Sunday, 3 April 2016



 હું, બાપુ, સુરેશકાકા....અને ધોતી !


" આ મારો વચેટ દીકરો, મધુરમ, અમુલ ડેરીમાં મીકેનીકલ એન્જીનીયર છે. " મુંબઈથી આવેલ તેમના મિત્ર સુરેશ જરીવાલાને બાપુએ મારો પરિચય આપ્યો. ઇમ્પ્રેસિવ પર્સનાલીટી ધરાવતા એ મેહમાનનું મેં એક વેલકમ સ્માઈલ અને હસ્તધૂનનથી અભિવાદન કર્યું. સુરેશભાઈ મારા બાપુના ખાસ અને અંગત મિત્ર. સાહિત્ય રસિક હોઈ મુંબઈમાં યોજાતા સાહિત્ય સંમેલનોમાં તેઓ મારા બાપુના સંપર્કમાં આવેલા. બાપુની વાણી અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઇ તેમના ચાહક અને ભક્ત બની ગયેલા. આજે પહેલી વાર મારા ઘરે પધારેલા.

વર્ષોથી મુંબઈ રહેતા સુરેશભાઈ એક ધનાઢ્ય ગુજરાતી બીઝનેસ પરિવારમાંથી આવે. પણ ખુબ સીધાસાદા અને સરળ. શ્રીમંતાઈનો કોઈ અહમ, દંભ કે દેખાડો નહિ. સ્વભાવે હસમુખા અને મિલનસાર. વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા અને વસ્ત્રોમાં સાદાઈ ઉડીને આંખે વળગે. ઉંમરમાં નાના એટલે મારા બાપુ તેમને સુરેશ કહી સંબોધે ને સામે સુરેશભાઈ પણ એટલાજ પ્રેમને વ્હાલથી તેમને " બાપુ " કહી બોલાવે.

એંસી નેવુના દશકાની આ વાત છે. મુંબઈમાં મારા બાપુના સાહિત્યિક કાર્યક્રમો અવારનવાર યોજાય. ઉતારો સુરેશભાઈ ફરજીયાત એમને ઘરે રાખે. તેમની પાસે ટાટા એસ્ટેટ કાર. રેલ્વે સ્ટેશન પર જાતે બાપુને લેવા મુકવા જાય. ઘણીવાર એ કાર લઈ છેક મુંબઈથી ડ્રાઈવ કરી આણંદ મારા ઘરે આવતા ને રાત રોકાતા. હું તેમની આગતા સ્વાગતા કરતો. ઉંમરમાં મારાથી દસ બાર વર્ષ મોટા પણ ખુબ વાચાળ એટલે મારી જોડે ફાવી ગયેલું. સવારે વ્હેલ્લા ઉઠી એ ચાલવા નીકળે સાથે મનેય લઇ જાય. પરત ફરી નાહીધોઈ પરવારી સુરેશભાઈ કોટનની સફેદ ધોતી ને અડધી બાંયનું પહેરણ પહેરી મારા બાપુ સાથે સાહિત્યિક ગોષ્ટી કરે. તેમની આ સાદગીથી હું ખુબ પ્રભાવિત.

એકવાર મેં અમસ્તાજ કહેલું, કાકા મારેય ધોતી પહેરવી છે. તેમની બેત્રણ ધોતીમાંથી એક મને આપેલી સાથે સાથે ધોતી પહેરતા પણ શીખવાડેલું. ઉનાળાની રજાઓમા તે અચૂક મારે ઘરે આવતા. રાત રોકાતા. સવારે કાયમ ધોતી ને પહેરણ પહેરતા. એમના આ સાદગીભર્યા વ્યક્તિત્વ સાથે મારો એક સહજ રિશ્તો બની ગયેલો. કોઈ કોઈ વાર ઘરે હું આમ અમસ્તોજ તેમણે આપેલી ધોતી પહેરતો તો મારા બાપુ મને ટકોરતા, ' સાદગી માત્ર વસ્ત્રોમાં નહિ બેટા આચરણમાં પણ એટલીજ જરૂરી છે.'

ઓગણીસો છન્નુંના ડીસેમ્બર મહિનામાં સુરેશકાકા સપરિવાર ગાડી લઈ મારા નાનાભાઈ અમિતના લગ્નમાં પધારેલ. ત્રણેક દિવસ રોકાયેલ. લગ્નની તૈયારીઓ અને લગ્નમાં ઉમળકાભેર ભાગ લીધેલો. રિસેપ્શન સાંજના હતું ને મોડી રાત સુધી ચાલેલું. ખાણીપીણી ને ખાસ તો પીણીમાં હું થોડી મર્યાદા વટાવી ચુકેલો. સુરેશકાકાનુ ધ્યાન ગયેલું. વારે ઘડીએ આવીને મને પૂછે, મધુરમ, આર યુ ઓલરાઇટ ? પણ પીણીનો એ અતિરેક મારા વાણી વર્તનમાં સ્પષ્ટપણે વર્તાતો હતો. મને ખબર નથી રિસેપ્શનમાંથી હું ઘરે ક્યારે અને કેવી રીતે ગયો. સવારે ઉઠ્યો ત્યારે એજ વસ્ત્રોમાં હતો જે મેં રિસેપ્શનમાં પહેરેલા....સુટ ચીમળાઈ ગયેલું, પેન્ટ ઢીલું થઇ ગયેલું, ટાઈ અડધી નીકળી ગયેલી અને પગમાં મોજા ! મારા ઉઠવાની નોંધ સૌ પ્રથમ  બાળકોએ લીધેલી. સહાનુભુતિસહ ચારેય બાજુથી ઘેરી વળી વિસ્મય નજરે મને નિહાળી રહેલા. અમદાવાદ રહેતી ને હિંદુ પરિવારમાં પરણેલી મારી નાની બહેન અર્ચનાના છએક વર્ષના દીકરા શિવમને મારા પ્રત્યે વિશેસ લગાવ. ટીપીકલ અમદાવાદી બોલીમાં ઊંચા અવાજે તેણે મારા જાગવાનો જાહેર પ્રતિભાવ આપ્યો, ' એ બે.... મધુમામા ઉઠી ગયા......! '


ડ્રોઈંગ રૂમમાં સુરેશકાકા અને બાપુ મારા ઉઠવાની રાહ જોઈ રહેલ, ' એજ વસ્ત્રોમાં પહેલા અહી આવ ' ફરમાન થયું. શરમિંદ ચહેરે હું હાઝર થયો. કુતુહલવશ બાળકો મારી પાછળ પાછળ સહાનુભુતિ દર્શાવતા મારી સાથે થયા. મારા બાપુ કૈંક બોલે એ પહેલા સુરેશકાકા મારી વારે ધાયા, ' એવું તો ચાલ્યા કરે મધુરમ, ડોન્ટ વરી, ટેક ઈટ ઇઝી, યુવાનીમાં તારી જેમ હું પણ આવી પરિસ્થિતિઓમાંથી ઘણી વાર પસાર થઇ ચુક્યો છું. ચાલ જલ્દી કર હવે. નાહિ ધોઈ ફ્રેશ થઇ જા મારે તારી અમુલ ડેરી જોવા જવું છે.' સ્નાન કરી બહાર નીકળ્યો ત્યારે સુરેશકાકા મારા માટે ધોતી લઇને ઉભેલા. એ દિવસે મેં, બાપુ અને સુરેશકાકા, ત્રણેય જણે ધોતી પહેરેલી. ઉગતા સુરજની સાક્ષીએ બાપુએ મારી જોડે પ્રણ લેવડાવ્યું, ' એક વર્ષ માટે એ પીણાં પર સંપૂર્ણ પ્રતિબંધ '. સુરેશકાકાએ મુક સંમતિ આપેલી.

તે વખતે હું, અમુલમાંથી ફર્ધર સ્ટડી અર્થે ઈરમા માં મેનેજમેન્ટ નું ભણતો. બરાબર એક વર્ષ બાદ વેકેશનમાં હું સપરિવાર મુંબઈ સુરેશકાકાને મળવા ગયેલ. ત્રણેક દિવસ રોકાયેલો. કાકા બહુ ખુશ. સવારે ઉઠી, નાહીધોઈ પરવારી, ધોતી પહેરી અમે બંને સાથે બેસી ચ્હા નાસ્તો કરતા, પેપર વાંચતા, વાતો કરતા. કાકાને મારી કંપની ખુબ ગમેલી. તેમના આગ્રહને લઇ સમય મળ્યે હું કોઈ કોઈ વાર તેમને મળવા મુંબઈ જતો ને રાત રોકાતો. ધોતી સાથે મારી ને કાકાની જોડી ખુબ જામેલી.

સમય વીતતો ગયો, સાલ 2001, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું. હું મુંબઈ તેમને મળવા ગયેલો. નારાજ હતા મારાથી કે તું મને અને બાપુને છોડી વિદેશ જલસા કરવા જતો રહે છે.

કેનેડા જયારે જયારે બાપુ પત્ર લખતા ત્યારે સુરેશકાકાની અચૂક યાદ મોકલતા કે તને ખુબ મિસ કરે છે. સાલ 2003 માં મારી નાની બેન ગૌરા કેનેડા માઈગ્રેટ થયેલી. તેની સાથે મારા બાપુએ એક સફેદ ધોતી, પહેરણ અને ગાંધી ટોપી મારા માટે ખાસ મોકલાવેલ. વિકેન્ડમાં ઘણી વાર હું એ ધોતી પહેરણ પહેરતો. વતનની યાદો વાગોળી બાપુ અને સુરેશકાકાને યાદ કરતો. 2006 સપ્ટેમ્બરમાં મારી ભત્રીજી ગુંજા સ્ટુડન્ટ વિઝા પર કેનેડા આવી ત્યારે એજ સફેદ ધોતી પહેરી હું એરપોર્ટ પર તેને રીસીવ કરવા ગયેલો.

2006 નવેમ્બરમાં મારા બાપુ કેનેડા પધારેલ. બેગો ખોલીને સૌ પ્રથમ એક નાનું પાર્સલ મને આપ્યું, ' ખોલીને જો શું છે એમાં ' હું ખુબ ખુશ થઇ ગયેલ. આછા સોનેરી રંગની એક સુંદર રેશમી ધોતી હતી એમાં. સુરેશકાકાએ ખાસ મારા માટે ગીફ્ટ મોકલેલ. હું નાઈટ શિફ્ટ કરતો એટલે સવારે મોટે ભાગે ઊંઘતો હોઉં પણ સાંજે જાગું ને મારા બાપુ ઘરે હોય તો અમે બંને ધોતી પહેરી વાંચન, વાર્તાલાપ અને સત્સંગ કરતા. સુરેશકાકાને ખાસ યાદ કરતા. બાર વર્ષનો મારો દીકરો બોબી અને તેનો કેનેડીયન મિત્ર રોબર્ટ અચરજ ભાવે મને નિહાળી રહેતા, 'વોટ હેવ યુ ડ્રેસ અપ ડેડ ? ' ધોતીનું સ્પષ્ટ ગુજરાતી ઉચ્ચારણ ન કરી શકતો બોબી રોબર્ટને કહેતો,' ઇટ્સ એ ટીપીકલ ઇન્ડિયન ડ્રેસઅપ ડ્યુડ....કોલ્ડ એઝ " ડોટી ". બાપુની કેનેડા વિદાય બાદ ધોતી પહેરવાનું ધીમે ધીમે ઓછું ને છેલ્લે તો લગભગ સાવ બંધ જેવુજ થઇ ગયેલું.

સમય વીતતો ગયો....સાલ 2010....જાન્યુઆરી....બાપુ ઢીચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લઇ બહુ નંખાઈ ગયેલા. હું ઇન્ડિયા ગયેલો. બાપુ બહુ અસ્વસ્થ જણાતા હતા. મને કહેલું, પાછા વળતા સમય મળે તો મુંબઈમાં એરપોર્ટ પરથી સુરેશને ઘરે આંટો મારી આવજે. મારી પાસે બેજ વીકની રજા હતી અને મુંબઈમાં એટલો હોલ્ટ પણ નહોતો એટલે શક્ય બને એમ નહોતું. વિદાય વેળાએ મેં બાપુના ચરણસ્પર્શ કર્યા ત્યારે ખુબજ ભાવુક થઇ ગયેલા. મને યાદ છે એ વખતે તેમણે ધોતી પહેરેલી. બંને હાથ મારે માથે મૂકી કહ્યું, " આવજો બેટા ! ખુબ સુખી થજો જીવનમાં ખુબ તરક્કી કરજો, બાપુના આશીર્વાદ છે." સામાન્ય રીતે આવજો સાથે સહીસલામત હવાઈ યાત્રાની શુભેચ્છા પાઠવતા બાપુના એ ઉદગારો મારા મનને એક અકળ શંકા ને સંદેહ સાથે ઘેરી વળેલા કે બાપુ આવું કેમ બોલે છે ? વ્યથિત હૈયે હું વિદાય થયો. કેનેડા આવી મારી આ માનસિક મૂંઝવણનું સમાધાન થાય એ પહેલા માંડ દોઢ બે મહિના બાદ માર્ચની 28 તારીખે, ટૂંકી બીમારી બાદ બાપુ અકાળે અવસાન પામ્યા. પણ એ પહેલા તેઓ સુરેશકાકાને મળવા મુંબઈ ગયેલા અને તેમની સાથે એક લાંબી વાત અને મુલાકાત કરેલ.

મારા ઘરના દિવાન ખંડના એન્ટ્રન્સમાં બાપુની મનમોહક તસ્વીર સાથે મેં તેમનું સ્મારક બનાવ્યું છે. હવે હું ડે શિફ્ટમાં છું એટલે રોજ સવારે ઉઠી બાપુને પગે લાગી દિવસની શરૂઆત કરું છું. વિકેન્ડમાં પણ સવારે વહેલો ઉઠી, નાહીધોઈ પરવારી, સુરેશકાકાવાળી રેશમી ધોતી ને ઝભ્ભો પહેરી બાપુને પગે લાગી વાંચન લેખન સાથે દિનચર્યાનો આરંભ છેલ્લા દોઢેક વર્ષથી હવે એક નિત્યક્રમ બની ગયો છે. પણ એક વાત દિલને સતત ડંખ્યા કરે છે, કાયમ મનમાં ખટક્યા કરે છે.

બાપુના મૃત્યુ બાદ સુરેશકાકાનો પત્ર આવેલ. પત્રમાં કાકાએ બાપુ સાથે થયેલ એ છેલ્લી મુલાકાત અને લાંબી વાતનો ઉલ્લેખ કરતા લખેલ કે, મધુરમ હવે પછી જયારે પણ ઇન્ડિયા આવે ત્યારે મને અચૂક મળજે. તારી સાથે ધોતી પહેરીને બેસવું છે અને બાપુએ મને કહેલ છેલ્લી બધી વાતો તારી સાથે શેર કરવી છે.

