઈ નહોતું. કેનેડા જતા પહેલા મારા બાપુએ મને શિખામણ આપેલી કે બેટા એટલું સહેલું નથી વિદેશમાં સેટ થવું પણ જયારે જયારે હતાશા તારા મન પર હાવી થઇ જાય ત્યારે ત્યારે વિધાયક વિચારો એટલે પોઝીટીવ થીંકીંગને વધુ મહત્વ આપજે તોજ તું સફળ થઇ શકિસ એટલે એ નકારાત્મક વિચારોને ખંખેરી નાખી હું ફરીથી જોબ સર્ચના ચક્કરમાં લાગી ગયો.

Scepterછેવટે દોઢ-બે મહિનાના રઝળપાટને અંતે સેપ્ટર નામની એક પ્લાસ્ટિક કંપનીમાં કાળી મજુરી અને પરસેવાથી રેબ ઝેબ થઇ જવાય એવી નર્યું વૈતરું કરવાની નોકરી મળી. મારી શૈક્ષણિક લાયકાત કે અનુભવનો કોઈ ઉપયોગ ન થાય એવી જોબ હતી પણ લેબલ હતું પ્રોડક્શન એસોસીએટ અને કલાકના સાતેક ડોલર મળે એટલે મન મનાવી લીધેલું. આઠ કલાકની નોકરી સોળ કલાકનું વૈતરું કરાવતી, જાયન્ટ પ્લાસ્ટિક મોલ્ડીંગ મશીન પર ભારેખમ વજન ઉપાડવાનું કામ. સુપરવાઈઝર એક ગોરો જાણી જોઇને મશીનની સ્પીડ વધારે રાખે. મીનીટે-મીનીટે પ્રોડક્ટ બહાર પડે, હું પંહોચી ન વળુ તો મને સમજાય નહિ એવી અંગ્રેજીમાં સ્વેરીંગ કરે. પંદર-પંદર મીનીટની બે બ્રેક મળે તેમાં ચાવવવાનું તો એક બાજુ ખાવાનું સીધું ગળે ઉતારી દેવાનું. આઠ કલાક ઘાંચીના બળદની જેમ પીલાઈને થાકીને લોથ પોથ થઇ ઘરે આવતો ત્યારે ટાંટિયા ઢીલા થઇ ગયા હોય ને પથારીમાં સીધું પડતું મુકતો. સવાર મારી ક્યારેય ન થતી. ઉઠું ત્યારે બપોર થઇ ગઈ હોય. બીજા દિવસે જોબ પર જવાનું સહેજેય મન ન થાય પણ બાવા બન્યા છે એટલે હિન્દી બોલ્યા વિના છૂટકો નહોતો.

અહિયાં સવાલ આ લેબર જોબનો નહોતો પણ મારી પ્રોફેશનલ લાયકાત પ્રમાણેની જોબ નહોતી એનો અફસોસ વધારે હતો. પણ તોય હું હિંમત નહોતો હાર્યો. જોબ મળ્યાની ખુશી ઇન્ડિયા ફોન કરી શેર કરતો કે પોપટ ભૂખ્યો નથી .....પોપટ તરસ્યોય નથી ...પોપટ તો કેનેડામાં લીલા લ્હેર કરે છે ! કાલે સૌ વાના સારા થશે એ આશાએ ખેતરમાં દાડિયે જતા ખેતમજૂરોની જેમ હું ઘડિયાળના કાંટાની માફક રોજ રોજ આ મજુરી....સો કોલ્ડ કેનેડીયન જોબ કરતો. અહી એક વાતની સહર્ષ નોધ લઉં છે કે આ મારી આ સંઘર્ષ યાતનામાં મારો પટેલ મિત્ર અને તેનું પરિવાર મારા દુઃખમાં ખુબ સહભાગી થયેલ જેનું વર્ણન કરું એટલું ઓછું છે. દોઢ-બે મહિના જોબ કરી બે કુકા કમાયેલો એટલે એનું રોકાણ કરી બે બેડરૂમ નું એપાર્ટમેન્ટ ભાડે લીધું અને સ્વતંત્ર રહેવા ગયો. કારણ સ્પષ્ટ અને ખુબ સ્વાભાવિક હતું .... નિર્ધારિત આયોજન મુજબ ઇન્ડિયાથી મારા બે બાળકો સાથે શ્રીમતીજી મારા સુખ (?) માં સહભાગી થવા પધારી રહ્યા હતા. એમના આગમન સાથે વધારાની જવાબદારીઓનો ફરી શરુ થયો એજ યાતનામય સંઘર્ષ.
આફ્ટરનુન શિફ્ટમાં જોબ મળેલી એટલે રાત્રે ખુબ મોડો ઘરે આવતો પણ સવારે વ્હેલ્લા ઉઠી બીજી એક પાર્ટ ટાઇમ જોબ કરતો ને બાકીના સમયમાં લાઈન જોબ સર્ચ. સર્વાંઈવ થવા માટે પત્નીએ પણ થોડા સમય બાદ ચીલાચાલુ જોબ ચાલુ કરી દીધેલ. પણ એની કોન્ટીનેન્ટલ એટલે બાર બાર કલાકની શિફ્ટ એટલે એ પણ સવારે વહેલી નીકળી જાય ને છેક રાત્રે ઘરે આવે. બાળકો ઘરે એકલા, ખુબ બીવે અને ખુબ ગભરાય પણ બેબી સીટીંગ પોષાય નહિ એટલે ભગવાનભરોષે તેમને છોડી દેતા. જાતે કેવી રીતે તૈયાર થઈને સ્કુલમાં જવું તથા ઘરે એકલા કેવી રીતે રહેવું એની તાલીમ આપેલી જેમાં અસલામતી વધારે હતી પણ કોઈ છૂટકો નહોતો. પત્ની રાતે આઠ-નવ વાગ્યે ઘરે આવે ત્યારે અંધારું થઇ ગયું હોય, બાળકો રાહ જોઈ, થાકી હારી જે કઈ હોય તે ખાઈ લઇ, બીકના માર્યા ખૂણામાં લપાઈને ઊંઘી ગયા હોય. હું રાતે ઘરે આવું ત્યારે પત્ની અને બાળકો ફક્ત ઊંઘતા જોવાના મળે. આખા દિવસનું ખાવાનું આગલે દિવસે રાતે બની જતું જે ફ્રીઝ માંથી કાઢી ખાઈ લેતો. અઠવાડિયા દરમ્યાન મળવાનું તો એકબાજુ કોઈ વાતચીત પણ ન થાય એટલે બેઠક રૂમમાં એક પાટિયું ટીંગાડેલું જેના પર કાગળિયા ભરવી જરૂરી વાત, સંદેશ અને સૂચનાઓ લખતા. વીકેન્ડમાં પણ જોબ કરવી પડતી એટલે જે કઈ ફાજલ સમય મળે તેમાં ગ્રોસરી અને લોન્ડ્રી કરવા જતા અને લોહી થીજી જાય એવી કડકડતી ઠંડીમાં ચાલતા પોટલા ઊંચકી ઘરે આવતા.

ભોજનમાં ઈન્ડિયાનો ટેસ્ટ ન મળે, હોમ સિકનેસની અસર થવા માંડેલી, લોંગ ડિસ્ટન્સ કોલ ખુબ મોંઘા, મર્યાદિત આવક જેમાંથી એંસી ટકા એપાર્ટમેન્ટના ભાડા પેટે જતા, લાઈન જોબ મળે નહિ, ડીપ્રેસન જેવું લાગ્યા કરે, કાતિલ ઠંડી અને વર્ષના છ મહિના આવરી લેતો લાંબો વીન્ડચીલ વિન્ટર માનસિક રીતે થકવી નાખે. પણ એ બધામાં પરમેનન્ટ રેસિડન્ટ એટલે પીઆર કેટેગરીમાં આવેલ અમૂલના તેમજ બીજા ક્રિશ્ચિયન ગુજરાતી પરિવારોનો સંપર્ક અને પરિચય સંબંધોમાં વિકસેલો એટલે એકબીજાને મળવાની તકો ઉભી થતી. કહે છે સમદુખિયા ભેગા થાય ત્યારે આપણું દુખ ભૂલી જવાય છે. વારે તહેવારે ભેગા થતા અમે સૌ કોઈ એકબીજાને હુંફ અને આશ્વાસન આપતા. આ બધાના સત્સંગમાં સારું લાગતું એટલે હૈયે થોડી શાંતિ વરતાતી.

રીચર્ડ ડેવિસ નામના એક રીક્રુટર ના સંપર્ક આવેલ. તેને મારા રેઝ્યુંમીમાં રસ પડેલો. મને ડેરીમાં જોબ મળે તે માટે તેના તમામ સંપર્કો અને સમીકરણો કામે લગાવી દીધેલા. પણ દરેક જગ્યાએ કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સ માંગે. મારા એન્જીન્યરીંગ એજયુકેશનનું એસેસમેન્ટ કરાવ્યું. જવાબ આવ્યો વધારે ભણવું પડશે અને ફી પણ ખુબ મોંઘી. એટલા ડોલર પણ નહોતા તે વખતે એટલે ભણવાનું મોકૂફ રાખ્યું. રીક્રુટર કહે મારી રેઝ્યુંમી બહુ હાઈ પ્રોફાઈલ છે અને એવી જોબ મળવી હાલના તબક્કે મુશ્કેલ છે એટલે રેઝ્યુંમીને લો પ્રોફાઈલ કરી ડેરીની જે જોબ મળે તે સ્વીકારી લેવી એમ મન મનાવી એ માટે પ્રયત્નો ચાલુ રાખ્યા. ઈન્ટરવ્યું આવે પણ મેળ ન પડે ....કારણ ફક્ત એકજ .... કેનેડિયન ક્વોલિફિકેશન અને એક્સપીરીયન્સનો અભાવ.

આમ ને આમ વરસ વીતી ગયેલું. પ્લાસ્ટિક કંપનીની જોબ શરીર પર ખુબ વીતે. વિપરીત પરિસ્થિતિઓમાં લેબર જોબની શારીરિક તો ઠીક પણ માનસિક અસર વધારે વરતાતી. કઠીન અને કષ્ટદાયક સંઘર્ષ કમજોર કરી દેતો, નિરાશાની પરાકાષ્ઠા હતાશામાં પરિણમતી, તન મનને અકળાવી મૂકતી, માનસિક સ્થિરતા અસમતુલીત કરી દેતી. ઘાયલ કી ગત ઘાયલ હી જાને પણ મને મારા પર વિશ્વાસ હતો અને મારી પ્રેરણા હતા મારા બાપુ અને તેમના હસ્તલિખિત પત્રોનો સથવારો. તેઓ કહેતા કે, બેટા.... " સેલ્ફ પીટીનેસ ઈઝ વર્સ્ટ પાર્ટ ઓફ સેલ્ફ હ્યુંમીલીયેશન " જીવનમાં નિરાશા ને તેને પગલે હતાશા હમેંશા આવશે. પણ નિરાશાથી હેરાન ન થતો ને હતાશાને કોઈ પણ રીતે તારી પર હાવી ન થવા દેતો.
  
છેવટે દોઢ વર્ષની મજુરી અને સંઘર્ષ યાતનાને અંતે એક દિવસે આશાના કિરણો દેખાયા. પારમાલટ કેનેડા નામની એક ડેરીના ઇન્ટરવ્યુંમાં અમુલની આંતરરાષ્ટ્રીય ખ્યાતી અને ડો. કુરિયનનું નામ કામ કરી ગયા. અને હાલમાં છું તેજ ડેરીમાં મને મારી ફિલ્ડની કહી શકાય તેવી એન્જીનીયર કે મેનેજમેન્ટની નહિ પણ એક ટેકનીશીયન તરીકેની નાઈટ શિફ્ટની અને તેમાં પણ સેફટી શુઝ ફરજીયાત પહેરવા પડે એવી જોબ મળી. ઇન્ડિયાથી રેમંડ શૂટની નીચે પહેરેલ સેફટી શુઝ કે જે હવે વપરાય, ઘસાયને ફાટી ગયેલા એજ સેફટી શુઝ પહેરી પહેલે દિવસે હું જોબ પર ગયો ત્યારે એ સેફટી શૂઝનું માહાત્મ્ય મને બરાબર સમઝાયું. નવી જોબનો ગર્વ અને આનંદ તો ખુબ થયો પણ તે ઝાઝો ન ટક્યો કારણ આ જોબ નવા સમીકરણો, સમસ્યાઓ, પડકારો અને વિટંબણાઓ લઈને આવેલી.

જોબનું સ્થળ ખુબ દુર, ટોરોન્ટોની બહાર એક બીજા ટાઉનમાં, જવા માટે મારે બે બસ અને એક ટ્રેન લેવી પડતી. ડેરી પ્લાન્ટ છેક કન્ટ્રી સાઈડે, બસ ત્યાં સુધી જાય નહિ, બસ સ્ટેન્ડથી ત્યાં સુધી જવા માટે અડધો કલાક ચાલવું પડતું, રસ્તો સાવ નિર્જન અને વેરાન, વિન્ટરમાં ત્રણ ચાર ફૂટ સ્નોના ઢગલા હોય, અપડાઉન સાત કલાકનું અને જોબ દશ કલાકની. ઘરે માત્ર નાવાધોવા અને થોડું ઊંઘવા માટે આવતો, રસ્તામાં ખાઈ લેતો અને બાકીની ઊંઘ બસમાં ખેચી કાઢતો. જોબ શારીરિક રીતે અને અપડાઉન માનસિક રીતે થકવી નાખે, જોબ પર ગોરાઓનું વર્ચસ્વ, મારા ડીપાર્ટમેન્ટમાં હું એક માત્ર બ્રાઉન, મારી સામે વિચિત્ર દ્રષ્ટિથી જોતા લાઈક આઈ એમ અન એલીયન ફ્રોમ એ સ્ટ્રેઈન્જ પ્લેનેટ, ચેન્જરૂમમાં મારા લોકર પર વિચિત્ર ચેડા થતા, કેફેટેરીયામાં મારા ઇન્ડિયન ફૂડની સ્મેલ તેમને ખુચતી એટલે ટેબલ પર મારી સાથે કોઈ બેસે નહિ, તેમની ચર્ચાઓમાં ' ઑડ નંબર્સ ' અને ' અનાધર ઈમીગ્રન્ટ ' જેવા વિશેષણો વારંવાર મારા કાને અથડાતા. પણ એક પ્રકારના આ રેસિઝમની સામે નિસહાય બની પરિસ્થિતિ સ્વીકાર્યા વિના કોઈ છૂટકો નહોતો ! મારા બાપુ મને કહેતા કે બેટા તારું કામજ તારી સાચી ઓળખ છે એટલે હું મન લગાવી કામ કરતો. છેવટે મારૂ કામ બોલ્યું અને મારા પરફોર્મન્સને લીધે મારી સ્વીકૃતિ થઇ. પણ આ સ્વીકૃતિના સમર્થન માટે જે મનોયાતનામાંથી હું પસાર થયો તે અસહ્ય, અવર્ણનીય અને ખુબ દર્દજનક છે જેની વિગતે વાત ફરી કોઈ વાર કરીશ. નવી જોબના અનુભવોથી હું ખુબ ઘડાયો, મારો આત્મવિશ્વાસ વધ્યો, મનોબળ વધારે દ્રઢ થયું તેમજ આ જોબ પણ સારી એવી ચાલી એટલે અપડાઉનની ઝંઝટમાંથી છુટવા હું ટોરંટો થી જોબના સ્થળે બ્રામ્પટન શહેરમાં મુવ થઈ ગયો.........

ક્રમશઃ  ......
કેનેડા  :  શમણાના મૃગજળ 

ઓગણીસો સીત્તેરની સાલમાં પ્રાથમિક શાળાનું ભણતર પૂરું કરી હાઇસ્કુલમાં દાખલ થયો ત્યારે મોટા થઇ ગયાનો અને હાઇસ્કુલમાં ભણવા જવાનો એક અનેરો ગર્વ અને ઉત્સાહ થયેલો. આણંદની પ્રખ્યાત ઝેવિયર્સ હાઇસ્કુલમાં નામી શિક્ષક જોસેફ મેકવાનનો પુત્ર હોઈ મને અન્ય શિક્ષકો તથા પ્રિન્સીપાલ ફાધરનો વિશેસ પ્રેમભાવ મળતો અને વર્ગ મોનીટર બની હું ગૌરવ અનુભવતો. સમાજ વિદ્યાના ક્લાસમાં ઈતિહાસ-ભૂગોળ વિષે ભણવાનું આવતું. વિશ્વની અજાયબીઓ વિષે લેખિત કસોટીમાં નીચેના પ્રશ્નોના જવાબ ફક્ત એક લીટીમાં આપો એવા મથાળા હેઠળ ક્લાસ ટીચર પ્રશ્નો પૂછતા કે અમેરિકા ખંડ કોણે શોધ્યો અને વિશ્વનો સૌથી મોટો ધોધ કયો ? વગેરે વગેરે.

નાયગ્રા ફોલનું એક નાનું ચિત્ર પાઠ્ય પુસ્તકમાં હોતું જે જોઈ મનમાં કુતુહલ થતું કે એવો તે કેટલો મોટો ધધૂડો હશે આ ? અને અમેરિકા ખંડ તો હતો જ તો પછી એને શોધવાની જરૂર કેમ પડી કોલંબસને ? વગેરે પ્રશ્નો મારા બાળમાનસને ખુબ મૂંઝવતા. રોજ રાત્રે સુતા પહેલા પ્રાર્થના કરવાનો નિત્યક્રમ, પ્રાથમિક સ્કુલના ધર્મશિક્ષણ ને લઈને પડેલો. ધર્મશિક્ષક એક સાધ્વીબેન સિસ્ટર સમઝાવતા કે ભગવાન પાસે જે માંગશો તે ચોક્કસ મળશે જો તમારી પ્રાર્થના સાચી હશે તો. ત્યારે તો સાચી પ્રાર્થના શું એ અટકળમાજ ઊંઘ આવી જતી પણ રાત્રે ઊંઘમાં નાયગ્રા અને અમેરિકાના સ્વપનો અચૂક આવતા. 

સાતમું પાસ કરી આઠમામાં આવ્યો ત્યારે મારા બાપુના એક ખાસ મિત્ર અમૃતભાઈ ચાંપાનેરી જેમને અમે પ્રેમભાવે કાકા કહી સંબોધતા એ અમેરિકા માઈગ્રેટ થયેલ. તે અરસામાં કોઈ અમેરિકા જાય એ બહુ મોટી વાત ગણાતી અને માન્યામાંય ન આવે એટલે જનાર વ્યક્તિ અમને બહુ નસીબદાર લાગતી. અને તેમાય મારા બાપુના ખાસ મિત્ર અમેરિકા જાય એ અમારે માટે ખુબ ગર્વની વાત હતી. અમેરિકા ગયા પછી પત્રો ધ્વારા તેઓ મારા બાપુના સંપર્કમાં રહેતા. અમેરિકા વિષે અવનવું જાણી અમેં આશ્ચર્યચકિત થઇ જતા. અમને લાગતું કે કાકા ખરેખર નસીબદાર છે. આ વાતને લગભગ ત્રણ ચાર વર્ષ થઇ ગયા હશે. હાઈસ્કુલ પતાવી હું કોલેજના પ્રથમ વર્ષમાં ભણતો. એ વર્ષે ચાંપાનેરીકાકા અમેરિકાથી સહકુટુંબ ઇન્ડિયાની મુલાકાતે આવેલા, અને અમારા આશ્ચર્ય વચ્યે અમારે ઘરે પધારેલા, ખુબ ભેટસોગાદો લાવેલા અને અમારે ઘરે ખાસું એવું રોકાયેલા. અમેરિકાની અવનવી વાતો તેમના મુખેથી સાંભળી અમે દંગ થઇ જતા. વધુ જાણવાની તીવ્ર જીજ્ઞાસા થતી કે એવો તે કેવો દેશ હશે આ જ્યાં સ્વર્ગ જેવું સુખ મળે ! તેમના અમેરિકા પરત ફર્યા બાદ થોડા સમયગાળામાં મારા બે અંગત મિત્રો, દીપક અને કેતન ક્રિશ્ચિયન રિલેશનશિપ સ્પોન્સર બેઝ હેઠળ તેમના કુટુંબો સાથે અમેરિકા માઈગ્રેટ થયેલા. દીપક મારીજ સોસાયટીમાં રહેતો એટલે અમેરિકાથી જયારે પણ એ ઇન્ડિયા આવે ત્યારે અચૂક મારે ઘરે પધારતો. સ્ટાયલીસ્ટ અમેરિકન જીન્સ, ટીશર્ટ, ગોગલ્સ અને કેપ પહેરતો, અમેરિકાની મોટી મોટી વાતો કરતો ને સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના ફોટા બતાવતો. અમેરિકામાં એન્જોય કરતા તેના ફોટા જોઈ અમે દિગ્મૂઢ થઇ જતા પણ તેની ઈર્ષ્યા ખુબ આવતી એટલે રાતે સપનામાં આ ફોલ કે સ્ટેચ્યુ ન આવતા.  