કમનસીબે હઝું સુધી નથી એ દિન આવ્યો કે નથી કાકાને રૂબરૂ મળી શકાયું. જયારે જયારે ઇન્ડિયા જાઉં છું ત્યારે સઘળા પ્રયાસો છતાં મળવાનું શક્ય બનતું જ નથી.......

આજે બાપુની છઠ્ઠી પુણ્યતિથી છે. એજ રેશમી ધોતી અને ઝભ્ભો પહેરી દિવાન ખંડના સ્મારકમાં મુકેલ તેમની તસ્વીર સામે ઉભો છું....વ્યથાના એક ભારી બોજ સાથે.... દિલમાં વેદના છે.... મન વ્યગ્ર છે.....વ્યાકુળ છે..... એક ભારી સંતાપથી.....એક વિશાદથી......!

" કાકા નારાજ છે. પણ તસ્વીરમાં બાપુ એથીય વધુ નારાજ જણાય છે..... ફરિયાદ કરે છે.....બેટા, સુરેશકાકાને મળવા તું હઝું સુધી કેમ નથી ગયો.....!?! "


મધુરમ મેકવાન.
સોમવાર, તારીખ ૨૮ મી માર્ચ,
સમય સવારના સાત વાગીને બે મિનીટ.
સને બેહઝાર સોળ.
કેનેડા.

Sunday, 1 March 2015


વાંચનનો શોખ .........ભાષાની વ્યથા !


" ભૈલા....બંધ કર રમવાનું હવે ....બહુ થયું....વાંચવા બેસ.... " બાળપણમાં મારા ઘરની ગલીના નાકે લંગોટિયા મિત્રો સાથે રમતો હોય ત્યારે મારા બાપુના આ આદેશાત્મક શબ્દો મારે કાને પડતા ને હું ફટાફટ ઘરે આવી વાંચવા બેસી જતો. આ વાંચવાનું એટલે ઘરે સ્કુલનું હોમવર્ક, અભ્યાસ કે લેશન કરવા બેસવાનું. પરશાળમાં બેસી હું લેશન કરવા મંડી પડતો. પરશાળ એ અમારા ઘરનો અભ્યાસ ખંડ અને મારા બાપુનું કાર્યાલય. ખૂણામાં એક ખુરશી, ટેબલ તથા લાકડાનો એક ઘોડો જેની પર તેમના અસંખ્ય પુસ્તકો, ફાઈલ્સ, વર્તમાન પત્રો તથા ઢગલો મેંગેઝીન. હાથમાં કોઈ પુસ્તક લઇ ખુરશી પર બેઠેલા મારા બાપુ કોઈ ઊંડા વાંચન વિચારોમાં ધ્યાનમગ્ન. લેશન કરતા કરતા હું વાંચનમાં વ્યસ્ત મારા બાપુની એ લાક્ષણિક અદા અચરજ ભાવે નિહાળ્યા કરતો.

એ વખતે અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ સાહિત્યિક મેગેઝીન આવતા. મારા બાપુ તેમજ મારા ભાઈબહેન બધાજ રસપૂર્વક વાંચતા. લેશન કર્યા બાદ કુતુહલ ભાવે કોઈ મેગેઝીન લઇ હું પણ વાંચવા બેસી જતો. સમય જતા આ વાંચનવુત્તિ રસનો વિષય બની શોખમાં પરિણમેલી અને ધીમે ધીમે તે દૈનિક જીવનનો એક અભિન્ન ભાગ બની ગયેલી. મનગમતું મેગેઝીન કે પુસ્તક વાંચવા અમે ભાઈ-બહેનો પડાપડી કરતા અને ઘણીવાર તો મેગેઝીન માટે ઝૂંટાઝૂંટ પણ થઇ જતી ને છેવટે મારા બાપુ દરમ્યાનગીરી કરતા ત્યારેજ હું ટાઢો પડતો. મને યાદ છે આઠમાં નવમાં ધોરણમાં ભણતો ત્યારે "સરસ્વતીચંદ્ર" મેં આખેઆખી વાંચી નાખેલી. વાંચનનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલ.

વાંચનનો મારા બાપુને અનહદ શોખ. હું કોલેજમાં આવ્યો ત્યારે મારા બાપુએ વાંચનવૃતિ સાથે સાથે તેમનો લેખનનો શોખ પુનર્જીવિત કરેલો અને તેમની કલમે તે સમયે સારો એવો પ્રભાવ જમાવેલો. લોકપ્રિય અખબારો અને વિવિધ સામયિકોમાં તેમની વાર્તાઓ તથા ધારદાર લેખ છપાતા. તેજ અરસામાં "વ્હાલના વલખા", "વ્યથાના વીતક" અને "આંગળિયાત" ના ઉદ્દભવ અને અસ્તિત્વનો ઈતિહાસ સર્જાઈ રહ્યો હતો. તેની હસ્તલિખિત કાચી કોપીઓની હું આતુરતાપૂર્વક રાહ જોતો અને મળતાની સાથે એક બેઠકે વાંચી નાખી તેના પ્રથમ વાંચનનો શ્રેય મળ્યાનો ગર્વ કરતો. આમ મારો વાંચવાનો શોખ જો વધુ કેળવાયો અને પરિપકવ થયો હોય તો તે કેવળ અને ફક્ત મારા બાપુના પ્રભાવે અને પ્રતાપે.

વિદેશગમન બાદ નવી ભૂમિ પર કારકિર્દી ઘડતરની વ્યસ્ત જીવનચર્યાને લીધે મારો વાંચવાનો શોખ જોઈએ એવો ન જળવાયો પણ તોય યથાવત રહ્યો. સંઘર્ષના સમયમાં પણ સમય ફાળવીને હું વિદેશ પ્રાપ્ય વિવિધ ગુજરાતી મેગેઝિન અને અખબાર પત્રોનું વાંચન કરતો. વાંચનની તરસ મીટાવવા ઘરે મારા બાપુની નવલકથાઓ અને વાર્તાસંગ્રહો તેમજ અન્ય પુસ્તકો મેં ધીમે ધીમે વસાવેલા. સાથે સાથે ઈ-ફોરમેટમાં મળતા ચિત્રલેખા જેવા મેગેઝીન તથા વિવિધ સામયિકનો હું નિયમિત વાંચક જે મારા વિકેન્ડ વાંચનના પુરક બની મને વાંચનનો એક અનેરો સંતોષ બક્ષતા.

એવાજ કોઈ સામયિકમાં થોડા વખત પહેલા એક સમાચાર વાંચવામાં આવેલા કે ‘રીડર્સ ડાયજેસ્ટ’ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે. ‘રીડર્સ ડાયજેસ્ટ’ નું નામ સાંભળતાજ હું ચોંકી ઉઠ્યો. વિસ્તૃત સમાચાર વાંચી આશ્ચર્ય થયું. પ્રશ્નોની વણઝાર મનને ઘેરી વળી. નિરાશ મને ભૂતકાળના વિચારોમાં ઊંડો ઉતરી ગયો. ‘રીડર્સ ડાયજેસ્ટ’ ....શું અદભૂત મેગેઝીન .....એનો પણ એક જમાનો હતો .... દબદબો હતો ! અને આજે આ મેગેઝિન કંપની હવે વેચાઈ રહી છે !?! રીડર્સ ડાયજેસ્ટ ભારતમાં સાક્ષરો, શિક્ષિતોના ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરતુ તથા ‘સ્ટેટસ’ સિમ્બોલ ગણાતું મેગેઝીન. વાંચન રસિયા પોતાની પ્રબુદ્ધતાનો પ્રભાવ પાડવા માટે આ મેગેઝીન ઘરે આવનારા જોઈ શકે તેમ રાખતા. વાલીઓ તેમના સંતાનનો ઉછેરમાં રીડર્સ ડાયજેસ્ટ ની ભૂમિકા સમઝતા અને તેની રસપ્રદ કે પ્રેરણાદાયી માહિતી સંતાનો સમક્ષ પીરસતા. રીડર્સ ડાયજેસ્ટ ની સાથે સાથે પ્રત્યેક સુસંસ્કૃત ઘેર કુમાર, અખંડ આનંદ, નવનીત સમર્પણ, જનકલ્યાણ ઘરમાં પરિવારજનની જેમ નિશ્ચિત સ્થાન અને મહત્ત્વ ધરાવતા. ભારતમાં ગામો કે શહેરોના દવાખાનામાં પણ આવા મેગેઝીન નિશ્ચિત વાંચવા મળતા.ઘણા વાંચક રસિયા કે જેમને તાજો અંક ના પરવડે તેઓ જૂના અંકો ખરીદતા અને અમુક ચાહકો તો આવા જૂના અંકો બાઇન્ડીંગ કરાવી ઘરે સાચવી રાખતા જે કદાચ આજે પણ તેમના ઘરે જોવા મળે તો નવાઈ નહિ.

પણ આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે. ઇન્ટરનેટ અને ઓનલાઈનના આ જમાનામાં વાંચનના સમીકરણો બદલાઈ ગયા છે. મોટાભાગનાને વાંચવામાં રૂચિ જ નથી તેમાય નવી પેઢીને તો પ્રિન્ટ ફોરમેટમાં આંખો જ સેટ નથી થતી. યુવા જગતની કૂતુહલતા જ જ્ઞાન કરતા મનોરંજન, સેલિબ્રિટી, ગોસિપ, ઓનલાઈન ચેટીંગ તેમજ મોબાઈલની પરિમિતિમાં વધારે ધૂમે છે. તેમની પર અભ્યાસ અને કારકિર્દી ઘડતરનો બોજો તો છે જ પણ નવરાશનો જે સમય મળે છે તેનો ઉપયોગ તનાવ મુક્તિમાં વધુ થાય છે. સેલફોનની સંગત અને રંગતમાજ તેમની જીવનદૃષ્ટિ સીમિત થઇ ગઈ હોય તથા આંગળીના નખ જેવડી ચીપમાં જ તેમનું સમસ્ત બ્રહ્માંડ સમાઈ ગયું હોય ત્યારે વાંચનના વિશ્વમાં સમાયેલ ગણ્યા ગાંઠ્યા તારાઓનો ભાવ કોણ પૂછે ?

કેનેડા સ્થાયી થયા બાદ ઘરમાં ગુજરાતી વાંચન-વાર્તાલાપ માટે મારા પ્રમાણિક પ્રયાસો છંતા ગુજરાતી શિક્ષણના અભાવે મારા બંને સંતાનો ગુજરાતી વાંચી નથી શકતા પણ ગુજરાતી વાર્તાલાપ કરવાની પુરતી કોશિસ કરે છે. મારા બાપુ કેનેડા અમારી સાથે રહેતા ત્યારે અવારનવાર અઘરા ગુજરાતી શબ્દપ્રયોગો ધ્વારા મારા સંતાનો તેમજ મારી સાથે રહેતી મારી ભાણી -ભત્રીજીને મૂંઝવતા, રમુજ કરતા. એકવાર હાર નહિ માનવાની જીદે ચડેલી મારી દીકરીએ સામે પ્રશ્ન કર્યો, "બાપુ, તો તમને હિન્દીમાં સૌથી લાંબો અર્થ થાય તેવો સૌથી ટૂંકો શબ્દ કયો ખબર છે ? " તેમણે અજાણ્યા થવાની સહજ કોષીસ કરેલ ને મારી દીકરી ત્વરિત બોલી ઉઠેલ " કિંકર્તવ્યમૂઢ " ! પૌત્રીના શબ્દજ્ઞાનથી વિસ્મય પામેલ મારા બાપુ અનહદ ખુશ થઇ ગયેલા ને મને કહેલું બેટા સમય ફાળવીને પણ આને ગુજરાતી વાંચતા શીખાડજે. ભવિષ્યમાં મારું નામ રોશન કરશે. ગુજરાતીભાષામાં રસ જળવાય રહે એટલે સમયાંતરે હું મારા સંતાનો સાથે મારા સ્વ. બાપુના પુસ્તકો તથા અન્ય ગુજરાતી વાંચનના મારા અનુભવો શેર કરતો.

"અર્ધી રાતે આઝાદી" મારું પ્રિય પુસ્તક જે મારા બાપુએ તેમની અંગત લાઈબ્રેરીમાંથી મને ભેટ આપેલ. માતૃભુમીના ઇતિહાસની બાળકોને જાણકારી મળે એ આશયે આ પુસ્તકની મૂળ અગ્રેજી "ફ્રીડમ એટ મીડનાઈટ" ની એક કોપી ઘરે વસાવેલ. એક વીકેન્ડમાં ઘરે એમજ આ પુસ્તક બાબતે સવાંદ થયેલ ને એમના જનરલ નોલેજની કસોટી કરવા મેં પણ એમજ પૂછેલું કે " આઈ હોપ યુ નો એબાઉટ ગાંધી " સેકન્ડરી સ્કુલમાં ભણતા પુત્રે થોડી વિમાંષણ બાદ જવાબ આપ્યો ........યુ મીન ગેન્ધી યા આઈ નો હી વોઝ એ ગુડ ગાય ....! એકજ વાક્યના તેના સચોટ પણ અસ્પષ્ટ અને દ્વીઅર્થી પ્રત્યુત્તરથી હું પણ વિમાંષણમાં પડી ગયો. વધુ પ્રશ્નોત્તરી ટાળી વાતને વાળી લઇ તેને અંગ્રેજીમાં સંક્ષિપ્તમાં સમજાવવાની મેં પુરતી પણ નાકામયાબ કોશિશ કરેલ. બીજા દિવસે એણે વળતો પ્રશ્ન કરેલો..... ડેડ..... હું વોઝ ગેન્ધી (ગાંધી) ?....આઈ મીન વોઝ હી રીઅલી એ ગુડ ગાય !?! ફેસબુક પર ગાંધીબાપુ વિષે અંગ્રેજીમાં કોઈ કોન્ટ્રોવર્શલ કોમેન્ટ વાંચી તે વિમાંષણમાં હતો ! મને તેમાં તેનો કોઈ વાંક નથી દેખાતો કારણ એના વાંચનનું વિશ્વ છે ફક્ત ફેસબુક અને ટ્વીટર !