સમય વીતતો ગયો. ઓગણીસો એંસીના દાયકામાં કોલેજ પૂરી કરી હું અમુલ ડેરીમાં જોબ કરતો. તે વખતે આણંદ, ખેતીવાડીની ડેરી સાયન્સ કોલેજમાં એમએસસી કરતો મારો ગાઢ મિત્ર શાંતિલાલ વધુ અભ્યાસ અર્થે સ્ટુડંટ વિઝા પર પીએચડી કરવા અમેરિકા ગયેલો. અને અમુલમાં જોબ કરતા મોટા ભાગના મારા પટેલ મિત્રો પણ દેશી અમેરિકન કન્યાઓને પરણી એક પછી એક ત્યાં માઈગ્રેટ થવા લાગેલા. આ બધા મને પત્રો ધ્વારા અમેરિકાની ખુબ વાતો કરતા અને ફોટાઓ મોકલતા ત્યારે મને પણ અમેરિકા જવાની મનોમન એક ઉમ્મીદ જાગેલી. એજ અરસામાં મારા બાપુ અમેરિકાની યાત્રાએ ગયેલા. પરત ફર્યા બાદ સ્વાનુભવો પરથી તેમણે વિદેશમાં સ્થાયી થવું કેટલું કઠીન છે તેનું વાસ્તવિક વર્ણન અમને કરેલ તોય મને અમેરિકા જવા માટે એક ધૂન ચઢેલી ને મેં શક્ય એ તમામ પ્રયાસો ગંભીરપણે ચાલુ કરી દીધેલા. પણ અમેરિકાના વિઝા મળવા એ કોઈ આમવાત નહોતી. કોઈ સ્પોન્સરશીપ કે રીલેશનશીપ બેઝ ન હોવાને લીધે મારા તમામ પ્રયાસો મહદંશે અસફળ રહેલા એટલે છેવટે નિરાશ થઈ મેં 'વિદેશ પ્રસ્થાન પ્રોજેક્ટ' પર પૂર્ણવિરામ મૂકી મન મનાવી દીધેલું કે કદાચ   આપણા નસીબમાં જ ફોરેન જવાનું નહિ લખ્યું હોય.

લગ્ન થઇ ગયેલા ને ઘર સંસારમાં પરોવાયેલો એટલે અમૂલની કારકિર્દીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી દીધેલું. પણ વધતી જતી મોંઘવારી અને અમૂલના પગારમાં મન માંને નહિ એટલે વળી વળીને દશ વર્ષે પરદેશ જવાની લાલસા ફરી સળવળેલી. તે વખતે કેનેડાની ઈમિગ્રેશન સીસ્ટમમાં સ્કીલ્ડ બેઝ કેટેગરીમાં પોઈન્ટ સીસ્ટમ પર ફાઈલ કરી શકાતી. કેનેડા વિષે આમ તો ઝાઝી જાણકારી નહિ પણ તોય અમેરિકા નહીતો કેનેડા, ટ્રાય તો કરીએ એમ માની મેં ફાઈલ કરેલ. કેનેડા વહેલી તકે જવાય એ લાલચે એક લેભાગુ એજન્ટના ચક્કરમાં હું ફસાયેલો ને સારા એવા નાણા ખર્ચી ચુકેલો. એજન્ટના કહેવા મુજબ ઓફશોર ફાઈલ એટલે ઇન્ડિયા સિવાય અન્ય કોઈ દેશમાંથી તમે ફાઈલ કરો તો વિઝા આવતા વાર નહિ લાગે તેવી સલાહ માની મેં લંડન-ઇંગ્લેન્ડથી ફાઈલ કરેલ ને મારા આશ્ચર્ય વચ્યે ત્રણ મહિનામાં તો લંડનથી વિઝા માટે મારું ઈન્ટરવ્યું આવેલ. હવે પ્રશ્ન હતો કે લંડન જવું કેવી રીતે. એજન્ટ કહે એ બાબતે તેની કોઈ જવાબદારી નહિ ને ઉપરથી તેના કોન્ટ્રાક્ટ પેપર પર મેં સહી કરેલ એટલે બાકીના પૈસાની ઉઘરાણી કરે.

ગાંઠના પૈસા ખર્ચી હું મુંબઈ ગયો ને ઇંગ્લેન્ડની એમ્બેસીમાં વિઝીટર વિઝા માટે અરજી કરી .ઈન્ટરવ્યું લેનાર એક ગોરી બાઈ મને પૂછે કેનેડાના ઇન્ટરવ્યુંમાં ફેઈલ થયા તો ઇન્ડિયા પાછા આવશોજ એની ગેરંટી શું ? એને મારા જવાબથી સંતોષ ન થતા મારા દેખતાજ મારા પાસપોર્ટ પર રીજેક્ટનો સિક્કો ધબ દઈને મારી દીધો. છાતી પર કોઈએ જોરદાર ઘા કર્યો હોય એવી વેદના થયેલી ને હું એમ્બેસીની બહાર આવ્યો ત્યારે મુશળધાર વરસાદ પડે. ફોરેન જવાની હાથવેંત આવેલ તકમાં મળેલ નિષ્ફળતા ખુબજ આઘાતજનક હતી . વિલે મોંઢે રાતે ટ્રેન પકડી હું પરત ફર્યો. વહેલી સવારે દરવાજો ખોલતી પત્નીએ મારી નિરાશ  મુખાકૃતિ પરથી કયાસ કાઢી લીધેલો એટલે કશુજ પુછેલ નહિ પણ મારી વાત સાંભળી મને બધું સારું થશે એવો વિશ્વાસ બંધાવેલ. પણ હું દ્વિધામાં હતો કે હવે કરવું શું ?

એ વીકેન્ડમાં હું મારા બાપુને મળવા ગયેલ. તેમણે સલાહ આપી કે કેનેડિયન એમ્બેસીમાં તારી આપવીતી જણાવતી તથા કોઈ ઉપાય માટેની વિનંતી કરતી અરજી કર. તેમણે મને ગુજરાતીમાં ડ્રાફ્ટ લેટર બનાવી આપ્યો જેનો અગ્રેજી અનુવાદ કરી મેં અરજી મોકલી આપી, મારા આશ્ચર્ય વચ્યે થોડાજ સમયમાં મારી ફાઈલ દિલ્હી ટ્રાન્સફર થઇ ગયેલી પણ આગળ  કોઈ પ્રોગ્રેસ નહિ. ફોરેન જવાનું મારું સપનું મને સાકાર થતું લાગેલું એટલે મેં બાધાઓ-માનતાઓ માનવાનું ચાલુ કરી દીધેલું. ખેર અંતે મારી પ્રાર્થના ફળી અને તે પણ એવી કે વગર ઈન્ટરવ્યુંએ મને સીધાજ મેડીકલ માટેના પેપર મળ્યા ને થોડા સમય બાદ વિઝા પણ. વિઝા આવ્યા એ દિવસે મારા નાનાભાઈ અમિતે મને અમુલની જોબ પર ફોન કર્યો, " મધુ ....પડતું મેલ બધું ને આવતો રે ". હું સાર પામી ગયેલો ને હરખભેર મારું જુનું  ખખડધજ બજાજ ચેતક સ્કુટર મારી મૂકી ઘરે પહોંચી ગયેલો. વિઝાના કાગળિયાં જોઈ હરખનો માર્યો હું ખુબ ફૂલાયેલો કે હુંય હવે મારા મિત્રોની માફક ફોરેન જઈશ. બીજા દિવસે સાંજે અમારા વિશાળ પરિવારના મુખ્ય નિવાસસ્થાને વિઝા મળ્યાની ઉજવણી નિમિતે  ભવ્ય પાર્ટી થઇ. પણ રાત્રે મને ઊંઘ ન આવી. હું જાગતાજ  સ્ટેચ્યુ ઓફ લીબર્ટી તથા નાયગ્રા ફોલના રંગીન સપનાની દુનિયામાં ખોવાય ગયેલો.

જોતજોતામાં વિદેશ વિદાયની એ ઘડી પણ આવી ગઈ. કુટુંબીજનો, સગાવ્હાલા અને મિત્રો વચ્યે સૂટબુટમાં સજ્જ, હારતોરાથી લદાયેલ, હું અમદાવાદ એરપોર્ટ જવા માટે તૈયાર કરેલ કાર તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યાજ પાંચ વર્ષનો મારો દીકરો બોબી દોડતો દોડતો આવ્યો, 'ડેડી તમે આ લેવાનું તો ભૂલી ગયા.' મેં જોયું તો તેના હાથમાં એક બૉક્સ હતું ને ખોલીને જોયું તો એ હતા મારા ....સેફટી શુઝ ....જે મને મારા પટેલ મિત્રે કે જેના ઘરે હું કેનેડામાં રહેવાનો હતો તેણે ખુબ જ ભાર દઈને કહેલ કે, 'મધુરમ, ધ્યાનથી સાંભળ, તું બીજું બધું નહિ લાવ તો ચાલશે પણ સેફટી શુઝ તો ખાસ લઈને આવજે નહિ તો જોબ નહિ થાય તારાથી.' તેની સલાહ માની મેં સેફટી શુઝ લીધેલા પણ બેગોમાં વજન થઇ જવાને લીધે ક્યાં મુકવા એ પ્રશ્ન હતો એટલે બહારજ રહી ગયેલા. બેગોને તાળા વાગી ગયેલા અને કાર પર ચઢાવી દીધેલી. તાત્કાલિક બીજો કોઈ ઉપાય નહોતો એટલે મેં મારા પાર્ટી શુઝ ઉતારી રેમંડના મોંઘા સુટની નીચે સસ્તા સેફટી શુઝ જે જોવા પણ ન ગમે તે પહેરી હું અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયો.

ફોટોગ્રાફરને સુચના આપેલ કે સુટની નીચે બૂટના ફોટા ન આવે. અમદાવાદ એરપોર્ટ પર થોડું ચાલવાનું થયું તેમાં એ ભારેખમ સેફટી શુઝ્ને લીધે પગે છાલા પડવા લાગેલા. ભારે હૈયે સ્વજનોને ભેટી વસમી વિદાય સાથે અમદાવાદ એરપોર્ટ પરથી હું એર ઇન્ડિયાના પ્લેનમાં કેનેડા જવા રવાના થયો. જીવનની પ્રથમ હવાઈ યાત્રાના એક અનેરા રોમાંચ સહ કેનેડાના રંગીન સપના એક ચિત્રપટની માફક મારી આંખો આગળ તરવરવા લાગ્યા, પણ એ બધાની વચ્યે સેફટી શુઝ વાળી વાત ગળે નહોતી ઉતરતી કે હું મૂળે મીકેનીકલ એન્જીનીયર વિથ મેનેજમેન્ટ ક્વોલિફિકેશન ને મારે આ સેફટી શૂઝની શી જરૂર ? ખેર, ભાવી વિષેની એ બધી અટકળો અને મૂંઝવણોની મિશ્ર લાગણીઓ વચ્યે ટોરન્ટોના ભવ્ય એરપોર્ટ ઉપર માઈક પર " વેલકમ ટુ કેનેડા " ના માનવાચક અને મધુર એનાઉન્સમેન્ટ સાથે જેને " લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનીટીઝ " કહેવાય છે તેવા કેનેડા દેશમાં ત્રેવીસમી ફેબ્રુઆરી, સાલ બેહઝાર એક, મંગળવાર, સાંજના ચાર વાગ્યે, ભાવી શમણાઓના પોટલા અને પરમ આનંદના એક અનેરા ઉન્માદસહ હું " રેમન્ડ સુટ વિથ સેફટી બુટ " સાથે લેન્ડીંગ થયો .....! કસ્ટમની જરૂરી વિધિ પતાવી કેનેડાની ધરતી પર વિધિસર પગ મુક્યો અને શરુ થયો સમસ્યાઓ અને સંઘર્ષનો એક ઝંઝાવાત .... જે ભલભલાના મનોબળ અને આત્મવિશ્વાસને હચમચાવી પાંગળા કરી દે !

ક્રમશઃ  ......

Sunday, 3 April 2016



 હું, બાપુ, સુરેશકાકા....અને ધોતી !


" આ મારો વચેટ દીકરો, મધુરમ, અમુલ ડેરીમાં મીકેનીકલ એન્જીનીયર છે. " મુંબઈથી આવેલ તેમના મિત્ર સુરેશ જરીવાલાને બાપુએ મારો પરિચય આપ્યો. ઇમ્પ્રેસિવ પર્સનાલીટી ધરાવતા એ મેહમાનનું મેં એક વેલકમ સ્માઈલ અને હસ્તધૂનનથી અભિવાદન કર્યું. સુરેશભાઈ મારા બાપુના ખાસ અને અંગત મિત્ર. સાહિત્ય રસિક હોઈ મુંબઈમાં યોજાતા સાહિત્ય સંમેલનોમાં તેઓ મારા બાપુના સંપર્કમાં આવેલા. બાપુની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ તેમના ચાહક અને ભક્ત બની ગયેલા. આજે પહેલી વાર મારા ઘરે પધારેલા.

વર્ષોથી મુંબઈ રહેતા સુરેશભાઈ એક ધનાઢ્ય ગુજરાતી બીઝનેસ પરિવારમાંથી આવે. પણ ખુબ સીધાસાદા અને સરળ. શ્રીમંતાઈનો કોઈ અહમ, દંભ કે દેખાડો નહિ. સ્વભાવે હસમુખા અને મિલનસાર. વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા અને વસ્ત્રોમાં સાદાઈ ઉડીને આંખે વળગે. ઉંમરમાં નાના એટલે મારા બાપુ તેમને સુરેશ કહી સંબોધે ને સામે સુરેશભાઈ પણ એટલાજ પ્રેમને વ્હાલથી તેમને " બાપુ " કહી બોલાવે.

એંસી નેવુના દશકાની આ વાત છે. મુંબઈમાં મારા બાપુના સાહિત્યિક કાર્યક્રમો અવારનવાર યોજાય. ઉતારો સુરેશભાઈ ફરજીયાત એમને ઘરે રાખે. તેમની પાસે ટાટા એસ્ટેટ કાર. રેલ્વે સ્ટેશન પર જાતે બાપુને લેવા મુકવા જાય. ઘણીવાર એ કાર લઈ છેક મુંબઈથી ડ્રાઈવ કરી આણંદ મારા ઘરે આવતા ને રાત રોકાતા. હું તેમની આગતા સ્વાગતા કરતો. ઉંમરમાં મારાથી દસ બાર વર્ષ મોટા પણ ખુબ વાચાળ એટલે મારી જોડે ફાવી ગયેલું. સવારે વ્હેલ્લા ઉઠી એ ચાલવા નીકળે સાથે મનેય લઇ જાય. પરત ફરી નાહીધોઈ પરવારી સુરેશભાઈ કોટનની સફેદ ધોતી ને અડધી બાંયનું પહેરણ પહેરી મારા બાપુ સાથે સાહિત્યિક ગોષ્ટી કરે. તેમની આ સાદગીથી હું ખુબ પ્રભાવિત.

એકવાર મેં અમસ્તાજ કહેલું, કાકા મારેય ધોતી પહેરવી છે. તેમની બેત્રણ ધોતીમાંથી એક મને આપેલી સાથે સાથે ધોતી પહેરતા પણ શીખવાડેલું. ઉનાળાની રજાઓમા તે અચૂક મારે ઘરે આવતા. રાત રોકાતા. સવારે કાયમ ધોતી ને પહેરણ પહેરતા. એમના આ સાદગીભર્યા વ્યક્તિત્વ સાથે મારો એક સહજ રિશ્તો બની ગયેલો. કોઈ કોઈ વાર ઘરે હું આમ અમસ્તોજ તેમણે આપેલી ધોતી પહેરતો તો મારા બાપુ મને ટકોરતા, ' સાદગી માત્ર વસ્ત્રોમાં નહિ બેટા આચરણમાં પણ એટલીજ જરૂરી છે.'

ઓગણીસો છન્નુંના ડીસેમ્બર મહિનામાં સુરેશકાકા સપરિવાર ગાડી લઈ મારા નાનાભાઈ અમિતના લગ્નમાં પધારેલ. ત્રણેક દિવસ રોકાયેલ. લગ્નની તૈયારીઓ અને લગ્નમાં ઉમળકાભેર ભાગ લીધેલો. રિસેપ્શન સાંજના હતું ને મોડી રાત સુધી ચાલેલું. ખાણીપીણી ને ખાસ તો પીણીમાં હું થોડી મર્યાદા વટાવી ચુકેલો. સુરેશકાકાનુ ધ્યાન ગયેલું. વારે ઘડીએ આવીને મને પૂછે, મધુરમ, આર યુ ઓલરાઇટ ? પણ પીણીનો એ અતિરેક મારા વાણી વર્તનમાં સ્પષ્ટપણે વર્તાતો હતો. મને ખબર નથી રિસેપ્શનમાંથી હું ઘરે ક્યારે અને કેવી રીતે ગયો. સવારે ઉઠ્યો ત્યારે એજ વસ્ત્રોમાં હતો જે મેં રિસેપ્શનમાં પહેરેલા....સુટ ચીમળાઈ ગયેલું, પેન્ટ ઢીલું થઇ ગયેલું, ટાઈ અડધી નીકળી ગયેલી અને પગમાં મોજા ! મારા ઉઠવાની નોંધ સૌ પ્રથમ  બાળકોએ લીધેલી. સહાનુભુતિસહ ચારેય બાજુથી ઘેરી વળી વિસ્મય નજરે મને નિહાળી રહેલા. અમદાવાદ રહેતી ને હિંદુ પરિવારમાં પરણેલી મારી નાની બહેન અર્ચનાના છએક વર્ષના દીકરા શિવમને મારા પ્રત્યે વિશેસ લગાવ. ટીપીકલ અમદાવાદી બોલીમાં ઊંચા અવાજે તેણે મારા જાગવાનો જાહેર પ્રતિભાવ આપ્યો, ' એ બે.... મધુમામા ઉઠી ગયા......! '


ડ્રોઈંગ રૂમમાં સુરેશકાકા અને બાપુ મારા ઉઠવાની રાહ જોઈ રહેલ, ' એજ વસ્ત્રોમાં પહેલા અહી આવ ' ફરમાન થયું. શરમિંદ ચહેરે હું હાઝર થયો. કુતુહલવશ બાળકો મારી પાછળ પાછળ સહાનુભુતિ દર્શાવતા મારી સાથે થયા. મારા બાપુ કૈંક બોલે એ પહેલા સુરેશકાકા મારી વારે ધાયા, ' એવું તો ચાલ્યા કરે મધુરમ, ડોન્ટ વરી, ટેક ઈટ ઇઝી, યુવાનીમાં તારી જેમ હું પણ આવી પરિસ્થિતિઓમાંથી ઘણી વાર પસાર થઇ ચુક્યો છું. ચાલ જલ્દી કર હવે. નાહિ ધોઈ ફ્રેશ થઇ જા મારે તારી અમુલ ડેરી જોવા જવું છે.' સ્નાન કરી બહાર નીકળ્યો ત્યારે સુરેશકાકા મારા માટે ધોતી લઇને ઉભેલા. એ દિવસે મેં, બાપુ અને સુરેશકાકા, ત્રણેય જણે ધોતી પહેરેલી. ઉગતા સુરજની સાક્ષીએ બાપુએ મારી જોડે પ્રણ લેવડાવ્યું, ' એક વર્ષ માટે એ પીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ '. સુરેશકાકાએ મુક સંમતિ આપેલી.

તે વખતે હું, અમુલમાંથી ફર્ધર સ્ટડી અર્થે ઈરમા માં મેનેજમેન્ટ નું ભણતો. બરાબર એક વર્ષ બાદ વેકેશનમાં હું સપરિવાર મુંબઈ સુરેશકાકાને મળવા ગયેલ. ત્રણેક દિવસ રોકાયેલો. કાકા બહુ ખુશ. સવારે ઉઠી, નાહીધોઈ પરવારી, ધોતી પહેરી અમે બંને સાથે બેસી ચ્હા નાસ્તો કરતા, પેપર વાંચતા, વાતો કરતા. કાકાને મારી કંપની ખુબ ગમેલી. તેમના આગ્રહને લઇ સમય મળ્યે હું કોઈ કોઈ વાર તેમને મળવા મુંબઈ જતો ને રાત રોકાતો. ધોતી સાથે મારી ને કાકાની જોડી ખુબ જામેલી.

સમય વીતતો ગયો, સાલ 2001, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું. હું મુંબઈ તેમને મળવા ગયેલો. નારાજ હતા મારાથી કે તું મને અને બાપુને છોડી વિદેશ જલસા કરવા જતો રહે છે.

કેનેડા જયારે જયારે બાપુ પત્ર લખતા ત્યારે સુરેશકાકાની અચૂક યાદ મોકલતા કે તને ખુબ મિસ કરે છે. સાલ 2003 માં મારી નાની બેન ગૌરા કેનેડા માઈગ્રેટ થયેલી. તેની સાથે મારા બાપુએ એક સફેદ ધોતી, પહેરણ અને ગાંધી ટોપી મારા માટે ખાસ મોકલાવેલ. વિકેન્ડમાં ઘણી વાર હું એ ધોતી પહેરણ પહેરતો. વતનની યાદો વાગોળી બાપુ અને સુરેશકાકાને યાદ કરતો. 2006 સપ્ટેમ્બરમાં મારી ભત્રીજી ગુંજા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવી ત્યારે એજ સફેદ ધોતી પહેરી હું એરપોર્ટ પર તેને રીસીવ કરવા ગયેલો.

2006 નવેમ્બરમાં મારા બાપુ કેનેડા પધારેલ. બેગો ખોલીને સૌ પ્રથમ એક નાનું પાર્સલ મને આપ્યું, ' ખોલીને જો શું છે એમાં ' હું ખુબ ખુશ થઇ ગયેલ. આછા સોનેરી રંગની એક સુંદર રેશમી ધોતી હતી એમાં. સુરેશકાકાએ ખાસ મારા માટે ગીફ્ટ મોકલેલ. હું નાઈટ શિફ્ટ કરતો એટલે સવારે મોટે ભાગે ઊંઘતો હોઉં પણ સાંજે જાગું ને મારા બાપુ ઘરે હોય તો અમે બંને ધોતી પહેરી વાંચન, વાર્તાલાપ અને સત્સંગ કરતા. સુરેશકાકાને ખાસ યાદ કરતા. બાર વર્ષનો મારો દીકરો બોબી અને તેનો કેનેડીયન મિત્ર રોબર્ટ અચરજ ભાવે મને નિહાળી રહેતા, 'વોટ હેવ યુ ડ્રેસ અપ ડેડ ? ' ધોતીનું સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારણ ન કરી શકતો બોબી રોબર્ટને કહેતો,' ઇટ્સ એ ટીપીકલ ઇન્ડિયન ડ્રેસઅપ ડ્યુડ....કોલ્ડ એઝ " ડોટી ". બાપુની કેનેડા વિદાય બાદ ધોતી પહેરવાનું ધીમે ધીમે ઓછું ને છેલ્લે તો લગભગ સાવ બંધ જેવુજ થઇ ગયેલું.