દૂત શતાબ્દી નિમિત્તે ટોરંટો ખાતે કેનેડામાં વસતી ગુજરાતી કેથોલિક કોમ્યુનીટી ધ્વારા દૂત માટે એક ભવ્ય કાર્યક્રમ યોજાયેલ. કાર્યક્રમમાં વડીલ માબાપ સાથે કેનેડામાં ઉછરેલ અને એજયુકેટ થઈ રહેલ સંતાનોનો સારો એવો કિશોરવર્ગ. દૂત મેગેઝીન વિષે સક્ષિપ્તમાં માહિતી આપતી વખતે આ ઉભરતી પેઢીને રસ પડે એટલે મેં અંગ્રેજીમાં સંબોધન કરેલું કે "દૂત ઈઝ અવર બેકહોમ પ્રાઉડફૂલ રેલીજીયસ મેગેઝીન. ઈટ હેઝ સકસેસફૂલી કમ્પલીટેડ હન્ડ્રેડ ઈયર્સ. વન ઓફ ધ બેસ્ટ થિંગ ધીઝ મેગેઝીન હેઝ ડન ઈઝ, ઈટ હેઝ ઓલવેય્ઝ ઇન્સ્પાયર્ડ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ રીડ એન્ડ રાઇટ . ઇટ હેઝ એ સ્પેસીઅલ સેક્શન મેન્ટ ફોર જસ્ટ ચિલ્ડ્રન્ લાઇક યુ ટુ ડેવલપ યોર રીડીંગ એન્ડ રાઈટીંગ સ્કીલ્સ." કાર્યક્રમ બાદ ખાણીપીણી વખતે વાતો કરતા આ બાળકોની એક કોમેન્ટ સાંભળવા મળેલ ...."યા મી નો મા મોમ એન ડેડ ટોકીન એબાઉટ ધીઝ મેગ....બટ બ્રો યુ નો.... ઇટ્ઝ ઇન ગુજારાટી.... હાર્ડ ટુ ફોલો બડી ! " 

કેનેડા ખાતે મારા બાપુએ મને અસંખ્ય પત્રો ગુજરાતીમાં દિલથી મન મુકીને લખ્યા છે. એક પત્રમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની વિપરીત અસરોનું વર્ણન કરતા લખેલ કે, " બેટા ઘરે ગુજરાતી વાંચન જાળવજે તથા બાળકો સાથે હમેંશા ગુજરાતીમાં સંબોધન કરજે. બાળકોને તારા દિલની વાત કહેવી હોય તો જે ભાવ અને પ્રેમ તું ગુજરાતીમાં વ્યક્ત કરી શકીશ એ અન્ય કોઈ ભાષાથી નહિ થઇ શકે. અંગ્રેજી પર તારું ભલે ગમે એટલું પ્રબળ પ્રભુત્વ હોય પણ એ તારી માતૃભાષા નથી. અન્ય ભાષાઓ પ્રત્યે મને કોઈ ધ્વેશભાવ નથી પણ મારી દ્રષ્ટીએ બાળકોમાં યોગ્ય સંસ્કારોના સિંચન માટે માતૃભાષા જ શ્રેષ્ઠ માધ્યમ છે."

માતૃભાષા પ્રત્યે મારો વિશેષાગ્રહ તથા મારા સ્વ.બાપુના સંસ્કારો ને લઈને વિદેશમાં સ્થાયી બાદ પણ ઘરમાં ગુજરાતી વાંચવા બોલવાની ટેવ. ઘરે મારા બાપુના તેમજ અન્ય વિષય લક્ષી વિવિધ ગુજરાતી પુસ્તકો, મેગેઝીન તથા અખબારોનું નિયમિત વાંચન તોય, સંતાનોને આ અંગે કૈંક કહેવું હોય તો મારે ગુજરાતીનું ઈંગ્લીશ ટ્રાન્સ્લેશન કરવું પડે છે જેને લઇ હું કાયમ મારા સંતાનોની મઝાક નો ભોગ બનતો હોઉં છું. ગુજરાતી વાર્તાલાપ તો ઠીક પણ ગુજરાતી વાંચન.....નો વે.....ચીલ ડેડ....! અગ્રેજી ભાષા પ્રત્યે મને પણ કોઈ પૂર્વગ્રહ નથી, પણ પ્રશ્ન છે એના પણ વિસ્તૃત વાંચન માટે આજની ઈન્ટરનેટઘેલી મોટાભાગની આ યુવાપેઢી પાસે પુરતો સમય પણ નથી અને રસ પણ નથી. 

આજે વાંચનના સુર વિસરાઈ રહ્યા છે અને તેની સીધે સીધી અસર આજની આ યુવા પેઢી અને એક જમાનાના પ્રખ્યાત એવા આ મેગેઝીનો પર થઇ રહી છે. જમાનાની માંગ અને બદલાતી જતી પેઢીને નજરમાં રાખીને આવા મેગેઝિનની સામગ્રી જોડે પ્રકાશકોએ સમાધાન કર્યું તેમજ સંશોધન કરી તેમાં જરૂરી ફેરફારો કર્યા. પણ ઇન્ટરનેટ અને ઓનલાઈન દુનિયાના પ્રભાવ હેઠળ આ મેગેઝીન હવે તેનું મહત્વ અને અસ્તિત્વ ગુમાવી રહ્યા છે. રીડર્સ ડાયજેસ્ટ ની જો આ હાલત હોય તો અન્ય મેગેઝીનનું ભાવી મને એથીય ભેંકાર ભાસી રહ્યું છે. આતો શરૂઆત છે આવા મેગેઝિનની આથમતી અસ્મિતાની તથા હાલના યુવાવર્ગની વાંચન પ્રત્યે ઉદાસીનતા અને ઉપેક્ષાની. ધીમે ધીમે અખબારો પણ વેન્ટીલેટર પર આવતા જશે. તદુરસ્ત અસ્તિત્વની દ્રષ્ટીએ મારા પછી માંડ એકાદબે પેઢી સુધીનું ઓક્સિજન હોય તેમ મને લાગી રહ્યું છે. તેમાય વિદેશમાં ગુજરાતી શિક્ષણના અભાવે માતૃભાષાનો વપરાશ, ગુજરાતી વાંચન તો ઠીક વાર્તાલાપ પણ હવે અગ્રેજી ભાષાના પ્રભાવ હેઠળ ગૂંગળાઈ રહ્યો છે. ઈતરવાંચન માટે પુરતો સમય ન ફાળવી શકતી આજની આ યુવાપેઢી સોસીઅલ નેટવર્કિંગ મીડીયાના પ્રભાવ હેઠળ પેરેસાઈટ થઇ ગઈ છે.

માર્ચ મહિનો.... વિશ્વ સાહિત્ય દિન, સાક્ષરતા દિન, આંતરરાષ્ટ્રીય મહિલા દિન  તથા શિક્ષક અને સાહિત્યકાર મારા બાપુ સ્વ. જોસેફ મેકવાનની પાંચમી પુણ્યતિથિ. હણહણતા અશ્વો જેવી તેજતર્રાર ગદ્યના ગુરુ, અનુભવજનિત સાહિત્યસર્જનના શિરોમણી, નિષ્ઠાવાન કેળવણીકાર અને નિર્ભય વક્તા તથા સ્ત્રીસંવેદનાના નારીવાદી સાહિત્યસર્જક તેમજ વર્ણવાદી સાહિત્યના છોતરાં ઉખેડી નાખતા દાદા સ્વ.જોસેફ મેકવાને કરોડ રજ્જુના મણકા તૂટી જાય તેવી જીવતરની વેઠ અને આંખોમાંથી રક્ત ટપકે તેવા અન્યાય બોધ લેખન ધ્વારા ગુજરાતી સાહિત્યની એક ધરોહર સર્જી દેશ-દેશાવરમાં આપણને તથા આપણી સંસ્કૃતિને વિશ્વસ્તરે એક વિશેષ સ્થાન અને ગરિમા પ્રાપ્ત કરાવ્યા. ટોરંટોની ઘણી બધી લાઈબ્રેરીમાં તેમના પુસ્તકો ગુજરાતી વાંચન માટે ઉપલબ્ધ છે. પણ, ઇન્ટરનેટના ઓનલાઈન પ્રભાવ હેઠળ વાંચનથી વિમુખ થતો જતો આજનો યુવાવર્ગ, વિદેશમાં વસતા આપણા યુવાવર્ગની ગુજરાતી ભાષા સાક્ષરતા તથા ગુજરાતી વાંચન પ્રત્યે તેમની ઉદાસીનતા આજે એક પડકાર તથા આવનાર પેઢી માટે એક શૈક્ષણિક સંશોધનનો વિષય છે.

વાંચનનો અભૂતપૂર્વ વારસો આપીને મારા બાપુએ મને અભિભૂત કરી દીધો પણ તેમને ઇચ્છિત શ્રદ્ધાંજલિ અર્પવા મારા તમામ પ્રયાસો અપૂર્ણાર્થક નીવડ્યા છે. આજે તેમની અનુપસ્થિતિ મને અનહદ સાલી રહી છે. તેમના પુસ્તકો સાથે સાથે અન્ય ગુજરાતી પુસ્તકો, વિદેશ પ્રાપ્ય ગુજરાતી મેગેઝિન, સામયિકો તથા અખબારોના પ્રિન્ટ ફોરમેટ મારા ઘરના ફેમીલી રૂમ-પરશાળ માં પડ્યા છે. પણ વાંચવા માટે નથી કોઈ પડાપડી કે નથી કોઈ ઝૂંટાઝૂંટ..... કારણ વાંચનારો વર્ગ બહુ જુજ  છે  અને  તે  પણ  ફક્ત  બે  જ  જણ .... હું  ને  ધર્મપત્ની ...!


વિદેશમાં પેઢી દર પેઢી માતૃભાષાનો ચિંતાજનક ઘટતો જતો વપરાશ તથા ભાષાકીય અજ્ઞાનતાને લઇ ગુજરાતી વાંચન પ્રત્યે સંતાનોની સ્વાભાવિક અરુચિ, વાંચનના મારા શોખની સાથે સાથે વાંચનની  એક  ભાષાસાંકર્ય  વ્યથા  છે  !

મધુરમ મેકવાન 
જોમે ચેરીટી ફાઉનડેશન 
ટોરંટો,કેનેડા.

Monday, 16 February 2015


નિવૃત્તિ ....... એક વાત, એક વ્યથા !

" વેલકમ એબોર્ડ મિસ્ટર ન્યુ હાયર....! " લંચ ટાઇમમાં હું મારી કંપનીના કેફેટેરિયામાં બેઠો હતો.. એક કેનેડીયન ગોરાએ અચાનક ત્યાં આવી મારું અભિવાદન કર્યું. હું બગવાય ગયો. શું જવાબ આપવો એની મને કોઈ સૂઝ ન પડી. વ્હાઈટ મેજોરીટી ધરાવતી કેનેડીયન બેઇઝ એક મલ્ટીનેશનલ કંપનીમાં હું નવો નવો જોબ પર લાગેલો. નવું વાતાવરણ, નવા લોકો તથા જોબની નવી જવાબદારીઓ વચ્યે હું જોબ ઇનસિક્યોરીટી તથા એક પ્રકારની અજીબ એવી સોસીઅલ આઈસોલેશનની અનુભૂતિ મહેસુસ કરી રહ્યો હતો. એવી પરિસ્થિતિઓમાં આ અભિવાદન ! હકારમાં ફક્ત માથું હલાવી મેં તેને એક સ્માઈલ આપ્યું.

લગભગ દોઢ દાયકા પહેલાની આ વાત છે અને વ્યથા પણ છે. આજથી લગભગ પંદરેક વર્ષ પહેલા સાવ અજાણ્યા એવા આ કેનેડા દેશમાં આવ્યો ત્યારે જે વ્યક્તિઓએ મને સાથસહકાર, પ્રેમ અને હુંફ બક્ષી અહી સેટલ થવામાં મદદરૂપ થયેલા તેમાંના એક એ મારા સખાબંધુ ઉપેન્દ્ર પટેલ, કે જેમણે, ઉપર આભ અને નીચે કેનેડાની ધરતી એવા મુલકમાં મને તેમના ઘરે આશરો આપ્યો, બીજા જેમણે મને અઢળક પારિવારિક પ્રેમ બક્ષ્યો એવા વડીલબંધુ પોલભાઈ, અને ત્રીજો, એ આ અભિવાદન કરનાર સહકર્મી, જેણે મને મારી જોબ પર એક સાચા મિત્ર તરીકે સપોર્ટ કર્યો તે, મારો પરમ કેનેડીયન મિત્ર....મિસ્ટર ડગ્લાસ લેન્ગલી....શોર્ટ નેઇમ ....મિસ્ટર ડગ. 

ગોરાઓનું વર્ચસ્વ ધરાવતી આ મલ્ટીનેશનલ ફૂડ ઇન્ડસ્ટ્રિમાં મને જયારે નવી નવી જોબ મળી ત્યારે મારી સાથે સૌ પ્રથમ જો કોઈ વ્હાઈટ ભાઈએ હાથ મિલાવ્યો હોય તો તે આ ડગ ! નવી જોબ પર મને શરૂઆતમાં ડીસ્કરીમીનેશનના ઘણા અનુભવો થયેલ. એ પરિસ્થિતિઓમાં આ શ્વેતભાઈએ મારો હાથ પકડેલો અને મારી વારે ધાયેલો. કેફેટેરિયામાં મોટે ભાગે હું એકલો જ ટેબલ પર હોઉ ત્યાં એ બેધડક મારી સાથે આવી બેસતો, જમતો અને વાતો કરતો. તેની વાતોમાં હું એક પ્રકારની સોસીઅલ ફ્રીકવન્સી અનુભવતો. તેને જયારે ખબર પડી કે હું આ જોબ પર આવવા માટે બે બસ અને એક ટ્રેન લઇ અપડાઉન કરું છું તો તેની કારમાં મને ઘણીવાર છેક મારા એપાર્ટમેન્ટ સુધી ડ્રોપ કરી જતો તેમાય વીન્ટરમાં તો ખાસ. મારા રહેઠાણથી તે રહેતો બિલકુલ વિરુધ્ધ દિશામાં એટલે હું તેને ના પાડતો કે ડગ તને ઊંધું પડે પણ તોય ન માનતો કહે, મેક, બડી, ઇટ્ઝ વિન્ટર ટાઇમ, ડોન્ટ વરી, ઇટ્ઝ એ મેટર ઓફ જસ્ટ અન આવર મોર.

મિત્રતાની આવી અનોખી મિશાલ ધરાવતો આ ડગ હાલમાંજ નિવૃત્ત થયો. નિવૃત્તિવેળાએ તેણે મને ભારપૂર્વક કહેલું, મેક, ડોન્ટ ફરગેટ મી, કીપ પેઈંગ યોર વિઝીટસ એટ માય હોમ, યુ નેવર નો, વન ડે યુ વીલ હીયર ડગ ઈઝ નો મોર, એન્ડ ધેન ડોન્ટ રીપેન્ટ ધેટ યુ કુંડન્ટ સી મી ......! 