સમય વીતતો ગયો....સાલ 2010....જાન્યુઆરી....બાપુ ઢીચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લઇ બહુ નંખાઈ ગયેલા. હું ઇન્ડિયા ગયેલો. બાપુ બહુ અસ્વસ્થ જણાતા હતા. મને કહેલું, પાછા વળતા સમય મળે તો મુંબઈમાં એરપોર્ટ પરથી સુરેશને ઘરે આંટો મારી આવજે. મારી પાસે બેજ વીકની રજા હતી અને મુંબઈમાં એટલો હોલ્ટ પણ નહોતો એટલે શક્ય બને એમ નહોતું. વિદાય વેળાએ મેં બાપુના ચરણસ્પર્શ કર્યા ત્યારે ખુબજ ભાવુક થઇ ગયેલા. મને યાદ છે એ વખતે તેમણે ધોતી પહેરેલી. બંને હાથ મારે માથે મૂકી કહ્યું, " આવજો બેટા ! ખુબ સુખી થજો જીવનમાં ખુબ તરક્કી કરજો, બાપુના આશીર્વાદ છે." સામાન્ય રીતે આવજો સાથે સહીસલામત હવાઈ યાત્રાની શુભેચ્છા પાઠવતા બાપુના એ ઉદગારો મારા મનને એક અકળ શંકા ને સંદેહ સાથે ઘેરી વળેલા કે બાપુ આવું કેમ બોલે છે ? વ્યથિત હૈયે હું વિદાય થયો. કેનેડા આવી મારી આ માનસિક મૂંઝવણનું સમાધાન થાય એ પહેલા માંડ દોઢ બે મહિના બાદ માર્ચની 28 તારીખે, ટૂંકી બીમારી બાદ બાપુ અકાળે અવસાન પામ્યા. પણ એ પહેલા તેઓ સુરેશકાકાને મળવા મુંબઈ ગયેલા અને તેમની સાથે એક લાંબી વાત અને મુલાકાત કરેલ.

મારા ઘરના દિવાન ખંડના એન્ટ્રન્સમાં બાપુની મનમોહક તસ્વીર સાથે મેં તેમનું સ્મારક બનાવ્યું છે. હવે હું ડે શિફ્ટમાં છું એટલે રોજ સવારે ઉઠી બાપુને પગે લાગી દિવસની શરૂઆત કરું છું. વિકેન્ડમાં પણ સવારે વહેલો ઉઠી, નાહીધોઈ પરવારી, સુરેશકાકાવાળી રેશમી ધોતી ને ઝભ્ભો પહેરી બાપુને પગે લાગી વાંચન લેખન સાથે દિનચર્યાનો આરંભ છેલ્લા દોઢેક વર્ષથી હવે એક નિત્યક્રમ બની ગયો છે. પણ એક વાત દિલને સતત ડંખ્યા કરે છે, કાયમ મનમાં ખટક્યા કરે છે.

બાપુના મૃત્યુ બાદ સુરેશકાકાનો પત્ર આવેલ. પત્રમાં કાકાએ બાપુ સાથે થયેલ એ છેલ્લી મુલાકાત અને લાંબી વાતનો ઉલ્લેખ કરતા લખેલ કે, મધુરમ હવે પછી જયારે પણ ઇન્ડિયા આવે ત્યારે મને અચૂક મળજે. તારી સાથે ધોતી પહેરીને બેસવું છે અને બાપુએ મને કહેલ છેલ્લી બધી વાતો તારી સાથે શેર કરવી છે.

કમનસીબે હઝું સુધી નથી એ દિન આવ્યો કે નથી કાકાને રૂબરૂ મળી શકાયું. જયારે જયારે ઇન્ડિયા જાઉં છું ત્યારે સઘળા પ્રયાસો છતાં મળવાનું શક્ય બનતું જ નથી.......

આજે બાપુની છઠ્ઠી પુણ્યતિથી છે. એજ રેશમી ધોતી અને ઝભ્ભો પહેરી દિવાન ખંડના સ્મારકમાં મુકેલ તેમની તસ્વીર સામે ઉભો છું....વ્યથાના એક ભારી બોજ સાથે.... દિલમાં વેદના છે.... મન વ્યગ્ર છે.....વ્યાકુળ છે..... એક ભારી સંતાપથી.....એક વિશાદથી......!

" કાકા નારાજ છે. પણ તસ્વીરમાં બાપુ એથીય વધુ નારાજ જણાય છે..... ફરિયાદ કરે છે.....બેટા, સુરેશકાકાને મળવા તું હઝું સુધી કેમ નથી ગયો.....!?! "


મધુરમ મેકવાન.
સોમવાર, તારીખ ૨૮ મી માર્ચ,
સમય સવારના સાત વાગીને બે મિનીટ.
સને બેહઝાર સોળ.
કેનેડા.

Sunday, 1 March 2015


વાંચનનો શોખ .........ભાષાની વ્યથા !


" ભૈલા....બંધ કર રમવાનું હવે ....બહુ થયું....વાંચવા બેસ.... " બાળપણમાં મારા ઘરની ગલીના નાકે લંગોટિયા મિત્રો સાથે રમતો હોય ત્યારે મારા બાપુના આ આદેશાત્મક શબ્દો મારે કાને પડતા ને હું ફટાફટ ઘરે આવી વાંચવા બેસી જતો. આ વાંચવાનું એટલે ઘરે સ્કુલનું હોમવર્ક, અભ્યાસ કે લેશન કરવા બેસવાનું. પરશાળમાં બેસી હું લેશન કરવા મંડી પડતો. પરશાળ એ અમારા ઘરનો અભ્યાસ ખંડ અને મારા બાપુનું કાર્યાલય. ખૂણામાં એક ખુરશી, ટેબલ તથા લાકડાનો એક ઘોડો જેની પર તેમના અસંખ્ય પુસ્તકો, ફાઈલ્સ, વર્તમાન પત્રો તથા ઢગલો મેંગેઝીન. હાથમાં કોઈ પુસ્તક લઇ ખુરશી પર બેઠેલા મારા બાપુ કોઈ ઊંડા વાંચન વિચારોમાં ધ્યાનમગ્ન. લેશન કરતા કરતા હું વાંચનમાં વ્યસ્ત મારા બાપુની એ લાક્ષણિક અદા અચરજ ભાવે નિહાળ્યા કરતો.

એ વખતે અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ સાહિત્યિક મેગેઝીન આવતા. મારા બાપુ તેમજ મારા ભાઈબહેન બધાજ રસપૂર્વક વાંચતા. લેશન કર્યા બાદ કુતુહલ ભાવે કોઈ મેગેઝીન લઇ હું પણ વાંચવા બેસી જતો. સમય જતા આ વાંચનવુત્તિ રસનો વિષય બની શોખમાં પરિણમેલી અને ધીમે ધીમે તે દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયેલી. મનગમતું મેગેઝીન કે પુસ્તક વાંચવા અમે ભાઈ-બહેનો પડાપડી કરતા અને ઘણીવાર તો મેગેઝીન માટે ઝૂંટાઝૂંટ પણ થઇ જતી ને છેવટે મારા બાપુ દરમ્યાનગીરી કરતા ત્યારેજ હું ટાઢો પડતો. મને યાદ છે આઠમાં નવમાં ધોરણમાં ભણતો ત્યારે "સરસ્વતીચંદ્ર" મેં આખેઆખી વાંચી નાખેલી. વાંચનનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલ.

વાંચનનો મારા બાપુને અનહદ શોખ. હું કોલેજમાં આવ્યો ત્યારે મારા બાપુએ વાંચનવૃતિ સાથે સાથે તેમનો લેખનનો શોખ પુનર્જીવિત કરેલો અને તેમની કલમે તે સમયે સારો એવો પ્રભાવ જમાવેલો. લોકપ્રિય અખબારો અને વિવિધ સામયિકોમાં તેમની વાર્તાઓ તથા ધારદાર લેખ છપાતા. તેજ અરસામાં "વ્હાલના વલખા", "વ્યથાના વીતક" અને "આંગળિયાત" ના ઉદ્દભવ અને અસ્તિત્વનો ઈતિહાસ સર્જાઈ રહ્યો હતો. તેની હસ્તલિખિત કાચી કોપીઓની હું આતુરતાપૂર્વક રાહ જોતો અને મળતાની સાથે એક બેઠકે વાંચી નાખી તેના પ્રથમ વાંચનનો શ્રેય મળ્યાનો ગર્વ કરતો. આમ મારો વાંચવાનો શોખ જો વધુ કેળવાયો અને પરિપકવ થયો હોય તો તે કેવળ અને ફક્ત મારા બાપુના પ્રભાવે અને પ્રતાપે.

વિદેશગમન બાદ નવી ભૂમિ પર કારકિર્દી ઘડતરની વ્યસ્ત જીવનચર્યાને લીધે મારો વાંચવાનો શોખ જોઈએ એવો ન જળવાયો પણ તોય યથાવત રહ્યો. સંઘર્ષના સમયમાં પણ સમય ફાળવીને હું વિદેશ પ્રાપ્ય વિવિધ ગુજરાતી મેગેઝિન અને અખબાર પત્રોનું વાંચન કરતો. વાંચનની તરસ મીટાવવા ઘરે મારા બાપુની નવલકથાઓ અને વાર્તાસંગ્રહો તેમજ અન્ય પુસ્તકો મેં ધીમે ધીમે વસાવેલા. સાથે સાથે ઈ-ફોરમેટમાં મળતા ચિત્રલેખા જેવા મેગેઝીન તથા વિવિધ સામયિકનો હું નિયમિત વાંચક જે મારા વિકેન્ડ વાંચનના પુરક બની મને વાંચનનો એક અનેરો સંતોષ બક્ષતા.