સ્વભાવે મનમોજી પણ ખુબ મહેનતુ, એકદમ સીધો, સાદો અને સરળ. કોઈ આડંબર કે અહમ નહિ અને વહાઈટ હોવાનો તો સહેજેય સુપીરિઆરીટી કોમ્પ્લેક્ષ નહિ એવા ડગની, જિંદગીને એક સ્પીરીટ એક શાનથી જીવવાની અદા મને ખુબ સ્પર્શી ગયેલી. નિવૃત્તિના થોડા સમય પહેલા તેણે મને એક બ્રેકીંગ ન્યુઝ જેમ શોકીંગ અને આશ્ચર્યચકિત થઇ જવાઈ એવી વાત કરેલી. નિવૃત્તિના છેલ્લા મહીને એક દિવસ તેણે મને કેફેટેરિયામાં બોલાવ્યો, મેક, કમ હીયર બડી સીટ વીથ મી આઈ વોન્ટ ટુ શો યુ સમથિંગ અને તેના સેલફોન પર મને તેણે થોડા ફોટા બતાવ્યા. ફોટા કોઈ એક સીમેટ્રીના હતા. કોઈ એક ગ્રેવ ના હતા, ગ્રેવના સ્ટોન પર કોઈનું નામ હતું. એન્લાર્જ કરીને વાંચ્યું તો આઈ કુડન્ટ બીલીવ વોટ આઈ એમ રીડીંગ, ગ્રેવ સ્ટોન પર લખ્યું હતું.........Mr. Douglas Langely.... RIP ...Born date......વગેરે વગેરે ! હું સ્તબ્ધ થઇ ગયો ! ડગે મને કહ્યું .......મેક....ધેટઝ ફોર માય ડેથ પ્રીપ્રેશન એન્ડ સેલેબ્રેશન.....આઈ હેવ બુક્ડ માયસેલ્ફ ઇન ધીઝ સીમેટ્રી સો માય ફેમીલી ડઝન્ટ હેવ ટુ વરી અબાઉટ માય ફ્યુનરલ.....ઓન્લી થિંગ ધે હેવ ટુ ડુ ઈઝ જસ્ટ રાઇટ માય ડેથ ડેટ .....હું અવાક થઇ ગયો. આમ તો આ બાબત કેનેડામાં કોમન છે પણ મારા માટે નહોતી. અને ડગના ચહેરા પર એવો કોઈ ભય કે ભાવ પણ નહોતો. એતો મુક્ત મને સ્માઈલ કરતો હતો......ધેટઝ લાઈફ મેક......વન ડે એવરીબડી હેઝ ટુ ગો......વ્હાય નોટ ગો હેપીલી ..........! 

ત્યારે મને મારા સ્વ. બાપુની યાદ આવી ગઈ. મારા બાપુ કેનેડા આવ્યા ત્યારે સામાજિક-સાહિત્યિક કાર્યક્રમોથી ભરચક તેમનો કેનેડાવાસ ખુબજ વ્યસ્ત રહેલો. મને યાદ છે રવિવાર તા. ૭ મી જાન્યુઆરી, ૨૦૦૭, ગ્રેટર ટોરંટો એરિયાના મિસીસાગા શહેરના એક વિશાળ નગરહોલમાં તેમનું વ્યક્તવ્ય યોજાએલુ. ટોરંટોની એક પ્રસિદ્ધ સીનીઅર સીટીઝન સંસ્થાએ તેમને આમંત્રેલા. હોલ આખો આમન્ત્રીતોથી ખીચોખીચ ભરાય ગએલો. " નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા" અંગેનું તેમનું પ્રભાવિત અને રુદયદ્રાવક વ્યક્તવ્ય સાંભળીને હાઝર રહેલ સહુની આંખો ભીની થઇ ગએલી. તેમેણે કહેલું, " કદી તમારી જાતને તમે વૃદ્ધ થયા એટલે નિવૃત્ત થયા એ દ્રષ્ટિથી ન જોશો. પણ એમ જ માનજો કે જબ તક જિન્દા હું... જવાન હું ! " તાળીયોના ગડગડાટ થી તેમનું અભિવાદન થએલું. ફોટા જોયા બાદ ડગને મેં કહેલું કે મારા લેઇટ ડેડ પણ તારા જેવાજ વિચારો ધરાવતા હતા અને તેને મેં મારા સ્વ. બાપુની " જિંદગી જીવ્યાનો હરખ" ની વાત કરેલી ત્યારે તે ખુબ ખુશ થઇ ગયેલો, મને કહે, " મેક, આઈ હેવન્ટ સીન યોર ડેડ, બટ ધ વે યુ ટોક અબાઉટ હીમ, આઈ બીલીવ હી ઈઝ એ વેરી ગુડ પર્સન, એ રીયલ જેન્ટલમેન ." 

ડગ જીવનને જે સ્વરૂપે હોય તે પ્રમાણે સ્વીકારી તેનો આનંદ લેવામાં માને છે. ગોલ્ફ અને ટેનીસ રમવાનો તેને ખુબ શોખ છે. વ્યસ્ત જીવનચર્યામાં પણ તે સમય ફાળવી અચૂક રમવા જાય અને સાથે સાથે મને નોતરું દેતો જાય કે વુડ યુ લાઇક ટુ જોઈન મી મેક ? મેં તેને એક દિવસ એમજ કહેલું કે, ડગ, ફરગેટ અબાઉટ ગોલ્ફીંગ, આઈ હેવન્ટ ઇવન ટચ ધ ગોલ્ફ સ્ટીક ઇન માય લાઈફ. તો મારા આશ્ચર્ય વચ્યે એક દિવસ તે મારા ઘરે આવ્યો અને તેની બ્રાન્ડ ન્યુ ગોલ્ફ કીટ મને આપી ગયો. તેને ફીશીંગનો બહુ શોખ અને તે પણ વિન્ટર ફીશીંગ. વિન્ટરમાં તે નોર્થમાં ફીશીંગ કરવા જાય ....ઢગલાબંધ રેડ લોબસ્ટર્સ પકડે. તેમાં મારો ભાગ તે અલગ રાખે, કહે, આઈ નો મેક, યોર સન લાઈક્સ રેડલોબસ્ટર્સ વેરી મચ. ડગને એક વાર મેં સમોસા ચખાડેલ ત્યારથી તેનો સ્વાદ તેની દાંતે રહી ગયેલ, બેધડક મારી પાસે સમોસા મંગાવે, કહે, મેક બ્રિંગ સમ એસામોસા ટુમોરો !

એવા આ ડગના ઘરે તેની સાથે હમણાજ એક પારિવારિક મુલાકાત થઇ. ડગ મૂળે બોર્ન કેનેડીયન છે પણ તેના રૂટ્સ યુરોપિયન છે. યુરોપિયન લોકો સ્વભાવે ખુબ માયાળુ અને પ્રેમાળ હોય છે તેનો જીવંત અહેસાસ તેના ઘરે થયો. તેના ઘરે તેના ફોટો આલ્બમ તે મારા સન બોબીને બતાવી રહ્યો હતો. બોબી અને ડગ બંને તેમની ફીશીંગ હોબી શેર કરી વાતોએ વળગેલા....કેનેડીયન રેઈઝ્ડ એન્ડ બ્રોટઅપ બોબી અને ડગને  કેનેડીયન એક્સેન્ટ અંગ્રેજીમાં વાતોએ વળગેલા જોવાનો એક અનેરો લ્હાવો હતો.                                

મુલાકાત પતાવી અમે નીકળ્યા ત્યારે ડગે મને પૂછ્યું। ...મેક, ડીડ યુ ગાઇઝ કેઈમ એક્રોસ ટરટલ ટ્રેઈલ ક્રોસવે વાઇલ કમીંગ ટુ માય હોમ ? ઇફ યુ ડીડન્ટ મેક સ્યોર યુ સી. પાછા વળતા જોયું તો તેના ઘરે જતા રસ્તામાં એક મોટી કોશન સાઈન આવે છે. જેના પર ટરટલનું ચિત્ર છે અને નીચે લખ્યું છે, " ટરટલ ક્રોસિંગ...રાઇટ ઓફ વે " સમરમાં બાજુમાંના એક લેકમાંથી નીકળીને કાચબાઓ જમીન પર ઈંડા મુકવા માટે અહીંથી આવજા કરે. લોકો ગાડીઓ સાઈડમાં પાર્ક કરી જ્યાં સુધી ટરટલ્સ પસાર ન થઇ જાય ત્યાં સુધી તેમને જવા માટે રાહ જોઈ ઉભા રહેલ.

બાળપણમાં કાચબા અને સસલાની વાર્તા સાંભળેલી પણ બહુ સમઝાયેલી નહી. યુવાનીમાં એક ફીલ્મ જોયેલી " કથા " જેની થીમ બરાબર આ વાર્તા પર હતી. અને તે બરાબર સમઝાયેલી. ફિલ્મના પાત્રો નસીરુદ્દીન  શાહ  અને   ફારુખ   શેખે ભજવેલા. ફિલ્મ ટુ ધ પોઈન્ટ અને અસરકારક હતી. મને  ખુબ ગમેલી.

મલ્ટીકલ્ચરાલીઝ્મની સંવિધાનિક માન્યતા ધરાવતો કેનેડા દેશ વિશ્વસ્તરે બિનસાંપ્રદાયિકતાનું એક બેનમુન દ્રષ્ટાંત છે. વિશ્વના ખૂણે ખૂણેથી લોકો અહી આવી વસ્યા છે. તેમની ભાષા, તેમની સંસ્કૃતિ અને રીતિરીવાજો સાથે અહીના વાતાવરણમાં તેઓ દુધમાં સાકરની જેમ ભળી ગયા છે. સંબંધોની પરિભાષા મને અહી આવીને આ વિદેશી લોકો પાસેથી વધુ સમઝાઈ છે. સમયના વ્હેણમાં અમુક સંબંધો અહી એક વટવૃક્ષની જેમ ફૂલે ફાલે છે જેની પારિવારિક મુલાકાતો મનને અઢળક શાંતિ અને અપાર આનંદ બક્ષે છે. ડગનું પરિવાર તેનું એક જીવંત ઉદાહરણ છે. ભૌતિક સુખસમૃદ્ધિથી ભરપુર એવા આ કેનેડા દેશમાં આવી નિખાલસ વ્યક્તિઓ અને આવા પ્રેમાળ પારિવારિક સંબંધો બહુ જુજ જોવા મળતા હોય છે.

વિદેશવાસ ભૌતિક મોહમાયાજાળનું એક ભ્રમિક સુખ છે, જેને પામવા મેં છેક કેનેડા સુધી દોડ લગાવી. મને ખબર નથી આ દોડમાં હું જીત્યો કે હાર્યો ? પણ સમયની આ દોડમાં કાચબાની જેમ ધીરગંભીર પણે ચાલીને ડગ આ રેસ ચોક્કસ જીતી ગયો છે. 



વિશ યુ એ વેરી હેપ્પી એન્ડ હેલ્ધી રીટાયરમેન્ટ માય ફ્રેન્ડ.......મી. ડગ્લાસ લેન્ગલી ! 


મધુરમ જોસેફ મેકવાન
જોમે ચેરીટી ફાઉન્ડેશન
ટોરંટો, કેનેડા.

Sunday, 21 December 2014


Canadian Quandary

Real Reason for the Season


I am a born Catholic,
with Christianity as my faith for last fifty years. Christmas can mean different things for each of us, regardless of how one chooses to celebrate it. I proudly cherish long lasting memories of many Christmas past celebrated with my friends of other faiths with true spirit and joy.

It seems every year there's a fuss by those who think,
advertising and celebrating "Christmas" somehow denigrates non christian religions.

Nativity scenes of baby Jesus in the manger provoke lawsuits and complaints by civil liberties zealots. "Happy Holidays" replaces "Merry Christmas."
Christmas trees are now called Holiday trees.

I am of the opinion that "Christmas"
has become international and multicultural.
With non Christians sometimes best reflecting the spirit of Christmas.

In 1223, St. Francis of Assisi commemorated the scene of the Nativity, according to the infancy Gospel. And the crib thus became one of the traditional and best loved symbols of Christmas.

According to " World Book of Encyclopedia-1976 edition", Christians "borrowed" the Roman Holiday celebrating the winter solstice which they celebrated on Dec,25. Christians wanted a day to mark the birth of Christ. And thus Christmas, despite numerous attacks against it over many centuries, continues to thrive.

My late father, a true christian devotee, celebrated each Christmas leading church choir. He believed, Christmas isn't organized by governments or planned by bureaucrats. But billions of us organize ourselves around it every year to celebrate Christmas without the aid of a single government mandarin.


The crib and the tree - precious symbols, which hand down in time the true meaning of Christmas. This Christmas, let's pray the brawling, irreverent, subversive spirit of Christmas, undermines officialdom and arrogant authority all the year round.

In advancement of faith, family and fraternity, may we all strive to keep Christ in Christmas.

Merry Christmas.

Madhuram Joseph Macwan.
Toronto, Canada.

Friday, 19 December 2014


અંધારા ભેદાઈ ગયા.....ને........!


" પોસ્ટ લાવવાની તો રહી ગઈ, કાલે યાદ રાખી લેતા આવજો " ક્રિસ્મસનું શોપિંગ પતાવી ઘરમાં પગ મુકતાની સાથેજ પત્નીએ યાદ દેવડાવ્યું. કેનેડા સ્થાયી થયા બાદ દર વર્ષે વતનથી નાતાલની શુભેચ્છા પાઠવતા પત્રો અને ગ્રીટીન્ગ્સ કાર્ડની ખુબ ઈંતેજારી રહેતી. પત્રોમાં સ્નેહીજનોએ પ્રેમભાવે પાઠવેલ નાતાલની સલામ અને શુભેચ્છાઓ ક્રિસ્મસની વિદેશી ઉજવણીનો ખાલીપો ભરી દેતી એટલે વળતે દિવસે ઘરે આવતા મારા પોસ્ટબોક્ષમાંથી ટપાલ લેતો આવ્યો.

દર નાતાલે અન્ય પત્રો સાથે બાપુનો કાગળ અચૂક આવે. એકદમ આત્મસાત અને ભાવુક રુદયે લખાયેલો ! વાંચતાની સાથેજ આંખો ભરાય આવતી. ગ્રીટીન્ગ્સ કાર્ડ ક્રિસ્મસટ્રી ડેકોરેશન શોભાવતા અને બાપુનો કાગળ વતનમાં ઉજવાતી નાતાલની અનેરી યાદો દેવડાવતો. તેમાંય આણંદ દેવળના પટાંગણમાં મધરાતે થતો એ ભવ્ય અને સંગીતમય ખ્રિસ્તયજ્ઞ તથા ગરબાના તાલે આથમતી સંધ્યા સુધી ઉજવાતી નાતાલની તો ખાસ ! એટલે આ નાતાલે બાપુના કાગળની યાદો અને વતનમાં ઉજવાતી નાતાલના સંભારણાની સાથે સાથે એક અભૂતપૂર્વ ઈતિહાસ અને તેની અમુલ્ય કડી ગુમાવ્યાનો ઘેરો આઘાત મને અતીતના ઊંડાણમાં ખેંચી ગયો ................