એવાજ કોઈ સામયિકમાં થોડા વખત પહેલા એક સમાચાર વાંચવામાં આવેલા કે ‘રીડર્સ ડાયજેસ્ટ’ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે. ‘રીડર્સ ડાયજેસ્ટ’ નું નામ સાંભળતાજ હું ચોંકી ઉઠ્યો. વિસ્તૃત સમાચાર વાંચી આશ્ચર્ય થયું. પ્રશ્નોની વણઝાર મનને ઘેરી વળી. નિરાશ મને ભૂતકાળના વિચારોમાં ઊંડો ઉતરી ગયો. ‘રીડર્સ ડાયજેસ્ટ’ ....શું અદભૂત મેગેઝીન .....એનો પણ એક જમાનો હતો .... દબદબો હતો ! અને આજે આ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે !?! રીડર્સ ડાયજેસ્ટ ભારતમાં સાક્ષરો, શિક્ષિતોના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતુ તથા ‘સ્ટેટસ’ સિમ્બોલ ગણાતું મેગેઝીન. વાંચન રસિયા પોતાની પ્રબુદ્ધતાનો પ્રભાવ પાડવા માટે આ મેગેઝીન ઘરે આવનારા જોઈ શકે તેમ રાખતા. વાલીઓ તેમના સંતાનનો ઉછેરમાં રીડર્સ ડાયજેસ્ટ ની ભૂમિકા સમઝતા અને તેની રસપ્રદ કે પ્રેરણાદાયી માહિતી સંતાનો સમક્ષ પીરસતા. રીડર્સ ડાયજેસ્ટ ની સાથે સાથે પ્રત્યેક સુસંસ્કૃત ઘેર કુમાર, અખંડ આનંદ, નવનીત સમર્પણ, જનકલ્યાણ ઘરમાં પરિવારજનની જેમ નિશ્ચિત સ્થાન અને મહત્ત્વ ધરાવતા. ભારતમાં ગામો કે શહેરોના દવાખાનામાં પણ આવા મેગેઝીન નિશ્ચિત વાંચવા મળતા.ઘણા વાંચક રસિયા કે જેમને તાજો અંક ના પરવડે તેઓ જૂના અંકો ખરીદતા અને અમુક ચાહકો તો આવા જૂના અંકો બાઇન્ડીંગ કરાવી ઘરે સાચવી રાખતા જે કદાચ આજે પણ તેમના ઘરે જોવા મળે તો નવાઈ નહિ.

પણ આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઇન્ટરનેટ અને ઓનલાઈનના આ જમાનામાં વાંચનના સમીકરણો બદલાઈ ગયા છે. મોટાભાગનાને વાંચવામાં રૂચિ જ નથી તેમાય નવી પેઢીને તો પ્રિન્ટ ફોરમેટમાં આંખો જ સેટ નથી થતી. યુવા જગતની કૂતુહલતા જ જ્ઞાન કરતા મનોરંજન, સેલિબ્રિટી, ગોસિપ, ઓનલાઈન ચેટીંગ તેમજ મોબાઈલની પરિમિતિમાં વધારે ધૂમે છે. તેમની પર અભ્યાસ અને કારકિર્દી ઘડતરનો બોજો તો છે જ પણ નવરાશનો જે સમય મળે છે તેનો ઉપયોગ તનાવ મુક્તિમાં વધુ થાય છે. સેલફોનની સંગત અને રંગતમાજ તેમની જીવનદૃષ્ટિ સીમિત થઇ ગઈ હોય તથા આંગળીના નખ જેવડી ચીપમાં જ તેમનું સમસ્ત બ્રહ્માંડ સમાઈ ગયું હોય ત્યારે વાંચનના વિશ્વમાં સમાયેલ ગણ્યા ગાંઠ્યા તારાઓનો ભાવ કોણ પૂછે ?

કેનેડા સ્થાયી થયા બાદ ઘરમાં ગુજરાતી વાંચન-વાર્તાલાપ માટે મારા પ્રમાણિક પ્રયાસો છંતા ગુજરાતી શિક્ષણના અભાવે મારા બંને સંતાનો ગુજરાતી વાંચી નથી શકતા પણ ગુજરાતી વાર્તાલાપ કરવાની પુરતી કોશિસ કરે છે. મારા બાપુ કેનેડા અમારી સાથે રહેતા ત્યારે અવારનવાર અઘરા ગુજરાતી શબ્દપ્રયોગો ધ્વારા મારા સંતાનો તેમજ મારી સાથે રહેતી મારી ભાણી -ભત્રીજીને મૂંઝવતા, રમુજ કરતા. એકવાર હાર નહિ માનવાની જીદે ચડેલી મારી દીકરીએ સામે પ્રશ્ન કર્યો, "બાપુ, તો તમને હિન્દીમાં સૌથી લાંબો અર્થ થાય તેવો સૌથી ટૂંકો શબ્દ કયો ખબર છે ? " તેમણે અજાણ્યા થવાની સહજ કોષીસ કરેલ ને મારી દીકરી ત્વરિત બોલી ઉઠેલ " કિંકર્તવ્યમૂઢ " ! પૌત્રીના શબ્દજ્ઞાનથી વિસ્મય પામેલ મારા બાપુ અનહદ ખુશ થઇ ગયેલા ને મને કહેલું બેટા સમય ફાળવીને પણ આને ગુજરાતી વાંચતા શીખાડજે. ભવિષ્યમાં મારું નામ રોશન કરશે. ગુજરાતીભાષામાં રસ જળવાય રહે એટલે સમયાંતરે હું મારા સંતાનો સાથે મારા સ્વ. બાપુના પુસ્તકો તથા અન્ય ગુજરાતી વાંચનના મારા અનુભવો શેર કરતો.

"અર્ધી રાતે આઝાદી" મારું પ્રિય પુસ્તક જે મારા બાપુએ તેમની અંગત લાઈબ્રેરીમાંથી મને ભેટ આપેલ. માતૃભુમીના ઇતિહાસની બાળકોને જાણકારી મળે એ આશયે આ પુસ્તકની મૂળ અગ્રેજી "ફ્રીડમ એટ મીડનાઈટ" ની એક કોપી ઘરે વસાવેલ. એક વીકેન્ડમાં ઘરે એમજ આ પુસ્તક બાબતે સવાંદ થયેલ ને એમના જનરલ નોલેજની કસોટી કરવા મેં પણ એમજ પૂછેલું કે " આઈ હોપ યુ નો એબાઉટ ગાંધી " સેકન્ડરી સ્કુલમાં ભણતા પુત્રે થોડી વિમાંષણ બાદ જવાબ આપ્યો ........યુ મીન ગેન્ધી યા આઈ નો હી વોઝ એ ગુડ ગાય ....! એકજ વાક્યના તેના સચોટ પણ અસ્પષ્ટ અને દ્વીઅર્થી પ્રત્યુત્તરથી હું પણ વિમાંષણમાં પડી ગયો. વધુ પ્રશ્નોત્તરી ટાળી વાતને વાળી લઇ તેને અંગ્રેજીમાં સંક્ષિપ્તમાં સમજાવવાની મેં પુરતી પણ નાકામયાબ કોશિશ કરેલ. બીજા દિવસે એણે વળતો પ્રશ્ન કરેલો..... ડેડ..... હું વોઝ ગેન્ધી (ગાંધી) ?....આઈ મીન વોઝ હી રીઅલી એ ગુડ ગાય !?! ફેસબુક પર ગાંધીબાપુ વિષે અંગ્રેજીમાં કોઈ કોન્ટ્રોવર્શલ કોમેન્ટ વાંચી તે વિમાંષણમાં હતો ! મને તેમાં તેનો કોઈ વાંક નથી દેખાતો કારણ એના વાંચનનું વિશ્વ છે ફક્ત ફેસબુક અને ટ્વીટર !

દૂત શતાબ્દી નિમિત્તે ટોરંટો ખાતે કેનેડામાં વસતી ગુજરાતી કેથોલિક કોમ્યુનીટી ધ્વારા દૂત માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં વડીલ માબાપ સાથે કેનેડામાં ઉછરેલ અને એજયુકેટ થઈ રહેલ સંતાનોનો સારો એવો કિશોરવર્ગ. દૂત મેગેઝીન વિષે સક્ષિપ્તમાં માહિતી આપતી વખતે આ ઉભરતી પેઢીને રસ પડે એટલે મેં અંગ્રેજીમાં સંબોધન કરેલું કે "દૂત ઈઝ અવર બેકહોમ પ્રાઉડફૂલ રેલીજીયસ મેગેઝીન. ઈટ હેઝ સકસેસફૂલી કમ્પલીટેડ હન્ડ્રેડ ઈયર્સ. વન ઓફ ધ બેસ્ટ થિંગ ધીઝ મેગેઝીન હેઝ ડન ઈઝ, ઈટ હેઝ ઓલવેય્ઝ ઇન્સ્પાયર્ડ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ રીડ એન્ડ રાઇટ . ઇટ હેઝ એ સ્પેસીઅલ સેક્શન મેન્ટ ફોર જસ્ટ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ ડેવલપ યોર રીડીંગ એન્ડ રાઈટીંગ સ્કીલ્સ." કાર્યક્રમ બાદ ખાણીપીણી વખતે વાતો કરતા આ બાળકોની એક કોમેન્ટ સાંભળવા મળેલ ...."યા મી નો મા મોમ એન ડેડ ટોકીન એબાઉટ ધીઝ મેગ....બટ બ્રો યુ નો.... ઇટ્ઝ ઇન ગુજારાટી.... હાર્ડ ટુ ફોલો બડી ! " 

કેનેડા ખાતે મારા બાપુએ મને અસંખ્ય પત્રો ગુજરાતીમાં દિલથી મન મુકીને લખ્યા છે. એક પત્રમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની વિપરીત અસરોનું વર્ણન કરતા લખેલ કે, " બેટા ઘરે ગુજરાતી વાંચન જાળવજે તથા બાળકો સાથે હમેંશા ગુજરાતીમાં સંબોધન કરજે. બાળકોને તારા દિલની વાત કહેવી હોય તો જે ભાવ અને પ્રેમ તું ગુજરાતીમાં વ્યક્ત કરી શકીશ એ અન્ય કોઈ ભાષાથી નહિ થઇ શકે. અંગ્રેજી પર તારું ભલે ગમે એટલું પ્રબળ પ્રભુત્વ હોય પણ એ તારી માતૃભાષા નથી. અન્ય ભાષાઓ પ્રત્યે મને કોઈ ધ્વેશભાવ નથી પણ મારી દ્રષ્ટીએ બાળકોમાં યોગ્ય સંસ્કારોના સિંચન માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે."

માતૃભાષા પ્રત્યે મારો વિશેષાગ્રહ તથા મારા સ્વ.બાપુના સંસ્કારો ને લઈને વિદેશમાં સ્થાયી બાદ પણ ઘરમાં ગુજરાતી વાંચવા બોલવાની ટેવ. ઘરે મારા બાપુના તેમજ અન્ય વિષય લક્ષી વિવિધ ગુજરાતી પુસ્તકો, મેગેઝીન તથા અખબારોનું નિયમિત વાંચન તોય, સંતાનોને આ અંગે કૈંક કહેવું હોય તો મારે ગુજરાતીનું ઈંગ્લીશ ટ્રાન્સ્લેશન કરવું પડે છે જેને લઇ હું કાયમ મારા સંતાનોની મઝાક નો ભોગ બનતો હોઉં છું. ગુજરાતી વાર્તાલાપ તો ઠીક પણ ગુજરાતી વાંચન.....નો વે.....ચીલ ડેડ....! અગ્રેજી ભાષા પ્રત્યે મને પણ કોઈ પૂર્વગ્રહ નથી, પણ પ્રશ્ન છે એના પણ વિસ્તૃત વાંચન માટે આજની ઈન્ટરનેટઘેલી મોટાભાગની આ યુવાપેઢી પાસે પુરતો સમય પણ નથી અને રસ પણ નથી. 