કહે છે સંગીતની સાધના અને પ્રભુની આરાધના બંને મન ને અપાર શાંતિ બક્ષે છે. સંગીતવિશારદ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન ધરાવતા મારા બાપુ સંગીતના ભારે ચાહક. " જીવન અંજલી થાજો મારું " એમનું ખુબજ પ્રિય ગીત અને "મોંઘેરા થઈને મારા મનમાં વસો" એમનું સ્વરચિત ગીત. હાર્મોનિયમ તેઓ ખુબ સરસ વગાડતા. ક્લાસિકલ સંગીતમાં નિપુણતા ધરાવતા મારા બાપુ એક અચ્છા ગાયક પણ હતા. ઘરે તેઓ કવચિત મનમસ્ત થઇ, મધુર અવાજે હાર્મોનિયમ પર કોઈ શાસ્ત્રીય રાગની ધૂન છેડતા. આખા ઘરમાં તેમનો સુર પડઘાઈ ઉઠતો. મને ખુબ ગમતું. મન મુકીને તેમને સંભાળતો અને આવડે નહિ તોય તેમના સૂરમાં સુર પુરવાની હું કોશીસ કરતો. ત્રાંસી નજરે મને જોતા,મરક મરક હસતા ને મઝાકમાં કહેતા,"રહેવા દે ભઈ તારા આ ભેંસાસુર અવાજને વધુ તકલીફ ન આપ." સેન્ટ ઝેવિયર્સ સ્કુલનો દૈનિક પ્રારંભ તેમના કંઠે ગવાયેલ પ્રાર્થનાગીત તથા હાર્મોનિયમવાદન ધ્વારા ન થાય તો કઈ ખૂટતું હોય એવુ લાગે. વર્ગમાં કવિતા ભણાવતા પહેલા તેને ગાઈ સંભળાવતા. બાજુમાંના વર્ગોનું શિક્ષણકાર્ય થંભી જતું અને સ્તબ્ધ થઇ બધા તેમને સાંભળતા.

ધર્મમાં અખંડ શ્રદ્ધા ધરાવતા મારા બાપુએ વર્ષો સુધી આણંદ ચર્ચના ક્વાયર-ગાયકવૃંદની જવાબદારી સંભાળેલી. ૧૯૭૦ ના દાયકાની આ વાત છે. ૨૪ મી ડીસેમ્બરની મધરાતે આણંદ ચર્ચના પટાંગણમાં દર વરસે ક્રિસ્મસનો ભવ્ય ખ્રિસ્તયજ્ઞ-ઉપાસનાવિધિ થાય. આણંદ શહેરની આજુબાજુના ગામડાઓ, વિસ્તારો અને ખૂણે ખૂણેથી તેમાં ભાગ લેવા અસંખ્ય લોકો ઉમંગભેર ઉમટી પડતાં. ક્રિસ્મસની ભવ્ય ઉજવણીરૂપ એવા આ ખ્રિસ્તયજ્ઞ માટે મારા બાપુ એક ખાસ ગાયકવૃંદ બનાવી ક્રિસ્મસના ભક્તિ ગીતોની ખુબ પ્રેક્ટીસ કરાવતા. હું અને મારા લંગોટિયા મિત્રો એ ગાયકવૃંદમાં પસંદગી પામી ગર્વ અનુભવતા. પ્રેક્ટીસ નવેંબર મહિનાથી ચાલુ થઇ જતી અને ગાયકવૃંદના સહુ સભ્યોની હાઝરી એમાં અનિવાર્ય ગણાતી. ખ્રિસ્તયજ્ઞ ચોવીસમી ડીસેમ્બરની રાતે મોટાભાગે સાડા અગિયાર ને બારની વચ્યે શરુ થઇ જતો. ૧૯૭૭ ની સાલની ક્રિસ્મસની આ વાત છે. ગાયકવૃંદમાં ભાગ લઇ રહેલ હું અને મારા મિત્રો ક્રિસ્મસ-ઈવ ઉજવવા ચોવીસમી ડીસેમ્બરની એ રાત્રે નવથી બારના શોમાં પિક્ચર જોવા ગએલા. અમને એમ કે ખ્રિસ્તયજ્ઞ ચાલુ થાય એ પહેલા આવી જઈશું. બહુ વાંધો નહિ આવે. પણ અમારી ધારણા ખોટી પડી. અમે મોડા પડેલા. ખ્રિસ્તયજ્ઞ ચાલુ થઇ ગએલો અને ગાયકવૃંદમાં અમારી ગેરહાઝરીની ગંભીર નોંધ લેવાએલી. મારા બાપુ ખુબજ ક્રોધે ભરાયેલા. અમે દોડતા આવી, લપાતા છુપાતા છાના માંના ધીરે રહીને ગાયકવૃંદમાં પાછળ ગોઠવાઈ ગયેલા. અમને એમ કે કોઈને ખબર નહિ પડે. પણ ગુસ્સાથી પહોળી થઇ ગએલી આંખોની એમની ધારદાર નજર અમે ચૂકાવી ન શક્યા. મોડા પડ્યાની ભૂલ અને દુખની લાગણી અનુભવતા, શરમના માર્યાં શિર ઝુકાવીને અમે ગાયકવૃંદ સાથે ખ્રિસ્તયજ્ઞમાં ભાગ લીધો.

ખ્રિસ્તયજ્ઞ આગળ વધ્યો અને ખ્રિસ્તપ્રસાદ વેળાએ એમનુ એ લોકપ્રિય ગીત એમના મધુર અને ઊંચા અવાજે ચારેકોર ગુંજી ઉઠ્યું......... " અંધારા........ ભેદાઈ ગયા....... ને....... ઝળહળી ઉઠી રાત.........! " ઇસુ જન્મની વધાવણી હરખાતા, ગાતા અને ગીતનો બોલ ઝીલી લેવા તેમણે મધુર વદને અમારી પર એક મીઠી અને ભાવુક નજર નાખી. જાણે કશુજ નથી બન્યું એવી માફ કરતી તેમની અમીદ્રષ્ટિ પામી અમે ખુશીના માર્યાં બમણા અવાજે સૂરમાં સુર પુરાવ્યો........." આજે જન્મ્યો તારણહારો....પ્રાચીમાં થયો તારાનો ઝબકારો રે.....આજે જન્મ્યો .... તારણહારો ......! " મને યાદ છે મોડા પડ્યાનું દુખ અનુભવતા અમે સૌએ તેમનું એ પ્રિય ગીત છેક છેલ્લે સુધી મન મુકીને પૂરી લગનથી ગાયેલું કે કદાચ અમારી લગનથી પીગળી તેઓ અમને માફ કરી દે. ખ્રિસ્તયજ્ઞ પતી ગયેલો. ગાયકવૃંદના સભ્યો મારા બાપુને ક્રિસ્મસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. પસ્તાવાની લાગણી અને દ્વિધા અનુભવતા અમે એક ખૂણામાં ઉભા રહેલા. સૌ કોઈને ક્રિસ્મસની શુભેચ્છા પાઠવતા મારા બાપુ સામે ચાલી અમારી પાસે આવ્યા. મસ્ત મને અમને સૌને ભેટી 'મેરી ક્રિસ્મસ' ની ભાવભીની શુભેચ્છાઓ પાઠવી. અમે હરખાઈ ઉઠ્યા અને સામે તેમને પણ અમે શુભેચ્છાઓ પાઠવી. કશાપણ મનવિગ્રહ વગર હસતા ચહેરે તેમણે એમની વિશિષ્ઠ શૈલીમાં પણ મઝાકમાં અમને વ્યંગ્ય બાણ માર્યું ..... "ક્યાં ગઇતી મારી ગાયિકાઓ.... પિક્ચર જોવા ? " સંગીત અને સાહિત્યના સંગમથી જીવનને સુરમય કરી દેતા એક શ્રેષ્ઠ સંગીત શિક્ષક અને દરિયા જેવું વિશાળ દિલ ધરાવતા મારા બાપુને હું ભાવ વિભોર થઇ જોઈ રહ્યો હતો........!

અતીતની એ વાતને વર્ષો વીતી ગયા. હું કેનેડા સ્થાયી થઇ ગયેલ. ૨૦૦૬ નવેમ્બર, અમારા હરખ વચ્યે મારા બાપુ કેનેડા પધારેલા. ડીસેમ્બર મહિનો બેસી ગયેલો, નાતાલઋતુનું આગમન થઇ ચૂકેલું. ઠંડી ખુબ પડેલી પણ સ્નો નહોતો પડ્યો એટલે વ્હાઈટ ક્રિસ્મસ થવાની શક્યતા લાગતી નહોતી. સ્નોની રાહ જોતા મારા બાપુ અચરજ ભાવે મને પૂછતા કે બેટા તો શું આ વખતે બ્લેક ક્રિસ્મસ છે ? હરખભાવે નાતાલ ઉજવવા મારા ઘરે પધારેલ કેનેડીયન ગુજરાતી કેથોલિક પરિવારોને મારા બાપુએ સ્નેહભાવે સંબોધેલા, " વ્હાલા વતનપ્રેમીઓ.....નાતાલની સલામ સૌને......." ત્યારે હાઝર રહેલ સહુની આંખો વતનની યાદમાં ભાવભીની થઇ ગયેલી થઇ. ઉમળકાભેર એમણે નાતાલનું એમનુ એ પ્રિય ગીત, "અંધારા........ ભેદાઈ ગયા " અમારી સાથે ગાયેલું ને એમની એ નાતાલ ઉમંગભેર કેનેડામાં ઉજવાયેલી. હું ધન્ય થઇ ગયેલો. વતન પરત ફર્યા બાદ બાપુએ કેનેડામાં ઉજવેલ એ નાતાલની યાદો સંભારતો કાગળ લખેલો અને કેનેડામાં અમારી સાથે વધુ સમય ન ગાળી શકાયાનો વસવસો વ્યક્ત કરેલો. 

ત્યારબાદ દર નાતાલે બાપુનો કાગળ અચૂક આવતો. સમય વીતતો ગયો. કેનેડા સ્થાયી થયાને લગભગ એક દશકો થવા આવેલ. ૨૦૦૯, ડીસેમ્બર મહિનો, નાતાલઋતુનું આગમન થઇ ચૂકેલું પણ મને કઈ ખાસ ઉમળકો કે આનંદ નહોતો થતો. કંઇક અલગ પ્રકારની ભીતિ, એક અજીબ ભ્રાંતિ મારા મનને સતાયા કરે. ક્રિસ્મસ ડેકોરેશન ઘરમાં વિધિવત થઇ રહ્યું હતું તેમાં મન પરોવ્યું તોય ઉચાટ શમે નહિ. ધીમું ધીમું પણ કર્ણપ્રિય નાતાલગીત " હરખે ઘેલા ભક્તો આવો " ખૂણામાં મુકેલ સીડી પ્લેયરમાંથી ગુંજી રહ્યું હતું. ક્રિસ્ટમસ ટ્રી સજાઇ ગયું હતું. માત્ર સાન્તાક્લોઝનું મોજું ક્યાં મુકવું એની અવઢવ હતી. ટીનેજર પુત્રને તેમાં કઈ ખાસ રસ નહોતો, સહજભાવે એનો અભિપ્રાય વ્યક્ત કર્યો " લુક ડેડ આઈ એમ ટુ ઓલ્ડ ફોર સેન્ટા નાઉ " દીકરો મોટો થઇ ગયાનો ગર્વ તો થયો પણ સમયના વ્હેણમાં, કેનેડાના અતિવ્યસ્ત જીવનમાં એનું બાળપણ ક્યાં અને ક્યારે વીતી ગયું એનો દુખદ એહસાસ વધારે થયો. નાનો હતો ત્યારે નાતાલના કપડા લેવા ઢાલગરવાળ ગયેલ મારા બાપુની હું કાગડોળે રાહ જોતો. સાંજ પડી ગઈ હોય ને મારા બાપુ આવે નહિ ત્યાં સુધી હું મારા ઘરની ગલીના નાકે બેસી રહેતો. ખભે થેલા ઉચકી આવતા મારા બાપુને હું દુરથી જોતો એ દ્રશ્ય આજે મને સાન્તાક્લોઝ કરતાય વધારે અર્થસાદૃશ્ય ભાસે છે. વર્ષે એક વાર મળતી ને દીકરા સાથે દિલનો હરખ પૂરી કરાવતી એ કડી હવે સાન્તાક્લોઝ વતી સાધી નહિ શકાય એનો વસવસો થઇ આવ્યો, ભાવુક મારી આંખ જળજળાં થઈ ગઈ. પરિસ્થિતિનો તાગ પામી ગયેલ પત્નીએ વાત વાળી લીધી, " પોસ્ટ લાવવાની રહી ગઈ છે ......બાપુએ કાગળ લખ્યો હશે." મારી વિચારધારા તૂટી ગઈ. બીજે દિવસે ક્રિસ્મસનું શોપિંગ પતાવી વળતા પોસ્ટ લેતો આવ્યો.

એ વર્ષે નાતાલ આવી પણ બાપુનો કાગળ ન આવ્યો. સ્પોન્ડીલીટીસની ભયંકર વેદનાએ તેમને કલમવિહોણા કરી દીધેલા. ઢીંચણ અને ગરદનના મણકાની બબ્બે સર્જરીને લીધે મારા બાપુ પથારીવશ થઇ ગયેલા. અને એક દિવસે સમાચાર આવ્યા બાપુ બહુ બીમાર છે આઈસીયુ માં દાખલ કર્યા છે. પથારીવશ બાપુએ મારી ખુબ રાહ જોયેલ પણ હું સમયસર પહોંચી ન શક્યો. પહોંચ્યો ત્યારે આણંદના એ દેવળમાં જ્યાં તેમણે જીવનના સત્યાવીસ વર્ષો નાતાલના ગીતો ગાયેલા એજ દેવળમાં તેમનો નિષ્પ્રાણ દેહ પોઢી ગયેલો અને ખ્રિસ્તયજ્ઞના સંગીતવૃંદમાં તેમના જીવનનું અંતિમ ગીત ગવાઈ રહ્યું હતું, " જીવન અંજલી થાજો મારું ". જીવનની છેલ્લી નાતાલ હતી તેમની. 

મારા બાપુની એક વાત આજેય મને ખુબ સતાવે છે. તેઓ કહેતા કે બેટા, "એક્સપેક્ટેશન્સ આર બેટર ધેન ફૂલફીલમેન્ટ". અકાળે આવેલ મારા બાપુના આવા મૃત્યુની અને તેમના વિનાની નાતાલની મેં કલ્પના સુદ્ધા નહોતી કરી પણ આ વિધિના લેખ છે.

બાપુ વિહોણી નાતાલ દર વર્ષની જેમ આ વર્ષે પણ આવી છે. ચારેકોર તેની વધામણી થઇ રહી છે. હરખે ઘેલા ભક્તો નાતાલના ગીતો ગાઈ રહ્યા છે. ક્રિસ્મસ શોપિંગ અને ક્રિસ્મસ ડેકોરેશન ઘરમાં વિધિસર થઇ ગયું છે. સાન્તાક્લોઝનું મોજું મુકાય ગયું છે. ક્રિસ્ટમસટ્રી બરાબર બાપુના ફોટા પાસે સજાવાયું છે. મારી સામે રહેતા કેનેડીયન ગોરાએ તેના ઘર પર ઝગારા મારતી રોશની કરી છે. આ વખતે ડીસેમ્બર મહિનો વ્હાઈટ ક્રિસ્મસ લઈને આવ્યો છે. સ્નો મન મુકીને પડી રહ્યો છે. દિવસો ટૂંકાઈ ગયા છે એટલે રાત વહેલી પડે છે. સ્નોમાં પરાવર્તિત થતા ચંદ્રકિરણોથી અંધારા ભેદાઈ ગયા છે ને તારામઢેલ રાત ઝળહળી ઉઠી છે. ખૂણામાં મુકેલ સીડી પ્લેયરમાંથી બાપુનું પ્રિય ગીત, " અંધારા ભેદાઈ ગયા ને ઝળહળી ઉઠી રાત " ગુંજી રહ્યું છે પણ તારાઓના ટોળાઓ માંહે મને એક જુદીજ વાત સંભળાય છે....................

" બેટા મધુ, 
પોતાને સાચું સમજાઈ રહ્યું છે એવું માનવા છતાં પણ, માણસ સત્યને અનુસરે નહીં એ સૌથી મોટી કમનસીબી, એ સ્વીકારે નહિ એ જાત સાથેની છેતરપિંડી અને એ પ્રમાણે જીવે નહીં એ કાયરતા છે. આવી આત્મવંચના વચ્ચે જીવવું એના કરતા માંહ્યલો કહે એમ મરીમીટવું એ જ જિંદગી જીવ્યાનો હરખ છે. ઇસુજન્મ નિમિત્તે ઈસાઈ હોવાનો જો તું ગર્વ અનુભવતો હોય તો ઇસુપણું ઉજવજે.......નાતાલ નહિ." ....લીખીતન બાપુ,  ઇસુજયંતી,  ૨૦૦૮.

જીવનનો છેલ્લો નાતાલપત્ર હતો તેમનો સત્યનો મર્મ સમઝાવતો અને શુભેચ્છાઓ પણ, નાતાલનો મર્મ સમઝાવતી ! આ વખતે નાતાલની ઢગલો પોસ્ટ આવી છે ખાલી બાપુનો કાગળ જ નથી આવ્યો એમાં.

મધુરમ મેકવાન.
૨૦, ડિસેમ્બર, શુક્રવારની મધ્યરાત્રી, 
સમય બાર વાગીને બે મિનીટ,ઇસ્વીસન ૨૦૧૩.
બ્રામ્પટન, કેનેડા.

Thursday, 4 December 2014


મૃત્યુંજયી..........મારા બાપુ. 


મૃત્યુ અટળ છે, અનિવાર્ય છે. જીવનયાત્રાનો અંતિમ ઉંબરો મૃત્યુ છે, જે ઓળંગીને માનવી અનંતયાત્રાએ ચાલ્યો જાય છે. શાળામાં ભણતો ત્યારે એક પ્રાર્થનાગીત ગાવામાં આવતું. ‘મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા.’ મહામૃત્યુનો અર્થ મને ત્યારે નહોતો સમઝાયો. સમઝાયો ત્યારે મૃત્યુની નિર્મમતાના આકરા આઘાતો મારા રુદયપટે અંકિત થઇ ચુકેલા. મૃત્યુનું પણ મૃત્યુ એટલે મહામૃત્યુ એ તથ્યની પ્રતીતિ મને મારા બાપુના મૃત્યુ વખતે થઇ. અમૃતત્વને પામવાનો રસ્તો મહામૃત્યુ છે એ સત્યની અનુભૂતિ મને મારા બાપુના જીવનના અંતિમ સમયે થઈ. મૃત્યુની એ ઘટનાએ મને જીવનની એક મહામૂલી પ્રેરણા આપી છે. સામાન્યત: મૃત્યુ એ સ્વજન ગુમાવ્યાની પીડા, દુઃખ અને શોકનો વિષય છે. નાછૂટકે સ્વીકારવું પડે તેવું જીવનનું કડવું સત્ય છે. પણ મૃત્યુ જીવનના મહાપ્રાણ જગાડી શકે છે એની અલૌકિક અનુભૂતિ મને, જીવનના અંતિમ શ્વાસને મૃત્યુદેવના હાથોમાં અર્પિત કરતા મારા બાપુને જોયા ત્યારે થઇ. મૃત્યુની એ ક્ષણે મને જીવન-મૃત્યુની પરિભાષાનો સાચો અર્થ સમઝાયો. મૃત્યુની સાથે જીવનની સમાપ્તિ થતી નથી પણ મૃત્યુ થકી અનંત જીવનની શૃંખલાનું સર્જન થાય છે.

ગુડફ્રાઇડે ! ભગવાન ઇસુના મૃત્યુદીનના બરાબર પાંચ દિવસ પહેલા મૃત્યુ તરફની મારા બાપુની યાત્રાની શરૂઆત થઇ ગએલી. જિંદગીના એ અંતિમ દિવસોમાં તેઓ અવાર નવાર અર્ધચેતન અવસ્થામાં સરી જતા. દિવસે દિવસે તેમની તબિયત વધુને વધુ કથળતી ગયેલી. ૨૦૧૦, માર્ચ ૨૧, રવિવારના રોજ તેઓ અસ્વસ્થ જણાતા હતા. તેમના શયનકક્ષમાં આરામ કરતા હતા અને બેભાન અવસ્થામાં સરી ગયેલા. બીજા દિવસે, સોમવારના રોજ તેમને ખુબ અશક્તિ આવી ગયેલી. સાંજે ચાર વાગ્યે ચા પીવા ઉભા થયા ને પડી ગએલા. બેભાન થઈ જવાનો સિલસિલો ચાલુ જ રહેલો. માર્ચ ૨૩, મંગળવાર, " સવારથી જ ઉભા નથી થયા " મારી માંએ ચિંતા વ્યક્ત કરેલી. માર્ચ ૨૪, બુધવાર : સવારે દસ વાગ્યે આણંદની એક હોસ્પિટલમા લઇ જવામાં આવ્યા. ચેક અપ કરાવી સાડા બારે ઘરે પાછા લાવ્યા. પરંતુ તબિયત વધુ બગડતા સાંજે એજ હોસ્પિટલમાં ફરી દાખલ કર્યા. ડૉકટરના કહેવા મુજબ પરિસ્થિતિ ગંભીર થઇ ગયેલ હતી. શરીરમાં ઓક્સીજનનું પ્રમાણ નહીવત થઇ ગયું હતું. આઈ. સી.યુ. માં આખી રાત ઓક્સીજન પર રાખવામાં આવ્યા. માર્ચ ૨૫ ગુરુવાર : શારીરિક ક્રિયાઓ યથાવત નહોતી. યાદદસ્ત કમજોર થઇ ગએલી. સ્પષ્ટ બોલી શકતા પણ નહોતા. કીડની પ્રક્રિયા મંદ પડી ગયેલી. કીડની ટેસ્ટ કરાવ્યા. રાતના સાડા દસ સુધીમાં તેમનું બીપી નહિવત્ત થઇ ગયેલું. ગુરુવારે રાત્રે કીડની-રિપોર્ટ આવે એ પહેલા તેમની કીડની પ્રક્રિયા લગભગ નહિવત્ત થઇ ગએલી.

કેનેડા, ગુરુવાર, ૨૫ માર્ચ ૨૦૧૦ : મને યાદ છે ગુરુવારનો એ ગોઝારો દિવસ. ગુરુવારની સવાર, નાઈટ શિફ્ટ કરીને હું આવેલ. સવારે મારા પુત્રને સ્કુલમાં મૂકી આવી હું ઉપર મારા બેડરૂમમાં સુવા માટે ગયો. પણ ઊંઘ ન આવે. મન બેચેન બની ગયેલું. સતત કૈક અમંગળ થયાની ભાંતિ સતાયા કરે. સુતા પહેલાની પ્રાર્થના કરી પણ તોય મન ન માને. બપોરના બાર ના ટકોરે હું કોઈ બિહામણા સ્વપ્નમાંથી સફાળા જાગી ગયો. ઇન્ડિયામાં એ વખતે ગુરુવારની રાતના બરાબર સાડાઅગિયાર થયેલા, એજ સમયે મારા બાપુ હોસ્પિટલમાં સાવ નિશ્ચેત થઇ ગયેલા. એમની કીડની કામ કરતી લગભગ બંધ થઇ ગએલી. તાત્કાલિક એમને ઓક્સીજન પર લઇ લેવામાં આવેલા ને તેમનો વેજીટેટીવ દેહ એક લાઈફ લાઇન પર અવલંબિત થઇ ગયેલો. આ બધાથી અજાણ હું માંડ થોડું ઊંઘીને નીચે આવ્યો. હું કશું કહું એ પહેલા મારી પત્નીએ ખુબજ ગંભીર મને ચિંતા વ્યક્ત કરી, "બેડરૂમમાંથી તમારા કણસવાનો ખુબ અવાજ આવતો હતો. શું થયું , કોઈ ખરાબ સપનું આવેલ કે શું ?" મેં મારા મનની વ્યથા વ્યક્ત કરી. તેણે કહ્યું, "ગઈકાલે રાત્રે બાપુ મને સપનામાં આવેલા, કૈક કહેવા માંગતા હતા, પણ કહી ન શક્યા." હું દ્વિધામાં હતો, મારું મન ચકરાવે ચઢ્યું હતું, ફોન પર મિસ કોલ, મેસેજ ચેક કર્યા. ઈમૈલ ચેક કર્યા. કોઈ એવા સમાચાર પણ નહોતા. દૈનિક ક્રિયાઓ પરવારી સાંજની પ્રાર્થનામાં તેમના સ્વાસ્થ્ય માટે અમે વિશેષ પ્રાર્થના કરી. એવામાજ મારી દીકરીનો ફોન આવ્યો, "ડેડી ઇન્ડિયા ફોન કરો, બાપુને સારું નથી." મેં તાત્કાલિક ઇન્ડિયા ફોન કર્યો. સેલફોન પર થતી વાતચીત દરમ્યાન મને કૈક અમંગળ થયાનો અંદેશો આવી ગયેલો. તે વખતે ઇન્ડિયામાં શુક્રવારની વહેલી પરોઢ થઇ હતી, અને તેમને એમ્બ્યુલન્સમાં નડિયાદ મુળજીભાઈ પટેલ કીડની હોસ્પિટલમા ડાયાલીસીસ માટે લઇ જવાતા હતા. 

કેનેડા,માર્ચ ૨૬, શુક્રવાર : તાત્કાલિક વિઝા અને એર ટીકીટની વ્યવસ્થા કરી હું ટોરોન્ટોથી શુક્રવારની રાતની ફ્લાઈટ લઇ ઇન્ડિયા આવવા નીકળી ગયો. હવાઈ યાત્રા અર્ધ્ જીવે ભારે હૈયે માંડ માંડ વિતાવી, માર્ચ ૨૮, રવિવાર સવારના ત્રણ વાગ્યે અમદાવાદ એર પોર્ટ પર ઉતર્યો. મને રીસીવ કરવા મારા વચેટ જીજાજી આવેલ. એમની કારમાં અમે સીધા નડિયાદ હોસ્પિટલ પહોંચ્યા. હોસ્પીટલનું વિશાળ પટાંગણ વટાવી અમારી કાર પ્રવેશ ધ્વાર આગળ ઉભી રહી. વ્યથિત હૈયે રાહ જોતા સ્વજનોને મળી અમે ડાયાલીસીસ વિભાગ તરફ આગળ વધ્યા. પગથીયા ચઢી અમે તેમના કમરા નજીક પહોંચ્યા. સારવાર કરતી નર્સે દરવાજો ખોલી અમને અંદર જવા કહ્યું. કમરાની અંદર એક પગ મૂકતા જ હું ધબકારા ચુકી ગયો. કમરાની અંદરનું દ્રશ્ય જોતાજ મારી આંખેથી એક યુગ વહી ગયો..........

નમાયા ' જસ્યા ' માંથી સ્વમાનભેર આપબળે,
' જોસેફ મેકવાન ' સુધીની સફર ખેડનારો....
બાળ મજુરમાંથી એક વિશ્વવિખ્યાત
સાહિત્યકારની પ્રતિષ્ઠા પામનારો....
કલમ ધ્વારા
એક સાહિત્યિક-સામાજિક ક્રાંતિ સર્જનારો....
આજીવન વહાલના વલખા મારતો....
સાડા ચુમ્મોતેર વર્ષના આયખાની વિશ્રામ સારતો....
જિંદગી જીવ્યાના હરખની એધાણી વિસ્મયતો.... 
મારી સામે, મારી આંખો સમક્ષ, મારી રાહ જોઇને થાકેલો.......વેન્ટીલેટર પર રાખેલો તેમનો અર્ધપ્રાણ દેહ.......મને મોડા પડ્યાનો સણ સણતો તમાચો મારી.......મારા હૈયાને ચીરતી તમામ લાગણીઓથી પર થઈને ચત્તોપાટ સુતો હતો.

ખુબજ નાની ઉંમરે માની છત્રછાયા ગુમાવી જીવનપર્યંત માંના પ્રેમ માટે તરસતા મારા બાપુને, માતૃપ્રેમની પડેલી ખોટ પૂરવા, આજીવન સ્ત્રીઓના સન્માન અને અધિકારો માટે ઝઝુમતા જોયા છે મેં....
બાળપણમાં પડેલા અભાવો અને ખોટને લઈને દુભાયેલા મારા બાપુને, 
શૈશવકાળની અમારી જરૂરિયાતો હરખભેર પૂરી કરી ધન્ય થઇ જતા જોયા છે મેં....
એકવીસ વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી જવાબદારીના બોજ હેઠળ કણસતા મારા બાપુને, યૌવનવસ્થામાં અમને ઉચ્ચશિક્ષણ, અધિકારો અને સ્વતંત્રતા બક્ષી, મુક્ત મને અમને વિહરતા જોઈ, બોજમુક્ત થતા જોયા છે મેં....
ઘડપણમાં એકલતા અનુભવતા, અંતરિયાળ અને અંતર્યામી બની ગએલા મારા બાપુને, સંયોગવિયોગ આર્તધ્યાનની અનુકંપાને સહજતાથી સ્વીકારી, ફરિયાદનો લેશમાત્ર નહિ પણ સંવેદનાનો સુર સહજતા જોયા છે મેં....
પચાસ પુસ્તકોમાં પાંચસો જણના ચરિત્ર ચીતરનારા ને,
લોહીના સંબંધોમાં વહાલના વલખા મારતા મારા બાપુને,
વ્યથાનો પ્રસાદ પામી આભારિત થતા જોયા છે મેં....
માનવીય સંબંધોની કરુણ વાસ્તવિકતાઓથી વ્યથિત અને વ્યગ્ર થયેલા મારા બાપુને, જીવનના પ્રેમવિનિમયનો આ કડવા સત્યનો પ્યાલો હસ્તે મોંએ ગટગટાવી, સાંત્વના પામતા જોયા છે મેં.......
પણ આજે વેજીટેટીવ અવસ્થામાં જીવન મરણ વચ્યે ઝઝુમતા મારા બાપુને, 
દોષિત દિલે, અકલ્પ્ય ભાવે, અસહ્ય વેદના સહ , અસહાય બની,
મારા દુર્ભાગ્યને કોષતો હું જીવનમાં પ્રથમ વાર જોઈ રહ્યો હતો....
ડાયાલીસીસ સફળ ન થઇ અને માર્ચ, ૨૮, રવિવારની બપોરે ત્રણ વાગ્યે,
તેઓ જીવનની અનંત યાત્રાએ ચાલ્યા ગયા....