આજે વાંચનના સુર વિસરાઈ રહ્યા છે અને તેની સીધે સીધી અસર આજની આ યુવા પેઢી અને એક જમાનાના પ્રખ્યાત એવા આ મેગેઝીનો પર થઇ રહી છે. જમાનાની માંગ અને બદલાતી જતી પેઢીને નજરમાં રાખીને આવા મેગેઝિનની સામગ્રી જોડે પ્રકાશકોએ સમાધાન કર્યું તેમજ સંશોધન કરી તેમાં જરૂરી ફેરફારો કર્યા. પણ ઇન્ટરનેટ અને ઓનલાઈન દુનિયાના પ્રભાવ હેઠળ આ મેગેઝીન હવે તેનું મહત્વ અને અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. રીડર્સ ડાયજેસ્ટ ની જો આ હાલત હોય તો અન્ય મેગેઝીનનું ભાવી મને એથીય ભેંકાર ભાસી રહ્યું છે. આતો શરૂઆત છે આવા મેગેઝિનની આથમતી અસ્મિતાની તથા હાલના યુવાવર્ગની વાંચન પ્રત્યે ઉદાસીનતા અને ઉપેક્ષાની. ધીમે ધીમે અખબારો પણ વેન્ટીલેટર પર આવતા જશે. તદુરસ્ત અસ્તિત્વની દ્રષ્ટીએ મારા પછી માંડ એકાદબે પેઢી સુધીનું ઓક્સિજન હોય તેમ મને લાગી રહ્યું છે. તેમાય વિદેશમાં ગુજરાતી શિક્ષણના અભાવે માતૃભાષાનો વપરાશ, ગુજરાતી વાંચન તો ઠીક વાર્તાલાપ પણ હવે અગ્રેજી ભાષાના પ્રભાવ હેઠળ ગૂંગળાઈ રહ્યો છે. ઈતરવાંચન માટે પુરતો સમય ન ફાળવી શકતી આજની આ યુવાપેઢી સોસીઅલ નેટવર્કિંગ મીડીયાના પ્રભાવ હેઠળ પેરેસાઈટ થઇ ગઈ છે.

માર્ચ મહિનો.... વિશ્વ સાહિત્ય દિન, સાક્ષરતા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન  તથા શિક્ષક અને સાહિત્યકાર મારા બાપુ સ્વ. જોસેફ મેકવાનની પાંચમી પુણ્યતિથિ. હણહણતા અશ્વો જેવી તેજતર્રાર ગદ્યના ગુરુ, અનુભવજનિત સાહિત્યસર્જનના શિરોમણી, નિષ્ઠાવાન કેળવણીકાર અને નિર્ભય વક્તા તથા સ્ત્રીસંવેદનાના નારીવાદી સાહિત્યસર્જક તેમજ વર્ણવાદી સાહિત્યના છોતરાં ઉખેડી નાખતા દાદા સ્વ.જોસેફ મેકવાને કરોડ રજ્જુના મણકા તૂટી જાય તેવી જીવતરની વેઠ અને આંખોમાંથી રક્ત ટપકે તેવા અન્યાય બોધ લેખન ધ્વારા ગુજરાતી સાહિત્યની એક ધરોહર સર્જી દેશ-દેશાવરમાં આપણને તથા આપણી સંસ્કૃતિને વિશ્વસ્તરે એક વિશેષ સ્થાન અને ગરિમા પ્રાપ્ત કરાવ્યા. ટોરંટોની ઘણી બધી લાઈબ્રેરીમાં તેમના પુસ્તકો ગુજરાતી વાંચન માટે ઉપલબ્ધ છે. પણ, ઇન્ટરનેટના ઓનલાઈન પ્રભાવ હેઠળ વાંચનથી વિમુખ થતો જતો આજનો યુવાવર્ગ, વિદેશમાં વસતા આપણા યુવાવર્ગની ગુજરાતી ભાષા સાક્ષરતા તથા ગુજરાતી વાંચન પ્રત્યે તેમની ઉદાસીનતા આજે એક પડકાર તથા આવનાર પેઢી માટે એક શૈક્ષણિક સંશોધનનો વિષય છે.

વાંચનનો અભૂતપૂર્વ વારસો આપીને મારા બાપુએ મને અભિભૂત કરી દીધો પણ તેમને ઇચ્છિત શ્રદ્ધાંજલિ અર્પવા મારા તમામ પ્રયાસો અપૂર્ણાર્થક નીવડ્યા છે. આજે તેમની અનુપસ્થિતિ મને અનહદ સાલી રહી છે. તેમના પુસ્તકો સાથે સાથે અન્ય ગુજરાતી પુસ્તકો, વિદેશ પ્રાપ્ય ગુજરાતી મેગેઝિન, સામયિકો તથા અખબારોના પ્રિન્ટ ફોરમેટ મારા ઘરના ફેમીલી રૂમ-પરશાળ માં પડ્યા છે. પણ વાંચવા માટે નથી કોઈ પડાપડી કે નથી કોઈ ઝૂંટાઝૂંટ..... કારણ વાંચનારો વર્ગ બહુ જુજ  છે  અને  તે  પણ  ફક્ત  બે  જ  જણ .... હું  ને  ધર્મપત્ની ...!


વિદેશમાં પેઢી દર પેઢી માતૃભાષાનો ચિંતાજનક ઘટતો જતો વપરાશ તથા ભાષાકીય અજ્ઞાનતાને લઇ ગુજરાતી વાંચન પ્રત્યે સંતાનોની સ્વાભાવિક અરુચિ, વાંચનના મારા શોખની સાથે સાથે વાંચનની  એક  ભાષાસાંકર્ય  વ્યથા  છે  !

મધુરમ મેકવાન 
જોમે ચેરીટી ફાઉનડેશન 
ટોરંટો,કેનેડા.

Monday, 16 February 2015


નિવૃત્તિ ....... એક વાત, એક વ્યથા !

" વેલકમ એબોર્ડ મિસ્ટર ન્યુ હાયર....! " લંચ ટાઇમમાં હું મારી કંપનીના કેફેટેરિયામાં બેઠો હતો.. એક કેનેડીયન ગોરાએ અચાનક ત્યાં આવી મારું અભિવાદન કર્યું. હું બગવાય ગયો. શું જવાબ આપવો એની મને કોઈ સૂઝ ન પડી. વ્હાઈટ મેજોરીટી ધરાવતી કેનેડીયન બેઇઝ એક મલ્ટીનેશનલ કંપનીમાં હું નવો નવો જોબ પર લાગેલો. નવું વાતાવરણ, નવા લોકો તથા જોબની નવી જવાબદારીઓ વચ્યે હું જોબ ઇનસિક્યોરીટી તથા એક પ્રકારની અજીબ એવી સોસીઅલ આઈસોલેશનની અનુભૂતિ મહેસુસ કરી રહ્યો હતો. એવી પરિસ્થિતિઓમાં આ અભિવાદન ! હકારમાં ફક્ત માથું હલાવી મેં તેને એક સ્માઈલ આપ્યું.

લગભગ દોઢ દાયકા પહેલાની આ વાત છે અને વ્યથા પણ છે. આજથી લગભગ પંદરેક વર્ષ પહેલા સાવ અજાણ્યા એવા આ કેનેડા દેશમાં આવ્યો ત્યારે જે વ્યક્તિઓએ મને સાથસહકાર, પ્રેમ અને હુંફ બક્ષી અહી સેટલ થવામાં મદદરૂપ થયેલા તેમાંના એક એ મારા સખાબંધુ ઉપેન્દ્ર પટેલ, કે જેમણે, ઉપર આભ અને નીચે કેનેડાની ધરતી એવા મુલકમાં મને તેમના ઘરે આશરો આપ્યો, બીજા જેમણે મને અઢળક પારિવારિક પ્રેમ બક્ષ્યો એવા વડીલબંધુ પોલભાઈ, અને ત્રીજો, એ આ અભિવાદન કરનાર સહકર્મી, જેણે મને મારી જોબ પર એક સાચા મિત્ર તરીકે સપોર્ટ કર્યો તે, મારો પરમ કેનેડીયન મિત્ર....મિસ્ટર ડગ્લાસ લેન્ગલી....શોર્ટ નેઇમ ....મિસ્ટર ડગ. 

ગોરાઓનું વર્ચસ્વ ધરાવતી આ મલ્ટીનેશનલ ફૂડ ઇન્ડસ્ટ્રિમાં મને જયારે નવી નવી જોબ મળી ત્યારે મારી સાથે સૌ પ્રથમ જો કોઈ વ્હાઈટ ભાઈએ હાથ મિલાવ્યો હોય તો તે આ ડગ ! નવી જોબ પર મને શરૂઆતમાં ડીસ્કરીમીનેશનના ઘણા અનુભવો થયેલ. એ પરિસ્થિતિઓમાં આ શ્વેતભાઈએ મારો હાથ પકડેલો અને મારી વારે ધાયેલો. કેફેટેરિયામાં મોટે ભાગે હું એકલો જ ટેબલ પર હોઉ ત્યાં એ બેધડક મારી સાથે આવી બેસતો, જમતો અને વાતો કરતો. તેની વાતોમાં હું એક પ્રકારની સોસીઅલ ફ્રીકવન્સી અનુભવતો. તેને જયારે ખબર પડી કે હું આ જોબ પર આવવા માટે બે બસ અને એક ટ્રેન લઇ અપડાઉન કરું છું તો તેની કારમાં મને ઘણીવાર છેક મારા એપાર્ટમેન્ટ સુધી ડ્રોપ કરી જતો તેમાય વીન્ટરમાં તો ખાસ. મારા રહેઠાણથી તે રહેતો બિલકુલ વિરુધ્ધ દિશામાં એટલે હું તેને ના પાડતો કે ડગ તને ઊંધું પડે પણ તોય ન માનતો કહે, મેક, બડી, ઇટ્ઝ વિન્ટર ટાઇમ, ડોન્ટ વરી, ઇટ્ઝ એ મેટર ઓફ જસ્ટ અન આવર મોર.

મિત્રતાની આવી અનોખી મિશાલ ધરાવતો આ ડગ હાલમાંજ નિવૃત્ત થયો. નિવૃત્તિવેળાએ તેણે મને ભારપૂર્વક કહેલું, મેક, ડોન્ટ ફરગેટ મી, કીપ પેઈંગ યોર વિઝીટસ એટ માય હોમ, યુ નેવર નો, વન ડે યુ વીલ હીયર ડગ ઈઝ નો મોર, એન્ડ ધેન ડોન્ટ રીપેન્ટ ધેટ યુ કુંડન્ટ સી મી ......! 