પચાસ વર્ષના મારા આયખાને મારા બાપુએ ત્રણ ત્રણ સ્વરૂપે સાક્ષાત કંડાર્યું છે. ભણતો હતો ત્યારે મારા એક શ્રેષ્ઠ શિક્ષક તરીકે, યુવાની ના ઉંબરે પગ મુક્યો ત્યારે મારા એક સાચા મિત્ર તરીકે. અને જીવનમાં સંસ્કારોનું સિંચન કરનાર એક આદર્શ પિતા તરીકે, પ્રેમથી મારા બાપુને હું ' જોસેફ ' કહી બોલાવતો તો ભાવુક થઇ મને પૂછતાં કે જોસેફ નામનો અર્થ ખબર છે બેટા, કહે છે કે ગુજરાતીમાં તેમના નામનું અર્થાંતર સાચો ગોવાળ, સાચો સારથી થાય. જીવનની હરેક વિષમ પરિસ્થિતિઓમાં મારા બાપુ હંમેશા મારા માર્ગદર્શક, મારા સહાયક બન્યા છે. એક સાચા સારથીની જેમ જીવ્યા ત્યાં સુધી કુટુંબ રથનું સુકાન સંભાળ્યુ છે તેમણે. ઉની આંચ નથી આવવા દીધી તેમણે કોઈને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. એજ મારો મિત્ર, મારા શિક્ષક.....જોસેફ......મારા બાપુ.....આજીવન તેમના તર્પણથી ઘડાયેલા મારા અસ્તિત્વને, મારી હયાતીને હચમચાવી જીવનભર માટે મને અલવિદા કરી ગયા....

તેમની અચાનક અને અણધારી વિદાય મારા માટે ખુબ જ વેદનાગ્રસ્ત અને વસમી બની ગયેલી. દિગ્મૂઢ અને શૂન્યમનસ્ક બની હું કેનેડા પરત ફર્યો. જીવનમાં મારા બાપુની અચાનક ગેરહાઝરીથી સર્જાયેલા શૂન્ય અવકાશે મને દિશાવિહીન કરી દીધેલો. રવિવારની રજાના દિવસે કલાકો સુધી મારા ઘરના બેકયાર્ડમાં બેસી રહેતો, આકાશમાં નિરંતર જોયા કરતો, અનંત અવકાશમાં તેમનો ચહેરો નિહાળતો અને વાતો કરતો. મિઝરેબલ કરી દેતી એમની અનુપસ્તીથીને ભૂલવા કવચિત મદિરાપાનમાં સહારો શોધતા મારા વ્યર્થ પ્રયાસોને મારી દીકરીએ ખુબજ સ્પષ્ટ, સખત અને આદેશાત્મક શબ્દોમાં વખોડી કાઢેલા. " લિસન ડેડ, ધીસ ઇઝન્ટ ધ રાઇટ વે ટુ હિલ યોરસેલ્ફ. ધીસ વુડન્ટ ગીવ પીસ એટ ઓલ ટુ ધ સૌલ ઓફ બાપુ. ઇફ યુ રીઅલી વોના પે હોમેજ એન્ડ ટ્રીબ્યુટ ટુ બાપુ, બી પોઝીટીવ એન્ડ ડુ સમથીંગ કન્સટ્રકટીવ." મારા દુઃખથી દુખી થએલી મારી દીકરીના શબ્દો મારી પર ધારી અસર કરી ગયા. તેમની પ્રથમ પુણ્યતિથિએ કેનેડામાં વસતા, તેમના મિત્રો, વાંચકો, શુભેચ્છકો અને ગુજરાતી કેથોલિક કોમ્યુનીટીના સહયોગથી, જિંદગી જીવ્યાના હરખના તેમના અધૂરા અરમાનો અને અધૂરા કાર્યોને આગળ ધપાવવાના પ્રયાસો, તેમના નામ જોસેફ મેકવાન પરથી " જોમે ચેરીટી ફાઉન્ડેશન" નામની એક સેવાભાવી સંસ્થાની આકારણી ધ્વારા ફળીભૂત થયા.

" સિન્દુરિ સંધ્યા અને ગૃહાગમન કરતો સંસાર જીવનને રળીયાત બનાવે છે. એમાંથી પ્રગટતો ઉમંગ અને જુસ્સો જીવનને આસ્થાવાન બનાવે છે. સજ્જતા અને સાબદાઈથી જીવનલક્ષને પામવાનો માર્ગ, ખુદ મંઝીલને ચરણ ચુમતી કરી દે છે. પ્રેમ પ્રસિદ્ધિ એ કીર્તિની કામના છે ને જીવવાની લાલસા એ કવચિત મૃત્યુની કલ્પના છે. આસ્થાનો પુરસ્કાર કરી, હર હાલતમાં સહિષણું રહી, માનવતાને માથે ચડાવવી એ જ જીવનનો સાચો ધર્મ છે. મરણ અને મરણોન્મુખ દશા જીવનના અસ્સલ અને વિકૃત સ્વરૂપ છે. અંત સમયે જગતની કોઈ ચીજ કામ નથી આવતી. એમાંનું કશું જ સાથ નથી આપતું. કામ લાગતી હોય તો એક જ વાત અને તે છે સ્વયંની સમજ, આત્મબોધ, સુખ-દુઃખથી પર એવી સંબુદ્ધ સ્થિતિ - સમાધિ. જ્ઞાન અને ઘ્યાન દ્વારા મળતી શાશ્વત શાંતિ તથા પ્રેમ અને સેવા દ્વારા મળતી અકંપ સ્થિતિ જ માનવજીવનની અંતિમ મંજિલ છે. સત્ય સિવાય કોઈને પણ વફાદાર રહીને જીવવું એ બેવકૂફી છે. સત્ય સાથે ચાલવું એ સામા પૂરે ચાલવા જેવું છે આમ છતાં સત્યની સાથે રહીને જીવવા મળે તો જીવવું અથવા મરવું પડે તો મરવું એ પણ મહાસુખ અને સદ્‌ભાગ્ય છે."

જિંદગી જીવ્યાનો આ સાર હું મારા બાપુ પાસેથી પામ્યો છું. જિંદગીને એમણે મનમુકીને ચાહી છે અને અઢળક ભાવે આરાધી છે. તેઓ મૃત્યુ નથી પામ્યા પણ અકાળે આવેલ મૃત્યુ પર વિજય પામી તેઓ મૃત્યુંજયી થઇ ગયા છે.

મધુરમ મેકવાન.
૨૭ માર્ચ,૨૦૧૪.
કેનેડા.

Saturday, 15 November 2014


ગુરુગોવિંદ....દોનો....મારા બાપુ. 


ભૌતિક સંસ્કૃિતઓ આનુવંશિક નથી હોતી પરંતુ મૂલ્ય સંસ્કૃિત આનુવંશિક હોય છે. જેનો સાક્ષાત્કાર મેં મારા બાપુની જીવનપ્રણાલિકામાં કરેલો . જીવનમાં મેં તેમને કદી નવરા પડેલા નથી જોયા. જયારે પણ જોઉં ત્યારે કાયમ કંઈક ને કંઈક કાર્યમાં વ્યસ્ત. વાંચનનો તેમને હદબહારનો શોખ. હું વાંચતો લખતો થયો ત્યારથી મેં અમારા ઘરે નવનીત-સમર્પણથી માંડી રીડર ડાયજેસ્ટ જેવા વિવિધ મેગેઝીનો આવતા જોયેલા. વાંચવાનો શોખ મને મારા બાપુ પાસેથી વારસામાં મળેલો. લખવાનો પણ તેમને ખુબ શોખ. યુવાનીમાં તેમણે લખેલ તેમની સૌ પ્રથમ વાર્તા ત્યારે 'ચાંદની' સામયિકમાં પ્રગટ થયેલ. પણ પછીથી કોઈ કારણોસર લખવાનું તેમણે છોડી દીધેલું જે છેક ૧૯૮૧ માં ફરીથી ચાલુ કરેલું. પુનઃલેખન ચાલુ કર્યા બાદ તેઓ વધારે વ્યસ્ત રહેતા. પણ રાત્રે સહકુટુંબ સાથે જમવાનો અમારો નિત્યક્રમ અચૂક નિભાવતા. જમ્યાબાદ તેઓ અમારી સાથે ખુબજ રસપ્રદ વાતો અને માહિતીસભર ચર્ચા મોડી રાત સુધી કરતા. ખાવાપીવાના શોખીન મારા બાપુ ફીઝીકલ ફિટનેસનો પણ ખુબ ખ્યાલ રાખતા. કસરત માટે ચાલવાનું તેમને ખુબ ગમે. ગમે તેટલા વ્યસ્ત હોઈ પણ ચાલવા માટે હમેંશા સમય ફાળવતા. શરીર સૌષ્ઠવ જાળવવા તેઓ લોંગ વોકને ખુબ પ્રાધાન્ય આપતા. નિવૃત્તિ બાદ પણ તેમણે આ સિલસિલો ચાલુ રાખેલો. ત્યારે હું અમુલ ડેરીના ક્વાર્ટર્સમાં રહેતો. વિકેન્ડમાં કાયમ હું તેમને મળવા આવતો અને અમે સાંજે લોંગ વોક માટે નીકળી પડતા. ચાલતા નીકળી અમે અમારા ઘરથી છેક ચિખોદરા ગામની આંખની હોસ્પિટલ સુધી જઈને પરત ફરતા. અઢી-ત્રણ કલાકના આ લોંગ વોકમાં,મારા બાપુ મારી સાથે સામાજિક નીડરતા, નિષ્પક્ષતા તેમજ જીવનના નૈતિક મુલ્યો અંગે તેમના સ્વાનુભવોની ખુબજ માર્મિક ચર્ચા કરતા અને આ આદર્શ મૂલ્યોનું મારામાં સિંચન કરતા. તેમની વધુ નજદીક આવવાનો અને ઓળખવાનો સૌથી ઉત્તમ સમય હતો આ મારા માટે. એક સજ્જન, સંનિષ્ઠ અને ઉમદા વ્યક્તિત્વના તેમના જીવનપાઠ મારા પાંગરતા વ્યક્તિત્વ પર ખુબ ઊંડી અસર કરી ગયેલા.

એક આદર્શ શિક્ષકની જેમ મારા બાપુ શિક્ષણના તેમના વ્યવસાયને આજીવન તન,મનથી સમર્પિત રહેલા, શિક્ષણ તેમનું પેશન હતું. સર્વસ્વ હતું. તેઓ દ્રઢપણે માનતા કે,' એક આદર્શ શિક્ષક એ એક એવી વ્યક્તિ છે જે વિદ્યાર્થીઓના મન અને હૃદયને કેળવે છે. પોતાના શિક્ષણ ધ્વારા એ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનો વિકાસ કરે છે, હતાશા કે આઘાતથી ચારિત્ર્ય રુંધાય નહિ તેની તકેદારી રાખે છે. શિક્ષકનું વલણ વિદ્યાર્થીમાં મનનું સામર્થ્ય પ્રગટાવે છે, ઈન્દ્રીયોનો વિકાસ કરે છે જે વિદ્યાર્થીને ભવિષ્યમાં ઉપયોગી થાય. વિદ્યાર્થી એ કુટુંબ, સમાજ અને દેશ માટે ખુબ અગત્યની વ્યક્તિ છે.' આવા ઉચ્ચ વિચારો ધરાવતા મારા બાપુએ શિક્ષણની કલાને તેમની આગવી અદાથી ખુબ નીખારેલી. સ્કુલમાં આજ્ઞાકિંતતા અને નીતિનિયમનના ભારે આગ્રહી એવા મારા બાપુ શિસ્તપાલન માટે કડક વલણ ધરાવતા. એટલે સ્કુલમાં એક કડક શિક્ષક તરીકે તેમનો ભારે પ્રભાવ અને રૂઆબ. પણ એક આગવી અને વિશિષ્ઠ શિક્ષણશૈલીને લીધે વિદ્યાર્થીઓ તેમના દીવાના. વર્ગમાં વિદ્યાર્થીઓને રમુજી રીતે "ચલ ઉભી થા, ક્યાં ગઇતી તુ" જેવા હળવા વ્યંગબાણથી તેમનું સંબોધન કરતા, જેનું વિદ્યાર્થીઓ ક્યારેય ખોટું નહિ લગાડતા. ખુબજ રસપ્રદ અને વિષયલક્ષી દ્રષ્ટાન્તો સાથે ઓતપ્રોત થઇ ભણાવતા. વિદ્યાર્થીઓ ભણવામાં એટલા બધા તલ્લીન થઇ જતા કે ક્લાસ ક્યારે પૂરો થતો તેનો કોઈનેય ખ્યાલ ન રહેતો. 

આજીવન શિક્ષણ ને સમર્પિત કરી એક આદર્શ અને પ્રતિષ્ઠિત શિક્ષક તરીકે ઓક્ટોબર,૧૯૯૩માં રીટાયર થયેલા. ૧૯૯૪,ફેબ્રુઆરીમાં સ્કુલમાં તેમનો વિદાય સમારંભ યોજાયેલો. સૌથી પ્રિય શિક્ષકને વિદાય અર્પતા ૧૫૦૦ વિદ્યાર્થીઓની ભીની થઇ ગયેલી આંખોનો હું સાક્ષી હતો. નિવૃત્તિ વેળાએ મેં તેમને એક કાંડા ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલી. ૨૦૦૧, ફેબ્રુઆરીમાં વિદેશ વસવાટ અર્થે મારે કેનેડા જવાનું થયું ત્યાં સુધી એ ઘડિયાળ તેમણે સાચવી રાખેલી. મારી વિદાય વેળાએ ભારે હૈયે મને કહેલું, "સમય સમય નું કામ કરે છે બેટા,પ્રારબ્ધ આપણાં અંજળપાણી જ્યાં લખાયેલા હોય ત્યાં આપણને લઇ જાય છે. ભાવી વિકાસ અંગે તારું વિદેશ જવું અનિવાર્ય બન્યું છે. હું કેવી રીતે કહું તું ના જઈશ." અને મને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડેલા. સ્કુલવિદાય અને મારી વિદેશવિદાય તેમને ખુબ વસમી લાગેલી. કન્યાવિદાયવેળાએ દિલને મૂંઝવતી હર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવતા પિતા જેટલાજ દુખી થયેલા મારા બાપુને, મારી વિદેશવિદાયવેળાએ, એટલાજ દુખી અને વિહવળ થયેલા, મેં નજરોનજર નિહાળેલા, દિલથી અનુભવેલા. એક પ્રેમાળ અને નિર્મળ પિતૃપ્રેમનો અમૃતવારસો મારા દિલમાં સમાવી આંખમાં આંસુ સહ, ભારે હૈયે હું વિદેશ જવા રવાના થયેલ.

૨૦૦૬, નવેમ્બરમાં તેમને કેનેડા બોલાવવાનું મારું સપનું ફળેલું. રાતે એક વાગ્યે તેમનું પ્લેન આવે, મારી નાઈટ શિફ્ટની ડ્યુટી. જોબ પરથી રજા મળેલ નહિ. ટોરંટોનું એરપોર્ટ મારા ઘર તેમજ જોબથી નજદીક એટલે એક કલાકની છૂટીની વ્યવસ્થા કરી હું મારતી ગાડીએ તેમને રીસીવ કરવા ઐરપોર્ટ પહોંચ્યો. કેનેડાની ધરતી પર તેમનું આગમન કરવા હું બાવરો થઇ ગએલો, એરપોર્ટ પર મને જોતાજ પરમ આનંદની એક અનોખી લાગણી સહ તેમણે ભાવ વિભોર થઇ મને એક ભવ્ય આલિંગન આપ્યું. ચરણસ્પર્શ કરતા ઝૂકેલા મારા માથા પર વ્હાલનો હાથ ફેરવતા મને કપાળ પર એક ભાવુક ચુંબન કરી બોલ્યા, " ભૈલા .....બેટા મધુ ... તને જોવા આંખો તરસાઇ ગઈ ! " ફોરેન જવું મારું સપનું હતું અને એ સાકાર થએલું, પણ......" વ્હેન ધ ડ્રીમ કમ્સ ટ્રૂ, ઇટ્સ હાર્ડ ટુ ક્ન્કલુડ, વ્હિચ પાર્ટ ઓફ રિયાલીટી વોઝ ડ્રીમ્ટ એન્ડ વ્હિચ પાર્ટ ઓફ ડ્રીમ ઈઝ રિયાલીટી " અને વાસ્તવિકતા એ હતી કે વિદેશની ધરતી પર, એ રાત્રે બે વાગ્યે, ટોરન્ટોના એ વિશાળ અને વૈભવી ઐરપોર્ટ પર મારા બાપુને પામીને હું સપનામાં ખોવાય ગયો હતો. આનંદના અતિરેકમાં ડ્રાયવીંગ કરતા એક ટ્રાફિક સાઈન હું ચુકી ગયો અને ભૂલથી ખોટા રસ્તે- હાયવે પર આવી ગયો. રસ્તો લંબાઈ ગયો અને ધાર્યા કરતા અમે મોડા ઘરે પહોંચ્યા પણ સમય તેમની રસપ્રદ વાતોમાં ક્યાં ગયો ખબરેય ન પડી. કેનેડામાં તેમની પધરામણીના સમાચાર વાયુ વેગે પ્રસરી ગએલા. બીજા દિવસે તો મારા ઘરે એમને આવકારવા સતત ફોનની ઘંટી રણકે અને મહેમાનો ઉમટી પડેલા. હું વર્ષોથી કેનેડા રહું પણ આટલા મહેમાનો મેં ક્યારેય મારા ઘરે નથી જોયા. હું ધન્ય થઇ ગએલો. સામાજિક-સાહિત્યિક કાર્યક્રમોથી ભરચક તેમનો કેનેડાવાસ ખુબજ વ્યસ્ત રહેલો. 

મને યાદ છે રવિવાર તા. ૭ મી જાન્યુઆરી, ૨૦૦૭, ગ્રેટર ટોરંટો એરિયાના મિસીસાગા શહેરના એક વિશાળ નગરહોલમાં તેમનું વ્યક્તવ્ય યોજાએલુ. ટોરંટોની એક પ્રસિદ્ધ સીનીઅર સીટીઝન સંસ્થાએ તેમને આમંત્રેલા. હોલ આખો આમન્ત્રીતોથી ખીચોખીચ ભરાય ગએલો. " નિવૃત્તિ અને વૃદ્ધાવસ્થા" અંગેનું તેમનું પ્રભાવિત અને રુદયદ્રાવક વ્યક્તવ્ય સાંભળીને હાઝર રહેલ સહુની આંખો ભીની થઇ ગએલી. તાળીયોના ગડગડાટથી તેમનું અભિવાદન થએલું. વ્યક્તવ્ય બાદ એક સેલેબ્રીટી એવા મારા બાપુને મળવા લોકો ચારે તરફથી ઘેરી વળેલા. કાર્યક્રમ બાદ અમે ખુબ મોડા ઘરે પરત ફરેલા. યોગાનુયોગે એ દિવસે મારો જન્મદિન. ઉજવણી નિમિત્તે હું ફ્રાંસનો પ્રખ્યાત વાઈન ફ્રેંચ ક્રોસ લાવેલો અને અમે સાથે બેસીને માણેલો. જમ્યાબાદ તેઓ થાકેલ હોઈ સુવા માટે ઉપર તેમના બેડરૂમમાં ગયા. ઇન્ડિયામાં જયારે પણ હું મારા બાપુને થાકેલ જોઉં તો તેમના પગ દબાવી આપતો. આજે આ શુભદિને મને આ મોકો મળ્યો. બેડરૂમમાં તેમને બ્લેન્કેટ ઓઢાડી મેં તેમના પગ દબાવી આપ્યા. વાતો કરતા કરતા તે ક્યારે નિંદ્રાધીન થઇ ગયા મને ખબરેય ન પડી. એક સંતૃપ્ત અને અજીબ અહોભાવે હું તેમને સુતેલા નિહાળી રહ્યો હતો. જીવનનો સૌથી શ્રેષ્ઠ જન્મદિવસ હતો આ મારા માટે. સ્વદેશ પરત ફર્યા બાદ તેમણે મને પત્ર લખેલો :

વ્હાલા બેટા મધુ,
બાપુના વ્હાલ નીતરતા આશીર્વાદ. જીવન એક કલા છે બેટા. એમાં આશા-નિરાશા, ઉત્સાહ,ઉમંગ, સાહસ-પરાક્રમ, હતાશા,વિફળતા, વિજય-પરાજય અને જીવન તથા મૃત્યુના વિવિધ અંકો ભજવાતા હોય છે. દરેકને પોતાને હિસ્સે આવતો પાર્ટ અદા કરવાનો રહે છે. કોઈ પણ કૃત્ય થકી આપણે ઉજમાળા ઠરીએ એજ જિંદગીની સફળતા છે. માટેજ કહેવાયું છે કે કેટલું જીવ્યા એના કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. તારા થકી આજે હું પરદેશની એ સુખ સમૃદ્ધિ માણી શક્યો છું એ મારા માટે ઓછા સંતોષની વાત નથી બેટા. તારા ભાવી વિકાસ માટે પરદેશવાસ અનિવાર્ય બન્યો એને હું નિયતિનું નિમિત્ત માનું છું. બાકી વિદેશવાસમાં જેવો દેશ તેવો વેશ. ત્યાનું વાતાવરણ અને અર્થકારણ એ સાથે ત્યાની સામાજિકતા વ્યક્તિ માત્ર માં બદલાવ (ચેન્જ ) -પરિવર્તન લાવે છે. એવો ફેરફાર હું તારામાં પણ જોઈ શક્યો છું પણ હું એને સ્વાભાવિક સમજુ છું. છતાંપણ સન્માર્ગે ચાલીને, સદાચાર પાળીને,સદવૃત્તિ સેવીને નિર્મળ પ્રેમ અર્પવો, એથી વધીને અદકું કોઈ નૈવેધ નથી-કોઈ અર્પણ નથી, જે હું તારામાં જોઈ શક્યો છું. સંત પોલ ના 'પ્રેમ વિનાની ખાલી ઝાંઝ ' વાળા શબ્દોમાં પ્રેમનું અપાર મહાત્મ્ય સમજાવાયુ છે. તું એવા સર્વોત્કૃષ્ટ પ્રેમનો પાત્ર બને અને નિરામય દીર્ઘાયુષ્ય ભોગવે એવી પ્રભુપીતાને અભ્યર્થના ......લિખીતન બાપુ............. જીવનમાં પ્રેમાળ અને આદર્શ પિતા તરીકે મળેલા મારા બાપુ મારા માટે તો મારા ભગવાન જ હતા. ઈશ્વર અને પિતા બંને મારી સમક્ષ હોય અને મારે જો એકની પસંદગી કરવાની હાય તો, હું બેધડક મારા બાપુની જ આંગળી પકડું !

નીવૃત્તિ બાદ તેઓ લેખન કાર્યમાં ખુબ સમય વિતાવતા. ફોન પર મારી સાથે લાંબી વાતો કરતા પણ એકલતા ખુબ અનુભવતા એવું એમની વાતો પરથી મને કળાતું. હું તેમને નિયમિત ફોન નહોતો કરી શકતો તેની ફરિયાદ કરતા પણ ફળસ્વરૂપે મને નિયમિત પત્રો લખતા, કહેતા, 'સંબંધો બહુ અટપટી ચીજ છે. સંબંધો વગરનો સમાજ શકય નથી. સંબંધો વગર સંસ્કૃતિ શકય નથી. આપણા સંબંધો આપણા વર્તન દ્વારા વ્યકત થાય છે.આ વર્તનમાં જ આપણાં સંસ્કારો અને સંસ્કૃતિ છતાં થાય છે.'

વિદેશવાસ, પુત્રવિયોગની પીતૃ-વ્યથાનું કારણભૂત બન્યો એ હું સમઝી શકતો હતો પણ મારી બદલાયેલી માનસિકતાનું નિમિત્ત બન્યો તેનો ગુઢાર્થ મને આજે તાર્કિક રીતે સમઝાય રહ્યો છે. પશ્ચિમનો પ્રત્યક્ષ અને નિકટનો સંબંધ અને ભારતનો પરોક્ષ અને પાછળ છૂટી ગયેલો સંબંધ આ બે વચ્ચેની સ્થળાંતરિત પ્રક્રિયા અને સાંસ્કૃિતક પરિવર્તનની પ્રક્રિયા આપણા બદલાયેલા માહોલનો પરિચય કરાવે છે. સમાજશાસ્ત્રના અભ્યાસી ડેવિડ રીસમનના મતે, પ્રચલિત સમાજની જીવન પદ્ધતિઓથી પ્રભાવિત સાંસ્કૃિતક અસરોને લીધે થતું માનવવર્તન કદીક આનંદ નીપજાવે છે. તો કદીક ચિંતાતુર પણ બનાવે છે. જેનો દુખદ એહસાસ હું મારા બાપુના હસ્તલિખિત પત્રોમાં અનુભવતો અને મારી જાતને દોષિત માનતો. પણ પરિવર્તનની આ પ્રક્રિયા પણ નિયતિનું એક નિમિત્ત છે એમ માની મન મનાવતો.

પશ્ચિમની સંસ્કૃિતના બદલાયેલાં જીવનમૂલ્યો આપણી વાણી, વિચાર અને સ્વભાવમાં પ્રતિબિંબિત થાય છે. માનવવિકાસ અને વ્યક્તિત્વને સમજવા માટે સામાજિક અને સાંસ્કૃિતક અસરોનો અભ્યાસ કરવો જરૂરી છે તેવું મનોવિજ્ઞાનીઓ માને છે. સમાજશાસ્ત્રી એરિક ફ્રોમના મતે મનુષ્યનું અસ્તિત્વ અને સ્વરૂપ જ તેને એકલતાનું તીવ્ર ભાન કરાવે છે. જાત સાથે, આસપાસના સમાજ અને વિશ્વ સાથે અર્થપૂર્ણ રીતે અનુંસંધિત થવાની અનિવાર્યતા આ તીવ્ર એકાકીપણાના ભાનમાંથી વિકસે છે. આવા સમયે મનુષ્યની આસપાસનો સમાજ અને સંસ્કૃિત એની જરૂરિયાતોને કાં તો સંતોષે છે કાં તો છિન્નભિન્ન કરી દે છે.

દોઢ દાયકાના મારા વિદેશવસવાટમાં મેં આ જીવનપ્રક્રિયા સાંગોપાંગ અનુભવી છે, સહી છે.પણ બદલાયેલી માનસિકતા પાછળ કાર્યરત સમાજમાં પ્રાપ્ત વ્યક્તિસ્વાતંત્ર્યની સગવડ અને સંસ્કૃિતમાં સ્વીકારેલ વ્યક્તિગત મૂલ્યોની મહત્તાની સાથે મૂળ સમાજની સામાજિક વ્યવસ્થા કારણભૂત છે એવું હું દ્રઢપણે માનું છું. 


નિવૃત્ત જીવનના તેમના દૈનિક કાર્યક્રમને વળગી રહેતા મારા બાપુ સવારે વ્હેલ્લા ઉઠી જતા, મોર્નિંગ વોક કરતા અને ખાવા-પીવામાં ખુબ ચરી પાળતા. છતાં પણ આર્થરાઈટીસની બીમારી તેમને ઘર કરી ગયેલી. ઘુટણના દર્દ ની ફરિયાદ તેઓ ઘણા સમયથી કરતા. પણ ઉપચાર માટે સર્જરી ટાળવાના તમામ પ્રયાસ કરતા. છેવટે ૨૦૦૯ માર્ચમાં નાછુટકે સર્જરી કરાવી અને સર્જરી સફળ રહી. યાદ છે મને ફોન પર કાયમ કહેતા, "બેટા ખુબ સારું લાગે છે, દર્દ કાયમ માટે જતું રહ્યું, લાગે છે જો વહેલી તકે કરાવ્યું હોત તો આ દુખ ના ભોગવવું પડત." ને મારી સાથે લોંગવોકના શમણા જોતા મારા બાપુ સ્પોન્ડીલીટીસની ભયંકર ને જીવલેણ બીમારીમાં સપડાય ગયા.......................ક્રમશઃ.......................