સ્વભાવે મનમોજી પણ ખુબ મહેનતુ, એકદમ સીધો, સાદો અને સરળ. કોઈ આડંબર કે અહમ નહિ અને વહાઈટ હોવાનો તો સહેજેય સુપીરિઆરીટી કોમ્પ્લેક્ષ નહિ એવા ડગની, જિંદગીને એક સ્પીરીટ એક શાનથી જીવવાની અદા મને ખુબ સ્પર્શી ગયેલી. નિવૃત્તિના થોડા સમય પહેલા તેણે મને એક બ્રેકીંગ ન્યુઝ જેમ શોકીંગ અને આશ્ચર્યચકિત થઇ જવાઈ એવી વાત કરેલી. નિવૃત્તિના છેલ્લા મહીને એક દિવસ તેણે મને કેફેટેરિયામાં બોલાવ્યો, મેક, કમ હીયર બડી સીટ વીથ મી આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ અને તેના સેલફોન પર મને તેણે થોડા ફોટા બતાવ્યા. ફોટા કોઈ એક સીમેટ્રીના હતા. કોઈ એક ગ્રેવ ના હતા, ગ્રેવના સ્ટોન પર કોઈનું નામ હતું. એન્લાર્જ કરીને વાંચ્યું તો આઈ કુડન્ટ બીલીવ વોટ આઈ એમ રીડીંગ, ગ્રેવ સ્ટોન પર લખ્યું હતું.........Mr. Douglas Langely.... RIP ...Born date......વગેરે વગેરે ! હું સ્તબ્ધ થઇ ગયો ! ડગે મને કહ્યું .......મેક....ધેટઝ ફોર માય ડેથ પ્રીપ્રેશન એન્ડ સેલેબ્રેશન.....આઈ હેવ બુક્ડ માયસેલ્ફ ઇન ધીઝ સીમેટ્રી સો માય ફેમીલી ડઝન્ટ હેવ ટુ વરી અબાઉટ માય ફ્યુનરલ.....ઓન્લી થિંગ ધે હેવ ટુ ડુ ઈઝ જસ્ટ રાઇટ માય ડેથ ડેટ .....હું અવાક થઇ ગયો. આમ તો આ બાબત કેનેડામાં કોમન છે પણ મારા માટે નહોતી. અને ડગના ચહેરા પર એવો કોઈ ભય કે ભાવ પણ નહોતો. એતો મુક્ત મને સ્માઈલ કરતો હતો......ધેટઝ લાઈફ મેક......વન ડે એવરીબડી હેઝ ટુ ગો......વ્હાય નોટ ગો હેપીલી ..........! 

ત્યારે મને મારા સ્વ. બાપુની યાદ આવી ગઈ. મારા બાપુ કેનેડા આવ્યા ત્યારે સામાજિક-સાહિત્યિક કાર્યક્રમોથી ભરચક તેમનો કેનેડાવાસ ખુબજ વ્યસ્ત રહેલો. મને યાદ છે રવિવાર તા. ૭ મી જાન્યુઆરી, ૨૦૦૭, ગ્રેટર ટોરંટો એરિયાના મિસીસાગા શહેરના એક વિશાળ નગરહોલમાં તેમનું વ્યક્તવ્ય યોજાએલુ. ટોરંટોની એક પ્રસિદ્ધ સીનીઅર સીટીઝન સંસ્થાએ તેમને આમંત્રેલા. હોલ આખો આમન્ત્રીતોથી ખીચોખીચ ભરાય ગએલો. " નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા" અંગેનું તેમનું પ્રભાવિત અને રુદયદ્રાવક વ્યક્તવ્ય સાંભળીને હાઝર રહેલ સહુની આંખો ભીની થઇ ગએલી. તેમેણે કહેલું, " કદી તમારી જાતને તમે વૃદ્ધ થયા એટલે નિવૃત્ત થયા એ દ્રષ્ટિથી ન જોશો. પણ એમ જ માનજો કે જબ તક જિન્દા હું... જવાન હું ! " તાળીયોના ગડગડાટ થી તેમનું અભિવાદન થએલું. ફોટા જોયા બાદ ડગને મેં કહેલું કે મારા લેઇટ ડેડ પણ તારા જેવાજ વિચારો ધરાવતા હતા અને તેને મેં મારા સ્વ. બાપુની " જિંદગી જીવ્યાનો હરખ" ની વાત કરેલી ત્યારે તે ખુબ ખુશ થઇ ગયેલો, મને કહે, " મેક, આઈ હેવન્ટ સીન યોર ડેડ, બટ ધ વે યુ ટોક અબાઉટ હીમ, આઈ બીલીવ હી ઈઝ એ વેરી ગુડ પર્સન, એ રીયલ જેન્ટલમેન ." 

ડગ જીવનને જે સ્વરૂપે હોય તે પ્રમાણે સ્વીકારી તેનો આનંદ લેવામાં માને છે. ગોલ્ફ અને ટેનીસ રમવાનો તેને ખુબ શોખ છે. વ્યસ્ત જીવનચર્યામાં પણ તે સમય ફાળવી અચૂક રમવા જાય અને સાથે સાથે મને નોતરું દેતો જાય કે વુડ યુ લાઇક ટુ જોઈન મી મેક ? મેં તેને એક દિવસ એમજ કહેલું કે, ડગ, ફરગેટ અબાઉટ ગોલ્ફીંગ, આઈ હેવન્ટ ઇવન ટચ ધ ગોલ્ફ સ્ટીક ઇન માય લાઈફ. તો મારા આશ્ચર્ય વચ્યે એક દિવસ તે મારા ઘરે આવ્યો અને તેની બ્રાન્ડ ન્યુ ગોલ્ફ કીટ મને આપી ગયો. તેને ફીશીંગનો બહુ શોખ અને તે પણ વિન્ટર ફીશીંગ. વિન્ટરમાં તે નોર્થમાં ફીશીંગ કરવા જાય ....ઢગલાબંધ રેડ લોબસ્ટર્સ પકડે. તેમાં મારો ભાગ તે અલગ રાખે, કહે, આઈ નો મેક, યોર સન લાઈક્સ રેડલોબસ્ટર્સ વેરી મચ. ડગને એક વાર મેં સમોસા ચખાડેલ ત્યારથી તેનો સ્વાદ તેની દાંતે રહી ગયેલ, બેધડક મારી પાસે સમોસા મંગાવે, કહે, મેક બ્રિંગ સમ એસામોસા ટુમોરો !

એવા આ ડગના ઘરે તેની સાથે હમણાજ એક પારિવારિક મુલાકાત થઇ. ડગ મૂળે બોર્ન કેનેડીયન છે પણ તેના રૂટ્સ યુરોપિયન છે. યુરોપિયન લોકો સ્વભાવે ખુબ માયાળુ અને પ્રેમાળ હોય છે તેનો જીવંત અહેસાસ તેના ઘરે થયો. તેના ઘરે તેના ફોટો આલ્બમ તે મારા સન બોબીને બતાવી રહ્યો હતો. બોબી અને ડગ બંને તેમની ફીશીંગ હોબી શેર કરી વાતોએ વળગેલા....કેનેડીયન રેઈઝ્ડ એન્ડ બ્રોટઅપ બોબી અને ડગને  કેનેડીયન એક્સેન્ટ અંગ્રેજીમાં વાતોએ વળગેલા જોવાનો એક અનેરો લ્હાવો હતો.                                

મુલાકાત પતાવી અમે નીકળ્યા ત્યારે ડગે મને પૂછ્યું। ...મેક, ડીડ યુ ગાઇઝ કેઈમ એક્રોસ ટરટલ ટ્રેઈલ ક્રોસવે વાઇલ કમીંગ ટુ માય હોમ ? ઇફ યુ ડીડન્ટ મેક સ્યોર યુ સી. પાછા વળતા જોયું તો તેના ઘરે જતા રસ્તામાં એક મોટી કોશન સાઈન આવે છે. જેના પર ટરટલનું ચિત્ર છે અને નીચે લખ્યું છે, " ટરટલ ક્રોસિંગ...રાઇટ ઓફ વે " સમરમાં બાજુમાંના એક લેકમાંથી નીકળીને કાચબાઓ જમીન પર ઈંડા મુકવા માટે અહીંથી આવજા કરે. લોકો ગાડીઓ સાઈડમાં પાર્ક કરી જ્યાં સુધી ટરટલ્સ પસાર ન થઇ જાય ત્યાં સુધી તેમને જવા માટે રાહ જોઈ ઉભા રહેલ.

બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી પણ બહુ સમઝાયેલી નહી. યુવાનીમાં એક ફીલ્મ જોયેલી " કથા " જેની થીમ બરાબર આ વાર્તા પર હતી. અને તે બરાબર સમઝાયેલી. ફિલ્મના પાત્રો નસીરુદ્દીન  શાહ  અને   ફારુખ   શેખે ભજવેલા. ફિલ્મ ટુ ધ પોઈન્ટ અને અસરકારક હતી. મને  ખુબ ગમેલી.

મલ્ટીકલ્ચરાલીઝ્મની સંવિધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમુન દ્રષ્ટાંત છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અહી આવી વસ્યા છે. તેમની ભાષા, તેમની સંસ્કૃતિ અને રીતિરીવાજો સાથે અહીના વાતાવરણમાં તેઓ દુધમાં સાકરની જેમ ભળી ગયા છે. સંબંધોની પરિભાષા મને અહી આવીને આ વિદેશી લોકો પાસેથી વધુ સમઝાઈ છે. સમયના વ્હેણમાં અમુક સંબંધો અહી એક વટવૃક્ષની જેમ ફૂલે ફાલે છે જેની પારિવારિક મુલાકાતો મનને અઢળક શાંતિ અને અપાર આનંદ બક્ષે છે. ડગનું પરિવાર તેનું એક જીવંત ઉદાહરણ છે. ભૌતિક સુખસમૃદ્ધિથી ભરપુર એવા આ કેનેડા દેશમાં આવી નિખાલસ વ્યક્તિઓ અને આવા પ્રેમાળ પારિવારિક સંબંધો બહુ જુજ જોવા મળતા હોય છે.

વિદેશવાસ ભૌતિક મોહમાયાજાળનું એક ભ્રમિક સુખ છે, જેને પામવા મેં છેક કેનેડા સુધી દોડ લગાવી. મને ખબર નથી આ દોડમાં હું જીત્યો કે હાર્યો ? પણ સમયની આ દોડમાં કાચબાની જેમ ધીરગંભીર પણે ચાલીને ડગ આ રેસ ચોક્કસ જીતી ગયો છે. 



વિશ યુ એ વેરી હેપ્પી એન્ડ હેલ્ધી રીટાયરમેન્ટ માય ફ્રેન્ડ.......મી. ડગ્લાસ લેન્ગલી ! 


મધુરમ જોસેફ મેકવાન
જોમે ચેરીટી ફાઉન્ડેશન
ટોરંટો, કેનેડા.